એ…રી…મૈં તો કૂપન દિવાની….. – કલ્પના દેસાઈ

[ પૂર્વભૂમિકા : છેલ્લા કેટલા સમયથી છાપાઓમાં (ખાસ કરીને અહીં ગુજરાત રાજ્યમાં) રોજ એક કૂપન આવતી હોય છે. અમુક ચોક્કસ દિવસે તેનું ફોર્મ આપવામાં આવે છે. આખા મહિના દરમિયાન છાપામાં છપાયેલી એ કૂપનો કાપીને પેલા ફોર્મ પર ચોંટાડવાની હોય છે. એ ફોર્મ, અખબારમાં સૂચના આપ્યા પ્રમાણે અમુક નક્કી દિવસે, અમુક નિશ્ચિત કરેલી જગ્યાએ જઈને આપવાથી, ગેરંટેડ ગિફટ આપવામાં આવે છે. એમાં કોઈકવાર થાળી, કથરોટ, ડોલ, સાબુ વગેરે રોજિંદી વસ્તુઓ મોટે ભાગે ગિફટ તરીકે મળતી હોય છે. પરંતુ આને લઈને લોકોમાં એક જબ્બર ક્રેઝ હોય છે. તો પ્રસ્તુત છે, કૂપનો કાપીને ચોંટાડવાની અજબગજબ વાતોને લગતી આ હાસ્યકથા લેખિકા કલ્પના દેસાઈની કલમે. – તંત્રી, રીડગુજરાતી. ]

‘રોજ હજારપતિ બનો ! મહિને લખપતિ બનો અને વર્ષે કરોડપતિ બનો ! આવો…આવો…આવો… ખરીદો..ખરીદો.. કાપો-કાપો-કાપો… સાચવો-ચોંટાડો અને ફૉર્મ ભરો. મોકલો…મોકલો..મોકલો.. અમારા તદ્દન નિરસ પણ રંગબેરંગી છાપામાંથી કૂપન કાપો, સાચવીને રાખો અને મહિનાને અંતે ચોંટાડો કે પછી રોજરોજ ચોંટાડો (તમારી મરજી.) હજારપતિ ફૉર્મના ફકત બે રૂપિયા, લખપતિ ફોર્મના પાંચ રૂપિયા અને કરોડપતિ ફૉર્મના ફકત સો રૂપિયા ! ત્રણસો પાંસઠ કૂપન પર એક ગિફટની ગૅરંટી ! રોજના ડ્રો દ્વારા તમારા ઘરમાં પૈસાનો વરસાદ વરસાવો.’

વર્ષોથી છાપાંને હું ગાંડાની જેમ વાંચી કાઢતી. બધી કૉલમ, બધા સમાચાર, બધી જાહેરાતો ને છાપું ક્યાંથી નીકળે છે, તંત્રી કોણ, સરનામું ને ટેલિફોન નંબર સુદ્ધાં મોઢે ! (રોજરોજ વાંચીને.) પણ જ્યારથી છાપામાં આ લોભામણી, મનમોહક, ચિત્તાકર્ષક, સુંદર (કૂપનમાં કંઈ દેખાય કે વંચાય છે કોઈ દિવસ ?) બેનમૂન, મહિના માટે સંગ્રહવા યોગ્ય કૂપન છપાવા માંડી છે ને એથી ય વધુ લલચામણી એની જાહેરાતો ને જાતજાતની વસ્તુઓની ઑફરો છપાવા માંડી છે ત્યારથી બસ, હું ખરેખર પાગલ થઈ ગઈ છું. તમે નહીં માનો પણ અમારા ઘરમાં હવે તો રોજ જ કોઈને કોઈ બહાને ધમાલ થઈ જ હોય !

રોજ સવારે પેપરવાળો બેલ મારે કે હું સીધી પથારીમાંથી ઊઠીને દોટ જ મૂકું ! ઘરનાં બીજા સભ્યો જુદા જુદા કારણોસર પહેલાં દોડતા પણ મેં સૌને પાછળ મૂકી દીધાં છે ને ચેતવણી પણ આપી દીધી છે, ‘ખબરદાર ! કોઈએ છાપાંને હાથ પણ લગાડ્યો છે તો ! હું કાપું (કૂપન) પછી આપું ત્યારે જ તમારે છાપું વાંચવાનું છે.’ હવે બધાં નિરાંતે ઊંઘે છે. પછીથી અડધા કલાકે દૂધવાળો આવે. પહેલાં રોજ એક જ બોરિંગ સવાલ પૂછતો, ‘બહેન, એક લિટર કે દોઢ’ હવે પૂછે છે, ‘બહેન, કૂપન કાપી ?’ હું હા કહી એને પૂછું, ‘તમે ?’ એ પણ રાજીખુશી હા કહી મળનારી ગિફ્ટની ચર્ચા કરે. રોજ અમારે નાનકડો વાર્તાલાપ થઈ જ જાય. પછી શાકની લારીવાળો બૂમ પાડે. હું શાક લેતાં લેતાં પણ કૂપનની જ ચર્ચા કરું ભૈયાજી જોડે ! બિચારો બહુ ખુશ જણાય, ‘બહેન, આ મહિને તો આફટર શેવ લોશન આપવાના છે. મેં તો કોઈ દિવસ જોયું પણ નથી એટલે મૂછો પણ મૂંડાવી નાંખવાનો છું.’ બીજી બહેનો પણ લારી પાસે ટોળે વળીને કૂપનની જ વાતો કરતી હોય. એમાં શાક લેવા-વેચવામાં કોઈનું ખાસ ધ્યાન ન હોય. સ્ત્રીઓ હવે ભેગી થાય ત્યારે પૈસા-ઘેરેણાં-કપડાં-બાળકો-પતિઓ-સાસુઓ ને સિરિયલોને મહત્વ નથી આપતી ! હવે તો બસ કૂપન-કૂપન ને કૂપન.

મોટે ભાગે ઘણી સ્ત્રીઓની વાતો મળતી આવે. કોઈને ટાઈમ ન હોય, આદત ન હોય, આળસ હોય કે પછી બીજા પાસે કામ કરાવવાની ટેવ હોય તેવી સ્ત્રીઓ પતિને અથવા બાળકોને અથવા સાસુને કૂપનનું અગત્યનું કામ સોંપી દે. કોઈ રોજ કાપે, રોજ ચોંટાડે. કોઈ મહિના સુધી ભેગી કરે ને પછી નિરાંતે પથારો પાથરીને બેસે. જો કે, એક ચમત્કાર થયો હતો કે, બધી આળસ છોડીને ઉત્સાહી બની ગયેલી સ્ત્રીઓએ પોતાનું આખું ટાઈમટેબલ બદલી નાંખ્યું હતું. વહેલા ઊઠવું ! છાપું હાથમાં લેવું ! કાતર કે બ્લેડ ને ગુંદર લઈ એક જગ્યાએ શાંતિથી બેસી જવું ! સવારનું બ્રશ-ચા-રેડિયો-ટીવી-કકળાટ-બબડાટ બધું બાજુ પર ને મહિનાને અંતે મળનારી ગિફ્ટનું ધ્યાન ને તેની ચર્ચામાં જ ખુશખુશાલ ! ‘આ વખતે તો કપડાં સૂકવવાની દોરી મળશે. આપણે બદલવાની થઈ જ ગઈ છે. કપડાં પણ કેટલાં ઓછાં સૂકવાય છે ! મહેમાનના કપડાં પણ સૂકવી શકાય એટલી લાં…બી દોરી આપવાના છે. હવે પાંચ જ દિવસ બાકી છે એ તો આમ ચપટી વગાડતાં નીકળી જશે.’

તમે માનશો ? કોઈ વાસ્તુશાસ્ત્રીએ ‘ગુડ લક’ બરણી શોધી કાઢી એટલે એક મહિને તો ખાંડને ચા ભરેલી ‘ગુડ લક’ બરણીઓ મળેલી. તનમન તાજગીથી ભરપૂર ને જીવનમાં મીઠાશ જ મીઠાશ ! સર્વ ધર્મ સમભાવ પ્રેમીએ બનાવેલી ભગવાનની ફૉલ્ડિંગ મૂર્તિ ખૂબ જ લોકપ્રિય બનેલી. જુદી જુદી રીતે ફૉલ્ડ કરવાથી, જુદા જુદા ધર્મના, જુદા જુદા ભગવાનની મૂર્તિ બની જાય ! સાથે મ્યુઝિકલ ઘંટડી પણ ખરી. હવે તો બસ છાપાંવાળાઓએ પોતાનું સમગ્ર ધ્યાન, સમગ્ર દિમાન ‘કૂપન અને ગિફટ’ ની પાછળ જ લગાવી દીધું ! પ્રજાને જે જોઈએ તે જ આપો. (કાપાકાપીનો જમાનો છે !)

અમારી તો કામવાળી પણ ઘરના બદલાયેલા માહોલથી ચોંકી. રોજ એક જ વિષયની ચર્ચા (હોહા !) થતી જોઈ એણે પણ રોજ મંડાતા કાનને વધુ તેજ કર્યા ને એક બપોરે મને પૂછી જ લીધું : ‘બહેન, આ કૂપન એટલે શું ? આપણા બા તો કોઈ દિવસ છાપુ હાથમાં નો’તા લેતાં ને હવે કેમ રોજ જોવા માંડ્યા ?’ મેં એને માંડીને વાત કરી. ‘હું કામમાં હોઉં એટલે યાદ રાખીને જોઈ લે કે મેં કૂપન કાપીને, સાચવીને મૂકી કે નહીં. ભાઈ ને બાળકો પણ ઘરની બહાર જતાં પહેલાં પૂછી લે, ‘કૂપન કાપી ? ચોંટાડી ?’ કૂપન-કહાણી સાંભળી કામવાળી તો રડવા જેવી થઈ ગઈ, ‘બહેન, હું આટલાં વર્ષોથી તમારે ત્યાં કામ કરું છું ને તમે મને જ પારકી ગણી ? મને કે’ત તો હુંય છાપાં લેત ને કૂપન ભેગી કરી આ બધી ગિફ્ટો ના લેત ? મેં ખરા દિલથી એની માફી માંગી ને અમારા છાપાંવાળા પાસે, એના (કામવાળીના) જણાવ્યા મુજબ બધાં (!) છાપાનું નક્કી કરી દીધું. બસ, તે દિવસથી કામવાળીએ એક પણ રજા નથી પાડી. કામચોરી નથી કરી ને છણકાં-નખરાં પણ બંધ ! (સ્ત્રીઓ ખરેખર અખબાર જગતની ઋણી રહેશે.)

અમારો તો પેપરવાળો પણ બહુ ભલો છે. કોઈ વાર કૂપન ઘટે કે ફોર્મ ન મળે તો ચિંતા નહીં કરતાં. મારી પાસે રોજનાં 20-25 છાપાં વધે છે. તમને ફ્રીમાં આપી દઈશ ! વધારાની ઑફર સામેથી મળતી હોવા છતાં દર વખતે થોડું સારું લાગે ? એટલે મહિનામાં બે-ચાર દિવસ કૂપન શોધવાની ને છેલ્લે દિવસે ફોર્મ શોધવાની ધમાલ અવશ્ય થાય ! તે દિવસે ઘરમાં સ્મશાનવત શાંતિ છવાઈ જાય. કોઈ ઉકલી ગયું હોય કે તૈયારી હોય તેવા સૌ ગંભીર ! વિલ શોધતાં હોય એટલી અધીરાઈથી આખું ઘર ફેંદી કાઢે. કામવાળીને કચરાપેટી આગળ દોડાવાય. અનાજના ડબ્બા, લોટના ડબ્બા ને અથાણાંની બરણીઓ પણ જોવાઈ જાય. છેલ્લે મળે ક્યાંથી ? ચશ્માંના કવરમાંથી કે પતિના પર્સમાંથી કે બાળકોના કંપાસમાંથી ! દરેક જગ્યા સલામત ગણીને જ કૂપન મુકાઈ ગઈ હોય પણ ડાબો હાથ નડી ગયો હોય. શોધાશોધ દરમિયાન એકબીજા પર આક્ષેપબાજી ચાલે.
‘શું શોધે છે ?’
‘ભૂસું.’
‘કપડાંના કબાટમાં ?’
‘અરે ભાઈ ! ભૂસું એટલે કૂપન’
‘હેં ?.. કૂપન નથી ? કેટલી નથી ? ક્યારનું ભસવું જોઈએ ને ! આજે છેલ્લી તારીખ તો થઈ ગઈ ! હવે ?’
‘એક જ નથી મળતી. બૂમાબૂમ ના કરો. પેપરવાળા પાસે મળી જશે.’
‘આ વખતે હું મસ્કા મારવા નથી જવાનો. જજે તું ! ને રહેજે ભૂસું ખાધા વગર. કોઈ જાતની કાળજી રાખવી નહીં ને બધી વાતમાં તૈયાર થઈ જાય.’
બૂમાબૂમ સાંભળીને બાળકો દોડી આવે. સાસુ ડોકિયાં ને ડહાપણ કરી જાય. બે પક્ષ પડી જાય ને પછી કૂપન મળી જાય એટલે લોહી રેડ્યા વગરના યુદ્ધ પછીની શાંતિ જેવી શાંતિ સ્થપાય-જમાય-ટી.વી જોવાય ને નિરાંતે ઊંઘાય… ગિફટના સપનાં સાથે !

અખબારોના માલિકોને, તંત્રીઓને જાતજાતની ગિફટ – યોજના વિશે અને અખબારના વેચાણ વધારવા વિશે (જે એ લોકોનો કાયમનો મુખ્ય પ્રશ્ન હોય છે) કેટલાંક સૂચનો કરું છું – આશા છે, આ વાંચી કોઈકના દિલમાં રામ વસે. (કૃષ્ણ કે રહીમ પણ વસી શકે !) ને મને કોઈક મો….ટ્ટી ગિફટ મળી જાય કે પછી એકાદ વર્ષ માટે ફ્રી છાપું મળતું રહે !

આખ્ખો મહિનો દરેક ઘરમાં ખાસ્સું ટેન્શન કે મનોરંજન આપ્યા પછી જે ગિફટ એ લોકો આપે છે એનાથી જનતા જનાર્દન (ભગવાન !) ઘણીવાર માથાં કૂટે છે. ઘરમાં ભંગારનો વધારો થયો હોય એવું મોં કરી બબડાટ કરતાં કરતાં કચરાપેટીમાં ઘા કરી આવે છે. ને વળી બીજી વાર ફરી કોઈ સારી ગિફટ મળશે એની આશામાં નવેસરથી કામ લાગી જાય છે. યાદ રહે કે, જ્યાં સુધી ગિફ્ટોમાં રસ રહેશે ત્યાં સુધી જ તમારા ધંધામાં કસ રહેશે. ફકત ગૃહિણીઓ જ કૂપન કાપે છે તેથી એમને જ કામ આવે કે ગમે એવી વસ્તુઓ જ આપ આપ કરવી એ ખ્યાલ દિમાગમાંથી દૂર કરો. બાળકોને, પતિઓને, સાસુ-સસરાઓ ને નણંદોને પણ ધ્યાનમાં (સારી રીતે) રાખો. કોઈ વાર કોઈ હૉટલમાં ડિનરની કૂપન આપો. (ઘરદીઠ તમારા ચાર-પાંચ છાપાં પાક્કા !), કોઈ વાર સરસ દુપટ્ટો આપો (બે-ત્રણ કોપી નક્કી !) સ્લિપર, ચશ્માંની ફ્રેમ, એકાદ-બે લિટર પેટ્રોલ, મોબાઈલનું કાર્ડ-કવર-રિંગ ટૉન્સની સી.ડીનો ઢગલો, ઢીંચણ કે માથાના દુ:ખાવાની દવા, ‘કાયમ’ લેતાં થઈ જાય તેવાં એકાદ-બે ચૂરણ પણ પધરાવી શકો.

વિચારવા બેસું તો ગિફ્ટોનું લિસ્ટ લંબાતું જ જાય પણ મને એમાં શું મળે ? આ તો મેં આંગળી ચીંધી. હવે બાકીનું કામ એ લોકોએ સંભાળી લેવાનું છે. તેજીને ટકોરો કાફી છે. શ્રી કૂપનકથા સમાપ્ત કરવાની આજ્ઞા ચાહુ છું. કૂપનમાતાકી……જય ! (મૅગેઝિનના માલિકોએ છાંપાઓમાંથી કંઈ શીખવાનું કે નહીં ?)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નીકળ – મનહર જાની
ઓથાર – મીનલ દવે Next »   

14 પ્રતિભાવો : એ…રી…મૈં તો કૂપન દિવાની….. – કલ્પના દેસાઈ

 1. Amol Patel says:

  Too good.
  The News paper companies should be more concerned about the contents of the news paper rather than running after the cheap marketing practice.

  Thanks

 2. હાસ્ય રસ રેલાવા માટે , શ્રી કલ્પના દેસાઇ ને અભિનંદન.

 3. YOGESH BAROT-Gandhinagar says:

  છેલ્લા બે એક વર્ષથી કુપનનું જે વાવાઝોડું ફુંકાયું છે અને વર્તમાનપત્રો પ્રત્યે લોકોને જે અહોભાવ અને લખપતિ,કરોડપતિ થઈ જવાનો આશાવાદ ઊભો થયો છે પરિણામે એક દિવસ પણ કુપનની ગેરહાજરી લોકોને મનોમન રહી ગયાનો કેવો ભાવ જગાડે છે તેનું લેખિકાએ સુંદર, આબેહૂબ ચિત્ર ઊભું કરી વેબસાઇટના તમામ વાચકોને ખુશ કરી મૂક્યા છે. આ લેખિકા હાસ્ય લેખોના એક નિવડેલા લેખિકા છે, ગુજરાતી સાહિત્યના લોકપ્રિય માસિકમાં ના તેમના લેખોથી તેના વાચકો સુપરિચિત છે. સુંદર લેખ બદલ આભાર,અભિનંદન કલ્પનાબેન….

 4. Mohtia says:

  Kalpnaben, your article was right on the money! It is human nature to never leave anything that is given for free– even if there no need or use for that item. I know a friend that jokingly translated Gita’s verse “Mafat nu layesh nahi” to “Mafat nu mukish nahi”!!

 5. Keyur says:

  Coupen keri maja manti gruhinio. Tam tamare kai khotu nathi karta. Bas tamne em lagvu joiye ke tame phavya. Pachi to Ram (Athva Krishna athva Rahim) jaane ke kon pahvyu…. E vaat to koi na jaane.

 6. manvant says:

  અમોલ પટેલની વાત સાથે હું સહમત છું,

 7. Mukesh Shah says:

  Kalpanaben,

  I really enjoyed reading your very humorous article. It was the first article of yours that I read. Please keep posting more articles and make me laugh.

  Once again, thanks.

  Mukesh

 8. મઝા પડી ગઈ….આભાર

 9. દિપક says:

  સરસ લેખ છે.

 10. Mayur says:

  સરસ લેખ છે.
  સુંદર લેખ બદલ આભાર,અભિનંદન કલ્પનાબેન….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.