અજવાળું મેળવો દશે દિશાથી – સતીષ ડણાક

[ સ્વેટ માર્ટનના અંગ્રેજીમાં લખાયેલા જીવનલક્ષી લેખોને લેખકે સુંદર અને સરળ ભાષામાં કાલ્પનિકપાત્રો વડે વાર્તા સ્વરૂપે આ પુસ્તકમાં રજુઆત કરી છે. રીડગુજરાતીને ‘અજવાળું મેળવો દશે દિશાથી’ પુસ્તક મોકલવા બદલ પ્રો. સતીષભાઈ દણાકનો ખૂબ ખૂબ આભાર.]

ડાયરો બરાબર જામ્યો હતો. જામવાનું કારણ શાહસાહેબ ઘણા દિવસ પછી મહેમાન બન્યા હતા તે હતું. બહાર પણ વરસાદી માહોલ જામ્યો હતો. તરસી ધરાને તૃપ્ત કરવાને મેઘરાજાએ પણ તાંડવ માંડ્યું હતું. એકધારા વરસાદનાં ઝાપટાંથી ઘરની બાજુમાં આવેલા કોઢિયા ઘરના છાપરા પરથી લયબદ્ધ અને તાલબદ્ધ વરસાદી સંગીત ટપકતું હતું. આ એકધારા સંગીતના સૂરો વચ્ચે શાહસાહેબ તેમની વિચારવાંસળી વગાડી રહ્યા હતા. શાહસાહેબ વિશે અમારા બાપુ કહે છે કે તેઓ સતત કોઈ અજવાળાની શોધમાં છે, જે તેમના જીવનના અંધારપટને દૂર કરે. આમ કહેવાનું કારણ જણાવતાં હસમુખલાલ કહે છે : એ વાણિયો લખપતિ થવાની લાયમાં આખો દિવસ ફુટાયા કરે છે. એ માને છે કે ધનરાશિથી જીવનમાં દશે દિશાનાં અજવાળાં ફૂટે છે. શાહસાહેબને પૂછતાં તેઓ કહેતા હતા કે જીવનમાં સફળ થવાની ચાવી તમારા બૅંક બેલેન્સમાં છે. મને કોઈ પૂછતું નહોતું પણ હું માનતો હતો કે એમાં અર્ધસત્ય રહેલું છે.

આજે પણ શાહસાહેબ કરોડપતિ થવાનો કીમિયો લઈને આવ્યા હતા. શહેરનો વિકાસ ઝડપભેર થઈ રહ્યો હતો. નવાનવા ઉદ્યોગો અને વ્યવસાયો શરૂ થવાના હતા. એમાં કામ કરવા માટે લાખોની સંખ્યામાં માણસો દેશભરમાંથી રોજ રોજ આવતા હતા. શાહસાહેબ કહેતા હતા કે આ લોકોને રહેવા માટે નાનાં-મોટાં થઈને આશરે સાઠેક હજાર મકાનોની જરૂર પડશે. આ મકાનો બાંધવા માટે શહેરની નજીકના 20 થી 30 કિલોમીટરના વિસ્તારની જમીન જોઈશે. હવે જો આપણે આ જમીનો વેચવાના દલાલ બનીએ તો બે ટકા દલાલીના હિસાબે આપણે લાખો-કરોડો કમાઈ શકીએ. એમની વાત સાંભળીને અમારી આંખો પહોળી થઈ ગઈ હતી. હસમુખલાલ શાહસાહેબની વાત સાથે સંમત થવાના મૂડમાં હતા, મને આમાં કાંઈ સમજ પડતી નહોતી. અને બાપુ શાહસાહેબની વાતને અશક્ય નહીં તો અઘરી જરૂર માનતા હતા.

એટલે આજે અમારી વચ્ચે મતમતાંતર થતા હતા. બાપુ કોઈ લોકકથાના નાયકની જેમ પોતાના અભિપ્રાયનો વિજયધ્વજ ફરકાવવા મથી રહ્યા હતા. હસમુખલાલ આ નવા ધંધાના જોખમી પરિબળો પર વિચાર કરતા હતા. હું બહારની બાજુએ જામેલા વરસાદને માણી રહ્યો હતો. શાહસાહેબે ઓચિંતાનો મમરો મૂક્યો : જીવનમાં સફળ થવું હોય તો સાહસ વિના છૂટકો નથી. આપણા વ્યવહારડાહ્યા પંડિતોએ પણ કહ્યું છે કે સાહસમાં જ લક્ષ્મીનો વાસ છે.

બાપુએ એમની વાતને વચ્ચેથી કાપી નાંખતાં કહ્યું; આવી બધી બડાશો મારવાની રહેવા દો. મોટી મોટી વાતો કરવાથી પેટ ના ભરાય. કોઈ સાંભળી જશે તો તમારી મશ્કરી કરશે.

હસમુખલાલને લાગ્યું કે આ વાણિયાની વાતનું સૂરસૂરિયું થઈ જશે તો જીવનમાં આવેલી તક છીનવાઈ જશે. તેમનું પ્રમાણિકપણે માનવું હતું કે જીવનમાં સફળ થવું હોય કે સુખી થવું હોય તો આવેલી તક જતી કરવી ન જોઈએ. એટલે એ ધીમે રહીને બોલ્યા : પણ બાપુ, આપણે ક્યાં લોકો આગળ બડાશ મારવા જવું છે ? આપણે ચૂપચાપ આપણું કામ એવી રીતે કરશું કે કોઈને ગંધ સરખી પણ નહીં જાય. આપણા કામમાં સફળતા મળશે ત્યારે જ લોકોને ખબર પડશે.

તો પછી લોકો તમારાં વખાણ કરવાને બદલે છૂપારૂસ્તમ કહીને નવાજશે ! – બાપુ.
શાહસાહેબે કહ્યું : ભલે ને કહેતા. એમાંય આપણે જ ફાયદો છે. જુઓ બાપુ, આપણે કોઈને કશું પણ કહેવાનું જ નહીં. એટલે ધારો કે આપણને સફળતા ન મળે તો પણ કોઈ આપણી મશ્કરી કરે નહિ. બાકી, આપણી મહાત્વાકાંક્ષા પૂરી કરવા માટે સફળ થવા માટે મહેનત કરીશું. મહેનત અને નિષ્ઠાથી સફળતા મળે જ.

હું ક્યારનો આ ત્રણેયની દલીલો સાંભળતો હતો. મહેનત અને નિષ્ઠાની વાત સાંભળી મને થયું કે આ લોકો જીવનની વાસ્તવિકતાનો સામનો કરી સફળતા મેળવવા બદલે સરળ માર્ગ અપનાવી સફળ થવાની ચાવી શોધી રહ્યા છે. અમાસની અંધારી રાતે દશે દિશાનું અજવાળું શોધવાની જેવી આ વાત હતી. પણ મેં કશું બોલવાને બદલે મૌન રહેવાનું યોગ્ય માન્યું. શાહસાહેબનો વિચાર તો સારો હતો જ પણ એમાં અર્ધસત્ય રહેલું હતું. તેમને રૂપિયા કમાવા હતા, લખપતિ બનવું હતું, જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવાં હતાં અને સફળતા મેળવી પ્રસિદ્ધ થવું હતું. એટલે એક સારો વિચાર ધ્યેયથી ચલિત થવાને કારણે તકલાદી બની જતો હતો. બીજી બાજુ નિર્ધન રહીને મહાત્વાકાંક્ષા સેવી સફળ થવાય એવી વાત પણ ગળે ઊતરતી નહોતી એટલે આ તો આપણે પૂર્વ દિશામાં જવું હોય અને પશ્ચિમ દિશામાં પ્રસ્થાન કરવા જેવી વાત લાગતી હતી.

બહાર વરસાદ વરસતો હતો. રસોડામાંથી ભાભીસાહેબ અમારા માટે ગરમાગરમ બટાકાપુરી અને મસાલેદાર ચા લઈ આવ્યાં. બટાકાપુરી જોઈને અમારા બધાની ભૂખ ઊઘડી. ચા અને બટાકાપુરીને ન્યાય આપ્યા પછી હસમુખલાલ સોપારી કાતરવા બેઠા. શાહસાહેબ તેમની પાસેથી નોટબુકનાં પાનાં ઉથલાવવા લાગ્યા. હું વરસાદનું મંદ સંગીત સાંભળતો હતો. બાપુ સફળતાના મુદ્દા પર વિચાર કરતા હોય તેમ ગંભીર મુદ્રામાં બેઠા હતા.

ખાસ્સીવાર પછી બાપુએ મોં ખોલ્યું : જુઓ ભાઈબંધ, જીવનમાં કંઈક બનવું હોય, સફળતા મેળવવી હોય તો તમે જેની ઈચ્છા રાખો તેને મેળવવા માટે તમારામાં શક્તિ અને આત્મવિશ્વાસ હોવાં જોઈએ. હસમુખલાલ સોપારીનો ચૂરો મોમાં મૂકતા બોલ્યાં : પણ બાપુ, આપણે સફળ થવાની ઈચ્છાથી તો શાહસાહેબની યોજનામાં જોડાવાનું છે અને એ તો તમે પણ કબૂલ કરશો કે એ માટે જરૂરી એવા પ્રગતિશીલ વિચારો, રચનાત્મક ભાવ અને સર્જનાત્મકતા તો આપણામાં છે જ.

મને થયું કે પેલા નાટકમાં આવે છે એમ કંતાનના કોથળાને ઘરનો પડદો કહેવા જેવી આ વાત છે. આટલું મોટું કામ હાથ પર લેવા કરતાં તો કોઈ નાનું કામ શરૂ કરી, તેને સમયસર પૂરું કરીને પણ સફળતા મેળવી શકાય. મહાન પુરુષો પણ એટલે જ મહાન બની શક્યા છે. બાપુએ હસમુખલાલની વાતને ઉડાવતાં કહ્યું : જુઓ ભાઈબંધ, તમે કહો છો તેવા ગુણો કદાચ તમારામાં હશે પણ એ બીજામાં પણ હશે જ એની કોઈ ખાતરી છે ? આટલું મોટું કામ કરી સફળતા મેળવવા માટે આપણી જાત પર આપણો કાબૂ હોવો જોઈએ. આપણે ઘણીવાર નાની-નાની વાતોમાં પણ આપણા ઉપરનું નિયંત્રણ ગુમાવી બેસીએ છીએ. હવે જો આવું કશું બની જાય તો શું થાય એની તમે કલ્પના કરી છે ખરી ?

મને બાપુની વાત વાજબી લાગી. મેં એમાં મારો સૂર પુરાવતાં કહ્યું : જો આપણે જીવનને ગંભીરતાથી લેતા હોઈએ તો આવાં જોખમો બને ત્યાં સુધી ખેડવાં ના જોઈએ અને જો જરૂર પડે તો ઓછામાં ઓછી જવાબદારી લેવી જોઈએ. હવે આપણી પાસે નોકરીની અને ઘરસંસારની જ જવાબદારી એટલી છે કે આવું બધું વિચારવાથી તો બાવાનાં બેય બગડશે. નોકરી કે ઘરની જવાબદારીમાંથી આપણું ધ્યાન જતું રહેશે અને એની જ ચિંતામાં આ શાહસાહેબ કહે છે તેવી કોઈ મોટી યોજના તરફ પણ ધ્યાન આપી શકાશે કે કેમ તેનો પણ વિચાર કરવો જોઈએ.
પણ શાહસાહેબ એમ લીધી વાત ઝટ મૂકે એમ નહોતા. એમણે દલીલ કરતાં કહ્યું : બાપુ, આપણે એકદમ મોટી ફાળ ભરવાની નથી. સફળતા મેળવવી હોય તો મોટામાં મોટું કામ પણ નાના પાયે જ શરૂ કરવું જોઈએ એ તો હું પણ માનું છું.

મને શાહસાહેબની વાત ગળે ન ઊતરી એટલે મેં સામો પ્રશ્ન કર્યો. ‘પણ ભલા માણસ, નાના પાયા પર કામ શરૂ કર્યા પછી પણ મોટા પાયાની યોજનામાં સફળતા મળશે જ એની ખાતરી કોણ આપશે ?’ હું વચ્ચે બોલું તે હસમુખલાલને ક્યારેય પસંદ નહોતું. એમના સ્વભાવની એ ખાસિયત હતી કે એ બોલ્યા કરે તે મારે સાંભળ્યા કરવાનું. એમની વાત કે વિચાર ગમે કે ના ગમે પણ એમની સાથે સંમત થવું જ પડે. એટલે મેં એમના વિચારની વિરુદ્ધ જેવી દલીલ કરી કે તરત જ એમણે મારી સામે જોઈ ઘૂરકિયું કર્યું : ‘તેં આખી જિંદગી નોકરી સિવાય બીજું કાંઈ કર્યું છે ખરું ? જગતમાં નાનેથી મોટા થનાર ઉદ્યોગ સાહસિકોનો ઈતિહાસ તને ખબર છે ? જગતમાં અગ્રણી કહેવાતા સાહસિક વેપારીઓ અને ધનપતિઓની વાત તું જાણીશ ત્યારે તને ખબર પડશે કે આ ઘેલાદાસ જેવા લાગતા વાણિયાની વાતમાં કેટલું તથ્ય છે ?

તેમનો અવાજ ધ્રૂજતો હતો. આ મિત્રની સામે ચૂપ રહેવામાં જ સાર છે એમ સમજી હું કશું બોલ્યો નહિ. બહાર વરસાદે ફરી રમઝટ બોલાવી હતી. અહીં પણ દલીલની પટ્ટાબાજીનો ટંકાર થતો હતો. આખરે દબાયેલા અવાજે મેં તેમને પૂછ્યું : હે બંધુ, આવી કશીક રસિક બીના તમે જાણતા હો તો મને કહો જેથી તમારા આ પરમ મિત્રના શિરેથી અજ્ઞાનતાનો શાપ દૂર થાય ! હસમુખલાલ ગુસ્સામાં અને જુસ્સામાં હતા પણ મારા આવા નાટકીય વિધાનથી હસી પડ્યા. વાતાવરણ થોડું હળવું થયું. બહાર વીજળીનો મોટો ગડગડાટ થયો ને હાડ ધ્રુજાવી દેતો નાદ દિશાઓમાં વિલીન થઈ ગયો.

જો, ખરેખર તો તારે થોડો અક્કલગારો ખાવો જોઈએ, મિત્ર વદ્યા, જેથી તારામાં કંઈક અક્કલ આવે. જીવનમાં આગળ વધવું હોય તો ધીમે ધીમે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ. તને ખબર નહિ હોય પણ વિશ્વના એક પ્રસિદ્ધ ચિંતક કાર્બાઈલે તો સ્પષ્ટ કહ્યું છે કે નાનાં નાનાં નાળાં પાર કર્યા સિવાય એક જ છલાંગમાં મોટી નદી પાર કરી શકાતી નથી. ફોર્ડ મોટરકાર બનાવતી કંપનીના માલિક હૅન્રી ફોર્ડે તેની ડાયરીમાં એક, વાત લખી રાખી હતી. સૌ પ્રથમ તો હું કોઈ વાયદો કરતો જ નથી. છતાં કોઈ સંજોગોમાં વાયદો કરવો જ પડે એમ હોય તો સમજી-વિચારીને જ વાયદો કરું છું.

શાહસાહેબ હસમુખલાલે આપેલા ઉદાહરણથી ખુશ થઈ ગયા. તેમણે ઉત્સાહથી કહ્યું : અને આવો વાયદો પાળી પણ શકાય છે અને એનાથી સમાજમાં આપણી પ્રતિષ્ઠા પણ વધી જાય છે.

બાપુ આ બધી વાત ધ્યાનથી સાંભળતા હતા. એમનો ચહેરો કહેતો હતો કે આ લોકોની સાથે સંમત થવા જેવું છે. પણ એમને હજી આ વાત ગળે ઊતરી હોય એમ લાગતું નહોતું. હસમુખલાલે આપેલા દ્રષ્ટાંત પછી મને પણ ફિનોલેક્સ કેબલ્સ લિમિટેડના અધ્યક્ષ અને ભારતીય ઉદ્યોગપતિ શ્રી છાબરિયા સાથેની કોઈ પત્રકારે કરેલી મુલાકાત વિશે વાંચેલું તે યાદ આવ્યું. માત્ર દસ રૂપિયાની મૂડીથી નાના પાયા પર ઉદ્યોગ શરૂ કરનાર શ્રી છાબરિયાનું ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં આજે માનભર્યું સ્થાન છે. આજે જીવનના સાડા સાત દાયકા પાર કરનાર શ્રી છાબરિયાને પણ સફળ થવા માટેની સુંદર ચાવી બતાવી છે. તેઓ માને છે કે સફળતા મેળવવા માટે આપણો અભિગમ સકારાત્મક હોવો જોઈએ. બાકી, ધ્યેય સિદ્ધ કરવા માટેનો કોઈ જ ટૂંકો માર્ગ નથી હોતો.

મેં આ વાત મિત્રને કહી અને હસમુખલાલ ઉત્સાહથી ઊછળી પડ્યા. તેમણે કહ્યું : નસીબ અને ભગવાનને કોઈએ ક્યારેય જોયા નથી પરંતુ જો તમે પ્રમાણિકતા અને ઉત્સાહથી કામ કરશો તો આ બંને તમારી પડખે ઊભા જ હશે. મેં બાપુ તરફ જોયું. તેઓ હજી પણ અમારી વાતો સાંભળતા હતા. બહાર ધીમી ધારે વરસાદ વરસતો હતો. જોકે તોફાન શમી ગયું હતું….
ઘણીવાર સુધી અમારા ચારેય વચ્ચે શાંતિ પ્રવર્તી રહી.
આખરે બાપુએ મોં ખોલ્યું : આ બધી વાતો ઠીક છે, છતાં જીવનમાં સંતોષ હોવો પણ જરૂરી છે. આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે સંતોષી નર સદા સુખી. આપણી પાસે લાખો રૂપિયા હોય પણ રાત્રે આપણને નિરાંતે ઊંઘ ના આવતી હોય એના જેવું દુ:ખ બીજું કોઈ નથી. તમે ધીમે ધીમે શરૂઆત કરીને ભલે આગળ વધો પણ સંતોષ નહીં હોય તો ચિંતા તમારી સફળતાનો આનંદ તમારી પાસેથી ઝૂંટવી લેશે.

બહાર વરસાદ ધીમો પડી ગયો હતો. ઠંડા પવનની લહેરખીથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. હસમુખલાલે શાહસાહેબને આ નવા સાહસમાં સફળતા અપાવશે. બાપુએ કહ્યું છે તેમ સંતોષ રાખીને કામ કરશો તો તમારી બધી આશાઓ પૂરી થશે જ. શાહસાહેબ ગદ્દગદ્દ થઈ ગયા. તેમણે અમારી શુભેચ્છા માટે આનંદ પ્રગટ કરતાં કહ્યું : એક વાત ચોક્ક્સ છે કે આપણી અંદર જ મહાન શક્તિઓનાં બીજ ભંડારાયેલાં છે. આપણે એને ઓળખી લઈએ પછી આપણું કામ સરળ બની જાય છે.

બહાર રાત જામી હતી. વરસાદ બંધ પડી ગયો હતો. વાદળાંની પાછળથી ચંદ્ર બહાર આવ્યો હતો.
અમે છૂટા પડ્યા.
રસ્તામાં ચાલતાં ચાલતાં મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો. જો માણસ એકવાર દ્રઢ નિશ્ચય કરી લે તો પછી તેના માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ તે પોતાના સંકલ્પબળથી બધી મુશ્કેલીઓને પાર કરી શકે છે. અને આવો જ માણસ જીવનમાં સફળ બની શકે છે. સુખી થવાની આથી મોટી ચાવી બીજી કઈ હોઈ શકે ? ઘરનું તાળું ખોલ્યું ત્યારે મનમાં કવિ ગોપાલ શાસ્ત્રીનો આ શેર રમતો હતો :

હોય જેને જળભરેલાં વાદળોની ઝંખના,
ધોમ ધખતા તાપમાં એણે સળગવું જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોણ વડેરું – શિવદાન ગઢવી
દેશી Vs ડૉલર – પૂર્વી ગજ્જર Next »   

17 પ્રતિભાવો : અજવાળું મેળવો દશે દિશાથી – સતીષ ડણાક

 1. Keyur says:

  હોય જેને જળભરેલાં વાદળોની ઝંખના,
  ધોમ ધખતા તાપમાં એણે સળગવું જોઈએ. – Simply superb!!!!

 2. Rachit says:

  Good story…

 3. devi says:

  very peacefull story.

 4. the best part of the story is last two lines :

  હોય જેને જળભરેલાં વાદળોની ઝંખના,
  ધોમ ધખતા તાપમાં એણે સળગવું જોઈએ

 5. ramesh says:

  in english they say if there is a will ther is a way

 6. rameshpatani says:

  they say in english, ” if there is a will there is a way ”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.