યથાવત્ – બકુલ દવે

અચાનક જ આ શું થઈ ગયું ? પ્રવીણભાઈના ગળે ઊતરતું જ નહોતું. એ સ્તબ્ધ હતા ને અવાક પણ. બાસઠ વર્ષની ઉંમરે પણ યુવાનની જેમ સખત અને સતત પરિશ્રમ કરતાં રહ્યા પછી નિષ્ક્રીય થઈ બિછાનામાં પડ્યા રહેવાનું એમના માટે સજા જેવું હતું. પણ એમનાથી બીજું કશું ક્યાં થઈ શકે તેમ હતું ? હવે એમના માટે આરામ લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ક્યાં રહ્યો હતો ?

ઘણું ખરું સત્ય કડવું હોય છે, પ્રવીણભાઈ વિચાર્યું. પોતાને હૃદયરોગનો હુમલો થાય – થઈ શકે તે સ્વીકારવાનું એમના માટે અઘરું બની ગયું હતું. બાસઠ વર્ષની ઉંમર સુધી શરીરે એમને ખૂબ સાથ આપ્યો. એમણે શરીર પાસેથી જે કામ ઈચ્છયું તે થઈ શક્યું. શરીરે ક્યારેય મોટી ફરિયાદ ન કરી. હૃદય પણ સ્વસ્થ રહ્યું. નિયમિત ધબકતું રહ્યું. તો પછી સાવ અચાનક – કશી ચેતવણી આપ્યા વગર એ કેમ થાકી ગયું ?

આ પ્રશ્ન પ્રવીણભાઈએ એમની પાસે બેઠેલાં ઉષાબહેનને પૂછ્યો. ઉષાબહેન ક્ષણ બે ક્ષણ પતિના ચહેરા સામે જોઈ રહ્યાં ને પછી પ્રતિપ્રશ્ન કર્યો : ‘તમે વિચારો છો એવું સાવ ક્યાં છે ?’
‘એટલે ?’
‘તમારું શરીર તંદુરસ્ત હતું એવું તમે માનો છો પણ ખરેખર તેમ ક્યાં હતું ? આપણું શરીર એટલું દગાબાજ નથી કે બિલકુલ ચેતવણી આપ્યા વગર બિમાર પડી જાય.’
‘પણ મને ક્યાં કશી ચેતવણી…..’
‘ચેતવણી તો મળી જ હતી. કેટલાક સમયથી જલદી થાકી જવાની અને ક્યારેક સતત શ્રમ કરવાથી હાંફ ચડી જવાની તકલીફ તમને હતી જ. તો પણ તમે આંખ આડા કાન કર્યા ને પરિસ્થિતિ વધુ વણસી.’

પ્રવીણભાઈએ પહેલી જ વાર કશી દલીલ ન કરી. ઉષાબહેને જણાવી તે તકલીફ એમને ઘણા સમયથી હતી. એટલું જ નહીં, પણ ક્યારેક છાતીમાં દબાણ જેવું ય એમણે અનુભવ્યું હતું. પણ એ તરફ એમણે ધ્યાન આપ્યું નહોતું. નવી તકલીફ વિષે એમણે ઉષાબહેનને કશું જણાવ્યું નહોતું. બૈરાને આવું બધું કહીએ તો એ અમસ્થું જ કાગારોળ કરી મૂકે. – આ ડૉકટરને બતાવો ને તે ડૉકટરોને બતાવો તે કરતાં મૌન રહેવું વધુ સારું તેમ વિચારીએ પોતાનું કામ કરતાં રહ્યા હતા. આટઆટલું કામ માથા પર ગાજતું હોય ત્યારે આવી નાની-નાની તકલીફોને પંપાળીને જીવવાનું એમને ક્યાં પરવડે તેમ હતું ? ઘણીવાર ઉષાબહેન નારાજ થઈ જતાં. પણ પ્રવીણભાઈનું જીવનમાં એક જ ધ્યેય હતું – વધુ ને વધુ પૈસા કમાવાનું. એક વ્યક્તિને સુખી જીવન જીવવા માટે હોવા જોઈએ એટલા રૂપિયા એકઠાં કરવામાં જ જીવનનો આનંદ મળતો હતો. એ કહેતા, પૈસા છે તો બધું જ છે. ‘સર્વે જના: કાંચનમ્ આશ્રયન્તે’

પ્રવીણભાઈને બધું યાદ આવવા લાગ્યું. છેલ્લા કેટલાક વર્ષથી એ ઘર કરતાં દુકાનમાં વધુ સમય ગાળવા લાગ્યા હતા. વહેલી સવારે નીકળી જતા ને રાત્રે ઘેર પાછા ફરવામાં પણ એમને ખાસ્સુ મોડું થઈ જતું. એટલું જ નહીં, પણ રવિવારે પણ એ દુકાને જઈ બંધ બારણા પાછળ કંઈક ને કંઈક કામ કર્યા જ કરતા.
‘કમસે કમ રવિવારે તો ઘેર રહો….’ ઉષાબહેને કહ્યું હતું.
‘ઉષા, હું અમસ્થું – કારણ વગર દુકાને નથી જતો.’ પછી કશું વિચારતા હોય તેમ ઘડીક વિરામ લઈ પ્રવીણભાઈએ ઉમેર્યું હતું, ‘વાત એમ છે કે હું નરોત્તમભાઈ સાથે નવો ધંધો શરૂ કરવા વિચારી રહ્યો છું. એના માટે અમે દુકાનમાં મળીએ છીએ.’
‘નવો ધંધો ?!’
‘હા’
‘શું જરૂર છે હવે તમારે નવો ધંધો શરૂ કરવાની ? આટલું છે તે પૂરતું નથી ?’
‘ના, ઉષા. હજી આપણે પૈસાની જરૂર છે.’
‘પૈસાનું તો એવું છે કે સંતોષ ન હોય તો ધનના ઢગલાય ઓછા પડે. ને હવે તમારા શિરે ક્યાં કોઈ જવાબદારી છે કે તમારે આટલી હાયવોય કરવી પડે ? ભગવાને આપેલા બે દીકરા છે. કવનને તમે ભણાવ્યો, પરણાવ્યો ને એ દુકાન સંભાળી શકે એવી તાલીમ પણ આપી.’
‘પણ વિશાલનું શું ? એ ભણી લે પછી….’ પ્રવીણભાઈએ ગળે થૂંક ઉતારતાં કહ્યું હતું, ‘એના માટે કંઈક કરવું પડશે ને ?’
‘અહીં જ તમે ખોટું કરી રહ્યા છો.’
‘ખોટું કરી રહ્યો છું ?’
‘હા, તમારે બંને દીકરા માટે જે કરવાનું હતું તે કરી ચૂક્યા છો. હવે કવનને તમે દુકાનનો વહિવટ સોંપી દો ને વિશાલને – એણે શું કરવું તે એની જાતે જ વિચારવા દો. એને તમે આપકર્મી બનવા દો, બાપકર્મી નહીં. જરૂર પડે ત્યાં સુધી આપણે આપણાં સંતાનોની આંગળી પકડી ચલાવીએ તે બરાબર છે પણ એમને તેડી લેવા તે ઠીક નથી. એનાથી તો ઊલટું એ તેડકણાં થઈ જાય…..’
‘તો પછી મારે શું કરવાનું ?’ પ્રવીણભાઈએ પૂછ્યું હતું, ‘જવાબદારી પૂરી થઈ છે તેમ સમજી હાથપગ જોડી ઘરમાં બેસી રહેવાનું ?’
‘તમારે ઘરમાં બેસી રહેવું એવું હું ક્યાં કહું છું ? તમારે દુકાને જવાનું પણ ધીમે ધીમે નિસ્પૃહ થતા રહેવાનું. ધંધાની જવાબદારી કવનને સોંપતા જવી, જેથી એને પણ સારું લાગશે, ગમશે. એને પણ જીવનની તકલીફો સહન કરવા દો અને પડકાર ઝીલવા દો તો એનું વ્યક્તિત્વ નિખરશે….’
‘પણ વિશાલ હજી….’
‘વિશાલને માટે પણ હવે તમારે ખાસ કશું કરવાની જરૂર નથી. એ સૉફટવેર એન્જિનીયર થઈ વિદેશ જવા ઈચ્છે છે. એને પણ એની રીતે જીવવા દો.’

પ્રવીણભાઈ ખડખડાટ હસી પડ્યા હતા, ‘યુ આર ગ્રેટ ! તને બોલવામાં કોઈ ન પહોંચે. તેં ઈચ્છ્યું હોત તો સારી વકીલ થઈ શકી હોત. અથવા સારી પ્રૉફેસર અથવા તો….’
‘અથવા તો સારી પત્ની….’
‘એ તો તું છે જ….’
‘તો મારું કહ્યું કેમ નથી કરતા ?’
પણ એ પ્રશ્નનો ઉત્તર પ્રવીણભાઈએ ટાળ્યો હતો. એ પોતાની દિનચર્યા બદલી શકે તેમ નહોતા. દુકાનમાં બેસી, ધંધાની જવાબદારી ધીમેધીમે કવનને સોંપતા જઈ નિસ્પૃહ થવાનું એમના માટે અઘરું હતું.

હૉસ્પિટલના વાતાનુકૂલિત ડિલક્સ રૂમમાં પડ્યા પડ્યા પ્રવીણભાઈને બધું સ્મરણમાંથી પસાર થતું રહ્યું. એમને થયું, ઉષા સાચી હતી. એનું કહ્યું પોતે કાને ધર્યું હોત તો કદાચ પરિસ્થિતિ આટલી વણસી ન હોત. દોડધામ કરી, સાચું-ખોટું ચલાવી રૂપિયા કમાવાનું વ્યસન એટલું હાડોહાડ હતું કે તેને પોષવા માટે પોતે ‘જવાબદારી’ ના વાઘા ઓઢી લીધા હતા તે પ્રવીણભાઈને સમજાયું. એ વાઘાના ચીંથરા ઊડી ગયાને નગ્ન સત્ય ડોકિયાં કરવા લાગ્યું હતું ત્યારે હવે જીવનમાં પરિવર્તન આણવાની જરૂર છે તે એમણે હવે સ્વીકારવું જ રહ્યું. ઉષાબહેને એકવાર વાતવાતમાં કહેલા શબ્દો અચાનક જ પ્રવીણભાઈની સ્મૃતિમાંથી પસાર થઈ ગયા. ઉષાબહેને કહ્યું હતું…..

‘શું વિચારો છો ?’ ઉષાબહેને કહ્યું ને પ્રવીણભાઈની વિચારધારા અટકી.
‘ઉષા, તેં મને એકવાર કહ્યું હતું….’
‘શું કહ્યું હતું ?’
‘તેં કહ્યું હતું કે જીવનમાં સતત દોડતા રહેવાને બદલે ધીમેધીમે ચાલીએ તો હાંફી ન જવાય. ધીમેધીમે ચાલનાર પ્રવાસને વધુ સારી રીતે માણી શકતો હોય છે…’
‘અને અચાનક અડબડિયું ખાઈ પડી જતો નથી.’
‘સાચી વાત છે….’ પ્રવીણભાઈ પત્નીના હાથ પર હાથ રાખી કહ્યું, ‘ધીમેથી ચાલતી વ્યક્તિ લાંબુ ચાલી શકે છે. દીર્ધ યાત્રાનો આનંદ લઈ શકે છે. ઝડપથી જીવી જઈ મૃત્યુનાં ગંતવ્ય સુધી પહોંચી જવામાં શું મજા ?’
‘તો પછી શું વિચાર્યું ?’ ઉષાબહેનના ચહેરા પર સ્મિત પ્રગટ્યું.
‘હવે હું રનરમાંથી વૉકર થવાનો. ધીમે ધીમે ચાલીશ.’
‘ધેટ્સ લાઈક એ ગુડબૉય !’
‘હું તને બૉય દેખાઉં છું ?’
‘યસ, નાઉ યુ સે મી એ ગુડ ગર્લ.’ ઉષાબહેનનો ચહેરો મરક મરક થવા લાગ્યો. બંને હસી પડ્યા. વરસો પહેલાં હસતાં હતાં એવું – મુક્ત અને એકમેક સાવ નિકટ લાવી દેતું.

હૉસ્પિટલમાંથી પ્રવીણભાઈ ઘેર આવી ગયા. હૃદયરોગનો હળવો હુમલો આવ્યો હતો તે વાત પાછળ રહી ગઈ. એને એક મહિનો થઈ ગયો. પ્રવીણભાઈએ હવે ધીમેધીમે દુકાને જઈ બેસવાનું શરૂ કર્યું છે. પણ કોને ખબર કેમ, દુકાનમાં એમને હવે અજાણ્યું લાગે છે. પ્રવીણભાઈને પોતાને પણ નથી સમજાતું કે જે દુકાનમાં એમણે વરસો પસાર કર્યા છે ત્યાં એમને અજાણ્યું કેમ લાગે છે ?

પણ ધીમે ધીમે એમણે એ પ્રશ્નનો ઉત્તર શોધી કાઢ્યો. પોતે હવે અગાઉ હતા તે કરતાં રહ્યા છે ને દુકાનમાં પણ અનેક ફેરફાર થઈ ગયા છે. પ્રવીણભાઈ બેસતા હતા તે બેઠકથી લઈને બધી જ ચીજોના સ્થાન બદલાઈ ગયા છે. અગાઉ કોઈ ચીજ જોઈતી હોય તો એ અંધારામાં પણ શોધી લેતા પણ હવે અજવાળામાં પણ કોઈ ચીજ લેવા માટે લંબાયેલો હાથ ભોંઠો પડે છે. વારંવાર એમણે કવનને પૂછવું પડે છે, શરૂઆતમાં કવન એમને પૂછતો હતો તેમ. એટલું જ નહીં, પણ વરસોથી એ બેસતા હતા તે જગ્યાએ કવન બેસવા લાગ્યો છે. નવી જગ્યાએ બેસવાનું એમને નથી ફાવતું.

એક દિવસ પ્રવીણભાઈની અકળામણ છેક ટોચ પર પહોંચી ગઈ. એમણે કવનને કહ્યું : ‘અહીં આવ….’
‘શું છે પપ્પા ?’
‘દુકાન અગાઉ હતી તેમ ગોઠવી દો. મને મારી જગ્યાએ જ બેસવાનું ફાવશે. કાલથી હું અગાઉની જેમ વહેલો સવારે દુકાને આવી જઈશ.’
‘પણ પપ્પા….’
‘કોઈ દલીલ ન કરીશ. હું કહું તેમ કર, અન્ડરસ્ટેન્ડ ?’
‘જી, પપ્પા’
પ્રવીણભાઈના ચહેરા પર સંતોષ છવાઈ ગયો. કાલે બધું પહેલા હતું તેમ – યથાવત્ થઈ જશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિવેક વિચાર – સંકલિત
સાસુનો પત્ર – રંભાબહેન ગાંધી Next »   

8 પ્રતિભાવો : યથાવત્ – બકુલ દવે

  1. સરસ વાર્તા !!!

  2. manvant says:

    હા ભાઈ હા…… બધું યથાવત કરાવીને જ ઝંપ્યા !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.