ચરણરજ સંગ્રહ સ્થાન – ડૉ. થૉમસ પરમાર

[વિનોદકથા]

તમે પ્રાચીન ચીજ-વસ્તુઓના કે કોઈ ખાસ વિષયને લગતાં સંગ્રહસ્થાનો એટલે કે મ્યૂઝીયમો જોયાં હશે. આજે મારે તમને એક વિશિષ્ટ પ્રકારના સંગ્રહસ્થાનની – ચરણરજ સંગ્રહસ્થાનની – વાત કરવી છે. ચરણ-રજનો અર્થ પગની ધૂળ એમ કહેવાની જરૂર જોતો નથી. પગની ધૂળનું સંગ્રહસ્થાન હોય ખરું ? હા, ઘેરઘેર આવું સંગ્રહસ્થાન જોવા મળે છે. હજુ તમને આ સંગ્રહસ્થાનનો ખ્યાલ નહીં આવ્યો હોય. ચાલો, ત્યારે સ્પષ્ટતા કરી દઉં.

ચરણ-રજ સંગ્રહસ્થાન એટલે પગ-લૂછણિયું. લગભગ દરેક ઘરના બારણે પગલૂછણિયું જોવા મળે છે. ઘરનાં સભ્યો, મહેમાનો કે મુલાકાતીઓ ઘરમાં દાખલ થાય એ પહેલાં લૂછણિયા પર પગ સાફ કરીને પ્રવેશે છે. આમ કરવાથી પગની ધૂળ-રજનો લૂછણિયામાં સંગ્રહ થાય છે. એ દષ્ટિએ પગ લૂછણિયાને ચરણ-રજ સંગ્રહસ્થાન તરીકે ઓળખીયે તો કશું ખોટું નથી.

લૂછણિયું પગની ધૂળ, કચરો કે ગંદકીને પોતાનામાં સમાવી લે છે. ઘરની અંદરની સ્વચ્છતા જાળવવા પચાસ ટકા જેટલો હિસ્સો આવાં લૂછણિયાંનો છે. સાવરણી (કે વૅક્યૂમ કલીનર) અને પોતાં વડે ઘર સ્વચ્છ કરવામાં આવે છે, પરંતુ આ સ્વચ્છતા લાંબા સમય સુધી જળવાઈ રહે તેનું ધ્યાન લૂછણિયું રાખે છે. જો ઘર આગળ લૂછણિયું ન હોય તો ? તો ઘર ગમે તેટલું વાળીએ કે પોતાં કરીએ પણ લોકો સીધા જ ઘરમાં આવે અને ઘર તરત જ ગંદુ થઈ જાય. આમ, લૂછણિયું સાવરણી અને પોતાનો શ્રમ બચાવે છે. આ રીતે લૂછણિયાની સેવા અમૂલ્ય છે. ઘરની સફાઈમાં કામ લાગતાં સાધનો જેવાં કે સાવરણી, પોતું અને ઝાપટિયાંને ઘરની અંદર પ્રવેશ અને સ્થાન મળે છે, જ્યારે લૂછણિયું ઘરની સ્વચ્છતામાં આટલી મોટી સેવા આપતું હોવા છતાં તેને બિચારાને ઘરની બહાર જ રાખવામાં આવે છે. લૂછણિયા પ્રત્યેની આ આપણી નઘરોળતા છે. ઘરમાં પાળેલ કૂતરો કે બિલાડી ઘરના ખૂણામાં અથવા ક્યારેક તો સોફા પર લહેરથી બેઠાં હોય. પણ આ સેવાભાવી લૂછણિયાને ક્યારેય ગૃહપ્રવેશ કરવા દેવામાં આવતો નથી. જાણે કે એના માટે તો લક્ષ્મણરેખા દોરી દેવામાં આવી છે !

લૂછણિયા પર ક્યારેક જોડેલા બે હાથની આકૃતિ હોય અથવા ક્યારેક વૅલકમ – ભલે પધાર્યા – એવું લખેલું હોય છે. આ રીતે લૂછણિયું આવનારને આવકારે છે, ભલે ઘરે તાળું લટકતું હોય, છતાં ઘરના માલિકની ગેરહાજરીમાં પણ લૂછણિયું આવનારને આવકારે છે. ઘરમાં આપણે ન હોઈએ ત્યારે લૂછણિયું આપણા વતી આવનારને આવકારવાની જવાબદારી નિભાવે છે. બે હાથ જોડીને આપણને આવકારતું હોય તેમ છતાં તેની પર પગ મૂકીને તેની સાથે આપણે અસભ્ય વર્તાવ કરતાં હોય એવું નથી લાગતું ? જો કે, લૂછણિયા પર ‘યુઝ મી’ – મારો ઉપયોગ કરો – એવું લખાણ હોય ત્યારે તેની પર પગ મૂકવા એ અસભ્ય વર્તાવ ન ગણાય, કારણ કે એ લખાણ દ્વારા લૂછણિયું પોતે જ તેની પર પગ મૂકવાનું સૂચન કરે છે.

લૂછણિયું ઘરની સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ છે તે નિર્વિવાદ છે, પરંતુ લૂછણિયાને પણ સ્વચ્છ તો રાખવું જ પડે. તેની સ્વચ્છતાની જવાબદારી ઘરની સફાઈ કરનારની છે. તે લૂછણિયાને હાથમાં પકડી ઝાટકીને તેમાંથી ધૂળ એટલે કે ચરણ-રજ ખંખેરી નાંખે છે અને લૂછણિયું સ્વચ્છ થાય છે. આથી લૂછણિયું આવી વ્યક્તિનું અહેસાનમંદ છે. ઘરનાં સભ્યો અને બહારથી આવનારા બધાં જ લૂછણિયાને તેમના પગ દ્વારા ગંદુ કરે છે. પ્રાચીન કાળમાં ઘરની આગળ લૂછણિયું રાખવાની પ્રથા હશે કે કેમ તે સંશોધનનો મુદ્દો છે. પરંતુ એ પ્રથા હતી એમ માની લઈએ તો કહી શકાય કે લૂછણિયા પર નૃસિંહ ભગવાનની અને રાવણની ચરણ-રજ અવશ્ય પડી જ હશે. નૃસિંહ ભગવાને બારણાના ઉંબરા પર બેસીને હિરણ્યકશિપુને પોતાના નખ વડે ચીરી નાખ્યો હતો. આથી સ્વાભાવિક છે કે નૃસિંહજી ભગવાન ઉંબરા પર બેઠા હશે ત્યારે તેમના પગ લૂછણિયા પર હશે અને તેમની ચરણ-રજ લૂછણિયા પર પડી જ હશે. તેવી જ રીતે રાવણ જ્યારે સીતા પાસે ભિક્ષા માગવા ગયો ત્યારે લક્ષમણરેખાને ઓળંગ્યા વિના ઘરની બહાર ઊભા રહીને રાવણે ભિક્ષા માગી હતી. આથી માની શકાય કે રાવણે લૂછણિયા પર ઊભા રહીને જ ભિક્ષા માગી હતી. તેથી લૂછણિયા પર રાવણની ચરણ-રજ પડી જ હશે.

ઘરનું બારણું બંધ કરીને આપણે સૂતાં હોઈએ ત્યારે ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં ફલૅટ કે સોસાયટીનું કૂતરું લૂછણિયાનો ઉપયોગ પોતાના બેડરૂમ તરીકે કરે છે અને નિરાંતે સૂઈ જાય છે. લૂછણિયાની આ જીવદયાની ભાવના બિરદાવવા જેવી છે. રાત્રે કૂતરું લૂછણિયા પર સૂતું હોય તો આપણને ફાયદો જ છે. બારણાં આગળ સૂતેલા કૂતરાને જોતાં ચોર ઘરમાં આવવાની હિંમત કરતો નથી. આમ, પરોક્ષ રીતે લૂછણિયું ચોરને આવતો અટકાવે છે. ચોરી અટકે તો પોલીસનું કામ પણ ઓછું થાય. ચોરી અટકાવવા પોલીસ તંત્રે આ સૂત્રનો પ્રચાર કરવા જેવો છે ‘લૂછણિયું રાખો અને ચોરને ભગાડો’ અથવા તો પોલીસ તંત્રે પોતાની તરફથી ઘેર ઘેર લૂછણિયાં વિનામૂલ્યે આપવાં જોઈએ. કહેવત છે કે ‘પુત્રનાં લક્ષણ પારણેથી અને વહુનાં લક્ષણ બારણેથી.’ આ જ રીતે કહી શકાય કે ‘ઘરમાં આવનારનાં લક્ષણ લૂછણિયેથી’ આવનાર વ્યક્તિ સારા કે ગંદા રસ્તેથી આવી છે તેની ચાડી લૂછણિયું ખાય છે. આવનાર વ્યક્તિ ગંદા રસ્તેથી આવી હશે તો લૂછણિયું પણ ગંદુ થશે જ. શું સ્વર્ગ કે નરકના પ્રવેશ-દ્વાર આગળ લૂછણિયું હશે ખરું ? નરકના પ્રવેશ આગળ લૂછણિયું ન હોય તો ચાલે પણ સ્વર્ગના પ્રવેશ આગળ તો લૂછણિયું અવશ્ય હોવું જ જોઈએ, નહીં તો સ્વર્ગ ગંદું થઈ જાય. બીજું કે આપણને જો સ્વર્ગમાં જવાનું મળે તો લૂછણિયામાં આપણી અને ભગવાનની ચરણ-રજ અડોઅડ સમાઈ જાય. કેવું સદભાગ્ય ! હે પગલૂછણિયા, આવું સદભાગ્ય તું મને આપજે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજાણ્યા સરનામા – શ્રેયા સંધવી શાહ
ઘર – મનસુખ સલ્લા Next »   

7 પ્રતિભાવો : ચરણરજ સંગ્રહ સ્થાન – ડૉ. થૉમસ પરમાર

  1. ઘરમાં આવનારનાં લક્ષણ લૂછણિયેથી 🙂

    પગ લૂછણિયા ની વાતો તો ભાઇ અજગ ગજબ !!!

  2. deval says:

    Amazing!!!!!
    you are able to find subject from anyware.
    Congrates,

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.