- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રમુજી ટૂચકાઓ – સંકલિત

[1] જલ્દી પતાવો

રેલવેના ડબ્બામાં ખૂબ ગિરદી હતી. સામસામે સીટની બંને બારી પાસે બે સ્ત્રીઓ બેઠી હતી. પહેલીએ બારી બંધ કરી. બીજીએ વાંધો લીધો અને ઘાંટા પાડીને બોલી, ‘બારી ખોલી નાખો, પવન ન આવે તો હું અકળાઈને મરી જાઉં.’

બીજીએ ખોલવા ન દીધી અને કહ્યું, ‘મને મારા ડૉકટરે બહુ પવન ખાવાની ના કહી છે. અરે, બાપ રે બાપ, આવો ઠંડો પવન ખવરાવીને તારે મને મારી નાખવી છે ?’

વાતનું વતેસર થવા માંડ્યુ. બીજા ઘણા પેસેન્જર જગા ન મળવાથી ઊભા હતા. તેમાં બે છોકરાઓ ટીખળી હતા, તે બારી પાસે ગયા અને બારી ઝડપથી ખોલી નાખી.
પહેલી બાઈને કહ્યું, ‘લો આ બારી ખોલી, પહેલા તમે મરી જાઓ !’
પછી બીજી સ્ત્રીની બારી પાસે જઈને તેની બારી બંધ કરી કહ્યું, ‘હવે તમે મરી જાઓ ! ચાલો, ઝઘડો કરવાને બદલે જલદી જલદી મરો એટલે જગા ખાલી થાય, અમને બેસવાની જગ્યા મળે અને તમારો ઝઘડો પણ મટે.’

[2] દીકરો !

ગામમાં વાણિયો તેની પત્ની સાથે રહેતો હતો. એક દિવસે આ વાણિયાના ઘરમાં ચોર પેઠો. છાપરેથી તે સીધો તે સૂતા હતા તે પલંગ પાસે આવ્યો.

વાણિયો જાગી ગયો. તે ગભરાયો નહિ. પણ પોતાની પત્નીને ઉઠાડીને કહેવા લાગ્યો, ‘ઊઠ ઊઠ, ભગવાને આપણે ત્યાં જુવાનજોધ દીકરો મોકલી આપ્યો છે.’
આમ કહી તે ઊભો થઈને નાચવા લાગ્યો. ‘છોકરાને વહીવટ સોંપીને હવે આપણે શાંતિથી યાત્રા કરી શકીશું. આપણી ચિંતા ટળી ગઈ. આપણે દીકરાનું સ્વાગત કરવું જોઈએ. તું પાટલો લાવ. પૂજા કર અને આરતી ઉતાર.’

ચોર આ ચાલમાં લોભાઈ ગયો. એને થયું કે મફતમાં બધું મળતું હોય તો આનાથી રૂડું શું ?

પતિ-પત્ની આને શું નામ આપવું તે બાબતે હૂંસાતૂંસી અને ઘાંટાઘાંટ કરવા લાગ્યા.

પત્ની કહે, ‘કપૂરચંદ નામ આપો.’ જ્યારે પતિ કહે ‘નૂરમહંમદ નામ’
ઘાંટાઘાંટ અને બૂમો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા. તેમાં એક નૂરમહંમદ જમાદાર પણ આવ્યા. જમાદારને જોઈને વાણિયાએ કહ્યું, ‘જુઓને જમાદાર, ભગવાને અમને આટલો મોટો દીકરો આપ્યો છે.’

જમાદાર સમજી ગયા. ચોરને પકડ્યો.
વાણિયો કહે : ‘તમે સાચવજો, દીકરાને લઈ જાઓ અને તેને સારી રીતે રાખજો !’

[3] બહાર નીકળ

એક મોટો બંગલો હતો. એમાં એક વ્યક્તિએ પ્રવેશ કર્યો. ત્યાં સૂચનાનું એક પાટિયું માર્યું હતું. જમણા હાથ તરફ જાવ.
માણસ જમણા હાથ તરફ વળ્યો. મોટો ઓરડો હતો. ત્યાં તીર મારી બતાવવામાં આવ્યું કે ડાબા હાથ તરફ વળો. તે તે તરફ ગયો. ત્યાં બીજું પાટિયું માર્યું હતું કે આ બાજુ જાવ, એટલે તે એ બાજુ ગયો. ત્યાં લખ્યું હતું કે દીવાનખાનામાં જાવ. એટલે તે ત્યાં ગયો.

વળી, ત્યાં એક બીજું પાટિયું મારેલું. તેમાં લખ્યું હતું કે જમણા હાથે જાવ. તે ત્યાં ગયો. તો ત્યાં લખ્યું હતું કે ઉપર જાવ.

તે વ્યક્તિ સીડી ચઢીને ઉપર ગયો. ત્યાં પાછું ડાબા હાથ તરફ જાવ તેવી સૂચના સાથેનું પાટિયું હતું. તે ત્યાં ગયો. ત્યાં જમણા હાથ તરફ જવાનું પાટિયું હતું. ત્યાં નીચે ઊતરવાની સૂચના લખી હતી. તે નીચે ઊતર્યો; તો ત્યાં લખ્યું હતું કે – જ્યાં ત્યાં શું ભટકે છે ? બહાર નીકળ.

[4] બાળક માટે

એક બહેન પોતાના નાના બાળકને તેડીને ભાવનગર બસ-સ્ટેન્ડ ઉપર ઈન્કવાયરી ઑફિસમાં જઈને પૂછવા લાગી. ‘ભાઈ, વડોદરા જનારી બસ ક્યારે મળશે ?’
કલાર્કે કહ્યું ‘સવારે આઠ વાગે.’
‘આઠ વાગ્યા પછી કોઈ બસ જાય છે ?’
‘બીજી સાડા નવ વાગ્યાની મળશે.’
‘બપોર પછી કોઈ બસ વડોદરા જાય છે ?’
‘હા, દોઢ વાગ્યાની મળશે.’
‘સાંજની કોઈ બસ છે ?’
‘હા, સાંજે સાડા પાંચની બસ મળશે.’
‘રાતની કોઈ બસ છે ?’
‘હા, રાતની સાડા નવ વાગ્યાની બસ મળશે.’
‘સારું. ભાવનગરથી જે બસો જાય છે, તેટલી જ વડોદરાથી ભાવનગર આવતી હશે ને.’
‘હા, જેટલી અહીંથી વડોદરા જાય છે, તેટલી બસો પાછી અહીં પણ આવે છે.’
‘આમાં એક્સપ્રેસ કેટલી અને લોકલ કેટલી ?’
‘આટલી એકસપ્રેસ અને આટલી લોકલ’
‘લકઝરી કેટલી બસો ?’
‘એક જવાની અને એક આવવાની.’
‘લકઝરીને સામાન્ય બસના ભાડાના દરમાં કેટલો તફાવત છે ?’
કલાર્ક પરેશાન થઈ ગયો. તેણે કહ્યું, ‘બહેન, તમારે કઈ બસમાં જવું છે તે જ પૂછો ને. તમારી પાછળ ખાસ્સી એવી લાંબી લાઈન થઈ ગઈ છે. તમારે જે બસનું રિઝર્વેશન કરવું હોય, તે પણ કરી દઉં. બોલો કઈ બસમાં જવું છે ?’
‘મારે તો કંઈ જવું નથી.’
‘તો તમે આટલું બધું કેમ પૂછતા હતા ?’
બહેને કહ્યું ‘તમે મારી સાથે વાત કરતા હતા. જેથી કરીને મારો આ બાબો ચૂપ થઈ ગયો હતો.’