પ્રસન્નતા – જનક નાયક

‘હસતો નર સદા સુખી’ એવું કહેવાયું છે એમાં તથ્ય છે. તમે હસતા હો, તો તમારી સાથેની વ્યક્તિ પણ સદા હસતી હોય છે. તમારું ‘દીવેલિયું ડાચું’ જોઈને બધાં તમારાથી દૂર ભાગે એવું પણ બને. હસવાની પણ આદત પાડવી જોઈએ. હું તો કહું કે, આખા દિવસનાં આપણાં કામોમાં પાંચેક વખત બબ્બે મિનિટ ખડખડાટ હસવાનું પણ કામ હોવું જોઈએ. હાસ્ય એક પ્રવૃત્તિ છે. જીવનમાંથી હાસ્યની બાદબાકી થાય તો સમજવું કે આપણા પર વૃદ્ધત્વ હુમલો કરશે. આપણી નબળી પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે હાસ્ય જ કામ આવી શકે. તેથી જ જો આપણે વારંવાર હસવાની આદત પાડી હશે તો આ નબળી ક્ષણોનો હિંમતથી સામનો કરી શકીશું.

કેટલાક સહજતાથી હસી શકે છે. કેટલાકને હસવા માટે પણ પ્રયાસ કરવો પડે છે, તો કેટલાક હસવાનું હોય ત્યાં પણ હસી શકતા નથી. ખડખડાટ હસવું, મુસ્કુરાવું, મૂછમાં હસવું જેવા પ્રકારો હોઈ શકે. ખડખડાટ હસી શકનાર માણસ આજીવન તંદુરસ્ત હોય છે. તેને મહદઅંશે માંદગી આવતી નથી. ને આવે તો તે ઝડપથી સાજો થઈ શકે છે. કેટલાક ગાંડાની જેમ સદાય હસતા હોય છે. કોઈક ખિજવાય તો પણ તે હસી કાઢે, ધાર્યા કરતાં થોડુંક ઓછું મળ્યું, ફર્સ્ટ કલાસ માર્કસ ધારેલા પણ સેકન્ડ કલાસ આવ્યો તો પણ હસે. રસ્તામાં ચાલતાં ચાલતાં પડી જાય તોય હસે, કે ઑફિસમાં પણ ઉટપટાંગ હરકતો કરીને પોતે તો હસે, પણ બીજાને પણ હસાવે. બીજાઓ તેમની મશ્કરી કરે, તો પણ તેઓ ખિજાય નહિ. હસી કાઢે. આ માણસ મૂર્ખ નથી. કદાચ સૌથી હોશિયાર માણસ છે. તે જાણે છે કે, ખરાબ પરિસ્થિતિનાં રોદણાં રડવાથી કંઈ તેનો ઉકેલ આવવાનો નથી. હસતા રહેવાથી કશુંક સૂઝશે પણ ખરું. પણ રડવાથી કંઈ જ જોઈ શકાશે નહિ. આ માણસ જીવનને સમજી શક્યો છે. એ હસતો રહેશે, ને સમય જતાં તેના પર હસનારા, તેની મશ્કરી કરનારા રડશે. જ્યારે રડવું આવે છે ત્યારે જ હાસ્યનું મૂલ્ય સમજાય છે.

હવે તો ઠેર ઠેર હાસ્ય કલબો સ્થપાય છે. એમાં માણસના મૂડને બદલવાના પ્રયાસો થાય છે. તમે આખા દિવસના ટેન્શનથી આકળવિકળ થઈ ગયા છો તો આવી હાસ્ય કલબોમાં ચાલ્યા જાઓ. અડધો કલાક ખડખડાટ હસો. તમે અનુભવશો કે થોડી મિનિટોમાં જ તમે હળવાફૂલ બની ગયા છો. તનાવ અદશ્ય થઈ ગયો છે અને તમારામાં નવી જ શક્તિ સર્જાઈ છે. હાસ્ય વૃદ્ધત્વને પણ દૂર રાખે છે. ચહેરા પરની કરચલીઓ ઓછી થઈ જાય, જો તમે કાયમ હસતા રહેતા હો તો. ખડખડાટ હસવું એ ચહેરાની પણ કસરત છે. હસાવી શકે એવી ક્ષણોને પકડતાં આવડવું જોઈએ. જો આવી રમૂજભરી ક્ષણ ઊભી ન થાય તો આપણે પ્રયત્નપૂર્વક સર્જવી જોઈએ. હસવાનું તો છે જ. આપણા કામની યાદીમાં આપણે હાસ્યને પણ એક પ્રવૃત્તિ ગણી છે. માટે હસો, બીજાઓને પણ હસાવો. જેઓ બીજાઓને હસાવે છે તેઓનું મિત્રવર્તુળ ખાસ્સું મોટું હોય છે. ઉદાસ માણસો સાથે મહદઅંશે કોઈ રહેવાનું પસંદ કરતું નથી. હસવા માટે જો જીવનશૈલી બદલવી પડે તો એ પણ બદલો. જીવનમાં હાસ્યનું મહત્વ સમજાવવાનું હોય નહિ. અનેક વખત આપણે પોતે હાસ્યની ચમત્કારિક અસરો અનુભવી ચૂક્યા છીએ.

જીવન એક ઝરણું છે. એનો કલ કલ નિનાદ સાંભળવાની આપણે કોશિશ કરવાની છે. જો પ્રયત્ન છતાં પણ હસી ન શકાય તો પ્રકૃતિને સમજવાની કોશિશ કરો. ભયાનક કોલાહલમાંથી બહાર નીકળીને દસેક મિનિટ માટે બાગમાં ચાલ્યા જાઓ. ત્યાં સાંભળો અલગ અલગ મધુર સ્વરો. વૃક્ષની છાયામાં શીતળતા આપણા થાકેલા મનને ફરી પ્રફુલ્લિત કરી શકે છે. પક્ષીઓનો મધુર ગુંજારવ આપણા શરીરમાં તાજગી ભરી શકે છે. ખુલ્લા પગે ઘાસ પર ચાલો. આખા શરીરમાં સ્ફુર્તિ ફેલાઈ જશે. આપણે દરરોજ એક જ પ્રકારનું જીવીએ છીએ. એટલે સ્વાભાવિક જીવવાનો કંટાળો આવે. ‘આ શું દરરોજ એકનું એક જીવવાનું ?’ એવું પણ થાય. એકવિધતામાં વૈવિધ્ય આપણે જ સર્જી શકીએ. દરરોજ સવારે ઊઠવાનું અને રાતે સૂવાનું એ એકસરખી પ્રવૃત્તિની વચ્ચે પણ આપણે અનુભવશું કે દરરોજની ઘટનાઓ એકસરખી જ હોય છે. તો શું કરીશું આપણે વિવિધતા લાવવા ? આપણે દરેક ઘટનાને જોવાની દષ્ટિ બદલવાની છે. આપણે નાના હતા ત્યારે કેલિડોસ્કોપથી ઘણું રમ્યા હતા. મોટા થયા ત્યારે એ ચમત્કારિક સાધનને વિસરી ગયા. કેલિડોસ્કોપમાં હોય છે માત્ર થોડાક જ કાચના ટુકડા. પણ એની રચના એવી હોય છે કે, આપણે આંખ સામે મૂકીને જેમ જેમ ફેરવતા જઈએ તેમ તેમ નવી નવી રંગરંગીન આકૃતિઓ રચાતી જાય. આપણા જીવનમાં બનતી ઘટનાઓને આપણે આ જ રીતે ફેરવી ફેરવીને અનુભવવાની છે. સુખ-દુ:ખ, હાસ્ય-રુદન, આનંદ-શોક વગેરે અનેક હકારાત્મક અને નકારાત્મક લાગણીઓ જીવનમાં હોય છે. જીવનમાં નવેય રસ આપણે આસ્વાદતા હોઈએ છીએ. આ વાસ્તવિકતાને સ્વીકારીને જો જીવી શકાય તો નિરસ જીવન પણ જીવવા જેવું લાગે છે.

જો તમને હસતાં આવડતું હોય તો તમને ક્યારેય તાણનો અનુભવ ન થાય, તમને ક્યારેય હૃદયરોગનો ભય ન લાગે, હાઈબ્લ્ડ પ્રેશર જેવા મહારોગ તમને ક્યારેય ન થાય, રોજિંદા કંટાળા-તાણને લીધે થતા શારીરિક દુ:ખાવા તમને સતાવે નહિ. તમે કદી નિરાશા કે હતાશાનો અનુભવ કરો નહિ, તમે કદી અકાળે વૃદ્ધ બની જાઓ નહિ. તમને જો હસતાં આવડતું હોય તો તમે આખો દિવસ તાજગીનો અનુભવ કરતા રહો, આખો દિવસ તમને સ્ફુર્તિની અનુભૂતિ થાય, તમારો ઉત્સાહ એવો હોય કે, આખો દિવસ તમારા લક્ષ્યાંકને વળગેલા રહો. તમે જો ખડખડાટ હસી શકો તો તમારા સંબંધોનો વ્યાપ ખૂબ મોટો હોય, તમારા તરફ લોકો સન્માનથી જુએ, તમારી પ્રતિષ્ઠામાં સતત વધારો થતો રહે. હસવામાં કશું જ નુકશાન નથી. જો ગુમાવવાનું હોય તો તે ન હસવામાં છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આખરે વિલાયતમાં…. – મહાત્મા ગાંધી
બેલેન્સશીટ – તેજસ જોષી Next »   

11 પ્રતિભાવો : પ્રસન્નતા – જનક નાયક

  1. Vishal Patel says:

    I like your point of view Janak, and it is true that you always have to laugh. Hu jaate aa situation ma thi pasar thayo chu etle kahi saku ke hasva ma kasu khotu nathi. My point is: you have to work or whatever you r doing weather by being happy (here by smiling) or being serious (just stay busy in your work and never laugh and always worried) then why dont you laugh and work. coz if you are happy your mind works positive and things become easy even sometimes its not. but if u dont laugh, there are more chances of messing up with your work or making mistakes.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.