- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

દેશી Vs ડૉલર – પૂર્વી ગજ્જર

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી પૂર્વીબહેન ગજ્જરનો (ઑસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો : purvi_gajjar@hotmail.com ]

આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહિ…..

રમેશ પારેખની કવિતાની આ કડી કેટલા લોકોની જિંદગીની વાસ્તવિકતા હશે….શું ખબર ? ખાસ કરીને પરદેશમાં રહેતાં ભારતીયોની જિંદગી. જો કે જિંદગીને માપનારા જેમ બહુ ઓછા હોય તેમ જ પરદેશ આવીને પોતાનાં સુખ-દુ:ખ, વિકાસ કે વિનાશ, ગમા-અણગમા કે સંતોષનું માપ કાઢનારા પણ બહુ ઓછા હોય છે. અહીં આવ્યા, નોકરીમાં ચાલી જોઈએ એટલું અંગ્રેજી ફાવી ગયું અને ખાતામાં ડૉલર જમા થવા માંડ્યા એટલે ભયો ભયો…..

વિકસીત દેશનું લેબલ, ઊંચી ઈમારતો, હાઈટેક સુવિધાઓ, શિસ્તબદ્ધ નાગરીકો, સ્વચ્છ રસ્તા કે શૌચાલયો અને આધુનિક જીવનધોરણ કોઈ દેશનાં વિકાસનું માપદંડ હોઈ શકે પણ જનજીવનનાં ધબકાર માપવાનું નહિ, ખાસ કરીને પરદેશીઓનાં. પરંતુ આપણે ભારતીયો આ વાત વિચારવાની કે સમજવાની તસ્દી ભાગ્યે જ લેતાં હોઈએ છીએ. વળી વ્યક્તિએ વ્યક્તિએ સુખ અને ગુણવત્તાની વ્યાખ્યા બદલાય છે. આપણે જુદા-જુદા, આપણને સતાવતા સવાલો જુદાં, આપણી તાકાતનાં જોરે શોધેલાં તેનાં જવાબો જુદા અને જાત સાથેનાં સમાધાનના પેંતરા પણ જુદા. આ સૌનાં સરવાળાથી સર્જાય છે વિદેશની દેશી દુનિયા, જ્યાં ડૉલરનાં જોર સામે દરેક સમાધાન, સમજણ અને સરખામણીનું જોર ઓછું પડે છે. દેશી મન અને વિદેશનાં ધન વચ્ચે અટવાતો ભારતની માટીનો માણસ સતત મથામણમાં રહે છે…પાછા જવું કે રહેવું ? દેશ કે ડૉલર ? સંતોષ કે સમૃદ્ધિ ? શિસ્ત કે શાંતી ? સ્થિરતા કે સ્વચ્છતા ? પરિવાર કે પરિવર્તન ? સતત ચાલ્યો કરતો આ સંધર્ષ એટલે માનસિક અખાડો, કે જ્યાં ચાલે છે વિચારોની મારામારી, તુક્કાઓની અફડાતફડી અને સંજોગોની અદલાબદલી. જેણે પરદેશની દુનિયામાં સર્જી છે એક એવી સૃષ્ટિ જ્યાં મિત્રતા, પ્રેમ, પરિવાર, સંબંધ, સંસ્કૃતિ, ધર્મ, માનવતા બધું જ છે, પણ બદલાયેલાં સમીકરણ અને વટલાયેલા સ્વરૂપે. જેના પાયામાં છે દેશી માણસનું વિદેશી માનસ….એટલે દેશી Vs ડૉલર.

પરદેશની દેશી જિંદગીમાં અત્યાર સુધી સમૃદ્ધિ, સગવડ અને જલસાનાં જ ઉલ્લેખો આવ્યા છે. જેણે દેશમાં બેઠેલાઓને સુખનાં સરનામાં તરીકે પરદેશનું નામ-ઠામ પકડાવી દીધું છે. આને બનાવટ કહેવી કે ઢાંકપીછોડી ? પરંતુ બધે જ હોય તેમ અહીંની જિંદગીમાં પણ સુખની સાથે દુ:ખ છે. તે પણ એવા કે ના કોઈને કહી શકાય કે ના રહી શકાય. ભારતમાં રોજનું કમાઈને રોજ ખાનારો માણસ પણ રાત પડે ગરમ રોટલા ભેગો થાય છે. અહીંનાં માણસ પાસે ખાધે ખુટે નહિ તેટલું છે પણ તાજુ-ગરમ ખાવા માટે તેણે વીકએન્ડ અથવા તો જમવાનું આમંત્રણ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે ! દેશમાં સપનાંની દુનિયા સમૃદ્ધ છે જ્યારે અહીં તો સપનાં જોવાનો પણ સમય નથી. કારણ અહીંની હકીકતો સપના જેટલી જ અઘરી હોય છે.

વિદ્યાર્થીને જોઈએ છે – ડીગ્રી, પરદેશનું નાગરિકત્વ, કાયમી નોકરી અને ના તૂટે તેવા લગ્ન. જ્યારે દંપતીને આશા છે – કહ્યું માને તેવા છોકરાં, પોતાનું ઘર કે જેનું મોરગેજ ભરવા માટે દંપતિ બંન્ને કમાઈ શકે તેમજ બાળકો સંભાળવા દેશમાંથી આવી શકે તેવું પરિવારજન. આમાનું બધું પરવારીને બેઠા હોય તેમને બીક છે વિલાયતી જમાઈ કે વહુની. તે પ્રકરણ પતી ગયું હોય તો જોઈએ છે, પૌત્ર-પૌત્રીને મોટા કરવાની જવાબદારીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ. આ બધું ક્રમશ ચાલ્યા જ કરે છે જેને કારણે ચેન, સલામતી અને આરામ અહીં એટલા મોંઘા છે કે મોટાભાગના માણસો ગરીબીની રેખા નીચે જીવતા જેવા જ લાગે. કોઈ સ્વીકારતું નથી એ એક અલગ વાત છે !

આપણાં દેશમાં ગરીબી, બેકારી, વસતી અને ભ્રષ્ટાચાર જેવાં વિકાસને રૂંધતા અમર પડકારો છે, આ જ પરિબળો અહીં પણ છે… જરા જુદી રીતે. ગરીબી અહીં પણ છે, આર્થિક નહીં પરંતુ માનસિક – જેમાં એક ભારતીયને જોઈને બીજા ભારતીયને હસવાનું પણ પોસાતું નથી. અહીં લોકો મનથી, વિચારોથી, વર્તનથી ગરીબ છે. કામ અને કમાણી કરનારા ઘણાં ખરાં બેકાર છે કારણ તેમની નોકરી તેમનાં ભણતર, આવડત કે અનુભવનાં ક્ષેત્રમાં નથી, જેથી લાયકાતથી માણસ બેકાર થતો જાય છે. બાળકો હોય તો પોતાની રીતભાત પ્રમાણેનો ઉછેર આપવાની ચિંતા. મા-બાપમાંથી એક ઘેર રહે તો બેન્ક બેલેન્સનાં ઉછેરમાં ઉણપ આવે, ચાઈલ્ડ કેરમાં મોકલે તો મોંઘુ પડે. બાળકો છે, પણ પારિવારીક જીવન બેન્ક બેલેન્સ અને ઘડિયાળનાં કાંટા પર નિર્ભર છે. આર્થિક ભ્રષ્ટાચાર કરવાની તક નથી પણ લાગણી અને સંવેદનામાં શક્ય તેટલી ભેળસેળ કરીને સંબંધો નિભાવાય છે, કારણ માણસ અને હૂંફ બે જ એવી બાબત છે જે ડૉલરથી નથી ખરીદી શકાતી.

દેશમાં આપણને એન.આર.આઈ કહે પણ શુદ્ધ ગુજરાતીમાં આપણી દશા ‘ધોબીનાં કુતરાં નહિ ઘરનાં કે નહિ ઘાટનાં’ જેવી છે. દેશીપણા પર પરદેશનો ગિલેટ ચડાવીને ફરનારા આપણે મોટા-મોટા દેશમાં રહેનારાં નાનાં-નાના માણસો. ડગલે ને પગલે હાંફી જનારા, થાકી જનારા અને ક્યારેક તો હારી જનારા, છતાં ડૉલરનાં મોહમાં દોડતા રહેનારાં. આ રઝળપાટમાં ક્ષણે-ક્ષણે બદલાતી આપણી માનસિકતા, વ્યક્તિત્વ અને જિંદગીનાં રંગરૂપની દાસ્તાન પરદેશની જિંદગીમાં પારદર્શકતા લાવવાના હેતુથી લખાઈ રહી છે. આપણી વચ્ચે થતી રહેતી વિચારોની લેવડ-દેવડ અને અનુભવથી પ્રેરિત આ લખાણમાં પ્રમાણિક રહેવાનો દાવો નહિ પણ પ્રયત્ન ચોક્કસ છે.