- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બેલેન્સશીટ – તેજસ જોષી

નિખિલે પોતાના દરવાજાની ડોરબેલ મારી. મમ્મીએ દરવાજો ખોલ્યો. તેની સામે જોયા વગર જ નિખિલ ખૂણામાં ચંપક કાઢી, સીધો રસોડામાં ગયો – પાણી પીવા. આંખોનાં પોપચામાં ઊમટેલા સમુદ્રને શમાવવા, સ્ટીલનો ગ્લાસ બે દાંત વચ્ચે ભીંસી એક જ ઘૂંટડે બધું પાણી પેટમાં ઠાલવી દીધું. રસોડામાંથી બહાર આવ્યો ત્યારે મમ્મીની પ્રશ્નાર્થ દષ્ટિ તેના તરફ તાકી રહી. મમ્મી સાથે નજર મિલાવી – ન મિલાવી ત્યાં એની નજર ઝૂકી ગઈ. મમ્મી સમજી ગઈ કે આજના ઈન્ટરવ્યૂનું પરિણામ પણ અગાઉ જેવું જ છે. નોકરી મળી લાગતી નથી. સંપૂર્ણ મમતાથી ઉછેરેલ દીકરાનું દુ:ખ આ માતા પણ સમજતી હતી. પરંતુ શું થાય…? પ્રભુને વિનંતી કર્યા સિવાય તેના હાથમાં કશું જ નહોતું. મમ્મી રસોડામાં ચાલી ગઈ. નિખિલ ચાહતો હતો કે મમ્મી કોઈક પ્રશ્નો પૂછે અને પોતે પોતાની સફાઈ આપે, પરંતુ હવે તેનો કોઈ અર્થ રહ્યો નહોતો.

નિખિલ બારીની બહાર જોતાં જોતાં વિચારવા લાગ્યો કે જો નોકરી ઉચ્ચ અધિકારીઓનાં સગાંઓને જ મળવાની હોય તો પછી એ લોકો પોતાના જેવા વીસ-પચ્ચીસ ગ્રેજ્યુએટને કેમ બોલાવતા હશે ?…..ફકત ઔપચારિકતા ખાતર જ…..? આવો વિચાર એ પહેલી વાર જ નહોતો કરતો. જ્યારે જ્યારે એ ઈન્ટરવ્યૂમાં નિષ્ફળ જતો ત્યારે ત્યારે આવા ભાવનાશીલ વિચારો એને ઘેરી વળતા. એણે દૂર આકાશમાં પીંખાઈ ગયેલા વાદળામાં પોતાના ભણતર કાળમાં જોયેલાં સ્વપ્નોનું પ્રતિબિંબ જોયું. આદર્શવાળું જીવન જીવવાનાં સ્વપ્નો જોવાં એમાં મજા હતી, વાસ્તવિકતામાં મૂકવાં એ મૂર્ખામી હતી. ચશ્માંની આંતરિક સપાટી પર બાઝેલા ધુમ્મસને શર્ટના ખૂણા વડે સાફ કરી ફરી એના સ્થાને ચડાવ્યાં.

નિખિલે પલંગ પર પડેલા ટાઈમ્સને ઉપાડીને વાંચવાની શરૂઆત કરી. નિર્લજ્જ નેતાઓનાં દુ:ખદાયક કૌભાંડોના આંકડા પાછળનાં મીંડાઓ ગણતો ગણતો એ કલાસિફાઈડ્સનાં પાનાં ઉપર પહોંચ્યો. આ ત્રણ પાનાંઓમાંજ તે છેલ્લા છ મહિનાથી આશાનું કિરણ શોધતો હતો. આજે ફરી એક હકારાત્મક પ્રયત્ન. આશાવાદીઓની પણ કસોટી કરે એવા સમયગાળામાંથી એ અત્યારે પસાર થઈ રહ્યો હતો. ત્યાં જ એની નજર ચમકી. જોઈએ છે એકાઉન્ટન્ટ…મહિને ચાર હજાર પગાર…. વાણિજ્ય સ્નાતક….. સંપર્ક : નીલેશ શાહ… સરનામું…. અરે, આ તો નિલિયો જ. સાલો પોતાના નામે જાહેરાત આપે એટલો મોટો બની ગયો છે. એ ખરેખર રોમાંચિત થઈ ઉઠ્યો.

નિખિલનો આ મિત્ર આમ તો ભણવામાં નબળો, પરંતુ એની જોડે મિત્રાચારી સારી હતી. એકવાર એક શિક્ષકે ગુસ્સે થઈ નિલિયાને જોરથી લાફો મારેલો ત્યારે એને સખત તાવ ચઢી ગયેલો. સાથે જ નાસ્તો કરવો અને સાથે જ મેદાનમાં રમવું અને બીજા છોકરાઓની ફીરકી લેવી એ જ એ બન્નેનો ધંધો. બન્ને વૃશ્ચિક રાશિના હોવાથી શાળાની લાઈબ્રેરીમાં આવતાં છાપાંઓમાં પોતાનું ભવિષ્ય પણ વાંચતા. એ છાપાંઓમાં આ ટાઈમ્સ પણ તો હતું. એ વખતનું ટાઈમ્સ અને અત્યારનું ટાઈમ્સ. શું બદલાઈ ગયું છે….. ? ટાઈમ્સ કે માણસનું ભવિષ્ય… ? નિખિલ ખડખડાટ હસી પડ્યો. નિખિલ ફક્ત બે જ પ્રસંગે ખડખડાટ હસતો. એક તો એ જ્યારે ખૂબ આનંદિત હોય ત્યારે અને બીજું એ જ્યારે મનમાં ભારોભાર વેદના સમાવીને બેઠો હોય ત્યારે.

દસમા પછી નિખિલના સારા ટકા આવવાથી એ સારી કૉલેજમાં ગયો અને નિલિયો પરાંની કોઈક નાની કૉલેજમાં. એકવારના આટલા ગાઢ મિત્રો અચાનક આમ સંજોગોને કારણે છૂટા પડી જશે એવી આશા કોઈને નહોતી. અલપ-ઝલપ મુલાકાતને બાદ કરતાં બન્નેમાંથી કોઈએ એકબીજાને મળવાનો પ્રયત્ન કર્યો જ નહોતો. છતાં નિખિલના મનમાં એના માટે એટલો જ પ્રેમ ટકી રહ્યો હતો. એકવાર કેરિયર બની જશે ત્યાર પછી એનો સંપર્ક સાધી સાથે જ રહીશું એવું નિખિલ ધારતો હતો. કેટલીક વાર માણસની ધારણાઓ આશ્વાસનનું કામ કરતી હોય છે.

નિખિલ ઈન્ટરવ્યૂના દિવસે ટાઈમ્સમાં લખેલ સરનામે પહોંચી ગયો. એની જોડે વીસ પચ્ચીસ ઉમેદવારો પણ હતા. પણ આજે એને ચિંતા નહોતી. આજે નિખિલને ખબર પડી કે અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં લાગવગવાળા ઉમેદવારો આટલા નિશ્ચિંત કેમ દેખાતા હતા. એ રિસેપ્શન કાઉન્ટર પર નામ લખાવી બેઠો બેઠો પરસેવો લૂછવા લાગ્યો. એના પરસેવાની કાચી સુગંધ એરકન્ડિશન્ડ રૂમમાં શોષાઈ ગઈ. એણે ચારેકોર ઑફિસમાં નજર કરી. પોશ ફર્નિચર, ઍટિકેટવાળો સ્ટાફ જોઈને નિખિલ સમજી ગયો કે કારોબાર બહુ મોટો લાગે છે. એક ખૂણામાં નિલિયાના બાપુજીની તસવીર લટકતી હતી. – હાર ચઢાવેલી. બાપનો ધંધો નિલિયાએ ઝડપથી સંભાળી લીધો હતો.

નિખિલે સખારામ પ્યુનને બોલાવ્યો અને ફ્કત જાણવા ખાતર જ પૂછ્યું, ‘આ તમારો બોસ કેટલું ભણેલો છે ? સી.એ., એમ.બી.એ કે પછી…..’ નિખિલ આગળ કંઈ બોલે એ પહેલાં સખારામ બોલ્યો : ‘અહો ! કાય મ્હણતાત સાહેબ, એ તો બારમી ફેલ છે. ત્યાર પછી એ કંપનીમાં આવતા થઈ ગયા. ત્રણચાર વર્ષ બાદ મોટા સાહેબનું અવસાન થઈ ગયું અને આ સાહેબ બની ગયા. એમને પોતાને તો બહુ ઓછું આવડે છે. એમના સાથીદારો જ નિર્ણયો લે છે. પોતે તો બેફામ પૈસા જ ઉડાવે છે. સાંભળ્યું છે કે હમણાં હમણાંના તેઓ રેસ રમે છે. આતા કાય મ્હણતાય ત્યાંના ?!’ અચાનક નિખિલને રેસના જ કોઈ ઘોડાએ પાછલા પગે લમણામાં લાત ઝીંકી દીધી હોય એવો અનુભવ થયો.

નિખિલે અંદર જઈ જોયું તો નિલિયો એક ઝૂલણ ખુરશીમાં બેઠો હતો. આજુબાજુ બીજા બે માણસો બેઠા હતા – ચમચા જેવા. ટેબલ પર ટાઈમ્સ પડેલું હતું. નિખિલને એમ કે મને પ્રત્યક્ષ જોઈ બધા વચ્ચે નિલિયો મને ભેટી પડશે, હિન્દી ફિલ્મોમાં બને છે એવું.

‘પ્લીઝ, સિટ ડાઉન મિસ્ટર નિખિલ.’ નિલિયાના શબ્દો કાને અથડાયા. અવાજમાં સત્તા અને પૈસાનો ચોખ્ખો રણકાર સંભળાતો હતો. દરેક ઈન્ટરવ્યૂમાં થાય છે એવી ઔપચારિક વાતચીત શરૂ થઈ. પણ નિખિલ તો સામે બેઠેલા મિ. નીલેશ શાહમાં નાનપણનો નિલિયો શોધતો હતો. પરંતુ અંત સુધી તે જડ્યો નહીં, અંતે વાતચીત પૂરી કરતાં નીલેશ બોલ્યો, ‘મિ. નિખિલ, તમે મારી જોડે અભ્યાસ કરતા હતા એવું આછુંપાતળું મને યાદ છે. આ પોસ્ટ તમને જ મળશે. ડોન્ટ વરી. પણ હા ડોન્ટ ટેલ અધર્સ નાઉ, ઓ.કે…. ?’ એમ કહી નીલેશે હાથ લંબાવ્યો. એ હાથ મિલાવવામાં ગળે મળવા જેટલી ઉષ્મા તો નહોતી જ. નીલેશને પોતાની મૈત્રી આછીપાતળી જ યાદ છે એ વિચારથી એ ખિન્ન થઈ ગયો. પૈસો અને સત્તા માણસની યાદશક્તિને આટલી હદે કમજોર બનાવી દે છે એવી કલ્પના નિખિલને નહોતી. કૉમ્પ્યુટરમાં માનવીની લાગણી અને એનો પ્રેમ ફીડ કરી સંઘરી શકાતાં નથી.

નિખિલ બહાર નીકળ્યો ત્યારે બીજા દસેક યુવાનો બેઠા હતા. એમનામાં એને બીજા નિખિલો જ દેખાયા. ઘરે જઈ એણે માને સમાચાર આપ્યા ત્યારે મા તો ખુશ થઈ ગઈ. વાણિયાને ત્યાંથી નાળિયેર લાવી પાંચ ચોખ્ખા ઘીના દીવા કર્યા. માના મુખ પરનો એ આનંદ નિખિલ માટે સર્વસ્વ હતું. ચાર હજાર રૂપિયા પગાર સાંભળી મા બોલી, ‘સારું બેટા, ન મામો કરતાં કાણો મામો સારો.’

નિખિલ બીજે દિવસે ઑફિસે જવા નીકળ્યો ત્યારે માએ કંકુનો ચાંદલો કર્યો. કદાચ પહેલીવાર નિખિલે પ્રભુનાં ભાવથી દર્શન કર્યાં. મમ્મીને પગે લાગી એ ઑફિસે ગયો. અગાઉથી નક્કી કર્યા મુજબ જ સખારામે એને પોતાની ખુરશી બતાવી. જમણી તરફ ચીફ એકાઉન્ટન્ટ અને ડાબી તરફ બૉસની પર્સનલ સેક્રેટરી.

નિખિલને વર્ષો બાદ પોતાનાં સ્વપ્નાંઓ સાકાર થતાં લાગ્યાં. પોતાની રાત-દિવસની મહેનત લેખે લાગી. બારમી ફેલ ! અચાનક ઝબકારો થયો. નિર્મળ આકાશમાં વાદળો ધસી આવે એમ મનમાં વિચારો આવવા લાગ્યા – ‘હે પ્રભુ, અર્થશાસ્ત્રમાં અસમાનતા વિશે ભણ્યો છતાં અનુભવ આજે કરું છું. નીલેશ અને હું સાથે ભણતાં ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એ આટલો આગળ નીકળી જશે અને હું આટલો પાછળ રહી જઈશ. મને એની સંપત્તિની ઈર્ષ્યા નથી આવતી પણ એના નસીબની ઈર્ષ્યા જરૂર આવે છે. બાળપણમાં સાથે બેસીને વાંચેલા ભવિષ્યનો વર્તમાન આવો કેમ…. ? નીલેશ બારમી ફેલ. હું બી. કોમ વિથ ફર્સ્ટ કલાસ. છતાં અમારા વચ્ચે આવડી મોટી ખાઈ શા માટે ? એના ભાગે એરકન્ડિશન્ડ બેડરૂમની આરામદાયક નિંદર અને મારા ભાગે રાત્રે બબ્બે વાગ્યા સુધી આંખો ખેંચીને વાંચેલું ભણતર. એના ભાગે બાપે વિકસાવી આપેલો તૈયાર ધંધો અને મારા ભાગે બાપુજીની આદર્શ જીવનની ફિલસૂફી. એના ભાગે રંગબેરંગી મોટરોનો કાફલો અને મારા ભાગે આકાર ખોઈ બેઠેલા ચંપલની એકમાત્ર જોડ. એના ભાગે કારની પુશબેક સીટ અને મારા ભાગે લોકલ ટ્રેનના ધક્કા. એના ભાગે લંડન, દુબઈ, હોંગકોંગની વર્લ્ડ ટુર અને મારા ભાગે નકશાઓનાં ટપકાં. એના ભાગે અઢળક પૈસો અને સત્તા અને મારા ભાગે સતત સંઘર્ષ. નીલેશ રેસમાં ઘોડાઓ પાછળ પૈસા ખર્ચે છે. હું પણ તો એક ઘોડો જ છું. જેના નસીબમાં દુનિયાની ચાબુકો જ લખાયેલી છે. ગમે એટલી ઝડપે દોડો – ચાબુક તો પડવાની જ.

નિખિલના ટેબલ પર અચાનક સખારામે એક ફાઈલ પટકી અને કહ્યું, ‘સાહેબે કહ્યું છે કે ટેલી કરી આપો.’ નિખિલ એ ફાઈલ તરફ અર્થસૂચક નજરે તાકી રહ્યો અને એની આંખોમાં આંસુઓનો ટાપુ ઊપસી આવ્યો. તરત જ નિખિલ બેલેન્સશીટ ટેલી કરવા મંડી પડ્યો.