અપરાધ – જયંતિ એમ. દલાલ

મોરબીના શાહ સોદાગર ચાંપશીભાઈ ગડાએ બાપદાદાના ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ભુજમાં રહેતા એમનાં સગાવહાલાં, મિત્રો તેમજ શુભેચ્છકોએ ઉમળકાથી આવકાર્યા. 1979માં મોરબીના મચ્છુડેમમાં પૂર આવવાથી પોતાનું સર્વસ્વ હોમાઈ ગયું હોવાથી ચાંપશીભાઈ કુટુંબકબીલા સાથે ભુજમાં નસીબ અજમાવવા આવ્યા હતા. કોઈને એમના આગમનની ખબર ન્હોતી પડવા દીધી. ચાંપશીભાઈ ભુજની શાળામાં ભણ્યા હતા તો કૉલેજનું શિક્ષણ મોરબીમાં લીધું હતું. ગ્રેજ્યુએટ થઈને મોરબીમાં જ કેમીકલ્સના ધંધામાં પ્રવેશ કર્યો હતો. ધીરે ધીરે ધંધામાં એટલી બધી પ્રગતિ સાધી કે થોડા જ વર્ષોમાં ધનકુબેર થઈ ગયા. મોરબીમાં મોટા વગડા જેવું મકાન ખરીધું અને આસ્તે આસ્તે એમની આવડતને કારણે મોરબીના શાહ સોદાગરનું બિરુદ પામ્યા.

સંતાનોમાં મોટો દીકરો ધનંજય ખાસ ભણ્યો નહિ પણ એની આગવી કુનેહને કારણે ધંધામાં સ્થિર થઈ ગયો. જ્યારે બીજો દીકરો વિનોદ ભણવામાં હોંશિયાર નીકળ્યો અને કેમિકલ એન્જીનીયર થયો. શરૂઆતમાં અનુભવ લેવા બીજાની કંપનીમાં નોકરી કરી અને પછી બાપુજીની જોડે ધંધામાં લાગી ગયો.

વર્ષો વહેતા રહ્યા અને ધનંજયનાં લગ્ન સુશીલ, દેખાવડી, ગુણવંતી પલ્લવી સાથે ધામધૂમથી થયા ત્યારે નિકટના મોરબીવાસીઓએ આવું ભવ્ય લગ્ન વર્ષો લગી જોવા નહિ મળે, એવા સૂર કાઢ્વા માંડ્યા. આ લગ્નપ્રસંગને માણવા ચીમનલાલ માસ્તર ખાસ ભુજથી આવ્યા હતા.
‘અલ્યા, ચાંપશી, તારું આ ઘર તો જાણે રાજામહારાજાનો મહેલ હોય એવું લાગે છે. આટલું બધું ધન કેવી રીતે કમાયો ?’
‘તમારા જેવા ગુરૂના આશીર્વાદ અને ઈશ્વરની કૃપાનું ફળ હું સમજું છું. વધુમાં મારી પત્ની લક્ષ્મીના પગલાંને આવકારું છું. જ્યારથી મેં એમની સાથે લગ્ન કર્યાં છે ત્યારથી મારી જિંદગીમાં મેં ચડતી જ જોઈ છે. મારી ધર્મપત્નીને શુભ પગલાંની શુકનવંતી નારી સમજું છું.’
‘એક વાત કહું ?’ ચીમનલાલ માસ્તરે પૂછ્યું.
‘હા. કહો.’
‘માણસની જિંદગીમાં ચડતીપડતી તો આવવાની જ પણ ક્યારેય હતાશ થવાનું નહિ. કપરા કાળમાં હિંમતથી સામનો કરતા રહેવાનું. વધુમાં ઈશ્વરે અઢળક નાણાં આપ્યા છે, તો એનો સન્માર્ગે સદુપયોગ કરવા અવનવા રસ્તા વિચારવા.’
‘તમારી વાત સાચી છે, સર. હું તો એટલે સુધી માનું છું કે ખોબલે ખોબલે કમાયેલું મારું આ ધન ક્યારેક બીજાનું પણ થઈ શકે છે. હું જિંદગીમાં ક્યારેય નિરાશ નહિ થાઉં, એની તમને ખાત્રી આપું છું.’

લગ્ન માણીને ચીમનલાલ માસ્તર તો ભુજ ઉપડી ગયા પણ બીજા જ દિવસથી ચાંપશીભાઈએ સન્માર્ગે ધન વાપરવાના અનેક રસ્તા વિચારી લીધા.

પાંચેક વર્ષ બાદ 1978માં વિનોદનાં લગ્ન પણ ઠાઠમાઠથી થયા ત્યારે મોરબીવાસીઓએ મોંફાટ વખાણ કર્યા. દેખાવડી, હસમુખા સ્વભાવની અને નિખાલસ માધુરીએ વિનોદની જિંદગીમાં પ્રવેશ કર્યો અને આખા કુટુંબનો પ્રેમ જીતી લીધો. થોડાંક વર્ષોમાં ચાંપશીભાઈએ લોકો શાહ સોદાગર તરીકે ઓળખવા લાગ્યા. શાળા હોય કે હોસ્પિટલ, સમાજસેવાનું કાર્ય હોય કે ગરીબ પરિવાર માટે મદદરૂપ થવાનું હોય, ચાંપશીભાઈ હંમેશા અગ્રેસર રહેતા. મચ્છુ નદીની બાજુમાં આવેલા મહેલમાં એ સુખેથી, આનંદથી દિવસો વ્યતીત કરતા હતા. ત્રણ વર્ષની એકની એક દીકરી સંગીતાનો લાડકોડમાં ઉછેર થઈ રહ્યો હતો.

થોડા વખતમાં ધનંજ્યને ત્યાં દીકરાનો અને વિનોદને ત્યાં દીકરીનો જન્મ થતાં જ ચાંપશીભાઈને હૈયે દાદા બનવાનો હરખ માતો નહોતો. આ બધું પ્રભુની કૃપાનું ફળ એ સમજતા. હવે જિંદગીમાં લીલાલહેર હતી. બન્ને દીકરાઓએ ધંધામાં ધ્યાન આપવા માંડ્યું અને બાપુજીને નિવૃત થવા આગ્રહ કર્યો. આખી જિંદગી કાળી મજૂરી કરી હતી એટલે ઘેર આરામની જિંદગી જીવવાનું મન થાય નહિ એટલે ઑફિસમાં આવીને બેસતા પણ ધીરેધીરે સમય ઓછો ફાળવતા. વળી કેમીકલ્સની ફેક્ટરી પણ ઘરથી ખૂબ જ નજીકમાં હતી એટલે જવા આવવાની બહુ સુગમતા રહેતી.

વિચારોમાં ડૂબેલા હીંચકે બેઠેલા બાપુજીને જગાડતાં ધનંજ્ય બોલ્યો, ‘બાપુજી, હવે વિચારવાનું છોડી દો. તમારાં મન અને શરીર પર અવળી અસર પડશે.’
‘બેટા, હું જિંદગીમાં હતાશ થયો નથી ને થઈશ પણ નહિ. માત્ર સુખદુ:ખના ચક્રને સમજવા હું પ્રયત્ન કરું છું. કેટકેટલી સુખસાહ્યબીમાં આપણે જીવન જીવ્યા અને આજે રાતોરાત ગરીબ બની ગયા.’
‘જેવી ઈશ્વરની ઈચ્છા. તમે જ તો અમને શીખવ્યું છે કે સુખમાં છકી જવું નહિ અને દુ:ખમાં હિંમત હારવી નહિ. પછી તમે જ આમ નિરાશ થશો તો અમે ક્યાં જઈશું ? બાપુજી, તમે એટલું તો વિચારો કે લોકોની પેઢીઓની પેઢી તારાજ થઈ ગઈ છે, જ્યારે આપણું આખું કુટુંબ આજે સહીસલામત છે. મહેનત કરીશું એટલે ફરી એકવાર લક્ષ્મીદેવીની કૃપા આપણી પર થશે જ.’ નાનો સમજુ દીકરો વિનોદ જીવનની ફિલસૂફી રજુ કરતો હતો.
‘બીજું તો કંઈ નહિ પણ રહી રહીને મને એક વિચાર આવે છે, સંગીતાના હાથ પીળા કર્યા બાદ આ વણનોતરી આફત આવી હોત, તો કેટલું સારું થાત !’
‘થવાકાળ થઈ ગયું છે એટલે હિંમતથી મુકાબલો કરવાનું આપણે વિચારીએ મને ખાત્રી છે, ચોક્કસ એકવાર આપણે સુખસમૃદ્ધિમાં ફરીથી આળોટશું.’
વાતચીત ચાલતી હતી ત્યાં જ ચીમનલાલ માસ્તર આવી પહોંચ્યા. એંશીમાં પ્રવેશી ચૂકેલા ચીમનલાલ હજી પણ જાણે સાઠના લાગતા હતા. અંગેઅંગમાં સ્ફુર્તિ અને જોશ હતાં. ચીમનલાલને જોતાં જ ચાંપશીભાઈથી ઠૂંઠવો મૂકાઈ ગયો. રડવાનો ભાર હળવો ના થાય ત્યાં લગી ચાંપશીને રડવા દીધો. ધીરેધીરે કુટુંબીજનો માળ ઉતરીને નીચે ગયા. હવે ચીમનલાલ માસ્તર અને ચાંપશીભાઈ એકલા જ રહી ગયા.
‘ચાંપશી, આંખો લૂછી કાઢ અને સ્વસ્થ થા. તેં કરેલા સત્કર્મોની સુવાસ એટલી ફેલાવી છે કે ઈશ્વર રાજી થઈને તને બમણું આપશે. તેં ટેલીફોન દ્વારા જે મને સમાચાર આપ્યા, એ સાંભળીને હું ક્ષુબ્ધ થઈ ગયો હતો. હવે માંડીને વાત કર….’
ચાંપશીભાઈ થોડીવારમાં સ્વસ્થ થયા અને પોતાની વીતકકથા કહેવા માંડી.

‘મચ્છુડેમમાં પૂર આવ્યા એ દિવસે હું મોરબીમાં એકલો હતો. લક્ષ્મી, બન્ને દીકરાઓ – બન્ને પુત્રવધુઓ તેમજ સંગીતા દિલ્હી બાજુ ફરવા ગયા હતા. સિમલા, ડેલહાઉસી અને પછી વૈષ્ણવદેવીના દર્શન કરીને પાછા આવવાના હતા. રોજરોજ ટેલીફોન પર વાતચીત કરીને એકબીજાની ખબરઅંતર પૂછી લેતા. અઠવાડિયા પછી એ બધાં જમ્મુમાં હતા અને મોરબીના મચ્છુડેમમાં ભયંકર પૂર આવ્યું. મોરબી ગામ તણાવા લાગ્યું એ સમયે હું મોરબી ગામને છેવાડે રહેતા મારા મિત્રને મળવા ગયો હતો. ભયંકર પૂરના સમાચાર મળતાં જ હું મારા ઘર તરફ દોડતો આવ્યો. હું જોઈ રહ્યો, મારું વગડા જેવું ઘર અને વિરાટ ફેક્ટરી બન્ને ડૂબી ગયાં હતાં. ચારેબાજુથી કરુણ રૂદનનાં અવાજો સંભળાતા હતા. તાબડતોબ જમ્મુમાં મેં ધનંજય સાથે ફોનમાં ગમખ્વાર બનાવની વાત કરી. ત્રીજે દિવસે બધાં મોરબી પાછા ફર્યાં. હવે મોરબી સાથે લેણદેણ પૂરી થઈ હતી, એમ સમજીને મેં અહીં ભુજમાં આવી જવાનું નક્કી કર્યું.’

બોલતાં બોલતાં ચાંપશીભાઈનો કંઠ ભીનો થઈ ગયો. ચીમનલાલે સાંત્વના આપતાં કહ્યું ‘જીવનમાં આવું બનતું જ રહેશે પણ આપણે ક્યારેય હિંમત હારવાની નહિ.’

ત્યારબાદ ત્રણે જણાએ ભુજમાં ખભેખભા મિલાવીને કામ કરવા માંડ્યું. જે કંઈ બચત કરી હતી એમાંથી કેમિકલનો ધંધો શરૂ કર્યો. ઈશ્વરની દયાથી ફરી એકવાર લક્ષ્મીદેવીની કૃપા થઈ. ભુજના મકાનની કાયાપલટ થઈ ગઈ. ટાઢિયા ફળિયામાં ચાંપશીભાઈની હવેલીનું નામ જોરશોરથી ગાજવા લાગ્યું. ત્રણેક વર્ષમાં તો ચાંપશીભાઈનું કુટુંબ ફરી એકવાર સમૃદ્ધિમાં આળોટવા લાગ્યું.

સમય સરતો ગયો. એકવાર માધુરીના કાકાનો છોકરો ઉત્પલ ધંધાર્થે કંડલા આવ્યો હતો. માધુરીનો આગ્રહ થતાં ભુજમાં એ એને મળવા ગયો. સંગીતા માટે મુરતિયાની શોધખોળ ચાલુ હતી એ અરસામાં જ ઉત્પલ અહીં આવેલો. ચાંપશીભાઈ અને લક્ષ્મીબેનને છોકરો ખૂબ જ ગમી ગયો. બીજા જ અઠવાડિયે દિલ્હીથી ઉત્પલના પપ્પાનો ફોન આવ્યો અને સંગીતાના હાથની માગણી કરી. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. બીજા અઠવાડિયે લક્ષ્મીબેન વિનોદ અને સંગીતાને લઈને દિલ્હી ગયા. સંગીતા અને ઉત્પલે એકબીજા પર પસંદગીની મ્હોર મારી દીધી. ગોળધાણા ખાઈને સગાઈનું નક્કી કરીને લક્ષ્મીબેન ભુજમાં પાછા ફર્યા.

થોડા સમયમાં 26 મી જાન્યુઆરી, 2006નું લગ્નનું મૂહુર્ત નક્કી કરી નાખ્યું. ચાંપશીભાઈના ઘરમાં ખુશીઓની છોળો ઉડતી હતી. જરઝવેરાત સાડીઓની ખરીદી થતી ગઈ. ગડા કુટુંબમાં લગ્નપ્રસંગ ઘણા વર્ષો પછી ઉજવાઈ રહ્યો હતો.
એક રાતે ધનંજયે કહ્યું ‘બાપુજી, મેં અગાઉ ન્હોતું કહ્યું, ઈશ્વર આપણને સારા દિવસો આપશે જ અને સંગીતાનું લગ્ન ધામધૂમથી કરીશું.’
ચાંપશીભાઈ ધનંજયની વાત સાંભળીને ખુશ થયા. ધનંજય અને વિનોદના લગ્નની જેમ જ બાદશાહી લગ્ન આ વેળાએ ભુજમાં કરવા ચાંપશીભાઈ ઉત્સુક હતા. એકની એક દીકરી સંગીતાને સારું ઘર અને વર મળ્યાં હતાં, એનો એમના હૈયે આનંદ હતો. 26મી જાન્યુઆરી સવારના દિલ્હીથી જાન આવવાની હતી. જાનૈયાઓ માટે ઉતારાની વ્યવસ્થાની તેમજ ખાણીપીણીનો સરસ બંદોબસ્ત થઈ ચૂક્યો હતો. છેલ્લા એક મહિનાથી સંગીતાના લગ્ન માટેની તડામાર તૈયારીઓ ચાલુ હતી. ચાંપશીભાઈના ચહેરા પર અનોખો આનંદ વરતાતો હતો.

25મી જાન્યુઆરીની રાત્રે સંગીતના હાથોમાં મ્હેંદી મૂકી વાડીમાં ગરબાનો પ્રોગ્રામ મોડી રાત સુધી ચાલ્યો. નવાં નવાં વસ્ત્રપરિધાન કરીને આવેલી મહિલાઓ આનંદથી ગરબે ધૂમતી હતી. કુટુંબીજનો મોડી રાત્રે ચાંપશીભાઈની હવેલીએ પાછા ફર્યા. મધરાતે ચાંપશીભાઈએ બન્ને દીકરાને બાજુમાં બોલાવીને કહ્યું :
‘આવતી કાલે બપોરના ગાડીઓ લઈને ભુજ સ્ટેશને પહોંચી જજો અને ઉતારાના સ્થળે જાનૈયાઓને લઈ જજો. નાસ્તા-પાણીમાં ક્યાંય કમી ન રહી જાય, એનું ધ્યાન રાખજો.’
ત્યારબાદ બધાં છૂટાં પડ્યાં અને અલગ અલગ કમરામાં સૂવા ચાલી ગયાં. લક્ષ્મીએ ચાંપશીભાઈને કહ્યું :
‘હવે ચિંતા કર્યા વિના આરામથી ઊંઘી જજો. તબિયત ના બગડે, એનું ધ્યાન રાખજો.’
‘સવારના રોજ ફરવા જવાની આદત કેળવી છે એટલે મને સારું રહે છે.’
‘આવતીકાલે સાંજના લગ્ન છે એટલે આખો દિવસ દોડધામ રહેશે માટે સવારના ફરવા જશો નહિં, અને આરામથી ઊંઘ પૂરી કરજો.’

‘જોઈશ.’ ચાંપશીભાઈએ ટૂંકોટચ જવાબ આપ્યો અને પછી પથારીમાં ઝંપલાવ્યું. ભૂતકાળના દિવસોની યાદ એમના રૂંવેરૂંવામાં પ્રસરતી ગઈ. એમની જિંદગીમાં ગતિમાન થયેલા સુખદુ:ખના ચક્રને વાગોળવા લાગ્યા. અર્ધઘેનમાં કલાકેક માંડ આડે પડખે થયા. રોજની આદત મુજબ પરોઢિયે આંખો ખૂલી ગઈ. ઊંઘ નહિ જ આવે એવું લાગતાં પરોઢિયે રોજની જેમ ફરવા નીકળી પડ્યા.

માંડ થોડું ચાલ્યા હશે ત્યાં જ જાણે ધરતી ધણધણી ઉઠી, ધરતી સરકતી હોય એવો આભાસ થયો. હવે વધુ વિચારે એ પહેલાં જ મકાનોનો ઢગલો ખડકાતો ગયો. ઘરો અને દુકાનો પત્તાનાં મહેલની જેમ તૂટી પડ્યા. લોકોની દર્દભરી, પીડાકારી ચીસો હવાને વીંધીને સંભળાવા લાગી. ચાંપશીભાઈના પગ ઘડીભર થંભી ગયા. ક્ષણભરમાં સામે અડીખમ ઊભેલું ચારમાળનું મકાન કકડભૂસ કરતાં તૂટી પડ્યું. ભયાનક, દર્દભરી ચીસોથી વાતાવરણ ક્ષુબ્ધ થઈ ગયું. ચાંપશીભાઈને હવેલી અને કુટુંબીજનો યાદ આવ્યા. એમણે ઘર તરફ મુઠ્ઠી વાળીને દોટ મૂકી, દૂરથી જોયું, હવેલી આખી તૂટી પડી હતી. ધરતીકંપનો તીવ્રતમ આંચકો આખા ભુજને ધ્રૂજાવી ગયો હતો. નવા રૂપરંગમાં સજાવેલી હવેલી જમીનદોસ્ત થઈ ગઈ હતી.

હવેલી નજીક આવતાં જ પગ થાકી ગયા. ઉજાસ થતાં જ કાટમાળમાં ફસાઈ ગયેલા માણસોને બચાવવાનું કાર્ય તીવ્ર ઝડપે હાજર રહેલા લોકો કરવા લાગ્યા. મૂઢ થઈ ગયેલા ચાંપશીભાઈએ જોયું તો એમની આખી દુનિયા ઉજડી ચૂકી હતી. બન્ને દીકરાઓ, પુત્રવધુઓ, બાળકો અને લક્ષ્મીની લાશો એમની નજર સામેથી ખસતી નહોતી. કુદરતે કેવો મોટો ફટકો માર્યો હતો ! અચાનક જ બે ભાઈઓએ કાટમાળમાંથી મહેંદી રંગેલા હાથોવાળી સંગીતાની લાશને બહાર કાઢી. આ જોતાં જ ચાંપશીભાઈની આંખોમાંથી ચોધાર આંસું વહેવા લાગ્યા.
‘હે ઈશ્વર, તેં મને કેટલી મોટી સજા ફટકારી છે, એ મારું જ મન જાણે છે. હવે હું એકલો કેમ કરીને જીવીશ ?’

આજુબાજુમાં ઉભેલા શુભેચ્છકો પણ આક્રંદ કરતા હતા. કોઈએ બહેન ગુમાવી હતી તો કોઈએ બાપ ગુમાવ્યો હતો, કોઈએ પત્ની ગુમાવી હતી તો કોઈએ ભાઈ ગુમાવ્યો હતો. કોરીધાક આંખોમાંથી જાણે કોઈએ ધગધગતા સોયા નાખ્યા હોય એવી કાળી બળતરા ચાંપશીભાઈના રોમેરોમમાં થતી હતી.
કલાકેક વીત્યો હશે અને ગુલામ હુસેન એની ચાર પૈંડાવાલી હાથગાડી લઈને આવ્યો. એની સાથે બીજા ચારપાંચ જણા ચાંપશીભાઈની આસપાસ વીંટળાઈ વળ્યા. ‘શેઠ સાહેબ, બનવાકાળ બની ગયું છે. હવે આ બધી લાશોને દૂરના કમ્પાઉન્ડમાં અગ્નિદાહ આપી દઈએ તો સારું.’ કચ્છીમાડુ વિપુલ શાહે ચાંપશીભાઈના ખભે હાથ મૂકતાં કહ્યું ‘આ તો હળાહળ કળજુગ આવ્યો અને એટલે જ કુદરતનો કાળો કોપ ઉતરી આવ્યો.’
ચાંપશીભાઈ કંઈ જવાબ ના આપ્યો એટલે વિપુલ શાહ થોડેક દૂર જઈને ઊભા રહ્યા. એટલામાં જ ચીમનલાલ માસ્તર આવી પહોંચ્યા. ચીમનલાલને જોતાં જ ચાંપશીભાઈ ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યા. થોડીવારમાં ચીમનલાલે સાંત્વનના શબ્દો બોલીને ચાંપશીભાઈને શાંત પાડ્યા અને ત્યાં ઉભેલા સૌને ઉદ્દેશીને કહ્યું
‘સામેના મેદાનમાં બધી લાશોને લઈ જાવ, ત્યાં સામુહિક અગ્નિદાહ દેવાશે. ગુલામ હુસેન, તુ અને તારો ભેરુ રસૂલ હાથગાડી લઈ આવો અને પછી ધીરે ધીરે આ બધી લાશોને સામેના મેદાનમાં મૂકી આવો.’ થોડી જ વારમાં ગુલામ અને રસૂલ હાથગાડીઓ લઈને આવી પહોંચ્યા. અચાનક જ વિપુલા શાહે, ચાંપશીભાઈની નજીક જઈને કહ્યું :
‘શેઠ સાહેબ, મહિલાઓના ગળામાં, કાનમાં અને હાથ પર અસંખ્ય આભૂષણો છે. એ બધાં આભૂષણો ઉતરાવી દો એટલે લાશોને આગળ મોકલીએ.’
ચાંપશીભાઈ વિપુલથી વાતોથી ધ્રૂજી ગયા. ઘડીભર ખામોશી વર્તાઈ અને પછી દઢતાથી ચીસ પાડી ઉઠયા.
‘ખબરદાર, એક પણ આભૂષણ કોઈપણ મહિલાના અંગ પરથી અલગ કર્યું છે તો. લાશની સાથે જ આભૂષણોને જલાવી દો.’

ચાંપશીભાઈનું આ બેહુંદું વર્તન ચીમનલાલ માસ્તર સમજી શક્યા નહિ. ધીરે ધીરે એકએક કરીને બધી લાશો સામેના મેદાનમાં ખડકાઈ ગઈ. ભસ્મીભૂત થઈ ગયેલી હવેલી પર નજર કરીને ચીમનલાલ માસ્તરના કહેવાથી ચાંપશીભાઈએ મેદાન તરફ ચાલવા માંડ્યું.
‘સાહેબ, એક વાત મને યાદ આવે છે. કર્મોનું ફળ સારુંનરસું આપણને અહીં જ મળતું હોય છે. આમ ના હોત તો મચ્છુડેમના પૂર વેળાએ મારાં બધાં કુટુંબીજનો જીવિત રહ્યાં જ્યારે ભુજના આ ધરતીકંપ વેળાએ મારાં બધાં કુટુંબીજનોએ જીવતે જીવ સમાધિ લીધી અને અભાગી એવો હું જીવતો રહી ગયો.’
‘ચાંપશી, સ્વસ્થ થા. જિંદગીમાં સુખ છે તો દુ:ખ પણ છે.’
‘પણ મારે કારણે મારા નિર્દોષ કુટુંબીજનો હોમાઈ ગયા, એનું મને ભારે દુ:ખ છે.’
‘તારે કારણે ?’
‘હા, સર.’
‘કંઈ સમજાય એવી વાત કર, ચાંપશી.’
‘અહીં ભુજ આવીને જે મેં વીતકકથા કહી હતી એમાંની એક વાત મેં જાણીજોઈને તમારાથી છુપાવી રાખી, કેમકે ત્યારે હું પ્રતિષ્ઠાનો પૂજારી હતો. આજે સાચે જ મને લાગે છે, મેં જિંદગીમાં મોટો અપરાધ કર્યો છે. અને એટલે જ મારી નજર સામે મારા કુટુંબીજનો છીનવાઈ ગયાં.’
‘તેં કઈ વાત છૂપાવી હતી ?’
‘કહું છું, સર. તમને આ વાત નહિ કહું તો મારા દિલ પરનો ભાર ક્યારેય હળવો નહિ થાય.’

વિપુલ અને બીજા સાથીદારો ચાંપશીભાઈની નજીક આવ્યા. ચાંપશીભાઈએ સળગતું લાકડું હાથમાં લીધું અને સામૂહિક અગ્નિદાહ દીધો. થોડી જ વારમાં આગના ભડકે ભડકા ઉડવા લાગ્યા. દૂર એક ઝાડ નીચે જઈને ચાંપશીભાઈ અને ચીમનલાલ માસ્તર બેઠા. કુટુંબીજનોની લાશો એકસાથે ભડકે બળતી હતી, ત્યારે ચાંપશીભાઈના હૈયે ડૂમો બાઝ્યો હતો. ચાંપશીભાઈએ ધીરેથી ચીમનલાલ સામે જોઈને વાત શરૂ કરી.

‘મોરબીના પૂર વેળાએ સાંજના હું એક કાંઠે ઊભો હતો ત્યારે લાશોના ઢગલે ઢગલા ખડક્યા હતા. ફેક્ટરી અને મારા મકાનને તારાજ થયેલા જોતા હું સુધબુધ ગુમાવી બેઠો હતો. કરોડપતિમાંથી રોડપતિ બની ગયેલા મારા દિલમાં એકવાત સમજાતી નહોતી કે હવે પછી મારાં કુટુંબીજનોનું ભરણપોષણ શી રીતે કરીશ ! અને અચાનક જ મારા અવળચંડા મને બુદ્ધિને પડકાર ફેંક્યો અને ન કરવા જેવું વર્તન આદરી બેઠો.’

બોલીને ચાંપશીભાઈ ઘડીભર ચૂપ થઈ ગયા, પછી ગળું ખંખેરીને આગળ બોલ્યા…

‘ઘણી મહિલાઓના હાથમાં કાનમાં અને ગળામાં સોનાની બંગડીઓ, સોનાની બુટ્ટીઓ અને સોનાના હાર ચમકતાં હતાં. એક ખરાબ ક્ષણે મેં લાશો પરથી બધાં આભૂષણો ઉતારી દીધાં. આજુબાજુમાંથી કોઈ જોતું નથી, એનું ધ્યાન રાખીને પછી હું ઢગલો આભુષણો લઈને ભાગી ગયો. અહીં ભુજ આવ્યો અને કેમીકલ્સના ધંધામાં દિનોદિન પ્રગતિ કરતો ગયો, અને ઘરની મહિલાઓને અંધારામાં રાખીને એ ચોરેલાં આભુષણો એમનાં અંગ પર પહેરાવતો રહ્યો. આજે કુદરતે મારા કાળા કરતૂતોની કાળી સજા આપી છે. આજે લાશો સાથે એ આભુષણો પણ મારી નજર સામેથી અદશ્ય થતાં હું મારી જિંદગીમાં હવે થોડી હળવાશ અનુભવું છું.

વાત સાંભળીને ચીમનલાલ માસ્તરને સખત આઘાત લાગ્યો.

પ્રગટી રહેલી ચિતામાંથી ઉડતા આગના ભડકા હવે શમી ગયા હતા. ચાંપશીભાઈના હૈયે હવે શાતા હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તું પ્રેમ છું – નટવર મહેતા
સાંબેલું, સૂપડું અને સૂંડલા – ભગીરથ બ્રહ્મભટ્ટ Next »   

21 પ્રતિભાવો : અપરાધ – જયંતિ એમ. દલાલ

 1. કર્મ ની ગતિ ન્યારી.

 2. pankaj patel says:

  Nice article

 3. Keyur Patel says:

  Is this a fact or fiction? Because sometimes fact is stranger than fiction.

  Karya vagar kai maltu nathi to same karelu phogat jatu nathi.

 4. devi says:

  swarg ahi ane nark pan ahi

 5. Amol Patel says:

  pLEASE LET US
  kNOW IF IT’S REAL STORY OF FICTION?
  aMOL….

 6. Ami Vyas says:

  is it a real story?

 7. dhaval Raithattha says:

  This story is not a story but this is a real life.

 8. Raj says:

  આ લેખ વાચી ને અમદાવાદ મા થયેલો વિમાન અક્સમાત યાદ આવિ ગયો , જ્યારે કેટલાય લોકો લાશો ઉપર થિ ઘરેણા અને સામાન નિ ચોરિ કરિ ને લૈ ગયા હતા.

  આને માણસ નિ નીચ વ્રુતી કહિશુ કે માણસ ની મજબુરી જે પોતાનુ અસ્તીત્વ ટકાવી રાખવા માટે કોઇ પણ હદ સુધિ જૈ સકે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.