અમૃત પ્યાલી – સંકલિત

કિટ્ટા કરી છે – સાહિલ

કિટ્ટા કરી છે જ્યારથી મારાપણાથી મેં,
ઈન્કાર ક્યાં કર્યો કોઈ સંભાવનાથી મેં ?

વંચિત રહી ગયો છતાં એની રહેમથી,
સંબંધ નહિ તો તોડ્યો છે ક્યારે ખુદાથી મેં ?

કાજળનું એક ટપકું પવન સાથે મોકલી,
તમને બચાવી લીધાં છે સઘળી બલાથી મેં.

થોડો ઘણો ભીતરથી એ ભીનો થયો હતો,
પથ્થરને જ્યારે જ્યારે પૂજ્યોં આસ્થાથી મેં.

એને વિલયની બીક નથી હોતી કોઈ દિ’,
બસ એટલે તો પ્રેમ કર્યો ઝાંઝવાથી મેં.

કેવળ હૃદયનો સાથ દીધો એ જ કારણે,
કાયમની વ્હોરી દુશ્મની ‘સાહિલ’ બધાથી મેં.

……………
કરગરી રહ્યા – કિરણ ચૌહાણ

પૂછી જુઓ આ જાતને કે ક્યાં જઈ રહ્યાં ?
કોના ઈશારે આપણે આગળ વધી રહ્યાં ?

તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,
રોઈ શકાય એટલા આંસુ નથી રહ્યા.

જન્મોજન્મના કોલ તને દઈને શું કરું ?
જ્યાં એક ભવના વાયદા ખોટા પડી રહ્યા.

હોવા છતાં જબાન કશું બોલતા નથી ?
ખુદના જ શબ્દ જેમને કાયમ નડી રહ્યા.

ભૂલી ગયા કે બ્રહ્મ તણા અંશ છો તમે ?
ચપટીક સુખને કાજ તમે કરગરી રહ્યાં !

………..
મુકતક – રિષભ મહેતા

શ્વાસ તો ખૂટી જવાને હોય છે,
પરપોટો ફૂટી જવાને હોય છે.
લાખ એને સાચવે આંખો છતાં
સ્વપ્ન તો તૂટી જવાને હોય છે.

…………
તાન્કા – પરાગ ત્રિવેદી

તડકે તાપે;
તનની સાથે, ઠરી
ગયેલી રાત
સ્મૃતિઓનેય હૂંફ
આપે : એકલ વૃદ્ધ !

………….
હાઈકુ – મંગળ રાવળ

પરોઢ થાતાં
ગોંદરે પાણી : નેવે
સૂરજ બેઠો.


……………
વદે એક બાલા (સોનેટ) – રાજેન્દ્ર શાહ

ટકોરા ગણું કેટલા ? બાર વાગ્યા;
હતો કૉલ દીધો, છતાંયે ન આવ્યા.
પ્રતીક્ષા તણી કારમી શી કસોટી !
દગે ઊતરી આ રહી સાન્ધ્યછાયા.

હતાં આપણે લીન જ્યારે સમીપે,
ન જાણ્યું ગઈ વેળ ક્યારે વહી તે.
હવે કલ્પ જેવી જણાતી ક્ષણાર્ધ,
કહો, જિન્દગી શૂન્ય શી કેમ વીતે ?

ન તન્દ્રા, ન નિદ્રા, ન છે દ્વાર બન્ધ,
વસે કણ્ઠમાં ચક્રવાકી વિહંગ.
વહે બોલ એનો દિશા સર્વ વીંધી.
ચહે સૂર્ય-રશ્મિ, અને પદ્મ-ગન્ધ.

હવે કાય ઢીલી ઢળે આંખ મીંચી,
ઉઘાડો, ઉઠાડો સુધા-સ્નેહ સીંચી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાસુનો પત્ર – રંભાબહેન ગાંધી
પાંપણે બેઠેલું સપનું – રામજીભાઈ કડિયા Next »   

7 પ્રતિભાવો : અમૃત પ્યાલી – સંકલિત

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.