- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રિસેસ – રમેશ શાહ

એક વાર પ્રભુનાં પટરાણી રુકમણીજીએ રૂસણું લીધું ! કાળાં વસ્ત્રો પહેર્યાં, અલંકારો ઉતારી નાખ્યાં, કેશકલાપ છોડી નાખ્યો, ખાધા-પીધા વિના, દીવો બૂઝાવી, ખૂણામાં જઈ બેઠાં. એક દાસી દ્વારા સમાચાર મળતાં, પ્રભુ દોડતા આવ્યા અને પ્રિયાને મનાવવા લાગ્યા. રૂસણાનું કારણ પૂછ્યું. ખૂબ મનાવ્યાં ત્યારે રુકમણીજી બોલ્યાંમ, ‘તમે ઘડી-બે-ઘડી અમારી સાથે આરામથી બેઠા છો ? ક્યારેક મારી સાથે પ્રેમગોષ્ઠિ કરતા હો ને કોઈ ભક્તનો આર્તનાદ સંભળાય ને મને તરત છોડી, ત્યાં દોડી જાઓ છો ! પળ-વિપળ પણ નવરાશ નહિ, આ તે કેવું કર્તવ્ય તમારું ?’

વિષ્ણુ હસીને બોલ્યા, ‘પ્રિયે, તમારી વાત અવશ્ય સત્ય છે, પણ આ સૃષ્ટિ એ મારું સર્જન છે. પવન, પાણી, ભૂમિ, પ્રકાશ અને આકાશની મેં રચના કરી છે. પ્રાણીઓ અને માનવસૃષ્ટિ મેં સર્જી છે. પછી મનુષ્યે મશીનો, ગાડીઓ, વિમાનો, ટેલિફોન, ટી.વી., અણુબોમ્બ, ઉપગ્રહો, કોમ્પ્યુટરો બનાવી, મારી સૃષ્ટિનો વિસ્તાર કર્યો. જે વિચાર મને ન આવ્યો, એ એણે બનાવીને મારી સૃષ્ટિનું સંવર્ધન કર્યું છે. ધન્ય છે મનુષ્યની બુદ્ધિને !’

‘સ્વામીનાથ, તમે આડી વાત કરો છો. મનુષ્યને બુદ્ધિ તમે જ આપી. એ સતત તમારી પાસે પ્રાર્થનાઓ કરી, ભક્તિ કરી, ધૂન મચાવી, પુષ્પો ચડાવી, શ્રીફળ વધેરી, દીવાઓ કરી કે આરતી ઉતારી, અનેક પ્રકારની માગણીઓ કર્યા કરે છે. તમને દયાસિંધુ, પૂર્ણપુરુષોત્તમ, ધર્નુધારી, દીનદયાળ કહી પ્રાર્થે છે. ‘મને આટલું કરી આપો. મુજ પાપીનાં પાપ ધોઈ નાખો, મને સ્વર્ગમાં તેડી લો.’ મનુષ્યો તમને ભોળવે છે, પ્રભુ !’ રુકમણીજીએ જુસ્સાથી પ્રતિદલીલ કરી.

આમ તો પ્રભુ અને પટરાણી બન્ને પોતપોતાની રીતે સાચાં હતાં. પટરાણીને કદી આશ નહિ ને પ્રભુને જરાય નવરાશ નહિ ! કારણકે…. ભક્તોએ મંદિર, મસ્જિદ કે દેવળો ઊભાં કરી, પ્રભુનું સંકીર્તન કરવા માંડ્યું ! લગભગ ભાટ-ચારણોની જેમ અનેક ઉપમાઓ આપી, કરતાલિયાં વગાડવા માંડ્યા. જે પ્રાર્થનાઓ નિર્મળ-નિર્ભેળ હોવી જોઈએ, તેને બદલે અશુદ્ધ, સ્વાર્થછલ્લી અને માગણીસભર બનાવી દીધી ! બસ, માંગણી કરી ઈશ્વરની લાગણીને ઉશ્કેરવાની જાણે રસમ ! ભાગ્યે જ કોઈ ગરીબ સુદામો મળી આવે, જે પ્રભુનો મિત્ર હોવા છતાં, તેણે કંઈ ન માગ્યું હોય. બાકી આ ભક્તો તો નર્યા ભિખારીવેડા કર્યા કરે છે. – પ્રભુ મને ધન આપ, ધન મળે તો સત્તા આપ, સત્તા મળે તો યશ આપ… સંતાન આપ, મકાન આપ, ખેતર આપ, વરસાદ આપ, ભાઈને એક બહેન આપ, બહેનને ભાઈ આપ, પૌત્ર-પ્રપૌત્ર આપ – એ જોવા લાં…બુ નિરોગી આયુષ્ય આપ…. બસ, આપ આપ ને આપ….! ખમ્મા મારા બાપ !

આપે તો ધરવ નહિ, કશાનો સંતોષ નહિ. માંગણી સાથે પ્રભુને યાદ કરાવવાનું, ‘પ્રભુ, તેં દ્રોપદીનાં ચીર પૂર્યા, પ્રહલ્લાદને ઉગાર્યો, ગજેન્દ્રને તાર્યો, નરસિંહની લાજ રાખી, ઈવન હોલા-હોલીનાં તુચ્છ બચ્ચાં બચાવ્યાં, તો મારું આટલું કામ નહિ કરે ? કાલે જમીનના ઝઘડાનું જજમેન્ટ મારી તરફેણમાં અપાવજે, મારા નાથ ! ઘીના પાંચ દીવા કરીશ !’

‘જાણે ઈશ્વરને આ સિવાય બીજું કામ જ નહિ હોય ? એણે બીજાં અનેક ડિપાર્ટમેન્ટ સંભાળવાનાં હોય છે. ભલે એ હજાર હાથવાળો, પણ ક્ષણે ક્ષણે કરોડો-અબજો અરજીઓ આવતી હોય છે ! પ્રભુને પણ એમનું ઘર હોય, ગૃહિણી હોય, થોડી વાર એમને આરામ કરવાનું મન ન થાય ? પણ આપણે તો ઢોલ-નગારાં વગાડીને, ધૂપ-ધૂવાં કરીને, મોટા રાગડા તાણીને એમને ઘડીયે જંપવા દેતા નથી ! એ બેઘડી બેસવા જાય, ત્યાં તો શરૂ – ‘ઓ દુનિયા કે રખવાલે, સૂન દર્દભરે મેરે નાલે……’ પ્રભુના દર્દની તો કોને પડી છે ? બિચારાને રુકમણીને છોડી-તરછોડી, કોઈ પ્રેમીને એની પ્રિયતમાના મિલન માટે દોડવું પડે !

તેથીસ્તો રુકમણીજીએ સ્ત્રીહઠ કરી, રૂસણું લીધું. કેવળ એક જ રટણ; ‘સ્વામીનાથ, બહુ થયું હવે. સૃષ્ટિમાં થોડી વાર રિસેસ પાડો. મારી સાથે બેઘડી શાંતિથી બેસો.’
‘અરે ગાંડી, એવું ન થાય. પૃથ્વી પર કેઓસ થઈ જાય….. તું જરા સમજ !’
‘હું તો સમજેલી જ છું. જે થાય તે થાય, રિસેસ પાડો. બધું અટકાવી દો, નહિ તો આજથી હું તમારી રાણી નહિ, મારે અન્ન ને પાણી નહિ.’ રુકમણીજી પીઠ કરીને બેઠાં.
‘હું અર્ધો કલાકની રિસેસ પાડીશ, તો પૃથ્વી પર વર્ષોનાં વર્ષો વીતી જશે. જરા સમજો.’
‘હું કંઈ ન જાણું. હા કે ના….’ રુકમણીજીએ મોં વધુ ફુલાવ્યું.
છેવટે પ્રભુ હાર્યા અને સ્મિત કરતાં બોલ્યાં : ‘સ્ત્રીહઠ પાસે પુરુષ લાચાર છે. તમે જીત્યાં. હું હાર્યો. આજથી, આ ક્ષણથી પૃથ્વીલોક પર બે કલાકની રિસેસ પાડું છું, હવે ખુશ ને ?’
‘એ લોકોને જાણ કેવી રીતે થશે ?’ રુકમણીજી ભગવાનનો હાથ પકડી ઊભાં થતાં બોલ્યાં.
‘મારાં પ્રિયતમા, તમે અત્યંત ચતુર છો ! હું સંતો, ફાધરો, મૌલવીઓ દ્વારા જાહેરાત કરાવું છું કે, પૃથ્વી પર ન કોઈ જન્મશે ન કોઈ મરશે. જે સ્થિતિમાં જે છે, તે સ્થિતિમાં તે રહેશે. છતાં નિર્જીવ સૃષ્ટિ તેનું કાર્ય ચાલુ રાખશે. બસને ? હવે તો મલકો મહારાણીજી…..’

પ્રભુના આદેશની સંતોએ જાહેરાત કરી….
બ્યાસી વરસના બુઢ્ઢાઓ નાચી ઊઠ્યા – મીન્સ ફિઝીકલી રાસડા લેવા લાગ્યા. હાડકાં ભાંગે તો ભાંગે, દાંત પડે તો ચોકઠું પહેરીશું, મોતિયાનો તો હિસાબ નહિ, ડાયાબિટીસ થશે તોય મીઠાઈ ખાઈશું, કોલેસ્ટ્રોલ કી ઐસી તૈસી…. વધ્યા કર 200-400-800……! કૌન ડરતા હૈ ? અબ હમ મરનેવાલે નહીં હૈ !

યુવાનોને જલસા થઈ ગયા. ઉંમર ભલે વધે, પણ શરીર તેવું ને તેવું યૌવનયુક્ત જ રહે ! વાળ ધોળા થાય નહિ. શરીરે કરચલીઓ પડે નહિ. હો જાય રંગરેલિયાં… ચુલબુલિયાં… કબૂતર જા…જા….જા… આ ઘેર… પેલે ઘેર…! કુદરત, તેરા જવાબ નહિ ! સ્ત્રીઓ પણ ખુશખુશાલ ખુશ્બૂ બની ગઈ. ઝાંઝરો ઝમક્યાં, કંગનો ખનક્યાં, બંધનો તૂટ્યાં, દિલના દરવાજાઓ ખુલી ગયા…. મુક્ત વિલાસિની બની ગઈ ! કોયલો ટહુકી ઊઠી… મનના મોરલા થનગની રહ્યા….. મોતીના ચોક પુરાયા… જાણે સાર્વત્રિક ઉત્સવ-ઉત્સવ થઈ ગયો ! અમરત્વના મદમાં સૌ છકનભૂ થઈ ડોલવા લાગ્યાં…..

જેમ વર્ષો વીતવા લાગ્યાં, તેમ જમાનાની તાસીર બદલાવા લાગી. ડૉકટર પાસે લોકોની આવન-જાવન વધી ગઈ, પણ પ્રસૂતિગૃહો બંધ થયાં. બાળકોના નિષ્ણાત ડૉકટરો બેકાર બન્યા. છોકરાં ભણતાં ભણતાં આગળ વધ્યાં, પણ કોઈ નવાં છોકરાં ન હોવાથી પ્રથમ બાલમંદિરો બંધ થયાં, પછી પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલો અને છેવટે કોલેજો બંધ થઈ ગઈ. શિક્ષકગણ બેકાર બનતાં, તેઓ બરફના ગોળા, શરબતની લારીઓ ફેરવવા લાગ્યા. કેટલાંકે જૂતાં બનાવવાનો વ્યવસાય સ્વીકાર્યો.

મંદિરોમાં જવાનું લોકો લગભગ ભૂલી ગયા ! જોઈતું સુખ મળી ગયું. પછી ભગવાનનો ભાવ કોણ પૂછે ? મંદિરો બંધ થતાં પૂજારીઓનો વ્યવસાય ભાંગી પડ્યો ! એમણે કેશકર્તન મંદિરોની સ્થાપના કરી. બાલ-દાઢીના વિવિધ પ્રયોગોથી અનેક ફેશનોનાં અવતરણ થયાં ! હા, બ્લેક ડાઈ લગભગ બંધ થઈ ગઈ.

દરજીઓના ભાવ દસગણા વધ્યા. એમણે અવનવી, નિતનવી ફેશનો પેશ કરી. લોકોની ભીડ ત્યાં જામવા માંડી. સાથે સાથે સોનીઓ પણ ન્યાલ થઈ ગયા. આભૂષણોમાં નવા આકારો, નવાં માધ્યમો લોકોએ સ્વીકારી, જીવનને ભવ્ય અને રંગરંગીલું બનાવી દીધું….. લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું ગયું, પણ લાઈફનું અધ:પતન થવા લાગ્યું. ડિવોર્સના અસંખ્ય કેસો બન્યા. કેટલાક બીજાની પત્નીઓને લાલચો આપી, પડાવતા અને થોડા જ સમયમાં તરછોડતા…. લગ્નજીવન છિન્નભિન્ન થઈ ગયું. પ્રભુના શિરે ચડતાં પુષ્યો કામિનીઓના કેશકલાપ શોભાવવા લાગ્યાં, છેવટે પુષ્પોના ઢગ લોકોના પગ નીચે કચડાવા લાગ્યા….!

પ્રભુ એમની પ્રિય પટરાણી રુકમણી સાથે હીંડોળે ઝૂલતા હતા, ત્યારે જગહીંડોળો હાલકડોલક થતો, વર્ષો વીતાવતો હતો….

સૌથી મોટું દુ:ખ ગર્ભવતી સ્ત્રીઓને આવી પડ્યું. ઉદરમાં રહેલા બાળનો જન્મ થાય નહિ અને એબોર્શનથી પણ એ નાશ ન પામે. ક્યાં સુધી, કેટલા વર્ષ એનું વહન કર્યા કરવાનું ? જાણે અભિશાપ જેવું – ન રહેવાય કે ન સહેવાય – જેવું જીવન બની ગયું ! પતિઓ પણ આવી સ્ત્રીઓને ત્યજી, મહાભિનિષ્ક્રમણ કરી ગયા…. કોઈ સાધુ થઈ, ગિરિવરની ગુફામાં સંતાયા ! કેટલાકે ડિવોર્સ લઈ, સંતોષ માણ્યો. બીજી તકલીફ થઈ બાળકોને. પૂર્ણ અભ્યાસ તો કર્યો, પણ શરીરે જેવાં હતાં તેવાં જ, મતલબ અપૂર્ણ રહ્યાં. પ્રેમની વાર્તાઓ વાંચે પણ પ્રેમ જરાય સમજાય નહિ. મા-બાપ જલસા કરે અને છોકરાં રઘવાયાં થઈને ફર્યા કરે ! આ તે કેવું જીવન ? આવા અવિકસિત શરીરનો શો અર્થ ?

ભૌતિક સુખ ચરમ સીમાએ પહોંચ્યું. સરકાર નોટો છાપવા લાગી. બે નંબરી કાળું નાણું વિનિમયનું મુખ્ય માધ્યમ બન્યું. દરેક કામ ભ્રષ્ટાચાર વિના થાય નહિ ! જાણે ભ્રષ્ટાચાર જ આચાર-વિચારની સંહિતા બની ગયો ! મોટરગાડીઓએ સાઈકલને હડસેલી દીધી. ટ્રાફિક જામ અને એક્સિડંટો એકદમ વધી પડ્યા ! ઘણા લોકો ઘાયલ થાય, હાડકાં ભાંગે, હાથ કપાય, આંખો ફૂટે, પણ મરે નહિ ! કોમામાં ગયેલાનાં શરીર-શ્વાસ વર્ષો સુધી ધડક્યા કરે ! એમનાં શરીરોથી ભરચક રૂમમાં ડૉકટર કે સગાં-સંબંધી સારવાર માટે જાય જ નહિ ! જાણે તે કબરમાં દટાયેલાં કયામતની રાહ જોતાં ન હોય !

એવી જ સ્થિતિ મારામારીના કિસ્સાઓમાં થવા લાગી. કોઈ કોઈનાથી ડરે નહિ. ‘તેરે ટુકડે ટુકડે કર દુંગા, તુજે મારકે તેરા ખૂન પી જાઉંગા’ જેવા વાક્યો હાસ્યાસ્પદ અને અર્થહીન બની ગયાં…. બે દુશ્મનો એકબીજાને ગોળી મારે, યા ચાકુ હુલાવે, તો પંદર દિવસ પછી ફરીથી યુદ્ધ કરે ! આવાં અનંત યુદ્ધો થવા માંડ્યા !

વૃદ્ધોની શરૂઆતની પ્રભુ પ્રાર્થનાઓ ખુશીખુશીના સાથિયાઓ પૂરતી : ‘પ્રભુ તું દીનદયાળ છે. અમારાં પુણ્યોને કારણે તેં અમને દીઘાર્યુ બનાવી દીધા. અમારે ઘણું જોવાનું – જાણવાનું બાકી છે. તારી અસીમ કૃપાથી અમે હવે કદી મરવાના નથી !’ ધીમે ધીમે આ પ્રાર્થનાઓનો રંગ બદલાવા લાગ્યો. સુખ જ દુ:ખનું કારણ બનવા લાગ્યું….

વનસૃષ્ટિ એ સજીવ હોવાથી પ્રભુના વરદાનની એના પર ખાસ્સી અસર થઈ….. નવા અંકૂરો ફૂટવાના બંધ થયાં. પાંદડાં જે તે સ્થિતિમાં રહ્યાં. ન પીળાં થાય, ન ખરે ! ઘાસ ઢોરોએ ચરી ચરી ખલાસ કરી દીધું. ખેતરોમાં નવો પાક બંધ થઈ ગયો. અનાજનો જૂનો સ્ટોક ધીમે ધીમે ખતમ થવા લાગ્યો. હવા, પાણી, વરસાદ, તડકો એ બધું નિયમિત, પણ ખેતરમાં નવો દાણો પાકે નહિ. દસ રૂપિયા આપતાંય ઘઉંના દસ દાણા મળે નહિ ! વધાર માટેનું તેલ અત્તરની શીશીમાં વેચાતું, તેના ય કાળા બજાર થવા લાગ્યા ! હા, પાણી છૂટથી મળે, પણ એકલા પાણીથી કંઈ જીવાય ! લોકો મરે નહિ, પણ ભૂખ તો લાગે ને ? વૃક્ષોના પાંદડાથી અમુક વર્ષો નિભાવ ચાલ્યો, પછી જંગલનાં વૃક્ષો સાવ બાંડાં થઈ ગયાં. પ્રાણીઓ પણ મરે નહિ, મરઘીઓ ઈંડા મૂકે નહિ ! શું ખાવું ? પથ્થર તો ખવાય નહિ !

ભૂખનો કોઈ ઈલાજ ન હતો, ન કોઈ વિકલ્પ હતો ! લોકો ભૂખે અમળાઈ અમળાઈ ધમપછાડા કરવા લાગ્યા ! પ્રભુને પ્રાર્થવા લાગ્યા. મંદિરો ફરીથી શરૂ થયાં. પૂજારીઓ પાછા ફર્યા. સર્વત્ર હાહાકાર મચ્યો…. લોકો દયાર્દ્ર સ્વરે પ્રભુને વિનવવા લાગ્યા, ‘પ્રભુ, આ ભૂખથી નથી રહેવાતું. નથી જીવવું અમારે, લઈ લે તારું દીધેલું અમરત્વ…. માર, પણ આ પીડામાંથી છોડાવ….!’
વૃદ્ધો એમના રાસડા બંધ કરી, પથારીમાં પડી, રાગડા તાણી રડવા લાગ્યા. કોઈએ આંખો ફોડી નાખી, કોઈએ ધોરી નસ કાપી, કોઈ કૂવામાં પડી ડૂબકાં ખાવા લાગ્યા ! કોઈએ શરીરને સળગાવ્યું…. પણ હાય, મૃત્યુ તો વેંત દૂર જ રહ્યું ! આપઘાતોએ માત્ર પીડામાં ઉમેરો કર્યો ! આખી પૃથ્વી ખળભળી ઊઠી….. માનવમહેરામણ સાર્વત્રિક ચીસો પાડવા લાગ્યો. લૂલાં, લંગડાં, ઘવાયેલાં ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ ઉછળી ઉછળીને પોકારી રહ્યો, આજીજી, વિનવણી, પ્રેયર, બાંગ, ધૂન, ધમપછાડા કરી પ્રભુને પ્રાર્થી રહ્યો…… ‘હે દીનદયાળ, મારા નાથ, જરા રહેમ કર, બ્લેસ યોર ચીલ્ડ્રન, અમારે અમર નથી થવું, અમારું મૂળ જીવન પાછું આપ.’

પ્રભુએ હજી હીંડોળાનું એક આવર્તન પૂરું કર્યું નો’તું, ત્યાં તો પૃથ્વીલોકનો ઘોંઘાટ સાંભળ્યો. એમણે રુકમણીજીને પૃથ્વી પર નજર નાખવા કહ્યું. રુકમણીજી આખું દશ્ય જોઈ હબકી ગયાં. આંખોમાં અમીરૂપી અશ્રુધારા વહેવા લાગી અને બોલ્યાં, ‘સ્વામીનાથ, આપની લીલા સમજવા હું અસમર્થ છું. આપ આપનું કર્તવ્ય પૂર્વવત શરૂ કરો !’ ને…..

પૃથ્વી પર ઘાસનાં અંકૂરો ફૂટ્યાં….વૃક્ષો નવપલ્લિત થયાં…..ખેતરોમાં પાક લહેરાવા લાગ્યો…. પક્ષીઓ કિલ્લોલ કરવા લાગ્યાં…..

– અને જ્યારે મંદિરમાં ઘંટારવ થયો, ત્યારે નવજાત શિશુનું રૂદન સંભળાયું….ને પૃથ્વી પર આનંદ આનંદ છવાઈ ગયો !