- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મુખવાસ ભાગ:1 – સંકલિત

[સમગ્ર સપ્ટેમબર માસ દરમિયાન રીડગુજરાતીના હોમપેજ પર ‘મુખવાસ’ વિભાગમાં મૂકાયેલા વાક્યોનો સંગ્રહ. ]

તમારા પપ્પા પૈસાદાર ન હોય તો એ તમારું દુર્ભાગ્ય ગણાય, પણ જો તમારા સસરા શ્રીમંત ન હોય તો એ તમારું દુર્ભાગ્ય જ નહીં, તમારી બેવકૂફી પણ ગણાય….!!

જ્યારે તમે ભૂતકાળની ભૂલોને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતાઓ કરવામાં વ્યસ્ત હો છો, ત્યારે તમારી જાણ બહાર જે પસાર થઈ જાય છે એ જિંદગી

સૂર્યોદય થાય એ જ ઘડીએ સૂર્યાસ્તની ધીમી પરંતુ અનિવાર્ય એવી શરૂઆત થઈ જાય છે. સંપૂર્ણપણે અવિનાશી એવી સૂર્યોદય-ઘટનાની કલ્પના ક્યારેક કરવા જેવી છે. સૂર્યાસ્ત વગર સૂર્યોદય શક્ય નથી.

જિંદગીભર ધૂમ કમાયેલો માણસ પોતાની સંપત્તિ વ્યવસ્થિત રાખ્યા વગર અવસાન પામે તો સંપત્તિના ખરા વારસ એની પત્ની, પુત્ર કે પુત્રી નહીં, વકીલ થઈ જતા હોય છે…. !!

તમારી પાસે એક ફોન હોય તો એને જરૂરિયાત કહેવાય. તમે બે ફોન ધરાવતા હો તો એને ઐયાશી કહેવાય. ત્રણ ફોન હોય તો ઐશ્વર્ય ગણાય અને હા, જો તમારી પાસે એક પણ ફોન ન હોય તો તમારા જેવો ભાગ્યશાળી કોઈ ન કહેવયા…!!

બૅન્ક એટલે એવી સંસ્થા જે શિયાળામાં તમને છત્રી આપે છે અને ચોમાસામાં તમારી પાસેથી છત્રી લઈ લે છે.

એક અભ્યાસ મુજબ – પરણેલો પુરુષ કુંવારા પુરુષ કરતાં લાંબુ જીવતો નથી પણ એને જીવન લાંબું હોય એવું લાગે છે.

તમને દુનિયામાં કોઈ જ યાદ નથી કરતું એ માન્યતા સાવ ખોટી છે. ઘરનો હપ્તો ભરવાનું એક મહિનો બંધ કરી જુઓ.

જ્યારે લોકો માણસોને વાપરવાનું અને વસ્તુઓને પ્રેમ કરવાનું છોડીને વસ્તુઓને વાપરવાનું અને માણસોને પ્રેમ કરવાનું શરૂ કરશે ત્યારે આ ધરતી પર સ્વર્ગ અવતરશે.

તમારા પર પડેલાં દુ:ખને જ્યારે તમે લોકો સમક્ષ વહેંચો છો ત્યારે અડધાને એમાં કોઈ રસ નથી હોતો અને અડધા એમ સમજતા હોય છે કે તમે એ જ લાગના છો !

કેવી કમાલની વાત છે… તમે ઑફિસે મોડા પહોંચો ત્યારે એ તમારા પહેલાં આવી ગયા હોય અને તમે વહેલા પહોંચો ત્યારે એ મોડા જ આવે… આવી વ્યક્તિ એટલે મારા-તમારા-આપણા બધાના બૉસ…!!

ગુજરાતીઓના બે ગુણની તોલે કોઈ ન આવે. એક તો આ પ્રજાને લખવાનો બહુ શોખ. અલબત્ત, ચેક લખવાનો… એ જ રીતે આપણા ગુજરાતીઓને વાંચવાનોય એવો શોખ. અફ કોર્સ, બૅન્કની પાસબુક વાંચવાનો.

લોકશાહીની મોટામાં મોટી ખામી શું ? લોકશાહીની મોટી ખામી એ જ કે માત્ર વિરોધ પક્ષવાળા જ જાણતા હોય છે કે દેશનું શાસન સારી રીતે કેમ ચલાવવું…!!

મુર્ખ કહો કે ડાહ્યા, દુનિયામાં કેટલાક એવાંય માણસો હોય છે કે જ્યારે તક બારણું ખખડાવતી હોય ત્યારે ઘોંઘાટની ફરિયાદ કરતા હોય છે.

ખુશામત તમારા માટે પ્રાણવાયુ ન બની જાય ત્યાં સુધી બીજા તમારી ખુશામત કરે તો એને ચલાવી લો…!!

ઘણા ડૉકટરોનું નિદાન એટલું તો સચોટ હોય છે કે તેમણે જો મેલેરિયાનું નિદાન કર્યું હોય તો એમનો દર્દી ચોક્કસ મેલેરિયાને લીધે જ મરે છે.

છાપામાં ‘વર જોઈએ છે’ જાહેરાત વાંચીને કેટલીય પત્નીઓએ કાગળ લખ્યો ‘અમારા લઈ જાઓ.’

હતાશા એટલે તમે બધાય પ્રશ્નોના જવાબો જાણતા હો જ્યારે કોઈ તમને એકેય પ્રશ્ન જ ના પૂછતું હોય.

તમારી પોતાની પરવાનગી સિવાય બીજું કોઈ તમને દુ:ખ પહોંચાડી શકે નહીં.

કહે છે કે માનવ ઈતિહાસમાં સૌથી પહેલું લખાયેલું વાક્ય આ પ્રમાણે હતું : ‘દુનિયા હવે પહેલાં જેવી નથી રહી.’

અભ્યાસલક્ષી પુસ્તકિયું જ્ઞાન ટ્રેઈનની રોજિંદી મુસાફરી જેવું છે. બે સ્ટેશનો વચ્ચે પાસ કઢાવીને રોજ અપડાઉન કરનારો વર્ષો સુધી તેમ કરે તોય ઝાઝું જોવા નથી પામતો.

સૂર્ય સાથે પૃથ્વી બંધાયેલી છે પણ ગાંઠ વગર. પૃથ્વી સાથે ચંદ્ર બંધાયેલો છે પણ તે ગાંઠ વગર. આસક્તિ વગરનો પ્રેમ આવો હોય.

પોતાના ભાષણ દ્વારા શ્રોતાઓને કેમ જકડી રાખવા એની કળા બહુ ઓછા વક્તાઓને આવડે છે, પરંતુ શ્રોતાઓને ક્યારે ઘેર જવા દેવા એની આવડત તો એથીય ઓછા વક્તાઓ પાસે હોય છે.

કામ હોય ત્યારે જ કોઈને યાદ કરીને ‘કેમ છો ?’ એમ પૂછો તો એ સ્વાર્થ ગણાય… કામ ન હોય છતાં અવારનવાર રૂબરૂ કે ફોન દ્વારા ‘કેમ છો ?’ પૂછો તો એને સંબંધ કહેવાય.

‘ભાઈ, તમારા આ શહેરનો ટ્રાફિક તો ગજબનો છે !’

યાદ રાખો ફક્ત બે જ દિવસમાં આવતીકાલ, ગઈકાલ થઈ જશે.

જો તમે સાચું બોલવાનું રાખશો તો એનો ફાયદો એ છે કે તમારે કોઈ વાત યાદ નહીં રાખવી પડે.

વકીલ એની કારકિર્દીની શરૂઆતામાં પાંચ હજારનો કેસ 500 રૂપિયાની ફીથી લડે છે. પાછળથી એ જ વકીલ રૂપિયા 500 ના કેસ માટે પ્રેમથી પાંચ હજાર વસૂલ કરી લેતો હોય છે.

આળસુ લોકો એટલા માટે સવારે વહેલા ઊઠી જાય છે કારણકે એમને દિવસનો વધુમાં વધુ સમય આળસમાં પસાર કરવો હોય છે.

આપણી પાસે જે કાંઈ નથી તેના વિચારોમાં જે કાંઈ છે તે ભોગવવાનું રહી જાય છે.