કોણ વડેરું – શિવદાન ગઢવી

વસંતકાકા તે દિવસની જેમ આજે પણ ઘરની બહારના આંગણામાં ખાટલો ઢાળીને બેઠા હતા અને ટપાલીએ તેમના હાથમાં કવર મૂક્યું. ટપાલીએ વસંતકાકા સામે જોઈને કહ્યું : ‘સરપંચ, શેઠની ટપાલ હોય તેમ લાગે છે.

કવર ઉપરનું નામ અને પરદેશની મહોર જોઈને ટપાલીએ કહ્યું હતું. તેનું અનુમોદન આપતા કાકાએ ટૂંકમાં કહ્યું. ‘ હા.’ તેઓ આગળ કંઈ ન બોલ્યા. હજુ તો સૂરજ હમણાં જ આથમણી બાજુ નમ્યો હતો, તેમણે લેંધો અને ઝભ્ભો પહેર્યાં હતાં. આકાશ વાદળછાયું હતું. ખાટલા ઉપર મૂકેલ કવર સામું તે એકીટસે જોઈ રહ્યા. પરીક્ષાનું પરિણામ ખાનગી કવરમાં આવે અને વિદ્યાર્થીઓમાં જે ઈંતેજારી જાગે તેવી ઈંતેજારી એમને ખડી થઈ. મહિના પહેલાંનો પ્રસંગ તેમની નજર સમક્ષ આવીને દેખાવા લાગ્યો.

તે દિ’નું પ્રભાત હવામાં ઉલ્લાસ રેડી રહ્યું હતું. અષાઢ મહિનાનો એ પ્રથમ દિવસ. કવિઓ અને ખેડૂતને એનું આગમન અંગેઅંગમાં ઉત્સાહ રેડે. યૌવનના ઓષ્ઠમાંની લાલી જાણે પૂર્વાકાશના વાદળોમાં ચોંટી ગઈ હોય તેવું હતું તે દ્રશ્ય. સૂરજનારાયણના પ્રવેશવાનો પગરવ જાણે હળવે હળવે સંભળાતો હોય તેમ ઉગમણા આભનાં વાદળાં ધીમું ધીમું ગાજી રહ્યાં હતાં. વસંતકાકાએ ઘરના આંગણાના પાછળના બગીચામાં ખાટલો નાંખ્યો હતો.

શાંતિપુરા એમનું નાનકડું ગામ હતું. એમના આંગણામાં અને પાછળના ભાગમાં સારી એવી મોકળાશ હતી. તેથી ઘરના પાછળના ભાગમાં એમણે બગીચો બનાવ્યો હતો. તેમાં ઉપયોગી વનૌષધિ વાવી હતી. ગરમાળાનાં ઝાડ, ગળો, અરડૂસી, તુલસી, પારિજાત, આવી કેટલીય વનસ્પતિથી એમનો બગીચો ચોમાસામાં પાકથી શોહી ઊઠતા ખેતરની જેમ શોભતો હતો. પત્ની વર્ષાબહેનના મૃત્યુને આજે પાંચ વર્ષનાં વહાણાં વાયાં હતાં. પત્નીની ઉંમર પણ બહુ ન હતી. વસંતકાકાએ એકના એક દીકરાને અમેરિકા મોકલ્યો હતો. તે દિવસે ઈલેક્ટ્રોનિક એન્જિનિયરની ભારે માંગ હતી. એવામાં વસંતકાકાના દીકરાને ઈલેકટ્રોનિકની ડિગ્રી મેળવી. પિતાની અંદરની બહુ ઈચ્છા ન હોવા છતાં પણ છોકરો સુખી થાય છે એવા વિચારે વર્ષાબહેને જ તેમને સમજાવી પરદેશ જવાની સંમતિ અપાવેલ. અહીં પતિ-પત્ની એકલાં થઈ ગયાં હતાં. તેઓ ખેતી સંભાળતાં અને ગામમાં નાનાંમોટાં કામમાં રસ લઈ સહકાર આપતા.

ગામ ભેળું મળે ત્યારે તેઓ સહુને સમજાવે-ભાઈ એકલા હાથે કોઈ દિ’ તાળી પડે નહીં એ તો એકની લાકડી પંચનો બોજ. ગામના બધા માણસો નાનાંમોટાં કામમાં સાથ આપે તો કામ સરળ બને. લોક પણ કાકાની વાત સ્વીકારતા હોય તેમ ઉમળકાભેર કામમાં જે બને તે મદદ કરતાં. એવામાંથી જ ગામમાં દવાખાનાનું નાનકડું મકાન થયું હતું. પછી તો ગામે વસંતકાકાને સર્વાનુમતે જ સરપંચમાં પસંદ કર્યા હતા. આગ્રહ કરીને ગામનું નાવડું હંકારવા ‘હા’ ભણાવી.

વસંતકાકા અને વર્ષાબહેનને તેમના પુત્ર ધનંજયે એક વખત અમેરિકા આવી જવાનો આગ્રહ કરતાં ત્યાં ત્રણેક મહિના રહ્યાં. ધનંજયે ભારતની જ ત્યાં જન્મેલી છોકરી સાથે લગ્ન કરેલાં, એની સાથે આ લોકોનો કોઈ મનમેળ ન બેસતાં, અમે હવે ભારત પાછાં જવા માગીએ છીએ એવું કહીને બન્ને ભારત પાછાં આવી ગયાં હતાં.

‘વર્ષાબહેન આંય શું દાટ્યું છે ? હમણાં તાંકણે જ રહ્યાં હોત તો ? એય ને રૂપાળું બે ટંક ખાઈને બેસી રહેવાનું કોઈ ચિંતા જ નહીં. અહીં તો એનાં એ ઝાડવાં અને ખેતરોના ઢસરડા.’ ગામની બહેનો વર્ષાબહેનને શિખામણ આપતાં કહેવા માંડતી. તમારી બધી વાત સાચી, પણ બુન આપણને ત્યાં બેસી રહેવું ફાવે જ નહીં. આપણાં આ ઢોરના ડબ્બાની જેમ આખો દિવસ ઘરમાં પુરાઈ રહેવાનું ! કંઈ કામ હોય તો કોઈને પૂછવા જવાની મૂંઝવણ. સહુ સહુના કામમાં. ભેગાં થઈને વાતો કરવાનો પણ કોઈને સમય ન મળે. અમે તો મૂંઝાઈ ગયાં હતાં. ભણેલાં છોકરાની વહુઓ તો જુઓ ? આવું નાનકડું વાક્ય શરૂ થાય ત્યાં તો એકબીજાંના ઘર ઘરની વાતો વર્ષાબહેનના ત્યાં બોલાતી થાય. ‘ફલાણી વહુ આવી ને ફલાણી તેવી.’ પેલા પસાકાકાના દીકરાની વહુ ભણીને ગ્રેજ્યુએટ થયેલી છે. એનાં વૃદ્ધ દાદીની કેવી સેવાચાકરી કરે છે.’
ભણતર સાથે જ સારા સંસ્કાર મળે તે ઘણું મહત્વનું છે. એક નિવૃત્ત શિક્ષિકાબહેને તેમના વિચારો રજૂ કરેલ. ઘરની ખેતીની દેખરેખ પણ રાખે અને કુટુંબમાં પણ વ્હાલપ રેડે.

એક રાત્રે અચાનક વર્ષાબહેનને છાતીમાં દુખાવો ઊપડ્યો. તેમને ગામમાં દવાખાને લઈ ગયા. ડૉકટરે તપાસ કરી પોતાના પ્રયત્ન કર્યા. અમુક પ્રકારની દવાઓ, સાધનો ત્યાં ઉપલબ્ધ ન હતાં તેથી શહેરના દવાખાને લઈ જતાં અડધે રસ્તે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

વસંતકાકાની નજર સામે એમનો સંસાર તરવરવા લાગ્યો. વર્ષાબહેનને અને તેમને કેટકેટલી આશાઓ હતી ? ધનંજય શેઠ એના સંસારમાં પડી ગયો હતો. છેલ્લા એક વરસથી તો તેનો કોઈ પત્ર પણ આવતો નહોતો અને ગામમાંથી ગયે દશ-બાર વર્ષ વીતી ગયાં હતાં. આજે એમને પોતાની પત્ની યાદ આવી. ‘છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર ન થાય’ એ શબ્દોને એમના હાથમાં પેન પકડાવીને ટૂંકો પત્ર લખ્યો.

ચિ. ધનંજય,
છેલ્લા કેટલાયે સમયથી તારો પત્ર નથી. તારા ભાઈબંધોના માવતર ઉપર આવતા પત્ર ઉપરથી જાણી શકાય છે કે તું ત્યાં મજામાં છે તેથી મારા આત્માને સંતોષ થયો.
તારી મા રોજ તારી ઝંખના કરતી. ભગવાનનો દીવો કરી તું હેમખેમ હોવા અંગે પ્રાર્થના કરતી કરતી અચાનક ચાલી ગઈ ! તેવા કરુણ પ્રસંગે લોકલાજે ફકત તું એક દિવસ જ આવીને ચાલ્યો ગયો. જેના માટે તારી મા રોજ રટણ કરતી હતી એનો બદલો ફકત એક જ દિવસ ! મારે તારી સાથે ઘણી વાતો કરવી હતી પણ મારા ઉપર તો વજઘાત હતો અને તું ચાલ્યો ગયો. હું મજામાં છું. આજે તારી માની યાદ આવતાં તારી કુશળતાનો પત્ર લખું છું. તે દિ’ તું મિ.ધનંજય શેઠ ન હતો, અમારા માટે ફક્ત ધનો જ હતો તેનાથી અમને ઘણો આનંદ હતો. ધનંજય શેઠ તો અમારાથી ઘણો દૂર થઈ ગયો હતો !

લિ. વસંતભાઈ.

એ પત્ર ધનંજયને મળ્યા બાદ તેનો આ પત્ર આજે આવ્યો હતો. વસંતકાકાએ ટપાલીને ગયા બાદ કવર તોડ્યું. ધનંજયે પોતાના હસ્તાક્ષરોમાં લખ્યું હતું.

પૂજ્ય પિતાજી,
તમારો પત્ર મળતાં મારું હૈયું ભરાઈ આવ્યું છે. હું અહીં કમાયો છું. પણ લાગણી ક્યાંય પામ્યો નથી. હું આજે ગમે તેટલાં કારણો આપું પણ તે તમને સ્વીકાર્ય નહીં લાગે તેથી ફકત તમારી ક્ષમા ચાહું છું.

આ સાથે 25,000 ડૉલરની રકમ મોકલું છું. તે ત્યાંના ‘દશ લાખ’ જેટલા રૂપિયા થશે, મારી માની યાદગીરીમાં તમે આ રકમના વ્યાજમાંથી દવાખાનામાં જરૂરી દવાઓ અને સાધનો દર વર્ષે આપતા રહેજો.

તમે જ ગામના સરપંચ છો. તો મારી આ રકમ સ્વીકારી ગામમાં વ્યવસ્થા કરશો. તમારી છેલ્લી અવસ્થામાં કંઈક ઋણ ચૂકવી શકું તેથી હું એકાદ વરસમાં જ ભારત પાછો આવી રહ્યો છું.
લિ. તમારો ધનો.

તે દિ’ સરપંચ વસંતકાકાએ ગ્રામ પંચાયતની ખાસ સભા બોલાવી અને સભા વચ્ચે જ આ પત્ર મૂક્યો અને આપેલ રકમની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરી.
પંચાયતના સભ્યો આશ્ચર્ય ભરી રીતે એકબીજા સામું જોઈ રહ્યાં. કોનાં વખાણ કરવાં ? વસંતકાકાનાં, વર્ષાબહેનનાં કે શેઠ ધનંજયનાં ? પ્રશ્ન પંચાયત કચેરીનાં મકાનમાં પડઘાતો રહ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચેન્જ – મુકુન્દ પરીખ
અજવાળું મેળવો દશે દિશાથી – સતીષ ડણાક Next »   

7 પ્રતિભાવો : કોણ વડેરું – શિવદાન ગઢવી

 1. સાચે જ, આમા કોણ વડેરુ !
  સરસ વાર્તા આલેખી છે શ્રી શિવદાનભાઇ ગઢવી એ , અભિનંદન.

 2. krupa says:

  Really veru nice story,though its story but it is also part of our indian culture.

 3. Keyur says:

  હું અહીં કમાયો છું. પણ લાગણી ક્યાંય પામ્યો નથી. – These two sentences says it all. કોણ વડેરું? – Ghar na sanskar.

 4. Ami says:

  Very touching story…i loved it. Thank you.

 5. YOGESH BAROT-Gandhinagar says:

  જ્યારથી વિદેશના વાયરા વાયા છે ત્યારથી ઘેર ઘેર અને ગામડે ગામડે આવા સાચા પ્રસંગો બને છે, શબ્દસહ સાચા પ્રસંગને જીવંત શબ્દોમાં વાચા આપવા બદલ અભિનંદન, આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.