પદ્મરેણુ – ધૂમકેતુ

[ધૂમકેતુના વિચારમૌક્તિકો (પ્રેરક વાક્યો) નો સંગ્રહ ]

[1] જીવન હોવું એનો અર્થ જ એ છે કે, જીવનના સિદ્ધાંતો હોવા. તે વિના માણસનો વિકાસ શક્ય જ નથી. માણસની સૌથી પ્રથમ ફરજ જીવન જીવવાની છે – એટલે કે જે જીવન ભાવનામાં આવે છે તેને કાર્યમાં ઉતારવાની છે.

[2] સત્યને મુશ્કેલી એક જ છે; એની પાસે શબ્દો બહુ થોડા છે; અને માણસોની મુશ્કેલી બીજી જ છે : એમને શબ્દો વિના બીજી કોઈ રીતની ગતાગમ નથી.

[3] દુનિયાની દરેક વસ્તુ જ્યારે કવિતા બને છે, ત્યારે પંડિતો મૂંઝાઈ જાય છે અને કવિઓ મૂંગા થઈ જાય છે. કોઈને ખબર નથી, પણ એ મૌન એ કવિતાની પણ કવિતા છે ! દુનિયાનાં સર્વશ્રેષ્ઠ કાવ્યો એવી રીતે આવ્યાં છે !

[4] ભયના પ્રકાર ત્રણ. ઈશ્વરનો ભય, કાં માણસનો ભય. કાં જાત ભય. ઈશ્વરનો ભય એ અર્થહીન. ઈશ્વર તો સૌને નિર્ભયતા આપવા માટે છે. માણસનો ભય – એ ભીરુતાની અવધિ. એટલે ખરો ભય, માણસને પોતાની જાતનો છે. ને એ ભય, ટાળવાનો ઉપાય એની પોતાની જ પાસે છે.

[5] નિવાસ (ઘર) બાંધો, ત્યારે એમાં જીવન જીવવા માટેના માળાની તૈયારી રાખજો; એમાં ઠઠારો ઓછો કરશો તો ચાલશે; પણ તમારો એ માળો છે એ ભાવના હણાય એવું કરશો તો એનો હેતુ માર્યો જાશે. પછી એ નિવાસ નહિ હોય, ઘર નહિ હોય, શ્રીમંત ભિખારીનો મહાલય હશે.

[6] ઈશ્વરને આ છ વસ્તુઓ ગમતી નથી. પહેલી – અભિમાન ભરેલી દષ્ટિ. બીજી – અસત્ય ભાષી જીભ. ત્રીજી – નિર્દોષને હણનારી શક્તિ. ચોથી – ભયંકર કલ્પનાઓ કરતી ઊર્મિ. પાંચમી – અસત્યને પડખું દેતી બુદ્ધિ. છઠ્ઠી – ભાઈઓ વચ્ચે કંકાસ જન્માવતી દગાબાજી !

[7] ભૂતકાળ વિષે મનમાં પશ્ચાત્તાપ આવે ત્યારે નહિ, ભવિષ્યની મહત્તાનો ખ્યાલ આવે ત્યારે, માણસે સાચી દિશામાં પહેલું પગલું ભર્યું ગણાય.

[8] આપણે સૌ એકબીજાથી જુદા પડ્યા છીએ તેમાં લોભ કારણરૂપ નથી; અસંતોષ પણ ખરા કારણરૂપે નથી. સ્પર્ધા અને સરસાઈ પણ તેના મૂળમાં નથી. તમામ પ્રકારની જુદાઈના મૂળમાં એક જ વસ્તુ ચક્રવર્તી બનીને રાજ કરે છે : શંકા – ભય. એ ભય જ પછી જુદા જુદા રૂપ ધરે છે !

[9] કજિયા – એ તો હરકોઈ પ્રાણી કરી શકે. એમાં શક્તિ-અશક્તિનો સવાલ જ નથી. પણ સમાધાન એ શક્તિ માગે છે ખરું. અશક્તો કોઈ દિવસ સમાધાન કરી શકતા જ નથી.

[10] ખરી ભૂખ જેમ સાચું લોહી આપે, તેમ ખરી જરૂરિયાત જ સામર્થ્ય આપે. જરૂરિયાત વિના મળેલી વસ્તુ, ઘર્ષણ ઊભું કરે !

[11] માણસે ગઈ કાલે કર્યું એ એનું બીજ હતું, આવતીકાલે એ પુષ્પ હશે. એટલે એ કોઈને છેતરવાની હોશિયારી રાખતો હોય તો વ્યર્થ છે. કુદરત છેતરતી નથી અને છેતરાતી પણ નથી !

[12] ખરો શાસનકર્તા એ છે જેના કામ વિષે લોકોને કોઈ દિવસ કાંઈ પ્રશ્ન ઊઠાવવો જ પડતો નથી. એના પોતાના અસ્તિત્વને એ જણાવા પણ દેતો નથી. વ્યવસ્થા એવી કુદરતી વહેતી વસ્તુ બની રહે છે. એનાથી બીજા નંબરનો એ છે – જેના શાસન વિષે લોકો પ્રશંસા કરે છે. ત્રીજા પ્રકારનો – અધમ એ છે, જેનાથી લોકો ભય પામે છે. હજુ એક અધમાધમ છે – એને લોકો ધિક્કારે છે. એના એક પણ વચનમાં કાંઈ સત્ય હોતું નથી. મૌન એ ઉત્તમોત્તમ શાસનકર્તાની વાણી છે. ગમે તેમ શબ્દોની ફેંકોલોજી એ પ્રવચનપટુઓની વાણી છે.

[13] નવા આવનારાની સાથે વાત કરતાં માણસ શંકા કરે છે; પણ નવાઈની વાત આ છે : નવા નવા વિચાર આવે, એના પરિચય વિષે એ કોઈ દિવસ શંકાશીલ થતો નથી. અને છતાં માણસને માણસ મારે, એના કરતાં એના પોતાના વિચારો, વધારે ટાઢો માર મારે છે.

[14] દુનિયામાં ખરો આનંદ, પોતાનાં સ્વપ્નાં રચવામાં રહ્યો છે. પાંચ વર્ષનો શિશુ પણ એ જાણે છે. ને સો વર્ષનો વૃદ્ધ પણ એની મીઠાશ માણે છે. સ્વપ્નમાં બુદ્ધિની શંકા નથી. લાગણીનો વેગ નથી. સ્વાર્થનો દોષ નથી. વિજયની એને તમન્ના નથી. પરાજયનો એને શોક નથી. આશા ફલિભૂત થવાની એને ઉતાવળ નથી. એની પોતાની સૃષ્ટિના આનંદની કોઈ પરિસીમા નથી. એ સ્વપ્નસૃષ્ટિ, દેખીતી રીતે અસત્ય છે, પરંતુ વ્યક્તિ જે કાંઈ છે, તે એના વડે છે, એ રીતે સત્ય પણ છે.

[15] ભૂલું પડી ગયેલું છોકરું પોતાનું ઘર અચાનક શોધી કાઢે, અને એના ચહેરા પર સ્મિત ફરકી જાય – સંતોના ચહેરા ઉપર રમતું સ્મિત આ પ્રકારનું છે, માટે આકર્ષક છે.

[16] માણસ જેવી રીતે આવે છે ચિંતા, ઉપાધિ કે શોક વિના, એવી રીતે જે જીવન જીવી શકે, અને જીવનને છોડી શકે એને જીવનની ઝાંખી મળી ગઈ છે, એમ કહી શકાય.

[17] તમારી અશક્તિનો પશ્ચાતાપ ન કરતા. ઈશ્વર દરેક માણસને એ જ આપી શકે જે એ માણસ સાચી રીતે ઈચ્છી શકે. જેને મળ્યું નહિ એણે આટલું જ સમજવું રહ્યું કે અતળ ઊંડાણમાંથી એણે એ ઈચ્છયું નહિ હોય.

[18] જેને પૌરુષ ગુણો ગમે છે, અને છતાં જે સ્ત્રી-ગુણોને મહત્વના માને છે, તેના તરફ આખી દુનિયાને આકર્ષણ થશે. કારણ કે ન્યાય, સત્ય, પરાક્રમ, પુરુષાર્થ એ મહત્વનાં છે, પણ પ્રીતિ, સહાનુભૂતિ, કરુણા એટલાં જ મહત્વનાં છે. જે આ પ્રમાણે પુરુષના અને સ્ત્રીના ગુણોનો સમન્વય સાધી શકે છે તેને દેવો, દુર્લભ એવી શિશુ અવસ્થા આપે છે. એટલે એ શિશુ જેવો નિર્દોષ બને છે. અને એના જેવો જ સૌનો પ્રીતિપાત્ર થઈ રહે છે.
[19] જેમ પાણી નીચે જ વહે છે, ઊંચે જતું નથી – એ કુદરતનો ક્રમ છે, તેમ માણસને સારું થવું ગમે છે, કોઈને નરસું થવું ગમતું નથી. માત્ર શી રીતે એ સિદ્ધિ પોતે મેળવે એની સમજણ નહિ હોવાથી જ આપણને દુષ્ટ તત્વોનો ભેટો થાય છે. જે પોતાના જાત અભ્યાસમાં તલ્લીન થાય છે, તેને એક અદ્દભુત આશ્ચર્ય જોવા મળે છે; દરેકમાં એ પોતાની જ નબળાઈ અને પોતાનું જ સામર્થ્ય જોઈ શકશે.

[20] આપણામાં જે છે તે સંપૂર્ણ સ્વરૂપનું છે. એને સંપૂર્ણ કરવા માટે બહારથી કાંઈ લાવવું પડે તેમ નથી, પણ અંદરથી ઘણું બહાર લાવવું પડે તેમ છે.

[21] ઋતુને માણસ ચાલી જતી જુએ છે. રાત્રિને પ્રકાશ મળતો દેખે છે. અંધારાને અજવાળું ભેટવા આવે છે એ જુએ છે. નદીનાં પાણીને વહેતાં જુએ છે. સમુદ્રતરંગનું ક્ષણિક જીવન નિહાળે છે… અને છતાં આ આશ્ચર્ય નથી ? એવી જ રીતે તેને મળેલો શોક પણ ચાલ્યો જશે એમ એ માની શકતો નથી ! એવા કુદરતી ક્રમને માટે એને જ્ઞાનનો આધાર લેવો પડે છે ! રે અજ્ઞાન !

[22] નાનકડી વિપત્તિ આવી પડે ને સતાવે ત્યારે એને હૃદયમાંથી કાઢી નાખવાની વ્યર્થ મથામણ કરતા નહિ. એ બોરડીના કાંટા જેવી છે. કાઢવા મથશો તેમ વધારે ઊંડે ઊતરશે ! પણ એ વિપત્તિ ઉપર તમારા જીવન સંસ્મરણોમાંથી થોડું જળ છાંટજો. કોઈ મહાન આપત્તિમાંથી, તમે પહેલાં ઊગરી ગયા હો, એનું ચિત્ર, એને જોવા આપજો ! અને એ તરત, તમારા હૃદયમાંથી ગાંસડાં પોટલાં લઈને, મુસાફરીએ ચાલી નીકળશે !

[23] પ્રશાંત મહાસાગરના જેવી ચિત્તશાંતિ મેળવવા માટે માણસે ત્રણ વસ્તુઓનો અભ્યાસ કરવો પડે છે. આશાનો, અહંકારનો અને ભયનો. એ ત્રણ વસ્તુઓના અભ્યાસમાંથી એને પોતાનો માર્ગ દેખાશે. એમાંથી એને નિરાશા, નિરહંકાર અને નિર્ભયતા એ ત્રણ જડશે. આ ત્રણ વસ્તુઓ જ્યાં સુધી નથી, ત્યાં સુધી ચિત્તશાંતિ પણ નથી.

[24] જે માણસ પોતાનો મત (અભિપ્રાય) ફેરવવા માટે તૈયાર હોતો નથી તે માણસને ખરી રીતે મત હોતો નથી. તે પોતાના પૂર્વગ્રહને પોતાનો મત ગણે છે. મત ફરે છે. પૂર્વગ્રહો ફરતા નથી.

[25] એક અંગ્રેજી વાક્યમાં નાનું સરખું નિત્યજીવનનું સુંદર સત્ય વણાયેલું જોવામાં આવ્યું હતું. એક માણસ પોતાની નિત્યની ઈશ્વરી પ્રાર્થનામાં આટલું જ માગતો : ‘હે પ્રભુ ! આજનો મારો વિચાર એ મારો પોતાનો જ હો, નવીન હો, ને ગઈ કાલનું માત્ર અનુકરણ ન હો !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આવેલ આશાભર્યા – નવનીત સેવક
એક સરસ મઝાની છોકરી – દિનકર જોષી Next »   

4 પ્રતિભાવો : પદ્મરેણુ – ધૂમકેતુ

  1. Uday Trivedi says:

    Thought provoking ! sundar vicharo. keep posting such thoughts…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.