દ્વિજાતા – જયશ્રી

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

ટ્રિન, ટ્રિન, ટ્રિન, ટ્રિન….
રવિવારે બપોરે દોઢ વાગે ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. કોણ હશે અત્યારે ? આખા અઠવાડિયાની સાફસૂફી, કપડાં ધોવાનાં વગેરે પતાવીને હું માંડ આડી પડી હતી કે ટેલિફોનની ઘંટડી વાગી. અત્યંત કમને ઊભા થઈને મેં ‘હેલો’ કહ્યું કે તરત જ સામેથી ખૂબ જ કાકલૂદે ભરેલો, ચિંતાતુર અવાજ સંભળાયો, ‘આક્કા (મોટી બહેન), હું રાધા બોલું છું, તમે હમણાં ને હમણાં જ અશોક નર્સિંગ હોમમાં પહોંચી જાઓ. મારી પૂજાને કંઈક થઈ ગયું છે. કૃષ્ણ પણ મુંબઈ ગયા છે. હમણાં બીજા કોઈ સવાલ પૂછતાં નહીં.’ કહીને ધડાક કરતો ફોન મૂકી દીધો.

મારે ગયા વગર છૂટકો ન હતો. રાધા મારી એક વખતની વિદ્યાર્થીની પણ હતી અને સાથે પડોશી પણ હતી. એ મને મોટી બહેન ગણતી અને મને ‘આક્કા’ કહીને સંબોધતી. એનાં મમ્મી-પપ્પા એક કાર અકસ્માતમાં ગુજરી ગયાં ત્યારથી અમારી બાજુના ફલેટમાં રહેતા એનાં મામા-મામી સાથે રહેતી હતી. સંજોગોવશાત્ એમને ત્યાં કોઈ સંતાન ન હતાં એટલે પોતાની દીકરીની જેમ પૂરા લાડકોડથી ઉછેરીને મોટી કરી અને એમ.એ સુધી ભણાવી. એની મામીને અંગ્રેજી બહુ આવડે નહિ એટલે સાંજ પડે અને મારી પાસે હોમવર્ક કરવા મોકલી આપે. રાધા સ્વભાવે પ્રેમાળ, શાંત અને ડાહી છોકરી હતી. હું પણ એને નાની બહેનની જેમ જ વહાલ કરું, વારે-તહેવારે એનું મન ખુશ થાય એવી નાની નાની ભેટસોગાદો આપું. એ પણ મને સરસ રૂમાલ ભરી આપે, કારણકે ભરતગૂંથણમાં એનો હાથ બહુ સારો હતો. એની મામી પાસેથી એણે આ કળા હસ્તગત કરી હતી. ભણવામાં પણ રાધા તેજસ્વી નીકળી અને જોતજોતામાં અંગ્રેજી સાહિત્યનો વિષય લઈને પહેલાં બી.એ. ફર્સ્ટ કલાસમાં અને પછી એમ.એ. પણ ફર્સ્ટ કલાસમાં પાસ કર્યું. એટલે એની જ કોલેજવાળાઓએ સામેથી એને નોકરીની ઑફર આપી જે એણે અત્યંત હર્ષથી સ્વીકારી લીધી. એમ અમારી રાધા અંગ્રેજી સાહિત્યની પ્રોફેસર થઈ અને એ જ કૉલેજમાં સોશિયોલોજી ભણાવતા પ્રોફેસર કૃષ્ણકાંત સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ. રાધા-કૃષ્ણની જોડીએ આનંદથી પોતાનો સંસાર માંડ્યો. બે વર્ષ બાદ પુત્ર પ્રશાંતનો જન્મ થયો અને ચાર વર્ષનો થયો પછી દીકરી પૂજાએ પધરામણી કરી.

પૂજા દસ મહિનાની થઈ ગઈ છે. શું થયું હશે એને ? આવા તર્ક-વિતર્ક કરતાં મેં ઝટપટ કપડાં બદલ્યાં અને સ્કૂટી લઈને પાંચ મિનિટમાં અશોક નર્સિંગ હોમ પહોંચી ગઈ. બરાબર એ જ સમયે રાધા પણ બેભાન પૂજાને લઈને ઓટોરિક્ષામાં ઊતરી અને ધડાધડ ડૉકટરની ઑફિસ તરફ ચાલવા માંડી. એની પાછળ પાંચ વર્ષનો પ્રશાંત ગભરાયેલો, ડઘાયેલો આવતો હતો. મને જોઈને મારી પાસે દોડી આવ્યો અને વળગીને રડવાનું શરૂ કર્યું. મેં એને તેડી લીધો અને મારા ખભા પર એનું માથું ઢાળી દીધું અને હું પણ રાધાની પાછળ ડૉકટરની ઑફિસમાં ગઈ.

સારા નસીબે વયોવૃદ્ધ ડૉકટર સત્યમ્ સાથે અમારા અત્યંત ઘનિષ્ઠ સંબંધ હતા. રાધા એમને ડૉકટર અંકલ કહેતી. એમની ઑફિસમાં પહોંચી રાધાએ પૂજાને એમના ટેબલ પર સુવાડી દીધી અને જરાય ગભરાયા વગર જાણે કોઈ આંતરિક શક્તિએ એનો કબજો લીધો હોય તેમ એણે ડૉકટરને કહ્યું, ‘ડૉકટર અંકલ, જુઓ તો મારી પૂજાને શું થયું છે ?’
ડૉકટર તો એના શરીરનો અને નખનો રંગ જોઈને જ પામી ગયા હતા કે આમાં કશું વળે એમ નથી. એમણે રાધાના ખભા પર હાથ મૂકીને લાગણી નીતરતા સ્વરે કહ્યું, ‘દીકરી, ભગવાનની મરજી એવી જ હતી કે પૂજા થોડા મહિનાનો પૃથ્વી પર અનુભવ લઈને પાછી આવી જાય. એના આત્માને જે અનુભવ લેવાનો હતો તે પૂરો થઈ ગયો અને આત્મા પરમાત્મામાં ભળી ગયો.’
રાધાએ એક ઝાટકે ખભા પરથી એમનો હાથ હટાવીને ખૂબ જ સત્તાવાહી સ્વરે જાણે હુકમ કરતી હોય એમ કહ્યું, ‘અંકલ, તમે એના ગળામાં અટકેલી ગોળી બહાર કાઢો અને પછી જુઓ કે એ પાછી આવે છે કે નહિ ?’
એના સંતોષ ખાતર ડૉકટરે ડેટોલના પાણીથી હાથ ધોયા અને પોતાની લાંબી અને અનુભવી આંગળી પૂજાના ગળામાં નાખીને પ્લાસ્ટિકની એક નાનકડી ગોળી બહાર ખેંચી કાઢી. પણ કંઈ જ વળ્યું નહીં. રાધાને જાણે અંદરથી પ્રેરણા મળતી હોય તેમ પાછી સત્તાવાહી સ્વરે આજ્ઞા કરી, ‘હવે એને આઈ.સી.યુ. માં લઈ જઈને ઑક્સિજન આપો અને પેલું શ્વાસ લેવાનું મશીન પણ જોડી દો.’

રાધાને વસવસો ન રહી જાય અને આ નાજુક ક્ષણોમાં દુ:ખ ન પહોંચે એટલે ડોકટર સત્યમે એ પણ કરી જોયું. રવિવારનો દિવસ હોઈ આખા નર્સિંગ હોમમાં ફકત ત્રણ જ નર્સ હતી. એટલે એકને બોલાવી આ બધાં સાધનોથી નાનકડી પૂજાને કનેકટ કરી. ડોકટર રમૂજથી જોવા લાગ્યા. એમને તો ખાતરી જ હતી કે આમાં કશું વળશે નહીં. ડોકટરે હૃદયના ભાગ પર હળવે હળવે દબાણ આપવા માંડ્યું. પાંચ મિનિટ, દસ મિનિટ, અડધો કલાક થયો પણ પૂજાનો જીવ કંઈ પાછો આવ્યો નહીં. છેવટે ડૉકટરે બહાર આવીને રાધાને કહ્યું, ‘દીકરી મેં તો કહ્યું જ હતું કે આમાં કંઈ જ થઈ શકશે નહીં. તોય તારા સંતોષ ખાતર તેં કહ્યું તે બધું જ કરી જોયું. હવે તો ઈશ્વરની ઈચ્છા માનીને તારે આ હકીકતનો સ્વીકાર કરવો જ રહ્યો કે પૂજા આપણને છોડીને ચાલી ગઈ છે.’

પણ રાધા જેનું નામ ! એ કોઈ હિસાબે આ સત્ય હકીકત સ્વીકારવા તૈયાર ન હતી. ડોકટર અંદર ચાલી ગયા પછી રાધા દુર્ગામાતાના ફોટા પાસે ઊભી રહીને આર્જવતાપૂર્વક પ્રાર્થના કરતી હતી, ‘મા, તેં મને આવી સરસ બાળકી આપી એ તારી કૃપાથી જ પાછી આવશે. તારી કૃપા અસીમ છે, મા. તેં નાનપણમાં મને માબાપવિહોણી કરી મૂકી, હવે તું મારી દીકરીને પણ લઈ લેશે ? ના મા, ના. કૃપા કર, કૃપા કર. તવ કૃપા હી કેવલમ્’ એકસરખું રટણ ચાલુ જ હતું. મેં પણ એની પ્રાર્થનામાં મૂક સાથ આપ્યો. પ્રશાંત પણ હવે શાંત થઈ ગયો હતો અને એ પણ હાથ જોડીને અમારી સાથે પ્રાર્થનામાં જોડાયો. ડોકટરને રાધાનું વર્તન વિચિત્ર લાગ્યું. એમને થયું કે આ છોકરી મારું કેમ માનતી નથી અને નક્કર હકીકતનો સ્વીકાર કરતી નથી ? પણ અનુભવે પક્વ ડોકટર કશું બોલ્યા નહીં. દરમિયાન રાધાની પ્રાર્થના તો ચાલુ જ હતી.

ત્યાં તો ડ્યુટીવાળી નર્સ દોડતી આવી અને ડૉકટરને જલદી અંદર આવવા કહ્યું. પૂજાના હૃદયના ધબકારા શરૂ થયા હતા એવું સાંભળતાં કોઈ યુવાનને છાજે એવી ત્વરાથી ડૉકટર સત્યમ્ અંદર ગયા અને એમના આશ્ચર્ય વચ્ચે એમણે જોયું કે સાચે જ પૂજાના હૃદયના ધબકારા ધીમા ધીમા શરૂ થઈ ગયા હતા અને શ્વાસ પણ મંદ મંદ ચાલતો હતો. એમને કેમે કરીને વિશ્વાસ નહોતો આવતો. પૂજા પાસે જઈને સ્ટેથોસ્કોપથી એના હૃદયની ગતિ માપી જોઈ. ધબકારા અત્યંત મંદ હતા. એમણે એના હૃદય પર ધીમું ધીમું દબાણ આપી મસાજ શરૂ કર્યો. હવે એમને આશા બંધાઈ કે પૂજા કદાચ બચી જાય. ડૉકટર જ્યારે બહાર આવ્યા ત્યારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલાં અમે પૂછ્યું : ‘કેમ છે પૂજાને ડોકટર ?’ એમણે કહ્યું : ‘હજુ કશું કહેવાય નહીં. પચાસ ટકા ચાન્સ છે. બીજા દસબાર કલાક રાહ જોવી પડશે. એ જીવશે તોયે માનસિકરૂપે અપંગ બની જશે, કારણકે એક કલાક સુધી મગજને પ્રાણવાયુ (ઑક્સિજન) ન મળ્યો હોવાથી એનું મગજ નોર્મલ રીતે કામ નહિ કરી શકે.’ સાંભળીને અમે તો હેબતાઈ જ ગયાં. ડૉકટરે રાધાના માથા પર પ્રેમાળ હાથ ફેરવ્યો અને વાત્સલ્યપૂર્વક સ્વરે કહ્યું : ‘દીકરી, દાકતરી હિસાબે તો પૂજા પતી જ ગઈ હતી, પણ તારા કાલાવાલા અને સત્તાવાહી સ્વરે મને વિવશ કર્યો અને જાણે કોઈ અદશ્ય શક્તિ મારી પાસે કઠપૂતળીની પેઠે કામ કરાવતી હતી. સાધારણ રીતે તો એક વાર અમે કહી દીધું કે બાળકનો જીવ નીકળી ગયો છે પછી અમે એ કેસને હાથમાં લેતા નથી. તારી શ્રદ્ધા, પ્રાર્થના તથા માની શક્તિમાં દઢ વિશ્વાસથી જ પૂજા પાછી આવી છે. હું તો ફકત નિમિત્ત બન્યો. સાચે જ ઈશ્વરની કૃપા અપાર છે. પણ તમે હમણાં એને સાથે નહિ લઈ જઈ શકો. એને ચોવીસ કલાક અમારી નજર હેઠળ રાખવી પડશે.’

અમે બધાએ નિરાંતનો શ્વાસ લીધો. રાધાએ મને ઘરની ચાવીઓ આપીને વિનંતીભર્યા સૂરે પ્રશાંતને ઘરે લઈ જવા કહ્યું અને એનું ધ્યાન રાખવા કહ્યું. પૂજાને છોડીને ઘેર આવવાનો રાધાનો જીવ ન ચાલ્યો. ચારેક વાગ્યા હશે. હું પ્રશાંતને લઈને રાધાના ઘેર આવી. પ્રશાંત પણ હવે ઘણો શાંત અને નોર્મલ થઈ ગયો હતો. ધીમે ધીમે એણે મને બધી વાત કરી કે પૂજાને આવું કેમ થયું.

‘મમ્મી અમને જમાડીને અંદર રસોડામાં વાસણ ધોવા ગઈ હતી. અને અમને રમકડાં આપીને શાંતિથી રમવાનું કહ્યું. પૂજા અને હું રમતાં હતાં એટલામાં પૂજાએ એક રમકડું લીધું અને મોઢામાં મૂકીને એનો ઉપરનો ગોળ ભાગ ખેંચવા લાગી. અચાનક ગોળો છૂટો પડી ગયો અને એના ગળાના ઉપરના ભાગમાં અટકી ગયો. મેં તરત જ મમ્મીને બૂમો પાડી પણ મમ્મીને આવતાં વાર થઈ. મમ્મીએ પૂજાનું મોઢું ખોલીને જોયું કે હજુ ગોળો અંદર ઊતર્યો નથી એટલે એણે પોતાની આંગળીથી એને કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એને લીધે ગોળઓ વધુ નીચે ઊતરી ગયો. મમ્મી ખૂબ જ ગભરાઈ ગઈ. પૂજાનો શ્વાસ રૂંધાતો હતો. પપ્પા પણ મુંબઈ ગયા છે એટલે મમ્મીએ તમને ફોન કરીને બોલાવી લીધાં.

મેં પ્રશાંતને તાજો તાજો ઉપમાનો નાસ્તો કરાવ્યો અને એક ડબ્બામાં ઉપમા ભરીને અને ચાનું થર્મોસ લઈને અમે પાછાં નસિંગ હોમ આવ્યાં અને રાધાને ચા-નાસ્તો કરવાનું કહ્યું. પણ એ તો પૂજા તદ્દન સારી થઈને ઘેર ન આવે ત્યાં સુધી પાણી પણ પીવું નહીં એવી પ્રતિજ્ઞા લઈને બેઠી હતી. મેં ખૂબ આગ્રહ કર્યો પણ વ્યર્થ. છેવટે પ્રશાંતને લઈને હું રાધાના ઘેર પાછી આવી અને પ્રશાંતને વાર્તા કહેવા માંડી. વાર્તા સાંભળતાં સાંભળતાં થાકેલો પ્રશાંત ઊંઘી ગયો.

આ બાજુ રાધા જાતજાતના વિચારોથી ઘેરાઈ ગઈ હતી. દુર્ગામાની કૃપાથી પૂજાનો જીવ તો પાછો આવ્યો હતો, પણ ડોકટર કહે છે તેમ એ માનસિક રીતે નબળી થઈ જશે તો એનું જીવન કેટલું દુ:ખદાયી થઈ જશે. કૃષ્ણ આવીને આ બધું જાણશે તો એને જ દોષ દેશે કે દીકરીનું બરોબર ધ્યાન નહીં રાખ્યું. પણ રાધાનો સાત્વિક સ્વભાવ તરત જ એને દુર્ગામા તરફ વાળતો અને પાછી તે ‘તવ કૃપા હી કેવલમ્ તવ કૃપા હી કેવલમ્’ ની પ્રાર્થના કરવા લાગી જતી. આવી તંદ્રાભરી અવસ્થામાં વચ્ચે વચ્ચે એને ઝોકું આવી જતું અને મા એની પૂજાનો હાથ પકડીને ઊભાં છે એવું દેખાતું. આંખ ખૂલતાં જ એ પોતાને નર્સિંગહોમના સોફા પર પામતી અને હૃદય વિલાઈ જતું. એમ કરતાં કરતાં મોડી રાતના બે વાગ્યા. ડ્યુટીવાળી નર્સ દોડતીકને રાધા પાસે આવી અને ખુશખબર આપ્યા કે પૂજાએ આંખ ખોલી છે અને એનું ચેતન પાછું આવ્યું છે. રાધા સ્ફૂર્તિથી અંદર ગઈ અને જોયું તો નાનકડી પૂજાને ઑક્સિજનનું માસ્ક લગાવેલું હતું અને એના બન્ને હાથે નસો વાટે ગ્લુકોઝ આપવા નળીઓ જોડી હતી. એની આંખો ખુલ્લી જોઈને રાધાના આનંદનો પાર ન રહ્યો, પણ તરત જ પેલો દુષ્ટ વિચાર આવ્યો કે માનસિક રીતે એ નબળી થઈ જશે. આથી એના આનંદમાં ઓટ આવી. તોય હિંમત કરીને એ પૂજાના ખાટલા પાસે આવી અને ‘પૂજા દીકરી’ કહીને એને વહાલભર્યું સંબોધન કર્યું. બાળકીના ચહેરા પર સ્મિત ફરક્યું અને ઊંચકી લેવા માટે હાથ ઊંચો કરવા ગઈ ત્યાં તો નર્સે એનો હાથ જોરથી દબાવી રાખ્યો. દીકરીએ મમ્મીને ઓળખી અને તરતજ સ્મિત આપ્યું એ વિચારથી રાધા અતિ હર્ષિત થઈ ગઈ અને મનોમન માની અસીમ કૃપાના ધોધમાં ભીંજાઈ રહી. તોય ડોકટરે બે દિવસ સુધી પૂજાને પોતાની નજર હેઠળ રાખી અને જેટલા ટેસ્ટ કરવાના હતા એ બધા કર્યા અને છેવટે જાહેર કર્યું કે પૂજા તદ્દન નોર્મલ છે.

નીકળતાં પહેલાં અમે ડોકટર સત્યમની ઑફિસમાં એમની રજા લેવા તથા કૃતજ્ઞતા વ્યકત કરવા ગયાં ત્યારે ડૉકટરે કહ્યું : ‘આભાર તો મારે તારો માનવો જોઈએ દીકરી. તેં આટલી જીદ ન કરી હોત તો મેં જે કર્યું તે ન જ કર્યું હોત. એનામાં મૃત માનવીનાં બધાં જ લક્ષણો હતાં જે મેં તને બતાવ્યાં. પણ તું તો સત્તાવાહી સ્વરે જાણે આજ્ઞા કરવા પ્રેરતી હતી અને હું કઠપૂતળીની જેમ બધું કર્યે જતો હતો. હું તારો અત્યંત આભારી છું કે તેં મને ઈશ્વરની અનોખી લીલાનો નિમિત્ત બનવાનો મોકો આપ્યો. આ તો એક ચમત્કાર જ કહેવાય. જો મેં તારી ઈશ્વરપ્રેરિત આજ્ઞાનો અમલ ન કર્યો હોત તો મારાથી કેટલું મોટું પાપ થઈ જતે ! દુર્ગામાએ તારી લાજ રાખી અને તારી દીકરીનો મારા નર્સિંગહોમમાં પુનર્જન્મ થયો એટલે હું એને આજથી પૂજા નહીં પણ ‘દ્વિજાતા’ કહીશ.’ એમ કહીને ડોકટરે રાધાના હાથમાંથી પૂજાને લઈને અત્યંત સ્નેહથી બંને ગાલે ચૂમીઓ કરી અને ઉમેર્યું : ‘દ્વિજાતા, દીકરી આવજે અને ખૂબ ડાહી થજે અને સ્વસ્થ રહેજે.’
એમ આશીર્વાદ આપી અમને બારણા સુધી વળાવવા આવ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મિલન-વિરહ – હસમુખ બલસારા
સચોટ નિદાન – મૃગેશ શાહ Next »   

10 પ્રતિભાવો : દ્વિજાતા – જયશ્રી

 1. gopal h parekh says:

  ram rakhe tene koi shun kari shake,sachi shraddha shun na karavi shake? hraday halavi nakhe evi vaat

 2. KRUPA says:

  kIDHU J CHHE NE KE “MA AE MA , BIJA BADHA VAGDA NA VA” BHALE NE PACHHI AE AAPNI JANETA HOY KE AAKHA JAGAT NI DURGA MA.

 3. preeti thakar says:

  jya badha na prayatno no ant aave tyare ishwariya shakti kaam kare…..bhagvan jene jivadva mange eene koi mari na sake!!!!!very good story!!!aava ghana chamatkaro real life ma joya che…

 4. viren says:

  Varta theek che.
  Aava chamtkaro ghane khare shakya nathi. Ane jo aava chamatkaro roj thata hoy to hammesh kem nathi thata? eno practical upay kem ajmavama nathi avato jethi darek prasange e upay duniya ma badhane j kam lage?

 5. પ્રસિધ્ધ ત્રિવેદી says:

  સાહિત્યની દ્રષ્ટિએ સુંદર વાર્તા…
  આવી જ વાર્તાઓ ઘણા લેખકો દ્વારા લખાયેલ છે.

  અને ઉપર કોમેન્ટ કરનાર વિરેનભાઈને કહેવાનું કે કોઈવાર થાય એને જ ચમત્કાર કહેવાય.
  જે ઘટના હંમેશા થતી હોય તે ચમત્કારની વ્યાખ્યામાથી જ બહાર નીકળી જાય.

 6. Komal says:

  This is really nice story. Keep it up.

 7. Ritalin. says:

  Ritalin vs adderal studying….

  Snorting ritalin dangers sinus drain. Ritalin. Ritalin picture. Debates on ritalin. Ritalin as an appetite stimulant. Ritalin patch. Ritalin as an appetite stimulant in the elderly….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.