ઊંડા અંધારેથી…. – ગિરીશ ગણાત્રા

સાંજે અરવિંદ ઘેર આવ્યો ત્યારે ટી.વી સામેના સોફા પર રમીલા લંબાવીને પડી હતી. મોડી સાંજનું અંધારું ઘરના ખૂણે ખૂણે ભરાઈને લપાયું હતું. અધખુલ્લા બારણામાં પ્રવેશ કરતાં અરવિંદે પૂછ્યું –
‘આમ અંધારામાં કેમ પડી છે ? હજુ સુધી લાઈટ કરી નથી ?’ કહી એ સ્વિચબોર્ડ તરફ વળ્યો ત્યાં જ રમીલા બોલી ઊઠી :
‘એક મિનિટ. તમે ઠાકોરજીને દીવો કરી લો ને, પછી દીવાબત્તી કરજો. મને જરા ચક્કર જેવું આવી ગયું છે એટલે આડી પડી છું.’
‘ગોળી લીધી ?’
‘ના.’
‘એ તો લઈ લેવી હતી…’
‘લઈ લઈશ. પહેલાં તમે દીવો તો કરો.’
‘વોટ નોનસેન્સ.’ કહી અરવિંદ રસોડા તરફ વળ્યો. ત્યાં એક ખૂણે રમીલાએ નાનકડું મંદિર બનાવેલું. દીવામાં ઘી પૂરતાં પૂરતાં એણે બબડાટ શરૂ કરી દીધો, ‘આ અંધારામાં મારે ઘી, દિવેટ શોધવાં પણ કઈ રીતે ? પહેલાં દીવો કર્યા પછી જ લાઈટની સ્વિચ પર આંગળી મૂકવાની આ તે તારી કેવી અંધશ્રદ્ધા ? કેટકેટલાયે મહિનાઓથી તુ ડાયાબિટિસ અને બ્લ્ડપ્રેશરથી પીડાય છે પણ તારું આ દુ:ખ ઈશ્વરે મટાડ્યું ? વ્રત, બાધા આખડી, ઉપવાસ, એકટાણાં કરી કરી તેં તારી જાતને સૂકવી નાખી પણ તારો ભગવાન તારી સામે ક્યાં જુએ છે ?’ અરવિંદે દીવો પ્રગટાવી ઘરની બત્તીઓ કરી પછી બેડરૂમમાં જઈ ટેબલેટ્સ લઈ આવ્યો. પત્નીની સામે ટીકડીઓ અને પાણીનો ગ્લાસ ધરતાં કહ્યું : ‘તારો ભગવાન સાંભળવાનો નથી. હવે એને મનાવવા-પટાવવાનું છોડ.’

ગોળીઓ ગળતાં પત્ની હસીને બોલી, ‘ઈશ્વરે એવો ક્યાં ધખારો લીધો છે કે સૌનાં દુ:ખ-દર્દ ઓછાં કરવાં ? અને કરશે તો વારા પ્રમાણે મારો યે વારો આવશે.’
‘એના ધામમાં પહોંચ્યા પછી.’ કહી એ પાણીનો ગ્લાસ મૂકવા રસોડામાં ગયો અને ડ્રોઈંગરૂમમાં આવીને પૂછ્યું :
‘શ્યામ ક્યાં ગયો છે ?’
‘હમણાં જ હોમ-વર્ક પતાવી નીચે બિલ્ડિંગમાં ભાઈબંધો જોડે રમવા ગયો હશે. તમે બેસો. હું તમારે માટે ચા બનાવી લાવું.’

અરવિંદે પોતાની ઑફિસ-બેગ ટેબલ પર મૂકી બૂટ-મોજાં કાઢવા લાગ્યો. એણે પત્નીને કહ્યું, ‘રસોડામાં જાય ત્યારે આ વીસ હજાર રૂપિયા કબાટમાં મૂકી દેજે.’
‘આપણા છે કે પછી કોઈને આપવાના છે ?’
‘આપણા છે. સવારથી સાંજ સુધી કાળી મહેનત કરું છું ત્યારે એ બધું હાથમાં આવે છે.’
ગોળીઓ લીધા પછી રમીલાને સારું લાગ્યું એટલે એ ઊઠી. પતિ પાસેથી પૈસાનું કવર લઈ એ રસોડામાં ગઈ. અરવિંદને ખબર હતી કે કમાણીના પૈસા ભગવાનની છબી સામે ધરીને પછી જ રમીલા કબાટમાં મૂકશે અને થયું પણ એમ જ.
અરવિંદ રમીલાની પીઠ પાછળ હસ્યો.

અરવિંદ એન્જિનિયર હતો, સારું કમાતો હતો અને વિદેશના શિક્ષણને કારણે એની ગણના બુદ્ધિશાળીમાં થતી. વાચનનો તે જબરો શોખીન. એના સ્ટડીરૂમમાં ભાતભાતનાં વિદેશી મેગેઝિનો, અંગ્રેજી પુસ્તકો અને સામાયિકો ખડકાયેલાં જ રહેતાં. વધુ વાંચનને કારણે એણે ઘણું ઘણું વિચાર્યું હતું. ગ્રેજ્યુએટ થયેલી પત્ની મંદિરમાં જાય ત્યાં સુધી તેને વાંધો નહોતો. વિદેશમાં દર રવિવારે દેવળમાં જતાં એના ક્રિશ્ચિયન મિત્રોથી એ ટેવાયેલો હતો, પરંતુ ઈશ્વરની આરાધનામાં છાશવારે વ્રત રાખતી, ઉપવાસ કરતી અને જુદાં જુદાં મંદિરોમાં છત્ર ચડાવતી, ચૂંદડી ઓઢાડતી કે ઠાકોરજીના વાધા બનાવવા વિત્ત અને સમયનો બગાડ કરતી પત્નીથી એ નારાજ હતો. એ પોતે ઈશ્વરમાં જરા પણ નહોતો માનતો. ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહીં એવી એની વિચારસરણી હતી. વિજ્ઞાનને સહારે એ દલીલો કરતો રહેતો કે આખું જગત એક શ્રેણીબદ્ધ વિજ્ઞાનના નિયમો પ્રમાણે ચાલતું રહેતું હોય તો એનો જશ ઈશ્વર નામની એક અજાણી વ્યક્તિને શા માટે આપવો કે જેને કોઈએ જોઈ નથી, ભાળી નથી. મહેસૂસ કરી નથી ! કાગડાળના ઘાટ જેવા બનતા ચમત્કારો સંયોગો આધીન છે, ઈશ્વરનું કર્તુત્વ તો નહીં જ.

આમેય રમીલા ધર્મનિષ્ઠ કુટુંબમાં ઊછરેલી હતી. એને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી. પુત્ર શ્યામના જન્મ પછી તો રમીલા સારો એવો સમય પૂજા-પાઠમાં વિતાવતી. અરવિંદને એ જરા પણ ગમતું નહોતું. એ ઈચ્છતો કે પાશ્ચાત્ય સ્ત્રીઓની જેમ રમીલા પણ એની ઓફિસમાં આવે, ધંધો વિકસાવવામાં એને સહાય કરે, પાર્ટી-કલબમાં ઘૂમતી રહે અને એના યૌવનને શણગારે. પણ રમીલાની દલીલ એવી હતી કે સંસાર માંડ્યા પછી કામની વહેંચણી થઈ જવી જોઈએ. પુરુષ પ્રધાન સમાજમાં પુરુષ કમાવા જાય અને સ્ત્રી ઘરસંસાર સંભાળે. બંને બાબતો એટલી જ અગત્યની છે.

રમીલામાં કાયાપ્રવેશ કરી ગયેલું ડાયાબિટિસનું દર્દ છેવટે એને હૉસ્પિટલમાં ખેંચી ગયું. પત્નીની વધુ પડતી ધર્મભાવના પ્રત્યે વિરોધનો સૂર પ્રગટ કરતો રહેતો અરવિંદ, આ એક બાબત સિવાય પત્નીને ખૂબ જ ચાહતો હતો. ઘડીભર ધંધાને વિસારી એ સતત પત્નીની પથારી પાસે જ બેસી રહેતો. પતિની આ અનહદ લાગણીની કદર કરતાં રમીલાએ એક દિવસ અરવિંદને કહ્યું :
‘અરવિંદ, મારા આ દર્દથી હું એટલી બધી કંટાળી ગઈ છું કે કોણ જાણે કેમ, મને હવે જીવવાની જરાયે આશા નથી. મને થાય છે કે પ્રભુ મને એની પાસે બોલાવી લે તો સારું. શ્યામ હજુ નાનો છે અને તમારી પણ ક્યાં ઉંમર થઈ છે ! તમે યોગ્ય પાત્ર શોધી પરણી જજો. શ્યામની દેખભાળ રાખે એવી સ્ત્રી શોધજો. મારી એક છેલ્લી ઈચ્છાને માન આપશો ?’
‘અરવિંદને ડૉકટરો દ્વારા જાણવા મળેલું કે પત્નીના એ છેલ્લા હાર્ટએટેક પછી એને લાંબું જીવાડવી મુશ્કેલ છે. દર્દીમાં જિજીવિષા જ રહી નથી.’

રમીલાનું મન મનાવવા એણે હા પાડી. રમીલા બોલી : ‘તમે ઈશ્વરમાં માનતા નથી એની મને ખબર છે પણ હું જ્યારે ન હોઉં ત્યારે તમે કોઈ ભારે મુશ્કેલીમાં આવી પડો ત્યારે ઠાકોરજી સમક્ષ બે હાથ જોડી એમને વિનંતી કરજો કે તમારી એ મુશ્કેલી દૂર કરે. ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. જો કે તમને મારી આ વાત નહીં ગમે પણ મારી આ છેલ્લી ઈચ્છાને જરૂર માન આપજો.’

એ પછી રમીલા ભાગ્યે જ અઠવાડિયું જીવી. એના મૃત્યુ પછી અરવિંદે બીજાં લગ્ન કર્યા. અરવિંદનો ધંધો સારી રીતે જામી ગયો હતો. એની ઑફિસમાં જ કામ કરતી એક યુવતી જોડે પરણી ગયો. બંને સાથે જ ઑફિસ જાય, સાથે જ ઘેર આવે. ક્યારેય ઈશ્વરને યાદ કરવાની એને ઘડી જ ન આવી. પણ એક દિવસ અરવિંદને રમીલા યાદ આવી.

શ્યામ હવે કૉલેજ જતો થઈ ગયેલો. એણે એને મોટરબાઈક લાવી આપેલી. એ બાઈક એના અકસ્માતનું કારણ બની. શ્યામ એક એવા જીવલેણ અકસ્માતમાં સપડાયો કે હૉસ્પિટલની પથારીમાં એ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. પોતાના એકમાત્ર સંતાનને બચાવવા એણે પાણીની જેમ પૈસા ખર્ચ્યા, મોટા મોટા ડૉકટરોનો સહારો લીધો પણ કોમામાં સરી ગયેલો શ્યામ ભાનમાં નહોતો આવતો. કદાચ આવી જ અવસ્થામાં એ વિદાય લઈ લે તો ?
મૃત્યુ પહેલાં રમીલાએ એને શું કહ્યું હતું ? ક્યારેય પણ મહામુસીબતમાં આવી જાઓ ત્યારે….
એક દિવસ એણે પત્નીને કહ્યું : ‘હું આજે જરા વહેલો નીકળી જાઉં છું. તું હોસ્પિટલમાં રહેજે. હું તને પાંચ વાગે ત્યાં મળીશ.’

અરવિંદ ઘેર આવ્યો.
છેલ્લા પંદર-સત્તર વર્ષથી ઘરના મંદિરમાં પુરાયેલા ઠાકોરજીને એણે જગાડ્યા. એમની સમક્ષ દીવો કર્યો અને પલાંઠી વાળી પ્રાર્થના કરવા લાગ્યો. ‘હે પ્રભુ, જો તારું કોઈ અસ્તિત્વ હોય તો આજે મને એની ઝાંખી કરાવ. તું મારી પ્રાર્થના સાંભળશે કે નહીં એની મને ખબર નથી પણ આજે તારી સમક્ષ ઘૂંટણિયે પડીને તને વિનવું છું કે મારા શ્યામને સાજો કરી દે. બસ, આ પછી હું તારી પાસે કશુંયે નહીં માગું.
પૂરા બે કલાક સુધી આંખો મીંચી એણે ઈશ્વર-સ્મરણ કર્યું. એ પછી એ હૉસ્પિટલ ગયો. એની બીજી પત્ની રોહિણી ત્યાં જ બેઠી હતી. એણે ઉત્સાહથી અરવિંદને કહ્યું : ‘તમે આવ્યા તેના અડધા કલાક પહેલાં શ્યામ ભાનમાં આવ્યો. ડૉકટરો દોડી આવ્યા. એમણે શ્યામ જોડે વાતચીત કરી. અત્યારે એ પડખું ફરીને સૂતો છે. હમણાં ડૉકટર ફરી આવશે ત્યારે તમે એની જોડે વાત કરજો.’

અરવિંદને ખુદ આશ્ચર્ય થયું. આને ચમત્કાર કહેવો કે ઈશ્વરે સાંભળેલી એની આરઝુ કહેવી ?
એ સાંજે એણે શ્યામ જોડે થોડી વાતચીત કરી અને પછી ડોકટરને મળ્યો. ડૉકટરે કહ્યું કે તમારો પુત્ર ફરી કોમામાં ન સરી જાય એની અમે સતત નજર રાખીએ છીએ પણ હવે એના સાજા થવાની અમને પૂરેપૂરી આશા છે.
અરવિંદે વાતવાતમાં કરેલી પ્રભુ-પ્રાર્થનાની હકીકત કહી. ડૉકટરે હસીને કહ્યું –
‘તમે ઈશ્વરમાં ભલે ન માનતા હો, પણ અમે ડૉકટરો માનીએ છીએ. એટલા માટે કે પ્રાર્થના અમારામાં શ્રદ્ધાનું બળ રેડે છે. ઈશ્વર છે કે નહીં એ ચર્ચાનો વિષય હોઈ શકે પણ એની સામે શંકા કરવાને બદલે માત્ર પ્રાર્થના કરવાથી શરીરના ચિત્તતંત્રમાં એકરાગતા આવી જાય છે. અસ્વસ્થ મન અને સ્વસ્થ મન વચ્ચે પ્રાર્થના સેતુ સમાન છે. કંઈ નહીં તો શરીરની સુખાકારી માટેય લાગણીના ક્ષુબ્ધ મનના પ્રવાહોને શાંત કરવા જરૂરી છે. તમે પ્રયત્ન કરી જોજો.’

સ્વસ્થ બન્યા બાદ શ્યામને ઘેર લાવવામાં આવ્યો ત્યારે સાંજના સાત વાગી ગયા હતા. રોહિણીએ ઘરનો દરવાજો ખોલ્યો અને લાઈટ કરવા જાય ત્યાં જ અરવિંદ બોલી ઊઠ્યો : ‘એક મિનિટ રોહિણી, હું જરા ઠાકોરજીને દીવો કરી લઉં……’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નવો સંબંધ – જય ગજ્જર
તારાઓનું આકાશી સખ્ય – કાકા કાલેલકર Next »   

22 પ્રતિભાવો : ઊંડા અંધારેથી…. – ગિરીશ ગણાત્રા

 1. urmila says:

  Although this is not a true story – me and many of my friends/colleauges have experienced the strength of prayers in our lives/there is definitely another energy force which we do not see but often experience in our lives

 2. pallavimistry says:

  YES,
  I ALSO BELIEVE IN ‘DEVINE ELEMENTS’
  NICE STORY OF GIRISHBHAI
  Pallavi

 3. Excellent….It is rightly said that “Work is the food of body and prayer is food of soul”….Prayer has an unbelievable strength that I have experienced many times..
  Congratulation for this story

 4. manvant says:

  હૃદયથી કરેલી પ્રાર્થના કદી નિષ્ફળ નથી થતી.આભાર !

 5. Gira says:

  Aww.. really, fantastic story.. of course when you pray to god from yr heart, he does care for you. nice story…

 6. Uday Trivedi says:

  In truth, the prayer is not for God. It is for us. When we pray, the first transformation happens is inside. Our clots of ego start getting broken because prayer brings hope, faith and in turn peace with it.

  Does God answer our prayer?

  Yes, if we are able to break our ego patterns and bring forth hope, faith and peace, we are succeeded and our prayer is answered.

  No, if we still want to carry same shattered mind frame, and wait for some magic to change our physical and mind situation without making effort our self, we are failed and our prayer is not answered.

  Most of the time, it is not only the prayer itself, but the path towards prayer is also very important. If you start to pray, it means you were able to convince your ever-logical mind that you are ready for prayer, half the work is done. It is very important to understand that the reward of your prayer, if you want any, is nothing but the hope, faith and peace of mind that you achieve by praying. And Alas ! What a great reward it is !! There can never be any better rewards than this.

 7. પ્રાર્થના એ તો મન અને આત્મા નો ખોરાક છે. તેનાથી મન શાંત અને સ્થિર થાય છે. પ્રાર્થના માં હ્રદય થી નીકળેક એક એક શબ્દ અમૂલો છે. શ્રદ્ધા હોવી જોઇએ પરંતુ અંધશ્રદ્ધા નહી.

  કોણ ભલા ને પૂછે છે , કોણ બુરા ને પૂછે છે,
  અરે આ તો સંજોગ જુકાવે છે નહી તો અહીં કોણ ખુદા ને પૂછે છે.

 8. manoj says:

  when human looses his confidence, all prayers gives a sanjivani to stand up & fight against dificult circumstances. Typical Girishbhai’s story – simple & positive

 9. Chetan Khatri says:

  really excellent story. Got tears in my eyes. Circumstance change people. Good Story. I like the way Girishbhai tells the story. Thanks.

 10. Mrs. Tiwari. says:

  I am gujarati but left gujarat long ago. My husband is from UP. I have 4n 1/2 yrs old son. I speak with him in gujarati and wants to teach him gujarati prayers too. I want following prayers.
  – Premal jyoti taro dakhvi…
  -Unda andhare thi prabhu param teje tu lai ja
  -Managal mandir kholo…
  We were used to sing these in our school as a morning prayer but I don’t remember it fully now.

  If anyone knows, pls send them these plus any other good gujarati and hindi prayers to my email id. or let me know if they are available on any other sites. I will be thankful.

 11. Benefits of singulair….

  Singulair liver damage. Singulair side effects. Singulair globus sensation. Side effects of singulair….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.