ડાળ એક, પંખી બે – પ્રવીણ દરજી

[ જેમણે ગુજરાતી નિબંધમાં પી.એચ.ડી કર્યું છે એવા ગુજરાતી સાહિત્યના સર્વશ્રેષ્ઠ લલિતનિબંધકાર શ્રી ડૉ.પ્રવીણ દરજીના પુસ્તક ‘ડાળ એક, પંખી બે’ માંથી આ બે નિબંધો લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ તેમજ આ નિબંધો પ્રકાશિત કરવાની પરવાનગી આપવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. વાચકો તેમનો આ સરનામે સંપર્ક કરી શકે છે : ડૉ. પ્રવીણ દરજી, ‘વાગીશ્વરી’, ફુવારા પાસે, પરામાં, લુણાવાડા-389315. (જિ. પંચમહાલ) ગુજરાત. ફોન : +91 (02674) 253925. મોબાઈલ : +91 98253 56551. ]

……….
આપણી કુંડળી

હા, મિત્રો ! જીવનને વિરાટ-વિશાળ કલ્પનાઓથી ભરી ન દેશો. કારણકે આપણે બદલાઈ ગયા છીએ, સમય બદલાઈ ગયો છે. સાચું પૂછો તો જરાક અમથું આપણું આ આયખું છે. ચપટી એક સમય આપણને મળ્યો છે. એમાં કલ્પના જરૂર કરીએ, પણ કલ્પનાઓય આપણા ગજા પ્રમાણેની. આપણી શક્તિઓના કદની. અને એમ કરીશું તો આપણો જીવનરસ અક્ષુણ્ણ રીતે વહ્યા કરશે. હું તો એમ માનું છું કે નાના અમથા આ જીવનમાં મહત્વ કે મહત્તા નાના નાના પ્રસંગો કે ઘટનાઓની છે. જે પળે, જે પ્રસંગ આવી મળે છે તેને પૂરેપૂરો આપણે કરી લઈએ. સુખની ઘટના હોય તો તેને ઊજવી લઈએ અને દુ:ખની ઘટના હોય તો તેને પચાવી જાણીએ.

હું આમ કરીશ કે તેમ કરીશ, હું આ થઈશ કે તે થઈશ, આવો ભવિષ્યકાળ મોટે ભાગે તો છેતરામણો છે. જે કંઈક છે – વાસ્તવિક છે, આપણા હક્કનું છે તે તો વર્તમાન છે. વર્તમાન આપણી નેમ હોવો જોઈએ. એ જ આપણો ઉત્સવ, એની જ આપણી ઉપાસના. તે જેટલો આપણો બની શકે તેટલું આપણે જીવ્યા. આવો વર્તમાન તમારા, મારા, આપણા સૌના જીવનમાંથી પસાર થઈ રહ્યો છે. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે બહુધા વર્તમાનની ગતિને જોઈ શકતા નથી. કાં તો આપણે ભૂતકાળની ગૌરવગાથાઓ ગાઈએ છીએ અથવા એની દુ:ખમય કહાની અહીંતહીં કહેતા ફરીએ છીએ. એ જ રીતે આપણે ભવિષ્યના બીજે છેડે ઝૂલવાનું પણ વધુ પસંદ કરીએ છીએ ‘જો જો તો ખરા, થોડાં વર્ષો જવા દો, હું આમ કરીશ અને તેમ કરીશ. મારો સૂર્ય ત્યારે મધ્યાહ્ને તપતો હશે, લોકો મને પૂછતા આવશે’ – આ કે આવા સંવાદ પણ આપણે ઘણાબધાના મુખેથી સાંભળતા હોઈએ છીએ. ભૂતકાળ મૃત:પ્રાય છે, ભવિષ્ય મોટું છદ્મ છે. છતાં મનુષ્ય આમ વધુમાં વધુ ભૂતકાળ અને ભવિષ્યને જ જળોની જેમ વળગેલો રહે છે. વર્તમાનની તે જાણ્યે – અજાણ્યે ઉપેક્ષા જ કરતો હોય છે. માણસના મોટાભાગના દુ:ખોનું કારણ કદાચ આ વર્તમાનની ઉપેક્ષા છે.

હું વર્તમાનનો હિમાયતી છું. વર્તમાન આપણું સત્ય છે, વર્તમાન આપણી સાચી ધબક છે. જે કંઈ કરી લેવાનું છે તે વર્તમાનમાં કરી લેવાનું છે. જે વર્તમાનને વેડફી નાખે છે તેને હંમેશા જીવનનો દંડ ભરવો પડે છે. ઈશ્વર છે કે નહિ એ ચર્ચામાં ન પડીએ. પણ જો હોય તો વર્તમાનથી દૂર જનાર કે રહેનારને તે પોતાની પાસે ફરકવા દેતો નથી.

આપણી કુંડળી કે જીવનપોથી વર્તમાન છે. વર્તમાનને ચાહીએ તો જીવનનો રંગ બદલાઈ જશે. તમારી સામે અગણિત પ્રસંગો વર્તમાન બનીને આવે છે. જેમ કે તમારે ત્યાં દીકરા કે દીકરીનો જન્મ થયો, જેમ કે તમે કોઈ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, જેમ કે તમે આજે કોઈ સારા સ્થાન ઉપર વરણી પામ્યા, જેમ કે આજે તમારી જન્મતિથિ છે, લગ્નતિથિ છે, જેમ કે તમે આજે કોઈ અકસ્માતમાંથી ઊગરી ગયા છો, જેમ કે તમારે ત્યાં દીકરીનું માગું આવ છે, અથવા તમારા દીકરાને ત્યાં પ્રથમવાર પારણું બંધાય છે અથવા તમે આજે વહેલી પરોઢે જોયેલું આકાશ એકદમ તમોને નવો અનુભવ કરાવી ગયું હોય. અથવા તમે પ્રથમ જેને પ્રેમ કર્યો હોય એ દિવસ આજે તમારી સામે આવ્યો હોય. દાદા કે દાદી કોઈ કારણોસર ખુશ થયાં હોય અને તમોને કશીક પ્રેમભીની ભેટ આપી હોય અથવા તમારી પૌત્રી એકદમ ખુશ થઈને અજાણતાં જ તમારો એક સરસ નેચરલ સ્નેપ લઈ લેતી હોય, આજે તમે કોઈને તેની સિદ્ધિ માટે અભિનંદન કાર્ડ લખી રહ્યા હોય, અથવા તમારી સિદ્ધિ માટે તમારા ઉપર અભિનંદન પત્રોની વર્ષા થઈ રહી હોય, અથવા કોઈ ખાસ વિશેષ ક્ષણો ફરી એકવાર તમારા માટે વર્તમાન બનીને આવી હોય. દિવાળી, નાતાલ, જેવા કોઈ ઉત્સવો આવતા હોય, અથવા તમે કળાકાર હો અને તમારી કોઈ કૃતિનાં આજે ભારોભાર વખાણ થતાં હોય, છાપામાં તેની નોંધ લેવાઈ હોય કે તમોને તે માટે ઈનામ મળ્યું હોય, અથવા તમે ટ્રેઈન કે બસમાં મુસાફરી કરતા હો અને સહજરૂપે તમોને કોઈ દિલદાર માણસ મળી ગયો હોય, તેની સાથેની થોડીક ક્ષણો તમે હળવાફૂલ બની ગયા હો – તો આ અને આવી અનેક ક્ષણોને – કહો કે તમારા વર્તમાનને તમે ઊજવી લો, માણી લો, આનંદી લો, એ ક્ષણોને એમ જ સરી જવા દેશો નહિ. નાના અમથા જીવનની આ નાની નાની ક્ષણો હવે આપણા જીવનનું સત્ય છે. તેવા ચટાકેદાર વર્તમાનને જો માણ્યા વિના પસાર થવા દઈશું તો જીવન બોજ જેવું બની જશે. જે વર્તમાનને ચાહે છે, વર્તમાનને ઊજવે છે એના માટે જીવનની દરેક ક્ષણ તાજા ગુલાબ જેવી હોય છે.

………..
ધનની આસપાસ

હમણાં એક કેલેન્ડર જોતો હતો. વિવિધ ભાવમુદ્રાવાળી નારીનાં એમાં ઉત્તમ ચિત્રો હતાં. એ ચિત્રોને છેવાડે અંગ્રેજી ભાષાનાં થોડાંક વાક્યો મૂક્યાં હતાં. ચિત્રોની જેમ જ એ વાક્યોએ પણ મારું ધ્યાન ખેંચ્યું. મનુષ્યની નિયતિ કેવી છે ! એ ધન પાછળ દોડે છે પણ પછી એ દોડને અંત જ નથી હોતો. ધન તો અનિવાર્ય છે. સારા-માઠા પ્રસંગો આવે ત્યારે, માંદગી જેવા આકસ્મિક ખર્ચ આવે ત્યારે ધન જરૂરી બને છે પણ ધનની પ્રકૃતિ કંઈક એવી છે કે એક વાર જે એને પકડે છે એ પછી એનાથી છૂટતો જ નથી. બાકી, અર્થવવેદમાં આપણા ઋષિએ કહ્યું છે જ : ઈશાનો ધનદા અસ્તુ મહ્મમ્ – અર્થાત્ ઈશ્વર મને ધન આપનારા બનો. ઈશ્વરને ધન માટેની આ ઋષિસ્તુતિ પાછળનું મહાત્મય જ એ છે કે દૈનંદિનીય ખર્ચ માટે, વ્યવહાર માટે જોઈતું દ્રવ્ય માણસને મળી રહેવું જોઈએ, તો જ એ નચિંત થઈ એનું રોજબરોજનું કાર્ય કરી શકે. નિભાવ જેટલું દ્રવ્ય મળે એને આપણી ખુશનસીબી લેખવી જોઈએ. પણ વાત હવે એથી વિપરીત બને છે. માણસને હવે ધનની ઘેલછા જાગી છે. એ માટેના અનેક વિતથ રસ્તા પણ તેણે શોધી કાઢ્યા છે. દેશભરનાં છાપાં રોજ રોજ એવા ધનભૂખ્યાઓના – કૌભાંડો ને ગોટાળાના – સમાચાર આપે છે. ઈકોતેર પેઢીનું રળી લીધા પછી પણ એવો માણસ ભૂખ્યો ને ભૂખ્યો જ રહે છે, એને આપણે મનીમૅનિઍક કહીશું ?

પેલાં કેલેન્ડર-સૂત્રો આવા મનીમૅનિઍકને સરસ રીતે પ્રકટ કરી આપે છે. એ કહે છે – તમે એવા અધિકાધિક ધનથી બધું મેળવી શકશો પણ જે કેટલીક જીવનઅંતર્ગત બાબતો છે, વ્યવહારની સપાટી નીચેની બાબતો છે, ત્યાં એવું ધન કામ લાગવાનું નથી.

જુઓ – પૈસાથી તમે મોજ-મજા કરી શકો. પણ પૈસાથી આંતરિક સુખ કદાપિ પ્રાપ્ત થતું નથી… આવા અઢળક પૈસાથી કોઈ ઢગલાબંધ પુસ્તકો ખરીદી શકે, તેથી બંગલાની કદાચ શોભા પણ વધી રહે. પણ તેથી મગજ તો જ્યાં છે ત્યાં ને ત્યાં રહે છે. એમાં ફેર પડતો નથી. પૈસાથી મગજ ખરીદી શકાતું નથી. બે નંબરના પૈસાથી તમે વીસ કિલો કે ચાળીસ કિલોનું કે તેથીય ભારે ગાદલું ખરીદી શકશો, વિશાળ પલંગ અને કિંમતી રજાઈ લઈ આવશો પણ તેથી કંઈ ઊંઘ નથી મળી જતી. ઊંઘ દુકાનમાં વેચાતી નથી. પૈસાથી તમે ગુમાનમાં આવી, ઊંચેથી રૂઆબદાર બનીને બોલતા જરૂર થઈ જશો પણ એ પૈસાથી સંતપણું ખરીદી શકાતું નથી. પૈસાથી તમે કેટલીક દેખાવડી, સરસ ચીજવસ્તુઓ જરૂર ખરીદી શકશો પણ એનાથી નિર્મળ સૌંદર્ય ખરીદી શકાતું નથી. એ તો ભીતરની તુષ્ટિનું, સમજનું પરિણામ હોય છે.

પૈસાથી માણસ ઈચ્છે એટલું અનાજ જરૂર ખરીદી શકે છે પણ તેનાથી માણસ ભૂખ ખરીદી શકતો નથી. ભૂખ તો ચયાપચયની ક્રિયાનું પરિણામ છે. તે તો સ્વાસ્થ્ય ઉપર જ નિર્ભર છે. પૈસાથી માણસ મકાનો ખરીદી શકે છે. અઢળક નાણાં એ રીતે વગે કરી શકાય છે પણ એ નાણાંથી કદાપિ ‘ઘર’ ખરીદી શકાતું નથી. ઘર તો પ્રેમપૂર્ણ, વિશુદ્ધ આચારથી બનતું હોય છે. પૈસાથી માણસ વૈભવી વસ્તુઓ જરૂર ખરીદી શકે છે. બંગલો, પરફ્યુમસ, ગાડી, વાડી, લાડી, બધું ; પણ પૈસાથી સંસ્કાર-સંસ્કૃતિ કે સભ્યતા ખરીદી શકાતાં નથી. એ સાવ જુદી બાબત છે.

પૈસાથી માણસ ઢગલાબંધ દવાઓ ઘરમાં લઈ આવી શકે પણ પૈસાથી કંઈ શરીર સ્વાસ્થ્ય કે તંદુરસ્તી નથી ખરીદી શકાતાં. એ તો અંદરનાં – આંતર વિકાસનાં પરિણામો હોય છે, સુચરિતની દેણગી હોય છે. બેનંબરી પૈસા ભેગા કરનારો ઈચ્છે તો ધનના આધારે મસમોટાં મંદિરો બાંધી શકે, તક્તીઓ મુકાવી શકે, પોતાની એ રીતે વાહ વાહ પણ કરાવી શકે. પણ પૈસાથી કંઈ ઈશ્વર ખરીદી શકાતો નથી. ઈશ્વર તો મંદિરની ક્યાંક બહાર, ઘણે દૂર હોય છે. એ તો અંદરની ભક્તિ અને શક્તિ માગે છે.

ટૂંકમાં માણસ ધનથી એના જીવનની બાહ્ય – ભૌતિક વસ્તુઓ, બાહ્ય સુખ-સાહ્યબી જરૂર ખરીદી શકે, પણ જીવનની અંદરની, ભીતરની વસ્તુઓ તો તેની ચિત્તશક્તિઓ સાથે, તેના આત્મા-હૃદય-મન સાથે જોડાયેલી છે. જો મન-આત્મા સમૃદ્ધ હોય તો ધનની ઝાઝી જરૂર પડતી નથી, માત્ર ઉદરપોષણ અને ઈતર વ્યવહારનો થોડોક ખર્ચ – એટલું ધન મળી રહે તો પણ ઘણું…..

ધન અને મન તેથી અલગ જ રહ્યાં છે.
મનને ગીરવે મૂકીને ધન પાછળ દોડનારા પશુ છે, માત્ર પશુ……

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ સૌરભ – વાચકોની કૃતિઓ
વિસ્મયનું રસાત્મક સંક્રમણ – રાધેશ્યામ શર્મા Next »   

18 પ્રતિભાવો : ડાળ એક, પંખી બે – પ્રવીણ દરજી

 1. આપણે ભુતકાળ અને ભવિષ્ય વચ્ચે કોઇક વાર વર્તમાન ની અમુલ્ય ક્ષણો ગુમાવીએ છીએ . સુંદર મનન રજુ કર્યુ છે. ભુતકાળ તો વીતેલ ક્ષણો છે , ભવિષ્ય અકથિત છે,
  વર્તમાન જ સર્વ શક્તિમાન છે.

  ધનની આસપાસ મા ધન અને ધનની આસપાસ માનવી નુ સુંદર ચિત્ર રજુ કર્યુ છે. જીવનભર માનવી એક યા બીજા પ્રકારે ધન મેળવવા રચ્યો પચ્યો રહે છે કેમકે આધુનિક જીવન શૈલી સૌ કોઇને આકર્ષે છે. તેથી સૌ કોઇ ધનની મોહમાયા મા અટવાયા વિના નથી રહેતા.
  આજના યુગમા તો નાણાવગર નાથ્યો ને નાણે નાથાલાલ જેવુ છે.

  ડો. પ્રવીણભાઇ દરજી ને અભિનંદન.

 2. Dhiren says:

  Kharekhar sundar nibandho,vichar karva prere chhe.

  Mrugeshbhai and Pravinbhai ne khub Abhinandan!

 3. manvant says:

  વર્તમાનની ઉપેક્ષા ન કરો .
  ધનની અપેક્ષા ન રાખો…….આ છે સારાંશ.

 4. vijayshah says:

  vartaman ma jivo
  ane hath pag chale tyam sudhi kam karo
  lakshami bhagwan vishnu sivay koine tyaaN lambu taki nathi ane tethI dar triji pedhI moto badalav joti hoy chhe. tame tena chokidar hoi shako pan malik kadi nahi

 5. nnkpatel says:

  jivan shndra banavava mati shu karavu batava sho

 6. Kishor valia says:

  ધનની આસપાસ
  When some one says money is not needed in life to be happy or face the problem of life. I feel some one is either hypocrate or ‘Ashakti Man Bhavet Sadhu’.

  I am 73 years old. When I look my circumstances, I could see I could not have a quality life, medicine and people keep relation with me without I have number of units of money. My young relations tell me Uncle you can’;t take anything with me. It is better you spend here your units and keep every one humoured near you. If I have no money I cood not be admitted to the hospital or can buy any medicine. I can go on like this. Essence is that there is nothing wrong to strive for money, number of units while one can do it. Do not be mad and do wrong things to collect units of money.

  Besides, young people of to-day do understand that without number of units of money, they cannot buy new gadgets which their friends have.

 7. Saifee Limadiawala says:

  Dear Dr. Darji
  Its really nice to read your essays online.. nice words.. infact its facts..
  I am also belong to lunawada. working in gulf in IT industry. searching for gujarati online books and found this site.. now became regular surfer for this site..

  Regards
  Saifee S Limadiawala

 8. Pravin Patel says:

  Kalpana ane Vaastavikta alag rasta chhe.Dhan moti paaraashishi chhe.Mitro sahelaathi dur khasi jaay chhe.Kutumbma pan aej dasha thaay. nari Vaastavikta.Sundar vicharo maate abhinandan.

 9. Vhala Snehi, Pravinbhai, Hu ek shikshak chhu ane aapna articles regurly newspapers ma vanchu chhu, aapni READ GUJARATI par mulakaat thata aanand saathe romanchit thayo.

 10. tagaji marawadi says:

  sir, as usual ur writing on any issue extreme good.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.