- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

તમે મને ઓળખો છો ? – સ્મિતા કામદાર

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે શ્રીમતી સ્મિતાબહેન કામદારનો (દહીંસર, મુંબઈ) ખૂબ ખૂબ આભાર.]

કોણ છું હું ? કહી શકશો તમે ? આપણે મળ્યા છીએ ક્યારેય ? નથી મળ્યા ને, તો પછી મારા વિશે તમારી શું ધારણા છે ? નથી જાણતી હું અને તમે પણ, છતાં કોઈકના વિશે એને મળીએ કે મળ્યા વગર, ફકત એના વિચારો પરથી કે બાહ્ય દેખાવ પરથી ઘણું ધારી લઈએ છીએ. અને આ જ ધારણા ધીરે ધીરે એક ચોક્કસ અભિપ્રાયને ક્યારે જન્મ આપી દે છે તેનો ખ્યાલ પણ નથી આવતો. અને આ જ નક્કી કરેલો અભિપ્રાય પૂર્વગ્રહની એક એવી દિવાલ ઊભી કરે છે, જેની આરપાર આપણે દ્રષ્ટિ પણ નાખી શકતા નથી.

અમારા શીલાબહેન પણ એક વાર આવી જ ભૂલ કરી બેઠા હતા. પોતાનો જૂનો ફલેટ વેચીને તેઓ ખૂબ જ સરસ મજાના નવા ફલેટમાં રહેવા ગયા. એ જગ્યા સરસ છે. ત્યાંનું આજુબાજુનું લોકેશન પણ સરસ છે. પણ તેમ છતાં તેઓ એ ફલેટ ખરીદીને દુ:ખી જણાતા હતા. માત્ર એટલું જ નહિ, તેઓ તો એ જગ્યા બદલવાનો વિચાર પણ કરતા હતા.
કારણ પૂછ્યું તો કહે – ‘બધું સરસ છે, પણ પાડોશી બરાબર નથી.’
મેં કહ્યું : ‘કેમ ? એમના તરફથી કોઈ હેરાનગતિ થઈ ?’
‘ના રે ના.’ શીલાબહેને કહ્યું.
‘તો પછી કોઈ તકલીફ ? કઈ રીતે તેઓ બરાબર નથી ?’
‘અમે જ્યારે આ નવી જગ્યામાં રહેવા આવ્યા ત્યારે અહીં રહેતા એક બહેને અમને જણાવ્યું કે તમારા પાડોશી બરાબર નથી માટે સંભાળીને રહેજો. બસ, ત્યારથી આ નવા ફલેટમાં રહેવાનો આનંદ ઊડી ગયો.’ શીલાબહેને કહ્યું.
મજાની વાત તો એ હતી કે જે બહેને પાડોશી વિશે અભિપ્રાય આપેલો તે તો એમના માટે અજાણ્યા જ હતાં. છતાં તેની વાતને સત્ય માની એક પૂર્વગ્રહ બાંધી બેઠા.
મેં કહ્યું – ‘શીલા બહેન તમારી માટે તો બન્ને પક્ષ અજાણ્યા છે. કોઈ પણ વ્યક્તિને મળ્યા કે જાણ્યા વગર તમે કઈ રીતે કહી શકો કે તે બરાબર નથી. એક વાર પહેલ તો કરી જુઓ એમને મળવાની.’
શીલાબહેન વિચારમાં પડી ગયા. બોલ્યા : ‘ચાલો શરૂઆત કરી જોઉં.’

આજે અગિયાર વર્ષ થઈ ગયા આ વાતને. જગ્યા નાની પડે છે, છતાં શીલાબહેન એ જગ્યા છોડવા તૈયાર નથી. કારણકે આવો સારો પાડોશ બીજે નહીં મળે, જે ખરેખર સાચ્ચા મિત્રની વ્યાખ્યામાં સમાઈ જાય. ઘણીવાર અમુક વ્યક્તિના અભિપ્રાયથી બાંધેલો પૂર્વગ્રહ સામી વ્યક્તિનું સાચું મૂલ્ય આંકવામાં નડતો હોય છે. જરૂર હોય છે એવી ગાંઠોને છોડવાનું, જે શીલાબહેને કરી બતાવ્યું.

ખરું પૂછો તો માણસ પોતે જ પોતાને પૂરેપૂરો ઓળખી શકતો નથી. સ્વયંને ઓળખવાનો પ્રયત્ન કરતા હોય એવા કેટલા ? છતાં બીજાને ઓળખવાનો દાવો જરૂર કરતા હોય છે. અરે ! ઘણીવાર તો માણસ જે જિંદગી પોતે જીવતો હોય છે, તેમાં વાસ્તવિકતાનો અંશ પણ નથી હોતો. સમાધાન અને સમજણપૂર્વક જીવાતી જિંદગી, જે તેણે ક્યારેય નહોતી ઈચ્છી, તેવી પણ જીવતો હોય છે અને આપણે બહુ જ સહેલાઈથી એના વિશે કે પછી આપણા વિશે ચોક્કસ પ્રકારનો અભિપ્રાય બાંધીને તેને જડતાપૂર્વક વળગી રહીએ છીએ. નિકટની કે દૂરની, કોઈ પણ વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધતા પહેલા આપણે ભૂલી જઈએ છીએ કે દરેક માનવીનું વર્તન તેની પરિસ્થિતિ, સમય અને સંજોગો તથા સ્વભાવને આધીન હોય છે. જરૂરી નથી જે માણસ આજે આપણને ખરાબ લાગે છે તે ખરાબ જ રહેશે, અને સારો છે તે સારો જ રહેશે. પરિવર્તન સંસારનો નિયમ છે, જે માણસને પણ બદલી શકે છે, તેમ છતાં આપણે આપણા વિચારોને બદલવા નથી માંગતા. કોઈ પણ વ્યક્તિ સાથેના અંગત સંબંધોમાં જે કાંઈ કડવા કે મીઠા અનુભવ થયા હોય તેના આધારે તેના ગુણ કે અવગુણને એન્લાર્જ કરીને એક છબી મનમાં નક્કી કરી તેનું મૂલ્યાંકન કરતા રહીએ છીએ, જે ઘણીવાર ગેરમાર્ગે દોરી જાય છે. તીવ્ર ગતિથી બદલાતા આ સમયમાં, દરેક બાબત માટે શોર્ટકટની તલાશમાં રહેતો માણસ સામેની વ્યક્તિનો પરિચય પણ શોર્ટકટથી જ કરવા માંગતો હોય છે, જ્યાં ખોટા પડવાની સંભાવના સતત રહેતી હોય છે. હમણાં થોડા દિવસ પહેલા જ એક લગ્ન સમારંભમાં ઈશિતા બહેન મળી ગયા. પરસ્પરના ખબર અંતર પૂછ્યા પછી ધીરેથી તેમણે મને સામેની બાજુ ઈશારો કરી કહ્યું, ‘લોકોએ પોતાના સ્ટેટ્સનો વિચાર કરવો જોઈએ, ગમે તેવા માણસને આમંત્રણ અપાતું હશે ? અમે તો અમારાં લેવલ અને સ્ટેટ્સ પ્રમાણે જ સંબંધ બાંધીએ.’

મેં સામે નજર કરી. જેમની તરફ એમનો ઈશારો હતો એ ચોળાયેલા જૂના કપડાં, વધેલી દાઢી, માથાના વિખરાયેલા વાળ. ટૂંકમાં વિચિત્ર કહી શકાય એવો તે વ્યક્તિનો દેખાવ હતો. ઈશિતાબહેનના લેવલ અને સ્ટેટ્સની વ્યાખ્યામાં તેઓ ફીટ નહોતા બેસતા. બહુ જલ્દી એક અભિપ્રાય બાંધીને તેઓ જતા રહ્યાં. જો થોડી તસ્દી લીધી હોત પેલા વ્યક્તિને જાણવાની, તો મળી શકત એક મહાન હસ્તીને, એક એવા લેખકને, જેને હાલમાં જ ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો હતો. પણ ઈશિતાબહેને તો શોટકર્ટ અપનાવ્યો. બહારનો દેખાવ જોઈને ખોટી ધારણા બાંધી લીધી.

ઘણીવાર એક જ માણસ વિશે આપણે જુદા જુદા અભિપ્રાય બાંધી બેસીએ છીએ. પૂર્વગ્રહના પાયા પર ચણાતી સંબંધોની ઈમારત પણ ધીરે-ધીરે આંતરિક ઉષ્માથી પર થઈ જાય છે, જેનો ખ્યાલ પણ નથી આવતો. સમાચારપત્ર હોય, મેગેઝિન હોય કે પછી કલાકાર અથવા કોઈ નેતા કે ધાર્મિક સંસ્થા અથવા સાધુ-સંત કે પછી ગમે તે – માણસ જ્યારે એના વિશે એક વિશેષ ગ્રંથિ મનમાં બાંધી લે છે પછી એમાં બાંધછોડને અવકાશ આપી વિશાળ ફલકમાં ઉડવાનું સાહસ કરવાનું ટાળતો હોય છે. સહજ, નિખાલસ, થઈને નથી જીવતો. કારણ વ્યક્તિની મોટાભાગની પ્રવૃત્તિઓ તેની આંતરિક સ્ફૂરણાથી નથી ઉદ્દભવતી, પરંતુ આસપાસની દેખાદેખી નક્કી કરેલા વર્તુળમાં ધુમરાતી હોય છે. એક ગાડરિયા પ્રવાહની જેમ આંખ બંધ કરીને ચાલ્યાં જતાં ઘેટાનાં ટોળામાંનો પોતે પણ એક સભ્ય બનીને રહી જાય છે, જ્યાં પૂર્વનિશ્ચિત કરેલી મનોદશામાંથી છૂટીને મુક્ત ઉદાર દ્રષ્ટિકોણને અપનાવવાની જરૂર તેને નથી લાગતી. એક બંધિયાર વાતાવરણ માણસને કોઠે પડી જાય છે. જો આપણે આપણા આંતરમન પર પૂર્વગ્રહથી ઢાંકેલી ચાદરને ખંખેરીને થોડો અવસર આપીએ, આપણા સુષુપ્ત મનને જગાડીએ, તો જરૂર અનુભવી શકીએ ચેતનવંતા જગતને, એક નવીન અહેસાસને – જ્યાં માણસ માણસને સમજી શકે – કોઈ પણ ગેરસમજ વગર. સમય-સંજોગો ઘડતા હોય છે માણસને અને માણસ ઘડતો હોય છે પરિસ્થિતિઓને.

કોઈપણ વ્યક્તિને સંપૂર્ણપણે સમજવી બહુ અઘરી છે. પળે-પળે બદલાગી જિંદગી, જીવનના નવા સમીકરણને શોધતી હોય છે. માટે કોઈ વિશે અફર અભિપ્રાય બાંધીને ચાલવું શક્ય જ નથી. સહેલું નથી હોતું કોઈના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવું, જેટલું આપણે બનાવી દઈએ છીએ… જરૂર પડે છે માણસને જાણવા અને સમજવા માટે નિખાલસ હૃદયની. પૂર્વગ્રહોથી મુક્ત થઈને
પ્રમાણિકતાથી ભરેલા મૌલિક વિચારોથી જ્યાં પરિવર્તનને અવકાશ હોય. આખરે આપણે માણસ છીએ. ઈશ્વરની એવી અનુપમ રચના જે અશક્યને પણ શક્ય બનાવી શકે. પહેલ તો કરી જુઓ, નિરાશ નહીં થાઓ.

માણસ માણસને સમજવાની ભૂલ
સદીઓથી ચાલી આવે.
કેડે બાંધેલી પૂર્વગ્રહોની ગાંઠો પણ
ધીમે પગલે દોડી આવે.
આપણે જ કરીએ એક શરૂઆત
એને છોડવાની,
જે માનવીને નવા મૂલ્યોથી શણગારી લાવે…