- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આઠમના આઠ ગરબા – નવરાત્રી વિશેષ

[ રીડગુજરાતીને આ સુંદર ગરબાઓ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર. ]

[1] ગરબો, આવ્યો રે રમતો રમતો

ગરબો, આવ્યો રે રમતો રમતો,
મા નો ગરબો આવ્યો રે રમતો.
અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.

સોના કેરા દિવડા
ગરબે મેલાવું
રૂપલી જોડ તારલીયાની
ગરબે મઢાવું
રૂમઝુમતી ગાઉં માનો ગરબો… ગરબો, આવ્યો રે રમતો રમતો.

એક એક ગરબે દીસે
રમતી મોરી માત્ રે
તેજ ને પ્રકાશ કુંજ
માત્ મોરી વેરતી
રૂમઝુમતી ગાઉં માનો ગરબો… ગરબો, આવ્યો રે રમતો રમતો.

નવલાંએ નોરતાંને
ગરબે ઘૂમે રાત રે
માડી ના પગલે પગલે
કંકુવર્ણી ભાત રે
રૂમઝુમતી ગાઉં માનો ગરબો… ગરબો, આવ્યો રે રમતો રમતો.

અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.
ગરબો, આવ્યો રે રમતો રમતો.

[2] અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

જો ને વગાડે ઢોલ
કેમ સહ્યુ જાય રે લોલ.
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

એટલુંય ન જાણ તો મૈયર આ નથ ,મારી સાસરીયા ની પોળ
કેમ સહ્યુ જાય રે લોલ
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

હું રહુ છાની પણ કેમ રહે છાની મારા પગ કેરી પાની
ઘુંઘટ દઉ તાણી પણ નાચંતા નયનો હું કેમ રોકવાની
મારે મનડે જાગ્યો રે વંટોળ
કેમ સહ્યુ જાયુ રે લોલ
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

મનમાં રાચવું મનમાં નાચવું, થઇ ને ઠરેલ મારુ સાસરીયું સાચવું
ત્યાં ઢોલ જોને ખોલે મારી પોલ,
કેમ સહ્યુ જાય રે લોલ
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો
જો ને વગાડે ઢોલ
કેમ સહ્યુ જાય રે લોલ.
અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

[3] પુનમની રાત ઉગી પુનમ ની રાત

તાલીઓના તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે
પુનમની રાત ઉગી પુનમ ની રાત

આસમાની, આસમાની ચુંદડીના લેરણીયા લ્હેરાય રે
પુનમની રાત ઉગી પુનમની રાત

ગોરો ગોરો ચાંદલીયો ને
દિલ ડોલાવે નાવલીયો
કહેતી મનની વાત રે….. પુનમની રાત ઉગી પુનમ ની રાત

ઓરી ઓરી આવ ગોરી
ચાંદલીયે હિંચોડી
તારા હૈયા કેરી ડોરી
રાતડી રળીયાત રે….. પુનમની રાત ઉગી પુનમ ની રાત

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો
રૂમો ઝુમો ગોરી, રૂમો ઝુમો
રાસ રમે કે
ઓ ચાંદલિયો
જમનાજીને ઘાટ રે…… પુનમની રાત ઉગી પુનમ ની રાત

[4] તારી સંગે રાસે રમવા નહીં આવુ….

દઇ દે દઇ દે રે
ગવન મારું દઇ દે રે
ઓ નંદજીના છેલ્લાજી
તારી સંગે રાસે રમવા નહીં આવુ, નહીં આવું, નહીં આવું.
તને ભાવતા માખણ મીસરી છાની માની નહી લાઉ…… નહીં આવુ, નહીં આવું, નહીં આવું.

તારે ભરોસે મે તો ,ગોકુળ છોડ્યુને,
મથુરા આવી ને રહી, મોહી હું જોઇ તને
વાંસળી વગાડતો, કાલુળી કામળી લઇ,
મન મુકી ને હે માણીગર તારી હવે નહી થાવું….. નહીં આવુ, નહીં આવું, નહીં આવું. દઇ દે…

કહી કહી જશોદા ને થાકી, હું ગામમાં વગોવાઇ ગઇ
ગવન ને ખોળતા હું આખી જાતે ખોવાઇ ને રહી.
આજ થકી હું શ્યામ સલુણા તારા ગીતડા નહી ગાઉં….. નહીં આવુ, નહીં આવું, નહીં આવું.

દઇ દે દઇ દે રે
ગવન મારું દઇ દે રે
ઓ નંદજીના છેલ્લાજી
તારી સંગે રાસે રમવા નહીં આવુ, નહીં આવું, નહીં આવું.
તને ભાવતા માખણ મીસરી છાની માની નહી લાઉ…… નહીં આવુ, નહીં આવું, નહીં આવું.

[5] રમવા આવો ને મા અમારે મ્હોલ્લે

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની મા
જોગણીયુ સૌ ડોલે મનમાનીમાં
ગબ્બર ને હિંડોળે, રમવા આવો ને મા અમારે મ્હોલ્લે.

તોરણ બાંધ્યા શેરીને પોળે રુપાળી મા
મસ્તક તારે ખોળે બીરદાવી મા
જનમ જનમ ના કોલે, રમવા આવો ને અમારે મ્હોલ્લે.

મા પેરી પગમાં પાવડી,
તમે આવો ને રમવા માવડી
છે અંતર આશ આવડી,
તમે તારો મારી નાવડી.
તુજ ભક્તિ ભરી રસ છોળે, હે કાળી મા
તનમનીયા તરબોળે મતવાલીમા
હૈયુ ઝંખે જોલે , રમવા આવો ને મા અમારે મ્હોલ્લે

મા ચોઠસ ચોઠસ જોગણી
એની આંખ્યુ ઝુરે છે વિજોગની
રત રઢીયાળી રમે બીરદાવી
આજ તાલી બજે છે ત્રિકોલની
નૈના તરસ્યા તુજને ખોળે કૃપાળી મા
સ્વપ્ન મહીં ઢંઢોળે મહાકાળી મા
આતમ્ અંબા ખોલે , રમવા આવો ને મા અમારે મ્હોલ્લે.

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની મા
જોગણીયુ સૌ ડોલે મનમાનીમાં
ગબ્બર ને હિંડોળે, રમવા આવો ને મા અમારે મ્હોલ્લે.

[6] મહેંદીનો મને રંગ લાગ્યો રે
મહેંદી મુકી છે મે તો હાથમાં ને
મારુ જોબનીયું લાલ રે ગુલાલ
મહેંદીનો મને રંગ લાગ્યો રે

હો…ગોરી તારી મહેંદી માં મનડું રે મોહ્યું
રાધા તારુ રૂપ જોઇ ભાન મે તો ખોયુ.

હો…હો…હો…જળજમુના મને જાવા દે કનૈયા
મારો કેડો તું છોળ નંદલાલ
મહેંદીનો મને રંગ લાગ્યો….. મહેંદી મુકી છે મે તો હાથમાં ને…..

જળજમુનાને આરે મારી ચુંદડી ચોરાઇ ગઇ
ચુંદડી ની ભેળી હાય હાય હું યે ખોવાઇ ગઇ
ભીનું ભીનું અંગડુને ભીની ભીની ચોળી
શરમની મારી બાઇ હું તો લજવાઇ ગઇ
જળજમુનાને આરે મારી ચુંદડી ચોરાઇ ગઇ….. મહેંદી મુકી છે મે તો હાથમાં ને

હો…મહેંદી ના રંગથી રંગાઇ જમુના ને
નીર થયા જમુના ના લાલ
હો…પ્રીતી ના રંગથી અંગ અંગ ઓપતુ ને
છલકાતી પ્રીતીની પાળ

હું યે રંગીલી ને તું યે રંગીલો
ચાલુ હું તો રંગીલી ચાલ… મહેંદી મુકી છે મે તો હાથમાં ને

જળજમુના ને આરે મારી ચુંદડી ચોરાઇ ગઇ
નોંધારી વાટ માં હું રે એકલડી
નંદજી નો છોરો વેરી
છેડે વાંસલડી
ઘરની ના રહી હું તો ઘાટ ની ના રહી… મહેંદી મુકી છે મે તો હાથમાં ને

હે…હે…હે… રાસડા વચાળે જાણે રૂપ નો રે દિવડો
રંગીલો થઇ ને નાચે રંગીલો જીવડો
હો…હો…હો…રંગીલા રાસડાની રમઝટ જામી
બાજે દાંડીયાનો રંગીલો તાલ…

મહેંદી મુકી છે મે તો હાથમાં ને
મારુ જોબનીયું લાલ રે ગુલાલ
મહેંદીનો મને રંગ લાગ્યો રે

[7] રાસ રમવાને નીસર્યા રે

હે , રાધા શ્યામ રમે
ગોકુળિયું ગામ રમે
રાસ રમવાને નીસર્યા રે…

સોહાગી સોણલામાં હું સદાએ વીચરું
અવગણી હું કામ બધા શ્યામ સંગ નીસરું.

મનથી રહેવાયના
તનથી સહેવાયના
ક્યારે પામું હું મારા મીતને… હે, રાધા શ્યામ રમે…..

વનમાં જો કુંજ ખીલી
વેણુનાં નાદ થી
ઉપવનમાં ફૂલ ખીલ્યાં
મુરલીનાં સાદ થી

ગોપીઓના નાથ તમે
રાધાના શ્યામ તમે
આજ ઘેલું વૃંદાવન ગામ રે…

હે રાધા શ્યામ રમે
ગોકુળિયું ગામ રમે
રાસ રમવાને નીસર્યા રે…..

[8] હો રંગરસીયા

હો રંગરસીયા
ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યાં રે કર્યો.

આજ અમે ગ્યાં તાં સોનીડા ને હાટ જો
આ જુમણલાં રે મુલવતાં વ્હાણલા વાઇ ગયા….. હો રંગરસીયા

આજ અમે ગ્યાં તાં મણીયારા ને હાટ જો
આ ચુડલીયું રે મુલવતાં વ્હાણલા વાઇ ગયા….. હો રંગરસીયા

આજ અમે ગ્યાં તાં જોશીના હાટ જો
આ ચુંદડીયું રે મુલવતાં વ્હાણલા વાઇ ગયા….. હો રંગરસીયા

હો રંગરસીયા
ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યાં રે કર્યો.