વિવેક વિચાર – સંકલિત

એ નક્કી કોણ કરશે ? – વિનોબા ભાવે

કેટલાક લોકો વૈરાગ્યપૂર્ણ જીવન વિતાવે છે અને આત્મામાં વધુ રત રહે છે. એમને પણ તરસ તો લાગે છે. તે વખતે પાણી મળે, તો જ એમને સમાધાન થાય છે; પાણી ન મળે ત્યાં સુધી અજંપો રહે છે. બીજી બાજુ, જેઓ દેહના સુખ તરફ વધારે ઝૂકે છે, એમના જીવનમાંયે ક્યારેક એવી ક્ષણ આવે છે જ્યારે બહારની વસ્તુઓથી એમને તૃપ્તિ થતી નથી; એમને અંતરના સમાધાનની ભૂખનો અનુભવ થાય છે. તેથી દેહ અને આત્મા બંનેનું સમાધાન થવું જોઈએ. આ માટે વિજ્ઞાન અને આત્મજ્ઞાનનો વિકાસ સાથે સાથે ચાલવો જોઈએ.

પ્રાચીન જમાનામાં આપણે ત્યાં આધ્યાત્મિક તૃષ્ણા વધારે હતી, એટલે આત્મજ્ઞાનની ખોજ અહીં વધારે થઈ શકી. પશ્ચિમના દેશોમાં છેલ્લાં ત્રણસો વરસમાં વિજ્ઞાનનો વધુ વિકાસ થયો. પહેલાં ક્યારેય નહોતો થયો એટલો સુખવિસ્તાર વિજ્ઞાને આજે કરી દીધો છે. પણ પહેલાં કરતાં સમાધાન વધ્યું છે એમ કહી શકાતું નથી. તેથી માણસનો વિકાસ એકાંગી થઈ રહ્યો છે. મારો જો એક જ હાથ મોટો થયો, તો હું એમ નહીં કહી શકું કે હું સુખી છું. બલ્કે એમ કહેવું પડશે કે મારો વિકૃત વિકાસ થઈ રહ્યો છે, ને પરિણામે હું દુ:ખી છું. આજે આપણે શરીર તરફ વધારે ધ્યાન આપીએ છીએ ને આત્મા તરફ ઓછું. એટલે માનવીય ગુણોનો વિકાસ નથી થઈ રહ્યો, અને માણસ દુ:ખી છે.

અગ્નિથી રોટલી શેકી શકાય છે અને ઘરને આગ પણ લગાડી શકાય છે. વિજ્ઞાને તો અગ્નિના બેય ઉપયોગ બતાવી દીધા. પણ તેમાંથી ક્યો ઉપયોગ કરવો તેનો નિર્ણય આત્મજ્ઞાને કરવો પડશે. જેના આત્મજ્ઞાનમાં દોષ હશે, તે વિજ્ઞાનનો ખોટો ઉપયોગ કરશે. વિજ્ઞાન તો માણસનું જીવનધોરણ વધારવા માટેનાં સાધનો ઉપલબ્ધ કરાવી આપે છે. વિજ્ઞાન તો દૂધ, ફળ, સિગારેટ, દારૂ, બધું જ વધારી આપશે. પણ દારૂ પીવાથી જીવનધોરણ વધે છે કે ઘટે છે, તે કોણ નક્કી કરશે ? વળી દૂધ સારી વસ્તુ હોય તો પણ તેનુંય પ્રમાણ કેટલું વધારવું, તે વિચારવું પડશે. સારી વસ્તુ પણ વધારે પડતી લેવાથી હાનિકારક બની જાય છે. એટલે ખરાબ ચીજો ન વધારવી, અને સારી ચીજો પણ અમુક હદથી વધુ ન વધારવી, એમ નક્કી કોણ કરશે ? એ બધું નક્કી કરવાની શક્તિ વિજ્ઞાનમાં નહીં પણ આત્મજ્ઞાનમાં છે. ઈષ્ટ શું ને અનિષ્ટ શું, તે નક્કી કરવાનું કામ આત્મજ્ઞાનનું છે.

વિજ્ઞાન ગતિ-વર્ધક છે, આત્મજ્ઞાન દિશા-સૂચક છે. આપણે પગ વડે ચાલીએ છીએ, પણ કઈ દિશામાં ચાલવું તે આંખથી નક્કી કરીએ છીએ. તેમ વિજ્ઞાન પગ છે, અને આત્મજ્ઞાન આંખ. માણસને જો આત્મજ્ઞાનની આંખ ન હોય, તો તે આંધળો કોણ જાણે ક્યાં ભટકશે ! બીજી બાજુ, આંખ હોય પણ પગ ન હોય તો તેણે બેઠા જ રહેવું પડશે.

વિજ્ઞાન અને આત્મજ્ઞાનમાં કોણ ચઢિયાતું અને કોણ કનિષ્ટ, એવી કોઈ વાત જ નથી. બંને એકબીજાનાં પૂરક છે, બંને મળીને જ પૂર્ણ જ્ઞાન થાય છે. બંનેનો એકસાથે વિકાસ થતો રહેવો જોઈએ. બંનેના વિકાસમાં સમત્વ જળવાશે તો જ માણસને સમાધાન પ્રાપ્ત થશે. વિજ્ઞાનની શોધનો ઉપયોગ સહુ કોઈ કરી શકે છે, તેમ આત્મજ્ઞાનની શોધનોય સહુ કરી શકે એવું થવું જોઈએ. સત્પુરુષોએ પોતાના વ્યક્તિગત જીવનમાં જે ગુણો સિદ્ધ કર્યા, તેને આપણે સમાજવ્યાપી બનાવવાના છે.

…………
કામમાં સુવાસ – ઈશ્વર પેટલીકર

કહેવાય છે કે માણસ વહાલું નથી, પણ તેનું કામ વહાલું છે. પરંતુ એ કામેય કેવી રીતે થાય છે અને તેમાંથી કેવી સુગંધ ફેલાય છે તેની ઉપર વહાલનો આધાર હોય છે.

કોઈ આવીને બારણે ઘંટડી મારે છે. બારણું ઉઘાડતાં એ પૂછે છે : ફલાણાભાઈ છે ? ‘ના’ નો ટૂંકો જવાબ આપવાથી કામ પતી ગયું લાગે. પરંતુ એ જવાબ સુગંધ વિનાનો ગણાય.
એને બદલે કોઈ જવાબમાં કહેશે : ‘માફ કરજો, તમારે ધક્કો થયો. એ તો બહાર ગયા છે, પણ અંદર આવો ને ! તમને વાંધો ન હોય તો શું કામ હતું તે જણાવો, તો એ આવશે કે તરત તમારો સંદેશો આપીશ. ચિઠ્ઠી મૂકી જવી હોય તો તમારી બાજુમાં જ કાગળનું પેડ અને પેન છે.’ અને આવનાર વ્યક્તિ કામ જણાવીને વિદાય થાય ત્યારે ઘરનું માણસ કહેશે : ‘એ આવશે કે તરત સંદેશો આપીશ. આવજો !’ અને જનાર વ્યક્તિ ફળિયું ઓળંગી જાય પછી જ એ બારણું બંધ કરશે.

આટલાથી એ કામ પૂરું થઈ જાય છે, તેવું પણ નથી. ઘરના એ સભ્ય બહારથી આવે ત્યારે પેલા મુલાકાતીની ચિઠ્ઠી તરત આપવી જોઈએ. અગર મોઢે સંદેશો કહ્યો હોય તો સમજફેર ન થાય તેમ વિગતથી તે જણાવવો જોઈએ.

કામ કરીને સૌને જીતી લેવાનાં છે. પણ કેવળ કામથી લોકો જિતાતા નથી. એ કામ કેવી ચીવટથી અને વિવેકપૂર્વક આપણે કરીએ છીએ, કામમાંથી સંસ્કારની સુગંધ કેવી ફેલાય છે, તેની ઉપર એ જીતનો ઘણો આધાર રહે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમારા માધવકાકા – છોટુભાઈ ભટ્ટ
યથાવત્ – બકુલ દવે Next »   

5 પ્રતિભાવો : વિવેક વિચાર – સંકલિત

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.