ઘર – મનસુખ સલ્લા

ઊભા રહીને થાકી જવાયું. પગ ગળતા હોય તેવી કળતર થવા માંડી. સુધાંશુએ દરવાજાના સળિયાનો ટેકો લીધો. બંને બાજુના રસ્તા ઉપર આંખ ખેંચીને જોવાય ત્યાં સુધી દૂર જોઈ લીધું. એકાએક તેનું હૈયું આંખમાં આવી ગયું – એ, બ્રિન્દા જ છે ! એ જ બૉબ્ડ હેર, ગુલાબી ડ્રેસ, એ જ સોટા જેવો સીધો દેહ, ગર્વથી ઊંચું માથું. બ્રિન્દા જ છે. આંખમાં જાણે પતંગિયાં ઊડવા લાગ્યાં. રસ્તા ઉપરની બધી કન્યાઓ બ્રિન્દા લાગવા માંડી. તેણે આંખો બંધ કરી દીધી, રખેને આ દશ્ય ભૂંસાઈ જાય ! રહેવાયું નહિ તેથી બ્રિન્દાને જોવા માટે આંખ ઉઘાડી નાખી. સાઈકલ ઉપર આવતી કન્યા નજીક આવી ગઈ હતી. બધું જ બ્રિન્દા જેવું હતું, પણ તે બ્રિન્દા નહોતી. બીજી કોઈ કન્યા હતી.

તમ્મર આવી ગયા હોય ને ભોંય પર પછડાયો હોય તેમ તેણે દરવાજાનો સળિયો પકડી લીધો. આંગળીઓ ધ્રૂજતી હતી. પીઠ કળતી હતી. તેને લાગ્યું કે હવે ઊભા નહિ રહેવાય. સુધાંશું પુસ્તકાલયના મેદાનની અંદરના ભાગે ગોઠવેલા બાંકડે જઈને બેઠો. થાક તો એવો લાગ્યો હતો કે ત્યાં જ સૂઈ જવાનું મન થયું. પરંતુ ધોળે દિવસે આટલાં બધાંની અવરજવર વચ્ચે બાંકડા ઉપર થોડું સુવાય ? રસ્તા ઉપર આવતી-જતી તમામ કન્યાઓ તેણે જોઈ હતી. કોઈના વાળ, કોઈનું માથું ટટાર રાખવાની ટેવ, કોઈની હસવાની રીત ધારીધારીને જોઈને બ્રિન્દા સાથે સરખાવી હતી. એકાદ અંશના સામ્યથી ઘડીક સુખ મળતું, પરંતુ એ તો દુ:ખને ધાર કાઢવાનું કામ કરતું.

પોતે આજે વહેલો આવી ગયો. બ્રિન્દા તો એના સમયે જ નીકળે ને ? એને થોડી ખબર હોય કે વહેલો આવીને હું રાહ જોતો હોઈશ ? તેણે જાતને સમજાવીને શાંત પાડી. બાંકડા પર પીઠ ટેકવીને આંખો બંધ કરી ત્યાં તો ચારે બાજુથી દશ્યો આંખ સામે કૂદાકૂદ કરવા લાગ્યાં.

બ્રિન્દાના જન્મ પછી તેને ખોળામાં લઈને તેના માખણ જેવા મુલાયમ હાથ ઉપર પોતાનો હાથ ફેરવતાં હૈયામાં સુંવાળી પીંછીં ફરતી હોય તેમ બધું મખમલી લાગ્યું હતું. એ અનુભૂતિ આજ અઢાર વર્ષ પછીય એવી ને એવી તાજી હતી ! ત્યાં તો ફિલ્મના દશ્યની જેમ બીજું દશ્ય કૂદીને આગળ આવ્યું. નિર્મળા મનમાં આવે તેમ બોલ્યે જતી હતી. કોઈ માણસના વેણમાં આટલું ઝેર કેવી રીતે હોતું હશે ? પોતે મૂંગા પશુની જેમ ડોક નમાવીને બેઠો હતો. બ્રિન્દા ડૂસકાં ભરતી હતી. થયું કે ઊઠીને બ્રિન્દાને તેડીને ખોળામાં બેસાડીને માથે હાથ ફેરવે. તે ઊઠવા ગયો ત્યાં નિર્મળા ગરજી ઊઠી, ‘બસ, બસ. દેખાડો કરવાની જરૂર નથી. ખબર છે તમારી લાગણીની. હાથ ન અડાડતા બ્રિન્દાને. બાપ તરીકેની કોઈ લાયકાત છે ખરી તમારામાં ?’ પોતે ખેતરના ચાડિયાની જેમ ઊભો રહી ગયો હતો, જીવતો ચાડિયો !

ત્રીજું દશ્ય આગળનાં દશ્યોને ધક્કો મારીને આગળ ધસી આવ્યું. વકીલની ચૅમ્બર. બાજુમાં ભાઈ-ભાભી-બા બેઠાં હતાં. નિર્મળાના વકીલે મળવાનું ગોઠવ્યું હતું. નિર્મળા તેના ભાઈ સાથે બેઠી હતી. નિર્મળાનો વકીલ સુધાંશુને નિર્મળા ઉપર કેવો કેવો ત્રાસ ગુજાર્યો હતો તેનું વર્ણન વાંચતો જતો હતો. વેણેવેણે તેના ટુકડા થતા જતા હતા. આટલું જૂઠ ? આટલી હલકી કક્ષાએ ઊતરવાનું ? તેણે નિર્મળા સામે જોયું. તેના ચહેરા પર મલકાટ હતો. સુધાંશુને થયું કે કાચના તૂટેલા વાસણને સાંધીનેય શું ? સમાધાનના બધા રસ્તા કપાઈ ગયા હતા. તે ઊભો થઈ ગયો. મહામહેનતે બોલ્યો, ‘નિર્મળાના બધા આક્ષેપો સાચા છે. મારે કાંઈ કહેવાનું નથી. ક્યાં સહી કરી આપું ?’ વકીલે શરતો સાંભળવા કહ્યું, પણ તેણે વકીલે મૂકેલી આંગળીએ સહી કરી આપી. ભાભી અને બાએ રસ્તામાં વારંવાર કહ્યું હતું ‘શરતો કઈ છે એ તો જાણવું હતું.’ તેણે એકેય વાતનો જવાબ આપ્યો નહોતો.

સુધાંશુની આંખ ખૂલી ગઈ. ધડિયાળમાં જોયું તો બ્રિન્દાનો આવવાનો વખત થઈ ગયો હતો. તે ફરી દરવાજે જઈને ઊભો રહી ગયો. કોર્ટે છૂટાછેડા આપ્યા તેમાં મહિને એક દિવસ બ્રિન્દાને મળવાની છૂટ હતી. પરંતુ મળવા માટે પહેલી વાર ગયો ત્યારે નિર્મળાએ જીભથી તેને ઊભો વાઢી નાખ્યો હતો. લોહીલુહાણ થઈ ગયો હોય તેમ બહાર આવીને મળી તે રિક્ષામાં બેસી ગયો હતો. સારા હોવું તે જ શું નબળાઈ હતી પોતાની ? ભાઈ-ભાભીથી અલગ થવું, નિત્યનો કંકાસ, બ્રિન્દાને પડતો માર, છૂટાછેડા, માગ્યું તે બધુંય આપ્યું, પછી એક દિવસ મળવા દેવામાંય તેને વાંકું પડ્યું ? એ ઘર સાથેના તાર કપાઈ ગયા, પણ બ્રિન્દા સાથેના ન કપાયા. બ્રિન્દાને જોયા વિના જીવી શકાય તેમ નહોતું. એટલે પુસ્તકાલયના દરવાજે ઊભા રહીને પ્રતીક્ષા કરવી, બ્રિન્દા સાઈકલ ઉપર આવે, સહેજ હસે, હાથ ઊંચો કરે તેમાં સુધાંશુંને બધું સુખ મળી જતું. પ્રારંભમાં તો ઊભી રહીને વાત પણ કરતી. પરંતુ એક વાર જાણે ભોંયમાંથી ફૂટી નીકળી હોય તેમ નિર્મળા સામે આવી ગઈ હતી. તોપના ગોળા જેવા તેના શબ્દો કરતાંય બરછી જેવી તેની આંખોએ બાપ-બેટીને પગથી માથા સુધી વાઢી નાખ્યા હતા. બ્રિન્દાને ઢસડતી હોય તેમ ખેંચીને લઈ ગઈ હતી. પછી તો બા પણ મૃત્યુ પામ્યાં. ઘરમાં પોતે એકલો જ હતો. તેની વાત ન થાય તો પણ બ્રિન્દાને જોયા વિના તેનાથી રહેવાતું નહિ. આ એવી જગ્યા હતી જ્યાંથી બેમાંથી કોઈ પણ રસ્તે આવતી બ્રિન્દા દેખાઈ શકે. આ છ વર્ષમાં ખાસ વાત થઈ નથી. પણ બાપ-દીકરી વચ્ચે જાણે છૂપી સમજૂતી થઈ ગઈ હોય તેમ સુધાંશુને જોતાં બ્રિન્દા સાઈકલ ધીમી પાડી દેતી. ધીમી ગતિની રેસમાં ઊતરી હોય તેમ સાવ પાસે આવે ત્યારે હસતી. ઘણું તો આંખથી કહેતી ને ચાલી જતી. આમ સાઈકલ ચલાવતાં એક વાર તે બાઈકવાળા સાથે અથડાઈ પડી હતી. સુધાંશું તેની પાસે દોડીને પહોંચી ગયો હતો. ત્યાં સુધીમાં બ્રિન્દા ઊભી થઈ ગઈ હતી. બંનેને ઘણું બોલવું હતું. ભલામણ કરવી હતી, પરંતુ શબ્દો મોંની બહાર આવતા ન હતા. આંખોથી બોલાતું હતું તે બંને સમજતાં હતાં. એકાદ મિનિટ આમ જ ઊભાં રહ્યાં પછી આખરે બ્રિન્દા બોલી, ‘જાઉં હવે, પપ્પા !’ તે સાઈકલ ઉપર બેસીને ચાલી ગઈ હતી. પપ્પા શબ્દ સાંભળીને સુધાંશુંને રૂંવાડેરૂવાંડે દીવા થઈ ગયા હતા. આ સુખ પચાવવું અઘરું લાગ્યું હતું; કારણકે નિર્મળાએ તેને ‘પપ્પા’ કહેવાની મનાઈ ફરમાવી હતી. નામ દઈને જ બોલાવવાના.

પણ આજે બ્રિન્દાને આટલું મોડું કેમ થયું ? આજે કૉલેજમાં રજા તો નહિ હોય ? અંદરના બાંકડે બેઠેલા પાસે તેણે પૂછી જોયું. કૉલેજ તો ચાલુ હતી. ત્યાં તેણે જોયું કે સરસ સ્કૂટી ઉપર બેસીને બ્રિન્દા પસાર થઈ ગઈ. બ્રિન્દાએ સ્કૂટી લીધું ? ક્યારે ? તે ધ્યાન રાખીને ચલાવે તો સારું…. આ તો તેને કહેવું જ પડશે. આજકાલ કેટલા અકસ્માત થાય છે ? પાછા વળતાં આખે રસ્તે તેને અકસ્માતના અમંગળ વિચારો જ આવ્યા કર્યા. તેણે મનોમન પ્રાર્થના કરી. સાથે જ ન સમજાય તેવો આનંદ પણ થતો હતો. ‘વાહ ! બ્રિન્દા ટુવ્હીલર ચલાવવા જેવડી મોટી થઈ ગઈ ? વાહ દીકરી !’

આમ તો અઠવાડિયે એકવાર અહીં આવીને ઊભો રહેતો, પરંતુ બ્રિન્દાને ભલામણ કરવાની હોવાથી બીજે જ દિવસે પુસ્તકાલયના દરવાજે આવીને તે ઊભો રહી ગયો. બ્રિન્દાને અકસ્માત ન થાય તે માટે શું શું ધ્યાનમાં રાખવું તે કહેવાનું મનમાં ગોઠવી રાખ્યું હતું, તે બધું જ તાજું કરી લીધું. ઘડિયાળમાં જોયું. સમય થઈ ગયો તોય પુસ્તકાલય હજી ખૂલ્યું કેમ નહિ ? તેણે ચોકીદારને પૂછ્યું. નાના બાળકને સમજાવતો હોય તેમ ચોકીદાર બોલતો હતો, ‘આજ સન્ડે હૈ બાબુજી, સન્ડે કો બંધ રહતા હૈ.’ અરે, પોતાને રવિવાર યાદ ન આવ્યો ? જાત પર હસી પડીને તે પાછો વળ્યો. રસ્તામાં ટૂવ્હીલર ઉપર પસાર થતાં યુવકો અને કન્યાઓને તે જોતો રહેતો. નવી પેઢીનાં છોકરાં ટુવ્હીલર કેવાં મારમાર ચલાવે છે ? બ્રિન્દા હવે મોટી થઈ ગઈ ! છોકરાં મોટાં થઈ જાય તેની ખબર કેમ પડતી નથી ? બ્રિન્દા સાચ્ચે જ મોટી થઈ ગઈ….. આખો દિવસ સુખની છાલકો આવીને તેને ભીંજવતી હતી.

સોમવારે ઊંઘ ઊડતાં જ તેને બ્રિન્દા યાદ આવી. સ્કૂટી ધ્યાન રાખીને ચલાવવાની ભલામણ આજ કરવાની જ છે. તૈયાર થઈ છાપું વાંચ્યું. સમય જાણે ધીમો ચાલતો હતો. હજુ તો સાડા નવ જ થયા છે ! પાંચ કૂંડામાં ફૂલછોડ વાવ્યા હતા. તેમાં પાણી પાયું. ગુલાબના છોડમાં પહેલીવાર ફૂલ આવ્યું હતું. નાની બ્રિન્દાને પંપાળતો હોય તેમ ફૂલને પંપાળતો રહ્યો. બસ હવે જવું જોઈએ. પુસ્તકાલયના દરવાજે સળિયો પકડી બંને રસ્તા ઉપર તે જોવા લાગ્યો. ત્યાં દૂરથી તેને બ્રિન્દાને જોઈ. તેની પાછળ કોઈક બેઠું હતું. અરે, ડબલ સવારી ચલાવવા માંડી ? આ છોકરીને શું કહેવું ? પાકું ચલાવતા આવડ્યાં પહેલાં ડબલ સવારી ચલાવવામાં….. ત્યાં ટુવ્હીલર પસાર થઈ ગયું. પાછળ નિર્મળા બેઠી હતી. વિજયધ્વજ ફરકાવતી હોય તેમ તેણે સુધાંશુ ઉપર નજર ફેંકી હતી. પોતાના હૈયામાં કાચનો ટુકડો ભોંકાઈ ગયો હોય તેમ થાકભર્યા પગલે માંડમાંડ ઘેર પહોંચ્યો હતો. પથારીમાં પડ્યો તો તેને આંખ સામે બ્રિન્દાની ડબલ સવારી જ દેખાતી હતી. નિર્મળાને આટલુંય ભાન નથી ? સ્ટીઅરિંગ ઉપર કાબૂ ન રહ્યો તો ? બ્રિન્દાને કાંઈક થયું તો ? અનિષ્ટ વિચારોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો.

સુધાંશુ લગભગ માંદો પડી ગયો હોય તેમ પથારીમાં પડી રહેતો. ટિફિન આવતું પણ થોડુંક ખાતાં જ મન ઊઠી જતું. વળી પથારીમાં પડતો. ઉઘાડી આંખે જાળાં ગૂંથ્યા કરતો. આંખ થાકી જતી ત્યાર ઊંઘી જવાનું. છ વર્ષ થઈ ગયાં પણ બ્રિન્દા માટે આવી અકળામણ કદી થઈ નથી. ચાર દિવસમાં તે સાવ નંખાઈ ગયો હતો. માંડમાંડ તૈયાર થયો. બ્રિન્દાને ભલામણ તો કરવી જ પડશે. પુસ્તકાલયને દરવાજે આવીને ઊભો રહી ગયો. પરસેવો વળી ગયો. આંખો બંધ થઈ ગઈ. પડખે ટુવ્હીલર આવીને ઊભું રહ્યું. તેના અવાજથી સુધાંશુએ આંખો ખોલી તો બ્રિન્દા ઊભી હતી ! તે ફિક્કી આંખે જોઈ રહ્યો. તેના હોઠ સહેજ ધ્રૂજ્યા, પણ કાંઈ બોલી ન શક્યો. પાસે આવી સુધાંશુના હાથ ઉપર પોતાનો હાથ મૂકી બ્રિન્દા બોલી, ‘પપ્પા, તમે બીમાર છો ?’ સુધાંશુએ તેના હાથ ઉપર પોતાનો બીજો હાથ મૂકીને થપથપાવ્યો, ‘ના, બેટા, માંદો નથી. પરંતુ ચાર દિવસ પહેલાં તને પહેલી વાર સ્કૂટી ઉપર જોઈ ત્યારથી ‘સાચવીને ચલાવજે’ એવું કહેવું હતું પણ કહેવાયું નહિ. તારા વિચારમાં ખવાતું નથી કે ઊંઘી શકાતું નથી. મને તારી બહુ ચિંતા થાય છે. લાગે છે કે હું વહેલો ઘરડો થઈ ગયો છું.’ કહીને તે ફિક્કું હસ્યો.

‘પપ્પા, સ્કૂટી સાચવીને ચલાવું તે માટે તમે મારી આટલી ચિંતા કરો છો ? ને મમ્મી તો પરાણે મારી પાછળ બેઠી હતી. કહે, ‘સ્કૂટી લીધી છે તો રિક્ષાનું ભાડું શું કામ ખર્ચવું ?’ મેં કહ્યું, ‘મને હજુ ડબલ સવારીનો કાબૂ નથી.’ તો કહે, ‘તને પ્રેકટિસ થાય માટે તો પાછળ બેસવાની છું.’ ને પપ્પા…. તમે ચાર દિવસથી… બ્રિન્દાની આંખો ઢળી પડી. હોઠ ધ્રૂજયા. આંસુ ગાલ પર આવી ગયાં. સુધાંશુએ તેના હાથ ઉપર પોતાનો હાથ ફેરવ્યો. ‘પપ્પા, તમે….’ તે આગળ બોલી ન શકી. સ્કૂટી ચાલુ કરી. ‘પપ્પા કાલે તમે અહીં ઊભા રહેજો.’ એટલું બોલીને તેણે સ્કૂટી મારી મૂકી. સુધાંશુના ‘સાચવજે જરા ધીમે’ એવા શબ્દો તેના મોમાં જ રહી ગયા. રિક્ષા કરીને તે ઘેર પહોંચ્યો.

સુધાંશુની આંખો બળતી હતી. શરીર કળતરથી તૂટતું હતું. જાગૃતિ અને નિંદ્રાની સ્થિતિની સેળભેળમાં મખમલ જેવા સ્પર્શો તેના ગાલને થતા હતા. નાના કોમળ હાથનો એ સ્પર્શ તેને ઊંઘ અને સ્વપ્નની સરહદોમાં આમથી તેમ ધક્કેલતો હતો. પથારીય મખમલની બની ગઈ હતી.

પક્ષીઓના અવાજથી તે જાગ્યો. તડકાએ આવીને આખા ઘરને અજવાળ્યું હતું. ઘડિયાળમાં જોયું, સાડાદસ વાગ્યા હતા. પથારીમાંથી ઊઠવા ગયો, પણ ઊઠી ન શક્યો. એમ જ પડી રહ્યો. શું થાય છે તે સમજાતું નહોતું. ત્યાં બારણા ઉપર ટકોરા થતા હોય તેમ લાગ્યું. પ્રયત્નપૂર્વક ટેકો લઈને બારણે પહોંચ્યો. જોયું તો કૉલબેલની અંદરની સ્વિચ બંધ થઈ ગઈ હતી. તેણે બારણું ઊઘાડ્યું તો સામે બ્રિન્દા ઊભી હતી. તે માની ન શક્યો. આંખો ચોળી. ‘હું તો પુસ્તકાલય ગઈ હતી, પણ અંદર આવવાનું નહિ કહો ?’ સંભળાયું. સુધાંશુ ભાનમાં આવ્યો હોય તેમ બોલ્યો, ‘હા, હા. આવ, આવ !’ કહી તે ફરવા ગયો ત્યાં તેને ચક્કર આવ્યા, ને ઢળી પડતો હતો ત્યાં બ્રિન્દાના હાથે તેને ઝીલી લીધો. બ્રિન્દા તેને દોરતી હતી, ‘નાનપણમાં તમે મને કેટલી બધી વાર આમ ઝીલી લીધી હતી, પપ્પા !’ શું બોલવું તે સૂઝ્યું નહિ. ‘હા, બેટા.’ એટલું કહી પથારીમાં બેઠો. તેને પથારીમાં સુવડાવતા બ્રિન્દા બોલી, ‘હવે ઘડીક તમે સૂઈ જાઓ.’ બ્રિન્દા તેની પડખે બેસી માથા ઉપર હાથ ફેરવી રહી હતી. આંખો મીંચી આ સુખને અંતરમાં ઉતારતો રહ્યો. એકાએક તેને નિર્મળા યાદ આવી, બોલી ઊઠ્યો, ‘પણ તું અહીં ? નિર્મળાને કેવું લાગશે ? તને…’ બ્રિન્દા હસી પડી. માથા ઉપર હાથ ફેરવતાં બોલી,
‘મમ્મીને ખબર છે કે હું અહીં આવી છું.’
‘તું બૅગ લઈને નીકળી છો તે ક્યાંક જાય છે ?
‘હા પપ્પા.’
‘ક્યાં જવાની છો ?’
‘મમ્મીને ઘેર ઘણું રહી. ધરાઈ ગઈ… એટલે હું બાપને ઘેર આવી છું.’
‘તો, તો…તું…’ કહીને સુધાંશુએ બ્રિન્દાનો હાથ પકડી લીધો.
‘હા, હવે હું અહીં રહેવાની છું. બાપને ઘેર – મારે ઘેર.’ બ્રિન્દાના આંસુ સુધાંશુના હાથ પર ઝિલાયાં, ‘મારે પપ્પાને ખોવા નથી.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચરણરજ સંગ્રહ સ્થાન – ડૉ. થૉમસ પરમાર
શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા Next »   

8 પ્રતિભાવો : ઘર – મનસુખ સલ્લા

 1. Uday Trivedi says:

  Wonderful emotions !! the relation between a father and a daughter…beautifully sketched…generally relation between mother and son gets more attention as mother is always more caring and emotional…but as a whole, to become parent means become one with Love and Care…

 2. લાગણીસભર વાર્તા !!!

  અંત ભલા તો સબ ભલા.

 3. jigar patel says:

  good one manshukhbhai.
  feeling between father N daughter.
  ghani var hotho thi na kidhelu ghanu badhu aankho kahi javay chhe.

 4. hitakshi pandya says:

  બહુ જ સરસ …..!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.