એક સરસ મઝાની છોકરી – દિનકર જોષી

એકની એક દીકરી હોવાને કારણે ઋચા માતા-પિતાનું ભારે લાડકું સંતાન હતી. સાવ નાની હતી ત્યારેય ઋચા ગલગોટાના ફૂલ જેવી એવી તો સોહામણી લાગતી કે, કોઈ અજાણ્યાને ય એને ઘડીક રમાડવાનું મન થાય. થોડીક મોટી થઈ અને જીભ આવી ત્યારે એવું તો મીઠું મીઠું બોલતી કે, એને ઘડીક સાંભળવા જ જે કોઈ સ્નેહી-સંબંધી કે પાડોશી ઘરમાં આવે એ એને બોલાવતાં. પણ ઋચા થોડીક વધુ મોટી થઈ. પાંચ-છ વર્ષની થઈ ત્યારે માતા-પિતાના મનમાં ઝબકારો થયો – અરે ! આવડીક અમથી આ પુત્રીની સ્મરણશક્તિ તો ભારે જબરી છે. આ પછી બન્ને જણાં ઋચાની સ્મરણશક્તિનાં સહુના મોંઢે વખાણ કરવા માંડ્યા. વાત હતી ય એવી જ ! ઋચા એક વાર ધ્યાન દઈને સાંભળે કે જુએ એ બધું જ એને યાદ રહી જાય. ટી.વીની કઈ ચેનલ પર કઈ સિરિયલ આવે છે એ ઋચાને એના નિયત સમય સાથે હોઠના ટેરવે હોય. આ દરેક સિરિયલની ‘સ્ટોરી’ પણ એને સળંગ યાદ હોય. સિરિયલના આરંભે જે સંગીત કે સૂર રોજ સંભળાય એને ઋચા એકેય ભૂલ વિના હાવ-ભાવ અને તાલ સાથે ગાઈ સંભળાવે. ટી.વી ઉપર કઈ ફિલ્મ ક્યારે આવશે એય ઋચા કહી દે. એ ફિલ્મનાં હીરો-હીરોઈનનાં નામ પણ એને મોઢે. ફિલ્મી ગીતો તો એટલાં બધાં કંઠસ્થ થઈ ગયાં હતાં કે સરખે સરખા વચ્ચે જ્યારે અંતકડીની રમત રમાય ત્યારે ઋચાને પોતાને પક્ષે લેવા બેય પક્ષે હોંસાતોંસી થાય. ‘ડ’ કે ‘ઠ’ ઉપરથી કોઈનેય ગીત સાંભરે નહીં, પણ ઋચા ધડ દઈને કહી દે… ડમ…ડમ.. ડિગા…ડિગા, મૌસમ ભીગા ભીગા…….

ઋચાની આ અદ્દભુત યાદશક્તિનાં બેમોંઢે વખાણ કરતાં જનક-જનેતા થાકતાં નહીં. જનક તો હજુય સવારે સાડા આઠ વાગે ઑફિસે જવા નીકળી જાય અને છેક રાત્રે આઠ વાગે પાછા ફરે, એટલે ઓછો સમય મળે, પણ જનેતા પાસે તો સમયનો પાર જ નહીં, રસોઈ બાઈ આવીને રસોઈ કરી જાય અને ઘરકામ કરવા આખા દિવસનો નોકર હતો, પછી શું કામ હોય ? ખાસ્સું એમ.એસ.સી સુધી ભણેલી હતી અને પતિ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં મોટો હોદ્દેદાર હતો. સખીપણાં, બહેનપણાં, મહિલામંડળો અને કિટ્ટી પાર્ટીઓ વચ્ચે સમયનો સદઉપયોગ ન કરે તો બીજું કરેય શું ? આ બધાં સખીપણાં વચ્ચે જેવો મોકો મળે કે તરત જ ઋચાની આ અદ્દભુત સ્મરણ શક્તિની વાત એ ભારે ગૌરવથી કરે – અમારી ઋચાને તો બધું મોંઢે… કઈ સિરિયલ ક્યારે અને ક્યાં આવશે…. કઈ ફિલ્મમાં કોણ કોણ હીરો-હિરોઈન છે અને કયું ગીત ક્યારે ગાય છે…. અરે ! એ આખું ગીત હાવભાવ સાથે તમને સંભળાવી દે…. એવી વહાલસોઈ છે !

આવી આ વહાલસોઈ ઋચા શાળામાંય શિક્ષકોની માનીતી હતી. ભલે પરીક્ષાના પરિણામ વખતે એનો ક્રમ બહુ ઊંચો નહોતો આવતો, પણ પાસ તો સારા માકર્સે જ થતી. એનું સાચું માપ શાળાની ઈતર પ્રવૃત્તિઓમાં પ્રગટી ઊઠતું. નૃત્ય, વકતૃત્વ, સામાન્ય જ્ઞાન, સંગીત આ બધી પ્રવૃત્તિઓમાં એ શાળા માટે ઈનામ લઈ આવતી. આ ઈનામનો યશ જે તે વર્ગ કે પ્રવૃતિના શિક્ષકને ફાળે જતો, એટલે શિક્ષકો પણ ઋચાને ખાસ્સાં લાડ લડાવતાં.

ઋચા હતીય ભારે હિંમતવાન ! માતા-પિતા તો ગરદન ટટ્ટાર રાખીને કહેતાં – અમારી ઋચા તો બિન્દાસ છે, સાત દીકરાની ખોટ સારે એવી ! એને કોઈ અજાણ્યું ન લાગે. ગમે એની સાથે તડાકા મારે ! એકવાર એક કામ એના મનમાં આવે એટલે પાર પાડ્યા વગર રહે જ નહીં. ઋચાને પોતાને માટે માતા-પિતાએ વાપરેલો શબ્દ ‘બિન્દાસ’ બહુ ગમતો. પોતે આવી ને આવી ‘બિન્દાસ’ રહે એ માટે એ સતત પ્રયત્નશીલ રહેતી. તેમ કરવાથી બિન્દાસ થવાય એટલી સમજણ હવે એને આવી ગઈ હતી.

ઋચાને પોતાનું નામ બહુ ગમતું. ‘ર’ અક્ષર ઉપરથી શરૂ થતાં નામ તો એણે ઘણાં સાંભળ્યાં હતાં, પણ આ ‘ ઋ’ ઉપરથી શરૂ થતું કોઈ નામ એણે સાંભળ્યું નહોતું. એ જ્યારે છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે એના વર્ગમાં ઋત્વિક નામનો એક છોકરો દાખલ થયો હતો. આ ઋત્વિક નામ સાંભળતાં વેંત એને ભારે રોમાંચ થયો હતો. એને થયું – પોતાનો બરોબરિયો તો આ એક માત્ર ઋત્વિક જ હોઈ શકે ! ઋત્વિકમાં ખાસ કોઈ વિશેષતા નહોતી. આખો વખત અભ્યાસમાં જ ધ્યાન પરોવી રાખતો. એ સાદો સીધો છોકરો હતો, પણ એનું આ ‘ઋત્વિક’ નામ ઋચાને ભારે આકર્ષક લાગતું. એને થતું – આ ઋત્વિક જો પોતાનો દોસ્ત હોય તો ભારે મઝા પડે. એમાંય હમણાં હમણાં ટી.વી ઉપરથી રોજ એક જાહેર ખબર દિવસમાં દસ-વીસ વાર દર્શાવાતી. આ જાહેરાતમાં એક યુવાન છોકરો અને એક યુવાન છોકરી બેય જણ….. આમને તેમ…. આવું ને તેવું… ને એવું બધું આડી-અવડી કૂદાકૂદ કરતાં અને પછી ડિંગડોંગના સંગીત સાથે અક્ષરો આવતા…. પાછળથી મોટેમોટેથી બોલાતું….. મેઈડ ફોર ઈચ અધર ! આ જાહેરાત જોતા વેંત ઋચાને ઋત્વિક યાદ આવી જતો અને રોમાંચ થઈ જતો. એ પોતે તો બિન્દાસ હતી……ઋત્વિક એનો ફ્રેન્ડ ન બને એ કેમ ચલાવી લેવાય ? ટી.વીના ટચુકડા પડદા પર પેલા મેઈડ ફોર ઈચ અધરમાં એ ઋચા અને ઋત્વિકનું આરોપણ કરતી. એને મઝા પડી જતી.

શાળામાં સહશિક્ષણ હતું, એટલે વર્ગમાં સહુ છોકરા-છોકરીઓ છૂટથી હળતાં-મળતાં, ઋચાએ બે-ત્રણ વાર અભ્યાસનું કંઈ બહાનું કાઢીને ઋત્વિક જોડે વાત કરવાની કોશિશ કરી જોઈ, પણ હા કે ના જેવા એકાક્ષરી ઉત્તરોથી ઋત્વિક કંઈ આગળ વધ્યો જ નહીં. ઋચાને માટે આ નવતર અનુભવ હતો. આવું તો પહેલા ક્યારેય નહોતું બન્યું. પોતે સામેથી બોલાવે એ વાત જ આમ તો નવી હતી અને એમાંય પોતે બોલાવે છતાં સામેથી કોઈ આવો ઠંડો પ્રતિભાવ આપે એ વાત તો ભારે અણધારી હતી. કઈ કઈ ટી.વી સિરિયલમાં કે કઈ કઈ ફિલ્મમાં આવી ‘વિષમ’ પરિસ્થિતિવાળી સ્ટોરી હતી એ એણે યાદ કરવા માડ્યું. એક, બે, ત્રણ….ઘણી સ્ટોરીમાં હીરોઈન પોતાની કાર ચલાવતી જતી હોય… રસ્તામાં મોટર ખોટકાઈ જાય…. હીરોઈન આકુળવ્યાકુળ થઈ જાય….. રસ્તા ઉપર બીજું કોઈ ન હોય ત્યાં હીરો સાયકલ ઉપર ત્યાંથી નીકળે…. હીરોઈન એની સાયકલ ઉપર લિફટ લઈને ધારેલા સ્થળે પહોંચી જાય અને પછી બેય જણ મીઠું મીઠું મલકીને, પાછું વળીને જોતાંજોતાં જતાં રહે……

એમાંય એક દિવસ ઋચાએ જોયું કે ઋત્વિકને શાળાએ મૂકવા માટે એના પપ્પા સાયકલ પર બેસાડીને લાવ્યા હતા. ઋત્વિક પાસે કાર નથી અને માત્ર સાયકલ જ છે અને પોતાની પાસે તો પપ્પાની કાર છે, એ જાણતાંવેંત ઋચાના મનમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. હવે તો કોઈ પણ ભોગે ઋત્વિકને ‘ફ્રેન્ડ’ બનાવવો જ જોઈએ, એવું એણે મનોમન નક્કી જ કરી લીધું. પોતે હજી કાર શીખી નહોતી – પપ્પા શીખવા દેતા નહોતા અને આમ છતાં એ એક રમણીય ચિત્ર વાગોળતી રહી…. પોતે કાર ચલાવતી હોય… કાર અધવચ્ચે અટકી જાય…. ઋત્વિક એની સાયકલ ઉપર ત્યાંથી પસાર થાય અને પછી પોતે એની સાથે સાયકલ ઉપર આગળ બેસી જાય…..વાહ !

પણ આ તો બધું મનમાં ને મનમાં જ હતું. એને સાચુકલું શી રીતે કરવું એ એને સૂઝતું નહોતું, એ મૂંઝાઈ ગઈ. એવામાં એક એવી વાત એના કાને પડી કે, એ વધુ મૂંઝાઈ ગઈ. બે-ત્રણ દિવસ પહેલાં એના ઘરે કિટ્ટી પાર્ટી હતી. કિટ્ટી પાર્ટીની એને કાંઈ નવાઈ નહોતી. આવી પાર્ટીઓમાં તો એ મમ્મી જોડે ક્યારેક ક્યારેક ગઈ પણ હતી. એના ઘરેય આવી પાર્ટી કોઈ વાર થઈ જતી. આ વખતે પાર્ટીમાં પેલાં આન્ટીએ જે વાત કરી એ સાંભળીને એ વધારે મૂંઝાઈ ગઈ. એણે પોતાની આ મૂંઝવણ મમ્મી અને આન્ટી બેય સમક્ષ વ્યકત પણ કરી. એની વાત સાંભળીને બધાં કેમ હસી પડ્યાં એ જ એને સમજાયું નહીં. આન્ટી કહેતાં હતાં કે એમની સોસાયટીમાં રહેતો એક છોકરો અને એક છોકરી ભાગી ગયાં છે. બન્નેનાં મા-બાપ શોધે છે, પણ જડતાં નથી. કોઈ છોકરો અને છોકરી સાથે મળીને શું કામ ભાગી જાય એ એને સમજાતું નહોતું. નાની હતી ત્યારે બાવા બાળકને ઉપાડી જાય એવી વાત સાંભળી હતી. કોઈક છોકરો કે છોકરી મા-બાપથી રિસાઈને ક્યાંક સંતાઈ જાય એવી વાર્તા પણ એણે સાંભળી હતી, પણ મોટા થયા પછી કોઈ છોકરો અને કોઈ છોકરી બેય જણ સાથે મળીને શું કામ ભાગી જાય અને ક્યાં ભાગી જાય એ એની સમજમાં મુદ્દલ આવતું નહોતું ! એણે પોતાની મૂંઝવણ મમ્મી અને આન્ટી સમક્ષ વ્યકત કરી ત્યારે બધાં હસી પડ્યાં. અને આન્ટી તો કહે – બહુ ચાવળી થા મા. મોટી થઈશ ત્યારે તનેય સમજાઈ જશે.

પણ વધારે વાર વિચારતાં ઋચાને થયું કે, પોતેય જો પેલી છોકરીની જેમ ઋત્વિકની સાથે ક્યાંક ભાગી જાય – ક્યાંક સંતાઈ જાય તો પોતાનાં અને ઋત્વિકનાં માતા-પિતા કેવા હાંફળા-ફાંફળાં થઈને શોધવા માંડે. પોતાનાં મમ્મી-પપ્પાને આવા હાંફળા ફાંફળા રૂપે મનોમન દોડતાં જોઈને એને ભારે ગમ્મત આવી. એને ઋત્વિક ઉપર ગુસ્સો આવ્યો. આ ઋત્વિકડો માનતો નથી…… એને મનાવવો જ જોઈએ.

એણે એક યુક્તિ શોધી કાઢી. થોડા વખત પહેલા પપ્પા એક અંગ્રેજી ફિલ્મની સીડી લાવ્યા હતા. તે દિવસે શનિવાર હતો. રાત્રે મોડેથી જમી પરવારીને મમ્મી-પપ્પાએ આ કેસેટ વીડિયો પર ચડાવીને ફિલ્મ જોવા માંડી હતી. રોજ કંઈ પપ્પા મોડે સુધી ટી.વી. ના જુએ….. મમ્મી ઘણીવાર મોડે સુધી ટી.વી જોતી હોય… ઋચા પણ કંઈ મોડે સુધી જાગે નહીં, પણ તે દિવસે મમ્મી-પપ્પાને સાથે જ મોડે સુધી જાગતાં જોઈને એય ઘડીક ટી.વી સામે બેસી ગઈ હતી. મમ્મીએ તો એને સૂઈ જવાનું ઘણું કહ્યું, પણ એ જ હઠ કરીને બેસી રહી. અંગ્રેજી ફિલ્મમાં એને ઝાઝું સમજાતું નહીં, પણ આગળ-પાછળની ઘટનાઓ જોડી દઈને એ બધું સમજી લેતી. આ ફિલ્મમાં, બધી ફિલ્મોની જેમ જ એક છોકરો હતો અને એક છોકરી હતી…. પછી બીજી છોકરી હતી અને બીજો છોકરો હતો… હીરો, હીરોઈન, વીલન બધું જ હતું. વીલનની ફ્રેન્ડ પેલી છોકરીએ હીરોઈનને હીરોથી જુદી પાડવા માટે હીરોને એક ચિઠ્ઠી લખી હતી. હીરોએ આ ચિઠ્ઠી વાંચી અને પછી….

પછીની વાર્તા કંઈ એને બરાબર સમજાઈ નહોતી, પણ પેલી છોકરીએ હીરો ઉપર જે ચિઠ્ઠી લખી એનાથી ભારે ઉથલપાથલ થઈ ગયેલી એટલું તો એની સમજમાં આવી ગયું હતું. ઋચાને થયું – પોતે તો બિન્દાસ હતી. કોઈથી ડરે એવી નહોતી. એણેય જો ઋત્વિકને એક ચિઠ્ઠી લખી હોય તો વાત જામી જાય. એ ચિઠ્ઠી લખવા બેઠી, પણ ચિઠ્ઠીમાં શું લખવું એ એને તરત સૂઝતું નહીં. હીરો અને હીરોઈન મળે અને પછી ગીત ગાય…. ગીત ગાતાં ગાતાં પ્યાર કરે, એટલું તો એ બરાબર સમજતી હતી, પણ આ પ્યાર એટલે શું એ એની કોઈ સ્પષ્ટતા એના મનમાં થતી નહોતી. પ્યાર કરતાં હીરો-હીરોઈનને એણે પડદા ઉપર અનેક વાર જોયાં હતાં, પણ આવી કોઈ હરકતો પ્રત્યે એના મનમાં કોઈ દુર્ભાવના કે આકર્ષણ કંઈ જ પેદા થતું નહોતું. એણે તો મનમાં બસ એક જ ગાંઠ વાળી લીધી – ઋત્વિકડો માનતો નથી અને એના નામ સાથે પોતાનું નામ બરાબર બંધ બેસે છે, એટલે એને ‘ફ્રેન્ડ’ બનાવવો જ જોઈએ. લાંબો વિચાર કર્યા પછી એણે ઋત્વિકના નામે એક ચિઠ્ઠી લખી કાઢી. પેલ્લી સિરિયલમાં અને પેલ્લી ફિલમમાં હીરોઈને હીરો ઉપર લખી હતી એવી…. પ્યારે…પ્રિય….વહાલા….. મારા મનના રાજા….વગેરે….વગેરે… ચિઠ્ઠીને એક કવરમાં બંધ કરીને એણે બીજે દિવસે વર્ગમાં કોઈ જુએ નહીં એમ ઋત્વિકના હાથમાં પકડાવી દીધી.

ઋચા તો વર્ગમાં મહારાણીની અદાથી મહાલતી હતી. એણે પોતાને ચિઠ્ઠી આપી એનાથી ઋત્વિક તો હાકાબાકા જેવો થઈ ગયો. ચિઠ્ઠી વાંચીને એના તો હોશકોશ ઊડી ગયા. એને આમાં કંઈ સમજાયું નહીં. પોતે કોઈક ગંભીર ગુનો આચરી રહ્યો છે એવા ભયથી એ ધ્રૂજી ઊઠ્યો. ઋચાનો તો પ્રતાપ જ એવો હતો કે, ઋત્વિક એની સામે આંખ મેળવવાની હિંમત નહોતો કરતો. આખો દિવસ એનું ધ્યાન અભ્યાસમાં ચોંટ્યું જ નહિ. એને વારંવાર ડર લાગતો હતો કે ક્દાચ આ ચિઠ્ઠી એના ખિસ્સામાંથી શિક્ષક કે શિક્ષિકા પકડી લેશે તો પોતાની હાલત શું થશે. છેલ્લા પિરિયડ સુધી આ ચિઠ્ઠી એણે ખિસ્સામાં સ્ફોટક પ્રદાર્થની જેમ જાળવી તો ખરી, પણ પછી તેને થયું – હવે જો આ ચિઠ્ઠી પોતે ઘરે લઈ જશે તો ક્યાંક મમ્મી-પપ્પાના હાથમાં આવશે… એ ધ્રૂજી ઊઠ્યો. પિરિયડ પૂરો થયો અને સહુ બાળકો ઘર તરફ જવા દોડ્યાં ત્યારે તે ચૂપચાપ એની વર્ગશિક્ષિકા પાસે જઈને ઊભો રહ્યો :
‘કેમ, કંઈ કામ છે ઋત્વિક ? તારે ઘરે નથી જવું ?’ બહેને એને વહાલથી પૂછ્યું.
ઋત્વિક કંઈ બોલ્યો નહીં. એણે ચૂપચાપ પેલી ચિઠ્ઠી શિક્ષિકા સમક્ષ ધરી. શિક્ષિકાએ ચિઠ્ઠી વાંચી. એ સડક થઈ ગઈ. ઋત્વિક ચહેરો નીચો ઢાળીને ત્યાં ઊભો રહ્યો.
‘બહેન ! આમાં મારો કંઈ વાંક નથી. ઋચા એ જ મને આ ચિઠ્ઠી આપી છે. હું કંઈ જાણતો નથી.’ એ રડી પડ્યો.
બહેને એક ક્ષણ ઊંડો વિચાર કર્યો અને પછી ઋત્વિકના મસ્તક પર હાથ મૂકીને કહ્યું :
‘તું ડરતો નહિ ભાઈ, તને કોઈ કશું નહીં કહે. હું ઋચાને ઠપકો આપીશ.’

શિક્ષિકા બહેન પ્રૌઢ વયની મહિલા હતી. છેલ્લાં પચીસેક વરસથી એ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવી રહી હતી. આ વરસો દરમિયાન એણે સમસ્યામૂલક બાળકોના કિસ્સાઓ જોયા હતા, પણ આવો કોઈ કિસ્સો એણે જોયો નહોતો. ઋચા સરસ છોકરી હતી, તેજસ્વી, ચબરાક અને પરાણે વહાલી લાગે એવી ! શિક્ષિકાને થયું – ઋચાને સમજાવીને આ વાત અહીં જ પૂરી કરી દેવી જોઈએ. જો આમ નહીં થાય તો આ સરસ છોકરી ચારેય બાજુથી ચહેરાઈ જશે, એની વગોવણી થશે અને એના ભાવિ ઉપર ધબ્બો લાગી જશે. એણે જે કંઈ કર્યું હતું એમાં પાપ કરતાં વિશેષ અજ્ઞાનતા હતી, અણસમજ હતી. બીજે દિવસે એમણે ઋચાને પોતાની પાસે બોલાવીને એના માથા પર હાથ ફેરવીને પૂછ્યું,
‘આ ચિઠ્ઠી તેં લખી છે, બેટા ?’
ઋચા પહેલાં તો હેબતાઈ ગઈ. ઋત્વિક પાસેથી આજે પોતાને જવાબ મળશે એવી એની ગણતરી હતી, એને બદલે આ ચિઠ્ઠી વર્ગશિક્ષિકાના હાથમાં જોઈને એ તત્કાળ તો સીવાઈ ગઈ. કશું બોલી શકી નહીં.
‘જો બેટા ! તું સારા ઘરની દીકરી છે. તારે ઋત્વિકનું કંઈ કામ હોય તો વર્ગમાં જરૂર હળવું-મળવું, પણ આવું લખવું એ બરાબર નહીં. આ ભૂલ બીજી વાર નહીં કરતી. તારાં મમ્મી-પપ્પાને જો ખબર પડે તો મોટો હોબાળો થઈ જાય.. જા, આ વાત ભૂલી જજે અને શાંતિથી અભ્યાસમાં ધ્યાન રાખજે…..’ બહેને તો ઋચાને શાંતિથી સમજાવીને પેલી ચિઠ્ઠી એના દેખતાં જ ફાડી નાખી.

ઋચા ચૂપચાપ વર્ગમાં તો બેસી ગઈ. પણ એને આ ‘ઋત્વિકડા’ ઉપર બરાબરનો રોષ વ્યાપી ગયો. હવે તો એને સીધોદોર કરીને પોતાની પાછળ લટુડાપટુડા કરતો ન કરી દઉં તો મારું નામ ઋચા નહીં, એવું એને લાગ્યું. જો ઋત્વિક પોતાના કહેવા મુજબ ફ્રેન્ડ બનીને વર્તન નહીં કરે તો એની ખેર નથી, એમ એણે ગાંઠ વાળી. પેલ્લી હિન્દી ફિલમમાં બરાબર આવું જ થયું હતું. – હીરોઈને હીરોને બરાબર સકંજામાં લીધો અને પછી હીરો ઢીલોઢફ થઈ ગયો હતો. ઋત્વિકડાને ધમકાવી કાઢવા અને જો એ પોતાની સાથે ‘ફ્રેન્ડશીપ’ નહી કરે તો સીધો દોર કરવા એણે રોષપૂર્વક બીજી ચિઠ્ઠી લખી કાઢી. બરાબર પેલી ફલાણી ફલાણી સિરિયલમાં બન્યું હતું એમ જ …. શરૂઆતમાં હીરો ભલે અકડાઈ કરતો હોય, પણ અંતે તો હીરોઈનનું જ ધાર્યું થાય છે, એ એણે ટી.વીના પડદા ઉપર ઘણી વાર જોયું હતું.

બીજે દિવસે આ ચિઠ્ઠી એણે, પહેલા કરતાં વધુ હિંમતભેર, ઋત્વિકનો હાથ પકડીને એના હાથમાં સરકાવી દીધી. ઋત્વિક તો સડક જ થઈ ગયો હતો. બાઘા જેવા થઈ ગયેલા ઋત્વિકનો ચહેરો જોવાની ઋચાને ભારે મઝા આવી ગઈ હતી. હવે તો આ ચિઠ્ઠી વાંચતાવેંત ઋત્વિક ઢીલોઢફ થઈને પોતાની પાસે આવશે એની ઋચાને ખાતરી હતી.

ચિઠ્ઠી વાંચતાવેંત ઋત્વિકને તો પરસેવો વળી ગયો. એનું ગળું સૂકાઈ ગયું અને હોઠ ધ્રૂજવા માંડ્યા. ઋચા જાણે એનું ગળું ઘોંટી રહી હોય એવી અસહ્ય મૂંઝવણ એને થવા માંડી. જેમ તેમ પિરિયડ તો પૂરો કર્યો, પણ પિરિયડ જેવો પૂરો થયો અને રિસેસ પડી કે એ દોડીને વર્ગશિક્ષિકા બહેન પાસે પહોંચી ગયો. બહેન પાસે જઈને કોઈ જુએ નહીં એમ એ રડી પડ્યો. બહેન મામલો જાણતાં હતાં, એટલે કંઈ બોલ્યા નહીં, પણ શાંતિથી, ચૂપચાપ ઋત્વિકે ધરેલી પેલી બીજી ચિઠ્ઠી લઈ લીધી. ઋત્વિકની પીઠ પર હાથ ફેરવીને એને શાંત પાડ્યો. ચિઠ્ઠી વાંચીને એમને થયું – હવે વધુ વાર ઋચાને માફ કરાય નહીં. એનાં મમ્મી-પપ્પાને વાકેફ કરીને આ છોકરીનું આ વર્તન સુધારવું જ જોઈએ.

સાંજે શાળા છૂટી ત્યારે એમણે ઋચાને પોતાની પાસે બોલાવી. ઋચા માટે આ કહેણ અણધાર્યું હતું. એણે જે સિરિયલ કે ફિલમની હીરોઈનની જેમ આ બીજી ચિઠ્ઠી લખી હતી એમાં ક્યાંય શિક્ષિકા બહેન વચ્ચે આવતાં નહોતાં. બીજી ચિઠ્ઠી વાંચતાવેંત હીરો ઢીલો પડી જતો હતો, એને બદલે અહીં તો મામલો બગડી રહ્યો હતો.

‘ઋચા’ બહેને સખતાઈથી કહ્યું, ‘તારું આવું વર્તન જરાયે સારું નથી. તારું ભવિષ્ય ન બગડે એ માટે હું તારાં મમ્મી-પપ્પા સાથે હવે વાત કરી લેવા માંગુ છું. આવતી કાલે તું એમને લઈને જ શાળામાં આવજે. એમને લીધા વિના આવીશ, તો હું તને વર્ગમાં બેસવા નહીં દઉં.

આટલું કહીને બહેન તો જતાં રહ્યાં, પણ ઋચા અત્યંત ગભરાઈ ગઈ. પોતે કશોક અપરાધ કર્યો છે, એટલું એ બરાબર સમજતી હતી અને જો મમ્મી-પપ્પા આ વાત જાણે તો પોતાનું આવી બને એવું ય એણે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોયું હતું. કોઈ હીરોઈન, મમ્મી-પપ્પાને આવી વાત જાણવા દેતી નહોતી. કેમ કે પપ્પા બહુ ગુસ્સો કરે….. એક વાર પપ્પા ગુસ્સે થાય પછી કોઈથી ઝાલ્યા ન રહે…. મમ્મીનીય ધૂળ કાઢી નાખે. પોતાને વહાલ તો બહુ કરે છે, પણ એમ તો પેલી ફિલમમાંય પપ્પા વહાલ કરતા હતા તોય જ્યારે આવું બધું જાણ્યું ત્યારે એની પુત્રીને ફટાફટ ઝૂડી કાઢી હતી…. મમ્મીએ માથાં કૂટ્યાં હતાં….પપ્પાએ પિસ્તોલની નળી પોતાના લમણામાં તાકી હતી. ઓહ…. બાપરે… આવું કંઈક બને તો….

એની છાતી ધકધક થવા માંડી. એને અત્યંત રડવું આવ્યું. હવે પોતે કોઈ રીતે ઊગરી નહી શકે એવા ભયથી એ ઘેરાઈ ગઈ. એ પરસેવે રેબઝેબ થઈ ગઈ. એ જેમતેમ દબાતી, ચંપાતી, સંકોચાતી પોતાના મકાન સુધી તો પહોંચી ગઈ, પણ લિફટ પાસે લિફટ પાસે ઊભી રહીને પાછી ધ્રૂજી ઊઠી. ઘરમાં દાખલ થતાં વેંત મમ્મી એની સામે જોશે…. રાત્રે પપ્પા એને બોલાવશે…. શિક્ષિકા બહેને સંદેશો આપ્યો હતો કે એ સંદેશો જો પોતે એમને આપશે તો તરત જ કારણ જાણવા બેય જણ પૂછપરછ કરશે….. પોતે શું કહેશે ? કાલે શિક્ષિકા બહેન પેલી ચિઠ્ઠી મમ્મી પપ્પાને દેખાડશે તો…..

ઋચાના ગળામાંથી આછી ચીસ નીકળી ગઈ. સદભાગ્યે લિફટ પાસે કોઈ ઊભું નહોતું. એણે આંખ મીંચી દીધી બંધ આંખ સામે એણે જોયું – એક સિરિયલમાં પોતાની જેમ જ મૂંઝાયેલી એક હીરોઈને અગાશીના આઠમે માળેથી નીચે પડતું મૂક્યું હતું….

એણે આંખ ખોલી. એનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો. આખું શરીર જાણે સૂકાયેલા લાકડા જેવું થઈ ગયું હતું. એ ઝડપથી લિફટમાં દાખલ થઈ ગઈ અને રોજની જેમ ચોથા માળનું બટન દબાવવાને બદલે એણે અગાશીમાં જવા માટે છેક ઉપરનું બટન દબાવ્યું. હવે એની આંખ સામે કંઈ દેખાતું નહોતું. લિફ્ટની ગતિ…. અગાશી, પેલી સિરિયલમાં અગાશીમાંથી પડતું મૂકતી પેલી હિરોઈન, મમ્મી-પપ્પા, વર્ગશિક્ષિકા બહેન, ઋત્વિકડો, પેલી ચિઠ્ઠી…..

ઘડીક પછી એક કારમો ધબાકો થયો. ભોંયતળિયાની લાદીઓ ઉપર ઋચાનો લોહિયાળ દેહ છિન્નબિન્ન થઈ ગયો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પદ્મરેણુ – ધૂમકેતુ
ગઝલ સૌરભ – વાચકોની કૃતિઓ Next »   

29 પ્રતિભાવો : એક સરસ મઝાની છોકરી – દિનકર જોષી

 1. Gira says:

  Only her parents are responsible after this incidence. and this happens in regular life also now a days. all the needs that her parents provided for her were more than enough. too much freedom to give to your child also culpable behind this result of the story.
  in short, everybody (adults) knows how to take care of this kind of situations and also nurture their children but their LACK of ATTENTION toward them (children) leads to unpleasant incidents.

 2. કહેવાતા મોર્ડન મા બાપ ની અમુક ભુલ ને લીધે આવી પરિસ્થિતિ સર્જાય છે.

  અતિ ને ગતિ ના હોય એવુ છે.

 3. parth barot says:

  it is right. its her parents fault.parent shld not preais always for their children.when they do something wrong, they must be punished and also to be corrected so wont do it again…i mean..need to tell them true things and not to belive in TV/FILMS. 🙂 ya TV is also one factor.

 4. ટી.વી.સીરીયલની અસર અને ફિલ્મો પણ આમાં ભાગ ભજવતી હોય છે. આજનાં મૉર્ડન કહેવાતા માબાપ જ્યારે બાળકોને વધુપડતી સાહ્યબી આપે છે ત્યારે શું

 5. rajeshwari says:

  મેં ૩૩ વર્ષ એક શિક્ષિકા તરીકે હાયર સેકન્ડરીમાં કામ કર્યું છે એટલે મને ખબર છે કે તરૂણાવસ્થાની કેવી કેવી સમસ્યાઓ હોય છે.અને પ્રવર્તમાન સંજોગો બાળકોના જીવન પર કેવી અને કેટલી અસર કરતાં હોય છે….ખૂબ સરસ રીતે વાર્તા લખી છે.

 6. manvant says:

  સ્વતંત્રતા સ્વચ્છંદમાં પરિણમી અને દુર્ભાગી પરિણામ
  આવ્યું .માબાપ અને શિક્ષકની નિષ્ફળતાનું સૂચક જરૂર છે.

 7. prarthana says:

  nice story.. 🙂

 8. Geeta Paresh Vakil says:

  Very very true and thought provoking story in todays’ scenario. Eye opener for parents as well as teenagers.Very good and congratulations to shri Dinkaerbhai Joshi.

 9. bhargav says:

  nice, but very sad.

 10. પ્રસિધ્ધ ત્રિવેદી says:

  સમગ્ર વાર્તામા દેખાઈ આવે છે કે આજના બાળકો સારા પુસ્તકો અને સારા સાહિત્યના બદલે અર્થહીન ટેલીવિઝન પ્રોગ્રામનુ અનુકરણ કરતા થઈ ગયા છે.

  મા-બાપ ઋચાની સામે ખોટા પીક્ચર જોવાને બદલે ઉત્તમ પુસ્તકો વાંચતા હોત અને ઋચાને વંચાવતા હોત તો આ દિવસ ન આવત.

  ટેલિવીઝન નાના બાળકોના મગજ પર વધારે ઉંડી અને ખરાબ અસર કરે છે.

  A human’s learning ability is highest during 3-15 years of his/her age. And during that time if one is learning from T.V instead of books, this is bound to happen.

  I sicearly request everyone reading this comment to keep children away from T.V. during these years.

 11. Dabhi says:

  Only parents are responsible for his child and if they watch T.V. with their child then always happen like this story. Because child will not understand that this is fine and this things is bed but they only understand that, in the tv hero had do this and actress had do that then childs are also impress with that and also do that. so T.V. is biggest terrerist for our growthable child. Child do not know our SHRAWAN, NACHIKETA, ARUNI, DHRUV, PRAHALAD but they now Herry Potter and superman like that. So, now parents has wake up and stopped their child to watch tv and they give the kowledge to child about our CULTURE and about our SANSKRUTI.

  Regards,

  Dabhi.

 12. Rupa says:

  Very nice story. Parents should learn lot from this story.

 13. harsha says:

  its really eye opener story for parents and children.most of the time parents are responsible.they should take care for children that what they are watching .give time for them .and love them

 14. ઋષિકેશ says:

  મને લાગે છે કે માતા-પિતા ની ભૂલ તો છે જ, પણ શિક્ષિકાબહેન નો વાંક પણ કઇં ઓછો નથી. બાળકોના શિક્ષકએ બાળકોની માનસિકતા સમજી ને વાત ને વાળી લેવા ની જરૂર હતી. આટલા નાના બાળક ના કુમળા માનસ માં કોઈ વિકાર ના હોય, થોડો ઋત્વિક ને અને થોડી ઋચા ને સમજાવી ને, પછી એના parents ને મળી ને parents ને પણ માર્ગદર્શન આપી શકાયું હોત ને?
  બિચારી ફૂલ જેવી નિર્દોષ છોકરી … !!! મારો તો જીવ બળી ગયો.

 15. Jinal says:

  As a first step, somebody shd try hard to stop this “K” serials in India…
  They are very wrongly represent the thoughts ans values of life to the society…The story was good though!!!

 16. B I GHORI says:

  can anybody send me phone no. or e mail ID of Mr. Dinkar joshi on bi_ghori@yahoo.com

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.