- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ટપાલ – ભગીરથ બ્રહ્મભટ્ટ

ત્યારે તો મારા ગામમાં બે ચાર દિવસે ટપાલી આવતો. ખાખી ડગલો પહેરેલો એ ટપાલી જેવો મહોલ્લામાં પ્રવેશે કે તરત મોટેથી બૂમ મારે…. ‘ડાહ્યાજી ગોવાજી’ – અને અમે સૌ ત્યારે એ ટપાલ લેવા દોડીએ. ટપાલ જેની હોય તેને પહોંચાડીએ. એ ટપાલ કોની છે ? ક્યાંથી આવી ? એ સમસ્યા ઉકેલવા ભણેલાને ત્યાં જવાનું. હું પહેલામાં…. શું વાંચું ? અમારા ગામના સીતારામ માસ્તર ટપાલો ઉકેલી આપે. ટપાલમાં જે કંઈ સગાંવહાલાંના સમાચાર હોય, સારામાઠા પ્રસંગની વાત હોય, એ અંગત વાત પછી તો બિનંગત બની જાય. આખા ગામને એ ટપાલમાં રસ પડે, એ ઘટનામાં રસ પડે. સારા સમાચારનો ‘હખમોંનો’ અને માઠા સમાચારની ‘દિલસોજી’ પાઠવવા સૌ દોડી આવે. કશુંય ખાનગી નહીં, ટપાલ એટલે પોસ્ટકાર્ડ માત્ર. ત્યારે એની કિંમત પાંચ પૈસા ! એ ટપાલમાં સારા સમાચારોય હોય, માઠા સમાચારેય હોય…પણ ટપાલીના ચહેરા ઉપર એનો ભાવ વાંચવાની કોઈને નવરાશ ન હોય !

મામાનો કાગળ પાલનપુરથી આવે. એ કાગળને બા બચીઓ ભરે અને હું મારા દફતરમાં ગુજરાતીની ચોપડીમાં મેલી રાખું. ઘણા વખત સુધી સાચવી રાખું. જાણે મામાને મળ્યા હોઈએ એટલો રાજીપો અંદર-બહાર છલકાતો હોય ! મામાના અક્ષરે અક્ષર ઉકેલી એમાં મામા, મામી અને તેમનાં સંતાનોનાં બિંબ જોતાં હોઈએ એ રીતે જોઈએ. મામાએ એમાં જે જગાએ મારું નામ લખ્યું હોય, એ નામને કૈં કેટલાય વહાલથી વાંચીએ. વારંવાર વાંચીએ, એના વહેણ-વળાંકોમાં જ ખોવાઈ જઈએ. કેટલો બધો નામ લખાયાનો મહિમા ! કેટલો નામનો પ્રભાવ ! કોઈના લગ્ન પ્રસંગે અથવા દિવાળીના દિવસોમાં કંકોતરીઓ આવે…. બંનેને ‘કંકોતરી’ જ કહીએ. એ કાર્ડમાં મા અંબા, ગણેશ વગેરે દેવી-દેવતાની છબી હોય, બા-બાપુ એ ફોટાને સાચા ભગવાન માની એમની પૂજાની સામગ્રીમાં સમાવી લેતા, અને ક્યારેક કયારેક બારસાખે ભેળવી દેતાં. મને બરાબર યાદ છે, બે-ત્રણ વરસ સુધી એ બારસાખમાં એ છબીઓ સચવાતી…. કાળી પડી જાય તો પણ એ હટાવાય નહીં. બા-બાપુ તો એમની પૂજા વખતે એ અંબામાને ચાંલ્લો કરે, ચોખા ચઢાવે, એમને તો જાણે સાક્ષાત અંબામા આંગણે આવ્યા ! વખત જતાં એ કંકોતરી આખી કંકુના કારણે કંકુવરણી થઈ ગઈ હોય, માતાજીની ઓળખ ઉપર કંકુ થઈ ગયું હોય ! તો ય એનું સ્થાન પૂજામાં જ હોય.

એકધારા ચાલ્યા જતા જીવનપ્રવાહમાં ટપાલનું કામ ઊંજણ પૂરું પાડવાનું. ટપાલ રોજ ન આવે, ક્યારેક જ આવે પણ ગતિ બદલી નાખે. જીવનની ગતિ એ સ્પર્શે. પલટે. ક્યારેક એ ટપાલ ચિંતા થઈને આવે તો આર્થિક માળખાને ખોરવી નાખે. એક ટંકનું ધાન પણ રઝળાવે…. કોક ટપાલ એથી ઊંધું પણ કરે…. પેંડા મંગાવે…. ગોળ વહેંચાવડાવે… માંદગી ટાણે કોઈની ખબરઅંતર પૂછતો કાગળ મળે તો કેટલી હૂંફ પ્રાપ્ત થતી ? ત્યારે ટપાલમાં કેવળ ઔપચારિકતા જ નહોતી. અંદરનો અવાજ, અંદરનો ભાવ પણ કાગળમાં કંડારાઈને જતો….. મારી જ વાત કરું. ફાઈનલની પરીક્ષા આપીને આવ્યા પછી પરિણામ ટપાલમાં આવવાનું હતું. રોજ રાહ જોઉં….. એવી તો ઉત્કંઠા કે ન પૂછો વાત ! જ્યારે પાસ થયાની ટપાલ આવી ત્યારે થયેલું કે આપણા સર્વ અજ્ઞાનોનાં આવરણોને ચીરીને કંઈક નૂતન તત્વ આપણામાં આવી જ રીતે પ્રવેશ પામે છે. સગાઈ થયા પછી પ્રિયાના પત્રોની ઝંખના પણ એવી રહેતી કે…. ધૂમકેતુની પેલી ‘પોસ્ટ ઑફિસ’ વાર્તાની અનુભૂતિ સાવ સાચી લાગતી. અલી ડોસાનો તલસાટ લેખકે ટપાલને માધ્યમ બનાવી એવો તો વર્ણવ્યો છે કે જાણે ટપાલ જ હૃદયના ભાવોનો પર્યાય !! મારા ગામમાં ટપાલની પ્રતીક્ષામાં ઝૂરતી વૃદ્ધાઓને જોઉં છું ત્યારે મને ઈન્દુલાલ ગાંધીનો પેલો પત્ર ‘આંધળી માનો કાગળ’ યાદ આવે છે. હું એ પ્રત્યેક વૃદ્ધામાં ઈન્દુલાલની આંધળી મા જોઉં છું. ‘આંધળી માનો કાગળ’ કાવ્ય જ નથી, સંદેશો જ નથી પણ માની મમતાનાં અમીઝરણાં છે, એ અમીઝરણાં ટપાલ થઈને વહ્યા કરે છે. એને કારણે જ સંબંધોના સંવાદો સ્થપાય છે. એ સંબંધોની સ્થાપના જ આપના સૌના હૃદયનો-ચિત્તનો વિસ્તાર છે.

ટપાલીનો ટાઈમ મુકરર થયેલો હોય, એ જ ગ્રામીણ સમાજ નું ઘડિયાળ ! ટપાલીના આવ્યા પછી મજૂરો કામે ચઢે, એ જાય પછી બા ભાત માથે મેલી ખેતરે જવા નીકળે. ટપાલી કૃષ્ણ છે અને આપણે સૌ અર્જુન ! આપણી મન:સ્થિતિ ને પરિવર્તિત કરવાની ગુંજાઈશ એ ટપાલ ધરાવે છે. ટપાલનું કામ આમ તો સંયોજવાનું છે, માહિતીની આપ-લે કરવાનું છે. આનંદ-ઉત્સાહ, શોક અને ચિંતાના ભાવતરંગો એના વહેણમાં લોકગીતની પંક્તિ થઈને વહ્યા કરે છે. એ ભાવતરંગોમાંથી સમગ્ર પ્રજા પોતપોતાની તૃષા ઠારે છે. કેટલાં વરસોથી ? અરે, કેટકેટલા જન્મોથી ? છતાંય આપણી વાત હજુ ઉચિત જગ્યાએ પહોંચી શકી નથી કે આપણે એ વાતને ઉચિત રીતે પહોંચાડી શક્યા નથી, એટલે જ તો ટપાલો લખવાનું, ફીંદવાનું અને વહેંચવાનું કામ હજુ ચાલુ ને ચાલુ જ છે. એ કામ ક્યારે અટકશે ? આપણે સૌ એક અર્થમાં ટપાલીઓ છીએ. પ્રત્યેક આત્માને પોતાનો સંદેશો હોય છે, એ પરમાત્માને પહોંચાડવો છે. પરમાત્માની પણ અભીપ્સા છે – પ્રત્યેક આત્માનો ઉદ્ધાર કરવાની. ટપાલો લખાય છે, વંચાય છે – પણ એનો અર્થ પહોંચતો નથી. પૂર્ણપણે એ ટપાલ પામી લેવાશે ત્યારે જ જીવનની સાર્થકતા પણ સમજાશે.

ભજન ને તમે શું કહો છો ? આત્માની પરમાત્માને લખેલી ટપાલ. કવિતા શું છે ? કવિની ટપાલ. સાહિત્ય શું છે ? સર્જકની ટપાલ. સંશોધન શું છે ? સંશોધકની ટપાલ. એ ટપાલની યાદી લંબાવી શકાય અને મયૂરના ટહુકાને વર્ષાની ટપાલ ગણાવી શકાય. માનવીમાત્રને સુખના જે જે અનુભવો થયા છે એ બધા વધામણીના પત્રો છે ને જે દુ:ખના અનુભવો થયા છે તે શોકસંદેશા છે. ઉભય પ્રકારની ટપાલનું મહત્વ છે. વનસ્પતિના પ્રત્યેક છોડ ઉપર ફૂલને ઊઘડતું જોઉં છું ત્યારે મને એ ફૂલમાં છોડવા દ્વારા પ્રગટતી ધરતીની પ્રસન્નતાની ટપાલ વંચાય છે. એમ ફાગણ-ચૈત્રના દિવસોને હું પ્રકૃતિના યૌવનની ટપાલ કહું છું, પાનખરમાં પ્રાકૃતિક વિરહ વંચાય છે. વરસતા વરસાદને હું પ્રેમની ટપાલ સમજું છું. મૃગજળને હું નિષ્ફળતાનો સંદેશ કહું છું. કાલિદાસનું ‘મેઘદૂત’ કાવ્ય એ પ્રકૃતિને સંબોધીને લખેલી ટપાલ કવિતા છે. ઝાકળ એ પ્રકૃતિની પ્રસન્નતા નો સ્ટેમ્પ છે. રેવન્યૂ સ્ટેમ્પ. ઝાકળને હું રેવન્યૂ સ્ટેમ્પ એટલા માટે કહું છું કે એની સાઈઝમાં કોઈ ફેરફાર થયો નથી, અને એ પવન-પ્રકૃતિના છૂપા પ્રકૃતિદત્ત રાત્રિ મિલનમાંથી સ્ફૂરેલી પ્રસન્નતા થઈને સ્ટેમ્પની જેમ ઊઘડે છે. સૂરજના આગમને એ પ્રસન્નતા છોડ ઉપર જ પોતાનું અસ્તિત્વ ઑગાળી નાખે છે. આપણે એને પતંગિયાની જેમ ‘ઝાકળ ઊડી ગયું’ એવા શબ્દો દ્વારા ઓળખાણ આપીએ છીએ. ફૂલનો સંદેશો લઈને ફરતાં પતંગિયાં ટપાલી જ છે. આમ ટપાલ સર્વત્ર છે.

ગરમીના દિવસોમાં આપણે ત્રાસ થતો હોય છે. તડકો ભડકો થઈને આપણને દઝાડે છે, ત્યારે પશુ-પંખીઓ ઝાડ ઉપર અને પ્રાણીઓ પોતાની બખોલમાં સંતાઈ જતા હોય છે. જળનો જીવમાત્રને શોષ પડતો હોય છે. એ દિવસો મને રવિવારના લાગ્યા છે. રવિવારે ટપાલ ક્યાં વહેંચાય છે ? એ ટપાલનો અભાવ અકળામણ થઈને તો આપણને સતાવતો નહીં હોય ? એ અકળામણના દિવસોને સાહિત્યકારો વિપ્રલંભ શૃંગાર તરીકે ઓળખાવતા હોય છે. ચોમાસું એટલે સંયોગ શૃંગાર, મિલનના દિવસો. પ્રેમપત્રોની ધારા. આભ-ધરાનો સંદેશ. જલ-સ્થળનો સંદેશ. એ પ્રેમપત્રો ભીંજવે છે સર્વેના ઉરને-અંગને-ઉપાંગને… એ પ્રેમના અક્ષરોનાં ઓધાન રહે છે. ભીંજાયેલાંના ગર્ભમાં. એનાથી સૃષ્ટિ ફળવતી બને છે. એ પ્રેમ વિશે સર્જકો લખે છે. એ સામગ્રીમાંથી જ મહાકાવ્યો જન્મે છે, એ વિશ્વભરના સાહિત્યનો એ વિષય બને છે. એ પ્રેમ જ ઊઘડે છે. પ્રેમ જ અમૃત છે. પ્રેમ જ સંદેશ છે.

મૃત્યુ પણ આ લોકના જીવને અન્ય લોકમાં જવા માટેનું કહેણ છે. સંદેશ છે. ટપાલ છે. આમ તો પ્રત્યેક ક્ષણ ટપાલ છે. આપણે એ ટપાલમાં લપાયેલી લિપિને બરાબર ઉકેલીએ તો જ એનો મર્મ પામી શકીએ.