પાંપણે બેઠેલું સપનું – રામજીભાઈ કડિયા

કેટલાં વરસે હું લીનાને મળી ? મને જોતાંવેંત લીના બાળકની જેમ વળગી પડી. એ મારી બાળસખી હતી. યૌવન કાળનાં અનેક સપનાં અમે સાથે સેવ્યાં હતાં. મારે અધવચ્ચેથી કૉલેજ છોડીને સંસારચક્રે જોડાવું પડ્યું અને લીના અભ્યાસ પૂરો કરી એમ.એ સુધી પહોંચી હતી. એના પિતાને એ એકની એક હતી. મોટી થઈ, પણ એનાં મા-બાપને મન તો એ નાની કીકલી જ હતી.

યૌવનની વસંતે પાંગરેલી કોઈ નાજુક લતા શી સોહામણી લીના પર હું મુગ્ધ હતી. છલકાતા નીલ સરોવર જેવી એની આંખો જોતાં હું ધરાતી જ નહિ. એના કપાળ પરની રેશમ વાળની લટની ઘણી વાર હું ઈર્ષા કરતી. એનું હૈયું પારેવડા જેવું ભોળું હતું. એક વાર મેં કહ્યું : ‘લીના, હું તને ચાહું છું…..’

ત્યારે એ એવું ખડખડાટ હસી પડેલી કે એને હસતી જોવામાં મને મઝા પડેલી. કોઈ સામાન્ય વસ્તુ પણ લીનાના સ્પર્શે શોભી ઊઠતી…. પછી પરાગ શી રીતે બાકી રહે ? એ એની સાથે કૉલેજમાં અભ્યાસ કરતો હતો. મારી જેમ એ લીના પર મુગ્ધ હતો. મને સાસરે વિદાય આપવામાં આવી ત્યારે એ રડી પડી હતી. મેં કહ્યું : ‘લીના આવું ખોટું રડાતું હશે ? તું પણ પરાગ સાથે વિદાય લે ત્યારે હું એવી હસીશ ને !?’
લીના મલકાઈ ગઈ હતી.

બે વરસ પછી મને લીનાનાં પરાગ સાથેનાં લગ્નની કંકોતરી મળેલી. હું મનોમન ખૂબ હરખાઈ ઊઠી હતી, પણ લગ્નમાં જઈ શકી નહોતી. ત્યાર પછી આજે હું કેટલાં વરસે એને મળતી હતી ! આટલા સમયમાં તો જીવનમાં અને જગતમાં કેટલાય અવનવા રંગોની અદલાબદલી થઈ ગઈ હતી. મને લીના આજે પણ એવી ને એવી તાજી, રંગભરી ને સૌંદર્યથી સભર લાગી. મને એમ હતું કે, એ એના સાસરે ગઈ હશે તો મળાશે નહિ, પણ એનાં મમ્મીને મળાશે એમ માનીને હું ગઈ, પણ એ તો જાણે મારી પ્રતીક્ષા કરતી હોય તેમ એ પોતે જ બારણામાં મળી. મને જોતાંવેંત જ નાચી ઊઠી; ખુશખુશાલ થઈ ગઈ. ખોવાયેલી ચીજ ઘણા વખતે હાથમાં આવે તેમ મને ઘરમાં લઈ ગઈ. મને અડીને એ બેઠી.

story

‘કેમ મજામાં તો ખરીને ?’ હું બોલી.
ત્યારે મને ઉત્તર આપવાને બદલે એ મારી આંખો સામે એકીટસે જોઈ રહી. જાણે કંઈક શોધી રહી હતી. કંઈક ઓળખવા મથતી હતી. પછી બોલી : ‘કેટલા દહાડે તુ દેખાઈ સુરભિ ?’
મેં કહ્યું : ‘લીના, પ્રથમ તો મારે તારી માફી માંગવાની છે. તારી કંકોતરી મળી હતી, પણ ન તો હું આવી શકી કે ન કંઈ ભેટ મોકલાવી શકી !’ ત્યારે લીના સહેજ હસી, પણ કેવું કરુણ ! એના ગોરા ચહેરા પર ઉદાસીનું કાળું વાદળું છવાઈ ગયું.

‘કોનાં લગ્ન અને કેવી વાત ?’ એ બોલી.
‘કેમ, તારાં વળી !’ સાશ્ચર્ય મેં પૂછ્યું.
‘ન થયાં એ લગ્ન……’ એટલું બોલી, મોં પર એણે એની પાંદડાં જેવી હથેળીઓ દાબી દીધી.
‘શું કહે છે તું આ ? પરાગ સાથે તારાં લગ્ન થયાં નથી – આ સાચું કહે છે ? તો મને મળેલી કંકોતરી ખોટી હતી ?’
‘ના એ ખરી હતી. મારું નસીબ ખોટું હતું….’ અને એણે ઊંડા કૂવાના જળમાં જેમ ઘડો ભરાય તેમ ડૂસકાં ભર્યાં. હું તો નીરખી જ રહી કે શું બની ગયું છે એના જીવનમાં ! લીધેલાં લગ્ન અટકે એ તો આશ્ચર્યની અવધિ કહેવાય.
‘લીના, આવું શાને બન્યું ?’ એ નિરુત્તર રહી. માત્ર એનાં ડૂસકાં રૂમની શાંતિને કારમી બનાવતાં હતાં.

ઘડી પહેલા દેખાયેલી પૂર્ણિમા આમ અમાસ જેવી શ્યામલ બની જાય એ મારાથી કેમ સહ્યું જાય ? ચાળણીની જેમ વરસતાં એનાં આંસુમાં એની રૂપાળી આંખો માછલીની જેમ તરતી હતી. મારી આંખો ભીની થવા માંડી.
‘કંઈક તો વાત કર, લીના, શું બની ગયું છે આ બધું ?’ મારી જિજ્ઞાસા વધતી હતી. રડવાથી એનું હૈયું ખાલી થયું એટલે એ બોલી : ‘સુરભિ, આવું રડવાનું પણ મને નથી મળ્યું, કેટલી હું અભાગણી છું. આજે તારી પાસે ધરાઈને રડી છું.’
‘તે, એમ કંઈ રડાતું હશે ? મને જરી વાત તો કર.’
એણે આંખો લૂછી. ધીમે ધીમે બધી વાત કરી. રજેરજ વિગત કહેતાં એનું ગુંગળાયેલું અંતર ઊઘડી ગયું. પૂરું સાંભળી રહ્યા પછી મને ય ધ્રાસકો પડ્યો. વીજળી તૂટી પડી.

હા, એવી જ વીજળી પડી હતી એનાં લગ્ન ટાણે. શરણાઈઓ ગહેકી રહી હતી. એના આંગણે રંગબેરંગી પડદાવાળો સોહામણો મંડપ બંધાઈ રહ્યો હતો. લીનાનું હૈયું છલકાતું હતું અને ઘર હસતું હતું. જીવનમાંગલ્યની એ ઘડી હાથવેંતમાં હતી. આમંત્રણ પત્રિકાઓ વહેંચાવી શરૂ થઈ હતી. માત્ર બે દિવસ પહેલાં પરાગના સમાચાર આવ્યા. જાણે અકસ્માત સર્જાયો. એક મોટો ધડાકો થયો. પરાગના પિતાએ પહેરામણી નક્કી કરવાની માંગણી મૂકી હતી.
લીનાના પિતાએ કહ્યું : ‘મારી દીકરીને હું સાવ ઠાલી તો નહિ મોકલું ને !’ પણ પરાગના પિતા તો મોટી રકમની માંગણીને વળગી રહ્યા. લીનાએ જાતે આ બાબતમાં પરાગને પૂછી જોયું. તેણે હા પાડી, એટલું જ નહિ, પણ અમેરિકા મોકલે એવો સસરો તેને જોઈએ છે એમ કહ્યું. લીનાએ એના મોંઢે જ સંભળાવી દીધું : ‘તો એવો સસરો શોધી લેજે.’

અને લીનાનું વેવિશાળ ફોક થયું. કડડડ કરતો લગ્નનો માંડવો તૂટી પડ્યો, મેંદીના રંગ રોળાઈ ગયા. કલકલ નાદ કરતી સરિતાની વાણી સાગરને મળે એ પહેલાં જ મૂંગી બની ગઈ. લોકોએ એને કમનસીબ માની.
‘ના લીના, લોકો ભલે કહેતા, હું તો તને બડભાગી માનું છું. જો ને, જીવનમાં આવા ઝંઝાવાત પછી પણ તું કેવી અડીખમ દેખાય છે ! વહેતા ઝરણા જેવી તારી નિર્મળતા અને નાનાં ભૂલકાં જેવું સરળ હાસ્ય. આમાનું કશુંય લુપ્ત થયું નથી. જાણે ખારા સાગરથી મીઠી સરિતા દૂર રહી નિજાનંદ માણે એવું જ મને તો લાગે છે.’ મેં એને સાંત્વન આપવા કોશિશ કરી.
‘સુરભિ, મમ્મી-પપ્પાને ભાંગી પડતાં અટકાવવા મારે ઉરનાં એકાંતને ભડકે બળતાં ઠારવાં પડે છે. બાકી તો વડવાનળની જેમ આગ ઊઠે છે કે, પરાગ સાથેના આટલા લાંબા અને સ્નેહભર્યા પરિચય પછી એણે આવી લાલચુ માંગણી કેમ કરી ? એને પારખવામાં હું થાપ ખાઈ ગઈ છું, એ વેદના એવી ચચરે છે ને !’
‘લીના, પરાગ સાથેના તારા સંબંધની, પત્રોની આપ-લેની વાતો હું જાણું છું. આ પરથી મને પણ તારા જેટલું જ આશ્ચર્ય અને દુ:ખ થાય છે કે, પરાગ જેવો સુશીલ છોકરો ફરી કેમ બેઠો ?’
‘અરે એણે લગ્ન પણ કરી લીધાં છે ને સાંભળ્યું છે કે, એ અમેરિકા જવાનો છે.’
‘વાહ, તું પણ હજી એ લાલચુની ખબર રાખે છે ખરી.’ મેં હસતાં હસતાં કહ્યું.
‘ખબર રાખતી નથી, પણ પડી જાય છે. હવે મારે ને એને શું ? આભ-જમીન જેવું જ ને.’
‘તને પરાગ પર કોઈ વેરભાવના કે બદલો લેવાની ઈચ્છા જાગે છે ખરી ?’ મેં એના અંતરને ઢંઢોળ્યું.
‘સુરુ, તું જાણે છે કે સ્ત્રી એની જિંદગીમાં એક જ વાર દિલ દઈ શકે છે. અને દેતાં એ પાછું વળીને જોતી નથી. સામા હૈયાનો સધિયારો મળતાં એ પોતાની જાતને ઝટ સમર્પિત કરી દે છે. ધૂપસળીની જેમ સહેજમાં મહેકી ઊઠે છે. જો ને, એના પત્રો પણ મારી પાસે હજી પડ્યા છે.’
‘હું તો એ જ પળે એની હોળી કરું….’
‘હોળી કરીને પણ હું કંઈ મારા જીવનમાં દિવાળી પ્રગટાવી શકવાની નથી, પણ એ કેવી મોટી મોટી વાતો લખતો હતો ! આદર્શ જીવન જીવવાની અને દિવ્ય પ્રેમની ! કોઈ વાર વાંચું છું ત્યારે મને માત્ર એના પર જ નહિ, પણ સમગ્ર પુરુષ જાત પર ધિક્કાર અને દયા વછૂટે છે. હાથીના દાંત દેખાડવાના જુદા – ચાવવાના જુદા રાખીને પરાગે મારી જ નહિ, પણ આખા સ્ત્રી વર્ગની હાંસી ઉડાવી છે. તું માનીશ સુરુ ? મેં હવે લગ્ન નહિ કરવાનો નિર્ણય લીધો છે. પપ્પાએ બે-ત્રણ ઠેકાણાં બતાવ્યાં છે. એમની મૂંઝવણ વધી છે, પણ મારો તો ઉત્સાહ જ ઓસરી ગયો છે. એ બાબતે મારા હૈયાનું ઠામ સૂનું થઈ ગયું છે.’

લીનાના ખભે હાથ મૂકતાં હું બોલી : ‘તારી વાત સાચી છે. આવી કઠણ પરિસ્થિતિએ તને મજબૂર બનાવી છે. તને જાકારો દેનારો એ કમભાગી છે. તારા સંસ્કાર અને ઘડતર એ જ તારી મોટી મૂડી છે, એ ઠગારાની સમજમાં આવ્યું નથી. જે તને પગથિયું ચડતાં શરૂઆતમાં જ બેવફા નીવડ્યો એ આગળ જતાં જીવતરને કેવા ખરાબા સાથે અથડાવી દેત એ કોણ કહી શકે ? સદભાગ્ય માન કે તારો ને એનો નાતો વેળાસર છૂટી ગયો.’
આંખો પહોળી કરી લીના બોલી, ‘બનવાજોગ છે…. આવો પામર માનવી મારા જીવનમાં આવ્યો શું કામ ? શું કામ એણે મારા જીવનની ઈમારતને ખંડેર બનાવી દીધી ?’
‘એ પામર નીવડ્યો એથી તું લગ્ન કરવાની ઉપેક્ષા કરે એ કંઈ તારો કે કોઈ સ્ત્રીનો માપદંડ નથી. આવી ઘટનાઓ જીવતરને ખંડેર બનાવી મૂકે છે, પણ તું જાણે છે કે ગઈકાલના એ ખંડેર ઉપર આજે નવી ઈમારતો રચાય છે. એક વાર વેરાન દીસતો વગડો વર્ષાના પ્રથમ આગમને જ હરિયાળો બની મહાલી ઊઠે છે. મનના મરોડ પણ એવા છે. કોઈ પળે લીધેલો તારો આ નિર્ણય એક અકસ્માત છે. અકસ્માત પણ ઘણી વાર સારું પરિણામ લાવે છે.’

એ મારી સામે જોઈ રહી. અને મેં એક છોકરાની વાત કાઢી. ધ્યાનથી એ સાંભળી રહી. મેં પૂછ્યું : ‘ઓળખે છે એને ?’
થોડી વારે એ બોલી : ‘એક વાર જોયો છે.’
‘લીના, ક્યારેક એવું બને છે કે માણસને એક જ વાર જોવાથી એની આખી જિંદગીનો પરિચય મળી જાય છે અને એવું પણ બને છે કે આખું જીવન સાથે રહેવા છતાં એક સહેજ પણ અણસારો જાણવા ન મળે.’
‘તારી વાત કબૂલ છે.’
‘કઈ ?’ હું હસી.
એ હસી પડી. મેં ફરી કહ્યું : ‘તને ગમે એવો છે. મારા મામાનો દીકરો છે, અને નખશિખ હું ઓળખું છું. ટાટાની કંપનીમાં હમણાં જ જોડાયો છે. ઈન્ડિયામાં જ રહેવાનો છે.’ કહી મેં એના ગાલે હેતભરી ટપલી મારી, ત્યારે એ પોયણાંની જેમ ખીલી ઊઠી. એના વદન ઉપર નૂર પુરાયું. એ મોકળે મને હસી પડી. એના અંતરનો ડૂમો ઓગળી ગયો હતો. એ ઊભી થઈને મને બાઝી પડી.
‘સુરુ, તું વહેલી કેમ ન આવી ? હું આજે કેટલી ખુશ છું !’
‘લીના, તને સુખી જોવા તો હું આવી છું ને હવે રોકાવાની છું. તારા મનનો આથમેલો સૂરજ મારે આવતી કાલે ઊગેલો જોવો છે.’ લીનાએ આંખો મીંચી દીધી. એના ચહેરા ઉપર કોઈ લકીર અંકાઈ. એની પાંપણે બેઠેલા સપનામાં એ ખોવાઈ ગઈ હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમૃત પ્યાલી – સંકલિત
કાવ્યરસ – સંકલિત Next »   

15 પ્રતિભાવો : પાંપણે બેઠેલું સપનું – રામજીભાઈ કડિયા

 1. Kishor valia says:

  I like story and style of expression. But I do not understand how one can marry Maternal uncle’s son. This is puzzle. Unless one is Khoja. But names suggests they are Hindu. So it is puzzle.

 2. Shah says:

  I think Surbhi is suggesting Lina to get married to her (Surbhi’s) brother not Lina’s brother!

 3. manvant says:

  ઉપમાઓથી ભરપૂર આ વાર્તા ઘડતર
  તેમજ સંસ્કાર રજૂ કરી સ્ત્રી જાતિને સારી
  પુનર્લગ્નની શીખ આપે છે.લગ્ન યોગ્ય ગોઠવી
  જીવન સુધારણાનો પ્રયાસ કર્યો છે. આભાર

 4. Hasmukh Bulsara says:

  Bygone is bygone.To move on in present is fun and challenge. One should accept that everything you wish in life may not get it.So be happy with whatever you get in your luck. Its a nice story that happens in real life.

 5. Gira says:

  Aw.. cute story.. yeah it’s true that u have to live with this present time not to drawl on the past….
  really nice story of two best friend’s life. thanks..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.