- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આવેલ આશાભર્યા – નવનીત સેવક

શરદપૂનમની રાતે, હું, કાકા, લલીકાકી, લતા અને છબીલદાસ અમારા પેલા ઐતહાસિક મકાનની અગાસીમાં બેઠા હતાં.

શરદપૂનમની રાત એવી છે કે જેમાંથી માનવીને પ્રેમ કરવાની પ્રેરણા મળે, પણ આપણા ગુજરાતીઓને એમાંથી પૌંઆ ખાવાની પ્રેરણા મળે છે. એક રીતે જોઈએ તો આપણા તહેવારો પાછળ બે જ વાત છે. કાં તો ખાવ, કાં અપવાસ કરો. ભગવાનની વર્ષગાંઠ છે ? તો કરો અપવાસ. ભગવાને રાવણ ઉપર ચઢાઈ કરી હતી ? તો ખાવ જલેબી ! અપવાસ શું કામ કરવો જોઈએ અથવા તો જલેબી જ શું કામ ખાવી જોઈએ એનું કારણ ક્યાંય શોધ્યું નહિ જડે ને બહુ શોધવા જશો તો છેવટે કદાચ આવો પ્રોપેગન્ડા શરૂ કરનારો કોઈ જલેબીવાળો જ હાથ આવશે !

ગમે તેમ પણ તે દિવસે અમે પણ અગાસીમાં વચ્ચોવચ દૂધ પૌંઆની તપેલી મૂકીને વાતોએ વળગ્યાં હતાં. છબીલદાસે એમની પદ્ધતિ પ્રમાણે કહ્યું : ‘હાલો, ફરવા જાશું ને ?’
‘ફરવા ?’ એમ ચીસ જેવા અવાજે કહીને મેં મારા પગ સામે જોયું. છબીલદાસ કાયમ પદયાત્રા જ કરે છે ને કરાવે છે એટલે એ જ્યાં સુધી રોકાયા હોય ત્યાં સુધી મારા પગમાં મધ્યમ કક્ષાનો દુ:ખાવો રહ્યા જ કરે છે. અત્યારે શરદપૂનમે એમણે પદયાત્રાનો પ્લાન મૂક્યો અને પોતાની વાતના સમર્થન માટે લાલાકાકા સામે એક નજર નાખી.

હવે એ વાત તો ઘણી જાણીતી છે કે કાકા વૈદકના જાણકાર હોવાનો જબ્બર દાવો કરે છે. આ કારણથી કાકાને દર્દીઓની હંમેશા ખેંચ રહે છે જ્યારે બીજા દાખલાઓમાં દર્દી વૈદને શોધતા રહે છે. દર્દીઓની આ ખેંચ ટાળવા માટે કાકાએ એક રસ્તો શોધ્યો છે. એ સદા દર્દ ઊભું થાય તેવી કોશિશ કરે છે. છબિલદાસ આવ્યા તે દિવસે જ મેં લાલાકાકાને કહ્યું હતું : ‘કાકા, હવે પદયાત્રા શરૂ થશે. પગ રોજ ફાટુફાટુ થશે.’
‘થાય ! પગનીય જવાની છે ને !’

‘તમે મશ્કરીમાં ના ઉડાવશો. આ છબીલદાસ અડધું ગામ પદયાત્રા કરીને જોશે ને અડધું ગામ એમને પદયાત્રા કરતા જોશે, એમાં વીમો મારા પગનો ઊતરી જશે.’
‘નહિ ઊતરે. હું એવો લેપ આપીશ કે ટાંટિયાનો દુ:ખાવો ગૂમ થઈ જશે.’
મેં કહ્યું : ‘ટાંટિયાના દુ:ખાવાની સાથે સાથે ટાંટિયા પણ ગૂમ ના થઈ જાય તો સારું ! આ તો પેલો પશવાવાળો લેપ ને ?’

હવે આ પશવાના લેપનીય પાછી આખી એક વાર્તા છે.
નાથાભાઈનો પશવો બૈરીઘેલો થઈ ગયો હતો. એટલે એની ‘નવી’ એને રસોડામાં રોજ ઉઠબેસ કરાવતી હતી. આ ડબો લાવો ને પેલી તપેલી ઉતારો. પાટલો જરા ઊંચો મૂકો અને પ્લીઝ, પેલો તવેથો ધોઈ ના લાવો ? વગેરે વગેરે… આ એમાં એક દિવસ પશવાના પગ દુખ્યા. પશવાને વળી કમત સૂઝી કે એણે કાકાની સલાહ પૂછી અને પરિણામે કાકાએ એમની પોતાની જ બનાવટનો ‘દુ:ખ દબાવ, પગ દબાવ’ લેપ એને આપ્યો. પશવાએ એ લેપ લગાવ્યો. એ લગાવતાં એને ઘણો ત્રાસ થયો ને એ લગાવ્યા પછી ડબલ ત્રાસ થયો. પગ તો દુ:ખતા જ રહ્યા ને વળી દુખતા પગ દબાવી શકાય તેવું પણ ન રહ્યું. પણ ખરી મઝા ત્રણચાર દિવસ પછી થઈ. પગ પકડીને લેપ એવો વળગી પડ્યો કે ઉખડે જ નહિ. એક ડૉકટરને બતાવ્યું તો કહે કે આ લેપ નહિ ઉખડે. પગ કાપીને લેપ કાઢવો પડશે !

કાકાએ કબાટમાંથી લેપનો બીજો ડબ્બો કાઢ્યો. કહે : ‘જૂના લેપની ઉપર આ ધોળો લેપ લગાવી દે એટલે પેલો લેપ આપોઆપ ઉખડી જશે. આ લેપનું નામ છે ‘લેપ નિકાલ લેપ !’ પશવો એક જ લેપથી આટલો ત્રાસી ગયો હતો કે આ નવા લેપનો પ્રયોગ કરવાની એની હિંમત ન ચાલી. છેવટે એકાદ મહિના પછી પેલો જૂનો લેપ ધીમે ધીમે થોડી થોડી ચામડીને ઉખેડતો ઉખડી ગયો.

કાકાએ આ લેપની વાત કરી એટલે મેં ના પાડી. ત્યારથી કાકા મારા પગ કેવી રીતે દુખે તેના પ્લાન ઘડયા કરતા હતા. આજે છબીલદાસે શરદપૂર્ણિમાએ પદયાત્રાનો પ્લાન મૂક્યો એટલે કાકાએ તુરત એને ટેકો આપ્યો. બીજાં બાળકો માવડીયાં હોય છે પણ લતા બાપડિયણ હતી. છબીલદાસની વાતમાં એ કાયમ ઊભું ડોકું જ હલાવ્યા કરતી હતી. આમ છબીલદાસની વાતને પૂરતો ટેકો મળી ગયો અને છેવટે પેલું મુનશીએ કહ્યું છે તેમ ‘શૂનીમન્વેતિ શ્વા’ થયું.

શરદપૂનમની રઢિયાળી રાતે આ રીતે અમારી ટોળી સરદાર પાર્ક તરફ ચાલી. એમાં કાકા અને છબીલદાસ ડબલ એન્જિનની જેમ આગળ ચાલતા હતા ને છેવટે બ્રેકવાન જેવા લલીકાકી હતાં. એમ અમારી સવારી સરદારપાર્ક પહોંચી. સરદાર પાર્ક ખાલી નહોતો. એમાં ક્યાંક ક્યાંક લોકો બેઠેલા હતા પણ આપણી રાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે એ લોકો કંઈક ને કંઈક ખાવાની પ્રવૃત્તિમાં જ હતા. અમેય એક જગ્યાએ બેઠાં હતા. લતા એક ડોલચામાં દૂધપૌંખા લેંતી આવી હતી એટલે અમે પણ સેવાભાવી કાર્યકરોની જેમ ‘સમૂહભોજન’નો કાર્યક્રમ શરૂ કર્યો.

એ કાર્યક્રમ ખૂબ ઝડપથી પતી ગયો. પછી અમે જરા આરામથી બેઠાં. લલીકાકીએ છીંકણીની ડબી કાઢી ને છબીલદાસે બુઝાવેલી બીડીનો અવશેષ કાઢીને સળગાવ્યો. એકાએક લાલાકાકાને એક આઈડિયા આવ્યો. એ કહે : ‘આવી સરસ રાત છે. મને ગાવાનું મન થાય છે.’
‘તમે પેલા… ના હું તો ગાઈશ, જેવું ન કરશો.’ મેં મજાકમાં કહ્યું પણ લાલાકાકા મૂડમાં આવી ગયેલા હતા. એ કહે, ‘તો પછી તમારામાંથી કોઈક કંઈ ગાવ.’
મેં કહ્યું : ‘મારા મુરબ્બી છબીલદાસ કંઈક ગાય તો મઝા આવે.’
છબીલદાસ કહે : ‘હું ગાવામાં નથી માનતો પણ ખાવામાં માનું છું. છબીલદાસ કંઈક ગાય એવું કોઈક કહે તેના કરતાં છબીલદાસ કંઈક ખાય એવું કહે તો મને વધારે ગમે છે.’
‘હું ગાઉં ?’ લલીકાકી બોલ્યાં.
લલાકાકા કહે : ‘તું શું ગાઈશ, ભજન ?’
‘હા, આજની રાત રળિયામણી….’
કાકા કહે : ‘બસ, બસ ! આજની રળિયામણી રાતને ભગવાને ભજન ગાવા માટે નથી બનાવી. લતાબહેન તમે કંઈક ગાવ.’

લતા ગાય એ સામે મારો પ્રખર વિરોધ છે. એના ગીતમાં એવી ચમત્કારિક અસર છે કે અમારા ઘરમાંનું બધું લુઝ ફર્નિચર કથકલી નૃત્યનું આરંગેત્રમ શરૂ કરે છે. કાકાએ લતાને ગાવાની સૂચના કરી એટલે લતાએ મારી સામે જોયું. એ કહે : ‘હું ગાઈશ તે એમને નહિ ગમે.’
‘કોઈને ગમશે કે નહિ તેનો વિચાર ખાતી વેળાએ અને ગાતી વેળાએ ન કરવો જોઈએ.’ કાકા બોલ્યાં.
લતા કહે : ‘શું ગાઉં ?’
‘મલ્હાર રાગ ગાવ. ભૈરવી કે ભીમપલાસી ગાવ. છેવટે મીયાંકી તોડી પણ ગાવ.’
લતા કહે : ‘તો ભીમપલાસી જ ગાઉં છું.’
અમે બધાં આતુરતાથી બેઠાં.
લતાએ પહેલાં આકાશમાં ઉગેલા ચંદ્ર સામે જોયું, પછી અમારી સામે જોયું અને છેવટે ગળું સાફ કરવા માટે એક ખોંખારો ખાધો. એની ગાયકીનો મને પરિચય હતો એટલે એ ખોંખારાથી જ હું પચાસ ટકા હાર્ટફેઈલ જેવો થઈ ગયો.
લતાએ ગળું ખંખેર્યું ને પછી શરૂ કર્યું : ‘આ….આ………આ…..!’

માથી વિખૂટું પડેલું વાછરડું પોકાર પાડતું હોય એવો ભાંભરડો લતાના ગળામાંથી બહાર પડ્યો. કાકા ઉભડક પગે બેઠા હતા. ‘ઓય માળો આ શાનો અવાજ ?’ એમ મોટે અવાજે બોલતા એ એકદમ ઊભા થઈ ગયા. મેંદીની વાડ પાછળ ઊંઘી ગયેલા કોઈ બે માણસો ઊભા થઈને ‘અબ્દુલિયા, અબે પુલિસવાલેકી ગાડી હૈ !’ કરતા મૂઠીઓ વાળીને ભાગતા દેખાયા. છબીલદાસ દૂધપૌંઆની ખાલી તપેલી હાથમાં પકડીને બેઠા બેઠા જ ઝાંપા તરફ દસબાર ડગલાં ધસી ગયા.

લતા એકદમ ચૂપ થઈ ગઈ.
વાતાવરણ થોડીવારમાં શાન્ત થયું. લતાએ એક ‘આ…….’ પછી રાગને આગળ લંબાવ્યો નહિ, એટલે સારું થયું. છેવટે અમે ઊભા થયાં. લતા કહે : ‘આ ભીમપલાસી રાગની જગ્યાએ ભૈરવી રાગ હોત તો જામત, પણ તમે આગ્રહ કર્યો એટલે……..’