- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સ્મશાનમાં સ્વયંવર – ચિત્રસેન શાહ

[રીડગુજરાતીને આ હાસ્ય લેખોનું પુસ્તક ‘સ્મશાનમાં સ્વયંવર’ ભેટ મોકલવા માટે શ્રી ચિત્રસેનભાઈ શાહનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. ]

એક ન્યૂઝપેપરમાં સમાચાર વાંચ્યા કે દીકરીના લગ્ન માટે હવે બૅન્કોમાંથી લોનની સગવડ મળશે ! દહેજપ્રથાના દૂષણે અનેક મહિલાઓનો ભોગ લીધો છે અને મહિલા અધિકાર સંગઠનો દેશભરમાં ઝુંબેશ પણ ચલાવતાં રહે છે. દહેજ-વિરોધી કાયદા પણ છે તેમ છતાં દહેજનું દૂષણ નાબૂદ થતું નથી. સામાજિક ક્ષેત્રે આવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ધંધાકીય સ્પર્ધામાં ટકી રહેવા અને બીજું કોઈ ક્ષેત્ર હવે બાકી નહીં રહેતાં બૅન્કોએ હવે વર્ષે દિવસે દશ હજાર કરોડના વિવાહ ક્ષેત્રમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે ! વિવાહ ક્ષેત્રમાં બૅન્ક – એવી જાહેરાત સાથે ! ન્યૂઝપેપરની ભાષામાં નક્કી કહીએ તો નામ નહીં આપવાની શરતે એક બૅન્ક અધિકારીએ જણાવ્યું કે એક અબજની વસ્તીવાળા દેશમાં વિવાહ-લગ્નક્ષેત્ર દર વર્ષે લગભગ દશ ટકાના દરે વધતું જાય છે ! આવા વિસ્તરતા જતા ક્ષેત્રને પોતાની જાળમાં લેવા બૅન્કવાળાઓ હવે મેદાને પડ્યા છે ! સમજ નથી પડતી કે છેલ્લાં થોડાં વર્ષોથી બૅન્કોમાં અને લોકો પાસે એમ બધે જ આવી અધધધ થઈ જવાય તેવી પૈસાની રેલમછેલ થઈ ગઈ છે કઈ રીતે ?!

થોડા વર્ષો પહેલાં બૅન્કમાંથી લોન લેવી એટલે ઓસામા-બિન લાદેનને પકડી પાડવા જેવી વાત હતી ! પરંતુ હવે તો લોન એકદમ આસાનીથી ઊભા ઊભા મળી જાય છે અને તે પણ ઘેર બેઠાં !

એક વાર એક બૅન્કમાંથી લોન ઑફિસરે એક વ્યક્તિને ફોન કરી લોનની જરૂરિયાત હોય તો જણાવવા કહ્યું. તેના જવાબમાં પેલી વ્યક્તિએ નમ્રતાથી જવાબ આપ્યો કે – ‘સાહેબ, આજે અમારી દીકરીનાં લગ્ન છે અને તે પ્રસંગે અમે સ્મશાનમાં જવાની તૈયારી કરી રહ્યા છીએ એટલે લોનની જરૂરિયાત હશે તો હું થોડા દિવસ પછી જણાવીશ.’ એમ કહીને પેલી વ્યક્તિએ ફોન મૂકી દીધો. લગ્નની વાત સાંભળી પ્રથમ તો પેલા લોન ઑફિસર ઊછળી પડ્યા ! પરંતુ પછી ગૂંચવાયા. કારણકે તેમને સમજાયું નહીં કે લગ્ન પ્રસંગે તે લોકો સ્મશાનમાં જવાની તૈયારી કેમ કરી રહ્યા હતા ?! તેથી તેમણે ફરીથી પેલી વ્યક્તિને ફોન જોડ્યો.

સામેથી જવાબ મળ્યો કે – ‘સાહેબ, વાત એમ છે કે અમે એન.આર.આઈ છીએ અને એકાદ અઠવાડિયા પહેલાં જ અમેરિકાથી ઈન્ડિયા આવ્યા છીએ. લગ્નની પુરબહાર સિઝનમાં અમને કોઈ હૉલ, લગ્નવાડી કે પાર્ટીપ્લોટ મળ્યાં નહીં તેથી લગ્નવિધિ અમારે થ્રી-સ્ટાર ટાઈપના અદ્યતન સ્મશાનગૃહમાં ગોઠવવી પડી છે ! વળી દીકરીના લગ્ન યુનિક રીતે થાય તેમ અમે ઈચ્છીએ છીએ તેથી અમારી દીકરી સીતના પાણિગ્રહણ માટે તૈયાર એવા અસંખ્ય મુરતિયાઓમાંથી પ્રાથમિક રીતે કેટલાકની અમે પસંદગી કરી રાખી છે. હવે ફાઈનલ રાઉન્ડમાં સીતા જ એના રામની પસંદગી કરશે, સ્વયંવર દ્વારા ! આમ સીતા સ્વયંવર રચાશે સ્મશાનમાં ! આમ કહી કન્યાના પિતાએ ફોન મૂકી દીધો અને લગ્નનો કાફલો પહોંચ્યો સ્મશાન દ્વારે !

લગ્નમંડપના કૉન્ટ્રેકટરૅ લગ્નને અનુરૂપ એક અતિસુંદર અને કલાત્મક લાઈફ સાઈઝનું શિલ્પ સ્મશાનના પ્રવેશદ્વારે મૂકેલું હતું જેમાં એક કન્યા હાથમાં હાર લઈને ઊભેલા મુરતિયાઓમાંથી પોતાના ભવિષ્યના રામને શોધી રહી હોય તેવું દશ્ય હતું ! મુરતિયાનાં શિલ્પો પણ સ્મશાનને અનુરૂપ જ હતાં ! જાણે હસતાં હાડપિંજર ! અને તમે માર્ક કરજો હાડપિંજર હંમેશાં હસતાં જ દેખાશે ! તેના બત્રીસે બત્રીસ દાંત સાથે ! લગ્નના ઘરવાળાં સ્મશાને પહોંચ્યાં તેના અર્ધા કલાકમાં તો બૅન્કવાળાઓ પણ મારતી જીપે ત્યાં પહોંચી ગયા – લોન આપવા ! બૅન્ક ઑફિસરે કન્યાના પિતાશ્રીને એક બાજુ બોલાવીને કહ્યું – ‘મહાશય, દહેજ બાબત આપ લગીરે ચિંતા કરશો નહીં, હમ હૈ ના ! (જાણે ટીવીની જાહેરાત !) અમે તે માટે લોન આપવા આવી પહોંચ્યા છીએ ! ‘લ્યો કરો આ બધાં ફોર્મ્સમાં સહી – જ્યાં જ્યાં ચોકડી કરેલ છે ત્યાં અને લઈ લો ચેક !’ એમ કહી બૅન્કના લોન ઑફિસરે ‘કોન બનેગા કરોડપતિ’ ના અમિતાભની સ્ટાઈલમાં જ ચેક દેખાડ્યો !

કન્યાના એન.આર.આઈ પિતાશ્રી બોલ્યા – ‘સાહેબ, અમે દહેજ આપવામાં માનતા જ નથી ! દહેજ તો મુરતિયો અમને આપશે ! કારણ કે આમેય તે અમેરિકા મફતામાં થોડું જવાય છે ! માટે લોન આપવી જ હોય તો મુરતિયાને આપો !’

આમ કન્યા મુરતિયાના ગળામાં હાર પહેરાવે તે પહેલાં કન્યાના પિતાશ્રીએ ‘લોનનો બૉલ’ મુરતિયાની કોટમાં પધરાવી દીધો !