ફૂલ – સુરેશ ઓઝા

flowerમને ફૂલોનો જરાય શોખ નથી. શિક્ષકના હાથમાં તે સારુંયે ન લાગે.
‘ફૂલ લાવી આપું ?’ રિસેસમાં હું ઊભો હતો ને તેણે મને પૂછ્યું.
‘ના.’
‘અહીં જ છે પછવાડે.’ તેણે કહ્યું, ‘દેખાડું ?’
‘અત્યારે નહીં.’ મેં કહ્યું, ‘સાંજે વાત.’ તે જતો રહ્યો.

ફૂલ મને કાયમ મળે. સામે બારીમાં પગ ટેકવી ખુરશીને ઉલાળી હું બેસતો. નિશાળ છૂટ્યા પછી મારો વર્ગ શરૂ થતો. ગમે ત્યારે પણ ફૂલ મારા ટેબલ પર આવી પડે. ફૂલ મૂકનાર મને ન દેખાય. કોણ ફૂલ મૂકી જતું હશે ? મને કંઈ સમજાતું નહીં. ને હું તે ફૂલ તરફ કંઈ ધ્યાન પણ ન આપતો.

ક્યારથી ફૂલ મળવાનું મને શરૂ થયું તે મને ખબર નથી. મારા વર્ગમાં તે આવતો. બગીચો અમારી સામે જ હતો. ઘણાં ફૂલ દેખાય. વર્ગમાં સાંજે કાયમ અંધારું લાગે. ઉજાસ માટે પૂરતી બારીઓ ન હતી. ઓફિસ બંધ થઈ ગયા પછી બુઢ્ઢો પગી વર્ગ પાસે જ તેની ખાટલી ઢાળે ને બેસીને બીડી પીએ. ઉનાળામાં ગરમી લાગે, શિયાળામાં ઠંડી ને ચોમાસામાં વરસાદની ઝડી પડે.

ટેબલ પર પડેલું ફૂલ હાથમાં લીધું. શેનું છે તે મને ખબર ન પડી. પગી પાસે ગયો. બુઢ્ઢો સૂતો હતો તે બેઠો થઈ ગયો. મે પૂછ્યું, ‘આ શેનું ફૂલ છે ?’
‘બેસો સાહેબ.’
‘આ ફૂલ શેનું છે ?’
તેણે ફૂલ જોઈ કહ્યું ‘પાણકંદો સાહેબ.’
‘પાણકંદાનું ફૂલ ?’
‘હા સાહેબ.’
આ ફૂલ કોણ મૂંગુમૂંગુ મૂકી જતું હતું તે જાણવાની ઈચ્છા ન થઈ. કયું ફૂલ છે તે મેં જાણી લીધું. મને કોઈ દિવસ પ્રેમ કરતાં આવડ્યો નથી. પ્રેમિકાએ ફૂલ મોકલ્યું નથી કે નથી પોતાના વાળમાં ખોસેલું બતાવ્યું.

આ ફૂલ આમ મૂંગામૂંગા મૂકવા પાછળ શો હેતું હશે ?
ફરતી એક ધારી છ ઈંચની પાતળી ને લાંબી વેરાયેલી પાંખડીઓનું એ ફૂલ. પાંખડીઓ ચાર જ. તે પાંખડીઓ વચ્ચે, નીચેની જાડી ઉપર જતાં પાતળી સોય જેવી થતી બીજી ચાર દાંડીઓ હતી. આ દાંડીઓ નીચે સફેદ ને ઉપર જતાં લીલી થતી જતી હતી. નીચેથી ઉપર અડધે સુધી ખૂબ જ પાતળો સફેદ પડદો એ દાંડીઓને એક બીજી સાથે જોડતો હતો ને ચારેની ઉપર સોયની અણી જેવી પાતળી અણી પર સહેજ ભીના તમાકુ રંગની અડધો ઈંચ લાંબી ટોપકીઓ હતી – બધી બરોબર નીચે ઢળતી.

ફૂલની સુગંધ ઠંડી ને માદક હતી. પરીકથાના અનુભવ જેવું જ આપણને મનમાં કંઈક થાય. ચોમાસામાં સુગંધ મીઠી લાગે. ઠંડીને લીધે સૂંઘવાથી શરદી પણ લાગી જાય. છતાં તેની ગંધ ભીની ને મીઠી હતી. કોઈ પણ મુગ્ધ અને માસુમ મુગ્ધાના વાળમાં તે ન શોભે. મોઢાની શોભા બગાડી નાખે. ફૂલ પોતે પોતાની જ સુગંધમાં રાચે. સુગંધ ફેલાવી પણ ન શકે એટલું શરમાળ.

આવું ફૂલ મૂકનાર બાળક પણ શરમાળ. તે બાળકને મેં તેનું નામ કદી પૂછેલું જ નહીં. હજી પણ તેનું નામ નથી જાણતો. સાત કે આઠ વર્ષનો તે હશે. શરીરમાં પાતળો. ચડ્ડીમાં ખમીસ ખોસી ચડ્ડીને ખમીસ પહેરે. ખભે લાંબા પટાવાળું તે દફતર ભરાવતો. દફતર કાયમ કમરે ઝૂલતું. તેનો ચહેરો ગોળ ને લાંબો હતો. મોઢું માસુમ. આંખોમાં તે પોતાની એકની જ જાતને મય હોય તેવો ધૂની દેખાય. આંખો નિર્દોષ. ગાલ નાના ને કૂણા હતા – શિયાળો સહન ન કરી શકે તેવા. હોઠ લાગણીપ્રધાન ને ભરેલા. ભ્રમરો કાળી ને ભરેલી. માથાના વાળ સાંજે વિખાઈ જ ગયા હોય. તે બોલતો ઓછું ને બહુ જ ધીમે – જાતે મનમાં વાતો કરતો હોય તેમ. પણ વાત કરે ત્યારે લાગે કે તેને આપણી સાથે ઓળખાણ ઘણી જૂની છે.

હું બેઠોબેઠો વાંચતો હતો. છોકરાઓ તેમનું કામ કરતા હતા. વિદ્યાર્થીએ મને ચિત્ર બતાવ્યું, ‘જુઓ સાહેબ.’
મેં તેની સામે જોઈ કહ્યું ‘બરાબર નથી.’ ને તેના ચિત્ર સામે જોઈ બતાવ્યું, ‘નીચેનો ભાગ બરાબર કર.’ ફરી મેં વાંચવામાં ધ્યાન આપ્યું ને તે ચુપકીદીથી ફૂલ મૂકી ગયો. પકડાઈ ગયો. તે કંઈ જ બોલ્યો નહીં. મને તેણે ચિત્ર બતાવ્યું ત્યારે આસાનીથી તે ઊભો હતો, જાણે કંઈ જ વાત નથી. મેં ભૂલ કાઢી તો ય એવી જ આસાનીથી તે જતો રહ્યો.
મારાથી હવે ન રહેવાયું. મેં તેને પૂછ્યું ‘તું આમ આવ તો.’
‘શું ?’ તે આવી ઊભો રહ્યો.
‘તું અહીં ફૂલ મૂકી જાય છે ?’
‘હા.’
‘શું કામ ?’
‘અમથું.’
‘અમથું અમથું જ ?’
‘હા.’
‘ક્યાંથી ફૂલ લાવે છે ?’
‘પછવાડેથી.’
‘ક્યાંથી ?’
‘પછવાડે બગીચામાંથી.’
હું તેની સામે જોઈ સહેજ હસ્યો. તે પણ મરક્યો. અમારા બંનેના મોઢા ઉપરના ભાવ સમાન થયા – ફૂલ જેવા. તે જતો રહ્યો ને કામ કરવા લાગ્યો.

ફૂલ મૂકવા પાછળ તેનો શું હેતુ હતો તે મને ન કહી શક્યો. તેને મન દરેક કામ પાછળ કંઈ હેતુ હોય એવું કંઈ જ ન હતું. તેનાં ફૂલ મૂકવા પાછળ કશો જ હેતુ ન હતો. તેનું કામ પૂરું થયું હોય અને બીજાઓ કામ કરતા હોય તોએ તે ઘેર ન જતો રહેતો. બધા જ જતા રહે ત્યાં સુધી તે રોકાતો. હું અને તે બે જ વર્ગમાં રહીએ. આડીઅવળી પડેલી પાટલીઓ થપ્પી કરી મૂકવા હું તેને કહું. પછી તો તેની જાતે જ તે એ કામ કરતો. અમે બંને સાથે જ ઘેર જતા. ફૂલ અમે સાથે રાખતા. અડધે સુધી અમે સાથે જતા. છૂટા પડવાની જગા આવે ત્યારે તે માથું હલાવી આવજો આંખથી કહેતો. હું હાથ ઊંચો કરી કહેતો, ‘ઠીક, આવજો.’ તે સહેજ મરકતો અને બીજે રસ્તે વળી જતો.

છૂટા પડતી વખતે તેનું આપેલું ફૂલ હું તેને પાછું આપતો. તે કહેતો, ‘તમે લઈ જાવને !’
‘ના, હવે તું સૂંઘજે.’
‘તેની વાસ કેવી સરસ આવે છે !’ તે કહેતો, ‘તમે ક્યાં રો’ છો ?’
‘આવજે મારી સાથે હું તને લઈ જઈશ.’
‘ઠીક આવીશ.’
તેના ઘર પાસેથી નીકળ્યો ત્યારે એક વખત તે વાળતો હતો, મને તે જોઈ ગયો. તેના બાપુજી સાથે તેણે વાત કરી. તેના બાપુજી મારી સામે જોઈ રહ્યા.

બહુ વિચિત્ર ફૂલની વાસ તેને ગમતી હતી. મેં એક વખતે આખું ફૂલ જોયું ત્યારે તેણે કહ્યું હતું, ‘કેટલી ઝીણી અણી ઉપર આ લટકે છે ! રોજ નમેલું જ રહે છે.’ ને તેણે મને આછા તમાકુ રંગની પાંદડીઓ બતાવી હતી.

મને હજી નથી સમજાતું કે તેને અને આ ફૂલને શું સંબંધ હશે ? આ જાતની ફૂલ માટેની તમન્ના કોની પાસે હશે ? ફૂલનો તે કંઈ જ ઊપયોગ ન કરતો. ફૂલ ઘણા લેતા હશે. ઘણાને ડોલરની વાસ ખૂબ જ ગમતી હશે. માથામાં સ્ત્રીઓ ફૂલ ને ફૂલની વેણી નાખતી હશે અને તે પણ ઘણી ચોક્કસાઈથી. ફૂલને લઈને તેમનું સૌંદર્ય ને જાત-અભિમાન વધતું હશે, ગર્લ્સ હાઈસ્કૂલમાં ભાગ્યે જ એવી છોકરીઓ હશે જે ફૂલ નહીં ઓળખતી હોય અને નાખતી હોય. પણ આની પાસે શું હશે ? તે શા માટે ફૂલ લેતો હશે ? મેં તેને કદી આ પૂછ્યું નથી. જો પૂછ્યું હોત તો તેની ઉંમર નાની હતી જવાબ દેવા માટે.

એક વર્ષ થઈ ગયું. શિયાળો, ઉનાળો અને ચોમાસું ગયા. આજે મને કોઈ જ ફૂલ આપતું નથી. મને ફૂલ યાદ આવે છે ને કમ્પાઉન્ડના બગીચામાં જોઉં છું પણ ખરો. ઘણાં બધાં ફૂલ છે.

એક દિવસ બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા. વર્ગમાં અંધારું થઈ ગયું હતું. બહાર સાંજ પડી ગઈ હતી. હું અને તે બન્ને જવાની તૈયારી કરતા હતા. તેણે મને કહ્યું, ‘સાહેબ, હવે હું અહીં નહીં આવું.’
‘શું કામ ?’
‘બસ, હવે હું બીજે ભણવાનો છું.’
‘ક્યાં ?’
‘મારા બાપુજીની બદલી થઈને.’
મેં તેની સામે જોયું. ખિસ્સામાંથી પૈસા કાઢી તેને આપ્યા ને કહ્યું, ‘તો લે આ બે પૈસાની ચીનાઈ શીંગ લઈ આવ – આપણે ખાઈએ.’
‘લારી તો નહીં હોય.’
‘પાનવાળાની દુકાનેથી લાવજે જા.’
તે ગયો. પાછો આવ્યો. અમે બંનેએ શીંગ ખાધી. મેં તેને FAREWELL PARTY આપી. કોઈ ત્રીજાને આની ખબર ન પડી. કોઈએ આ વાતની નોંધ ન લીધી. મેં કહ્યું ‘તું ફૂલ ક્યાંથી લાવે છે ?’
‘હાલો, બતાવું.’
પછવાડે બગીચામાં અમે ગયાં. એક છોડ પાસે મને તે લઈ ગયો. છોડનાં પાન લાંબા ને મોટાં હતાં – જથ્થામાં જ ઊગેલાં.
‘જુઓ આ ફૂલ.’ તેણે છોડની ટોચ પર નમેલું ફૂલ મને બતાવ્યું.
મેં ફૂલ તોડ્યું ને તેને આપ્યું.
‘તમે રાખોને,’ તેણે કહ્યું.
મેં તેને કંઈ જવાબ ન આપ્યો. પાછા ફરતાં મારાથી કહેવાઈ જ ગયું, ‘રોજ તું મને આપે છે ને ! આજે હું તને આપું છું.’ તે મારી સામે જોઈ રહ્યો ને મરક્યો. હું ન મરક્યો.

ઘેર જતાં છૂટા પડવાની જગા આવે છે ને મને, ‘આવજો, આવજો’ ક્યારેક યાદ આવે છે, હું તેણે બતાવેલ છોડ જોઉં છું. ફૂલ ખીલી તેની મેળે જ ખરી જાય છે. હું ફૂલ તોડતો નથી.

મારે તો ફૂલને તેની તાકાત પ્રમાણે ખીલવા દેવાં છે. એક જ ફૂલ ખીલું ખીલું થતું મારી પાસે ન ખીલ્યું. મને તેનો વસવસો રહી જ ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિતાંત તાજગી – મૂકેશ વૈદ્ય
ચેન્જ – મુકુન્દ પરીખ Next »   

9 પ્રતિભાવો : ફૂલ – સુરેશ ઓઝા

  1. Neela says:

    farewelparty
    good

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.