અમારા માધવકાકા – છોટુભાઈ ભટ્ટ

અમારા માધવકાકા આખા ગામમાં જાણીતા. કંઈ પણ કામ આવી પડે, તો તે તુરત કહે : ‘તમે બધાં ખસી જાઓ, મને તે કરવા દો !’ એક દિવસ મારા દાદાની છબી જડાઈને આવી, એટલે રાધાકાકીએ પૂછ્યું, ‘આ છબીને ઊંચે કેવી રીતે ટિંગાવશું ?’ માધવકાકા તરત બોલી ઊઠ્ય, ‘ઓહો, એમાં તે શું કરવાનું છે ? એ હું કરી લઈશ. તમારે તેની ચિંતા કરવી નહીં.’

એટલું બોલીને તેમણે કોટ ઉતાર્યો. પોતાના નવ-દસ વરસના દીકરા રમણને બોલાવ્યો અને કહ્યું : ‘બેટા રમણ, જરી દોડ ને પાસે બજારમાંથી ચાર આનાની ખીલીઓ લઈ આવ તો.’ ચાર આની લઈને રમણ ઊપડ્યો. તેને ગયે બે-ત્રણ મિનિટ થઈ, અને તેમણે મનુને બોલાવીને કહ્યું, ‘અરે ઓ મનુ, બેટા, જરા દોડ તો ! રમણને કહેતો આવ ને કે અરધા ઈંચિયા ખીલીઓ લાવે.’

મનુ ગયો અને કાકાએ કામની શરૂઆત કરી. ‘અરે, અહીં કોણ છે ? અરે, ઓ કનુ, પેલી ઓજારોની પેટીમાંથી હથોડી લાવ તો ! અને બેટા શાંતા, કોઠારમાંથી કોઈ મને સ્ટૂલ આણી આપો તો ! સ્ટૂલ સાથે નિસરણી પણ કદાચ જોઈશે. જોને, બેટા નારણ, તું આપણા ગોવિંદકાકા પાસે જા; કહેજે કે, મારા બાપુએ તમારી તબિયતના ખબર પૂછવા મોકલ્યો છે. અને પછી એની નિસરણી માગજે. જા, જલ્દી દોડ !… અને ઓ સુશીલા, તું અહીં જ રહેજે; જોજે, કંઈ બહાર જતી ! તારે મને દીવો ધરવો પડશે. આ ભીંત ઉપર બહુ અંધારું પડે છે.’

એટલામાં રમણ ખીલીઓ લઈને આવ્યો. તેને માધવકાકાએ કહ્યું, ‘બેટા, જરા બજારમાં ફરી દોડને ! સૂતરની મજબૂત દોરી લાવવી પડશે…..અરે, પેલો કનવો ક્યાં જતો રહ્યો ? આ હમણાં મને નિસરણી ઉપર છબી કોણ આપશે ? એક જણ તો છબી આપવા જોઈશે ને ?’

આ બધી ધમાલ પછી ખીલી, હથોડી, નિસરણી, સ્ટૂલ, દોરી બધું આવ્યું અને માધવકાકાએ છબી ટિંગાડવાનું મહાભારત કામ આરંભ્યું. બધા આજુબાજુ વીંટળાઈ આવ્યાં. એક જણે નિસરણી પકડી રાખી, અને કાકા ઉપર ચડ્યા. કનુએ કાકાના હાથમાં છબી આપી, અને એ ભીંત ઉપર કેવી મજાની શોભશે એમ વિચારતા હતા, એટલામાં તો તેમના હાથમાંથી એ પડી ગઈ અને તેનો કાચ ભાંગી ગયો. એક પણ શબ્દ બોલ્યા વિના માધવકાકા નીચે ઉતર્યા, પણ કાચના એક મોટા ટૂકડાને કાઢવા જતાં આંગળી કાપી બેઠા.

ભગભગ લોહી નીકળવા લાગ્યું. લોહી, અને તેમાંયે પોતાનું લોહી, જોઈ કાકાને ચક્કર આવવા જેવું થયું. આંગળીએ પાટો બાંધતા અર્ધો કલાક થયો. નવો કાચ મંગાવ્યો અને તે આવતાં બીજો અરધો કલાક થયો. માધવકાકાએ ફરીથી આ મહાન કામનો આરંભ કર્યો. નિસરણી, સ્ટૂલ અને ઓજારો, ફાનસ અને ફૂટપટ્ટી – બધાં સાધનો તૈયાર કર્યા. બે જણાંએ નિસરણી પકડી રાખી, અને કાકા પગથિયાં ચઢવા લાગ્યા. એટલે ત્રીજાએ તેમને ટેકો આપવા માંડ્યો. ચોથાએ તેમને ખીલી આપી. પાંચમાએ હથોડી આપી અને છઠ્ઠાએ ફાનસ રાખ્યું. પણ એટલામાં તો કાકાના હાથમાંથી ખીલી પડી ગઈ. બે-ત્રણ જણાં ખીલી શોધવા લાગ્યાં. તેમાં જરા વાર થઈ, એટલે માધવકાકા ઉપરથી તડૂકવા લાગ્યા : ‘તમે લોકોએ આ શું ધાર્યું છે ? શું મને આખો દિવસ આમ ઊભો રાખવો છે ? એક ખીલી શોધતાં કેટલી વાર ?’ કાકાએ સપાટો લગાવ્યો, એટલે બધાં ઊલટાં ગભરાયાં.

છેવટે ખીલી જડી. કાકાએ તે હાથમાં લીધી – ત્યાં તો હથોડી ન મળે ! એટલે માધવકાકાનો મિજાજ ફરી ગયો : ‘આટલાં સાત-આઠ જણાં અહીં છે, અને મેં હથોડી ક્યાં મૂકી દીધી એટલુંય તમને કોઈને ભાન રહેતું નથી ? તમારાથી તો તોબા !’ છેવટે નિસરણીના પગ પાસેથી તે મળી આવી. કાકાએ તે હાથમાં લીધી. પણ ત્યાં તો, ખીલી ક્યાં લગાવવી તે માટે દીવાલ પર કરેલી નિશાની કાકા ભૂલી ગયા. ફાનસના પ્રકાશમાં તે ધારીધારીને જોવા લાગ્યા, પણ નિશાની દેખાય જ નહીં. પછી અમે કહ્યું કે, ‘કાકા, તમે નીચે ઊતરો, અમે તે શોધી કાઢશું.’ એક પછી એક અમે તે શોધવા લાગ્યાં. દરેક જણ જુદી જુદી જગાએ તે બતાવવા લાગ્યું. એટલે માધવકાકા ફરીથી ગર્જી ઊઠ્યા : ‘તમે બધાં તે કેવાં અણઘડ આદમી છો ! તમને ન જડે ખીલી, ન જડે હથોડી, કે ન જડે ભીંત પરથી નિશાની. ચાલો, ઊતરો નીચે ! તમે જિંદગીમાં શું ધોળવાનાં છો ?’

જેમતેમ કરીને નવેસર નિશાની કરી, પછી કાકા કહે, ‘ચાલ મનુ, લાવ પેલી ખીલી અને હથોડી.’ અને નિશાની પર ખીલી મૂકી કાકાએ હથોડીનો ફટકો માર્યો, પણ ખીલી આડી થઈ ગઈ અને આજુબાજુનું પ્લાસ્ટર ઊખડી ગયું. તે જોઈ કાકા બૂમ મારી ઊઠ્યા : ‘કેવું હલકું પ્લાસ્ટર માર્યું છે ! આવા કડિયાને તે કોણે રોક્યો હશે ! ચાલ, કનુ, બીજી ખીલી લાવ. પણ હવે તો નિશાનીથી જરાક નીચે લગાવવી પડશે.’

હવે કાકાએ ધીમે ધીમે ખીલી ઠોકી. તે બરાબર ઠોકાઈ ગઈ. અને ત્રણ-ચાર કલાકની ધમાલને અંતે કાકાએ છબી ભીંત પર લટકાવી. અમારા બધાં તરફ ગર્વથી જોતા જોતા તે નીચે ઊતર્યા અને કહેવા લાગ્યા, ‘કેમ, લટકાવી આપીને છબી !?!’ આ અમારા માધવકાકા કંઈ જેવાતેવા છે ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રિસેસ – રમેશ શાહ
વિવેક વિચાર – સંકલિત Next »   

10 પ્રતિભાવો : અમારા માધવકાકા – છોટુભાઈ ભટ્ટ

 1. khushboo says:

  very nice story.
  amara madhav-kaka che ne?

 2. સુરેશ જાની says:

  મારી કિશોરાવસ્થામાં વાંચેલી આ વાર્તા..
  બાળપણ યાદ આવી ગયું .

 3. manvant says:

  માધવકાકાને નવ ગજના નમસ્કાર

 4. Himanshu Zaveri says:

  કંઇ ની છેલ્લે માધવકાકા એ તસ્વીરતો લગાવી આપીને. very nice story, thank you.

 5. ashraf Agakhani says:

  I READ THIS STORY WHEN I WAS IN HIGH SCHOOL IN ENGLISH.

 6. Indian says:

  Mathavkaka…. hats off… :):) Very funny and nice story…

  Morale of the story – we respect, appreciate and co-operate… whoever and however one is… and that’s India – a Family… 🙂 Loved the story… and also ReadGujarati

 7. surekha gandhi says:

  લૂલી કચરો વાળે ને સાત જણ પકડી રાખે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.