ધનપૂજન મહાત્મય – પ્રસંગપર્વ વિશેષ
વન્દે પદ્મકરાં પ્રસન્નવદનાં સૌભાગ્યદાં ભાગ્યદાં
હસ્તાભ્યામભયપ્રદાં મણિગણૈર્નાનાવિદ્યૈર્ભૂષિતામ્ |
ભકતાભીષ્ટફલપ્રદાં હરિહરબ્રહ્માદિભિ: સેવિતાં
વન્દે પંકજશંખપદ્મનિધિભિર્યુક્તાં સદા શકિતમિ: ॥
એકવાર યમરાજાએ તેમના દૂતોને પ્રશ્ન કર્યો કે : ” આ બધા મનુષ્યો અને પ્રાણીઓનો જીવ લેતી વખતે શું તમને દયા આવે છે ?” યમદૂત સંકોચવશ થઈને બોલ્યાં : “ના મહારાજ. અમે તો આપની આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમને દયા ભાવ સાથે શું લાગે વળગે ?
યમરાજાએ વિચાર્યું કે કદાચ આ લોકો સંકોચવશ આમ કહે છે. તેથી તેમનો નિર્ભય કરવા માટે યમરાજા બોલ્યાં : “ડરો નહી ! ક્યારેક તમારું મન અસ્વસ્થ થઈ ગયું હોય તો ડર રાખ્યા વગર મને કહો.” ત્યારે યમદૂતો ડરતા ડરતા બોલ્યાં : “ખરેખર ! એવો એક બનાવ બન્યો હતો મહારાજ ! જ્યારે અમારું દિલ પણ કાંપી ઉઠયું હતું.”
“એવી તે કઈ ઘટના હતી ?” : યમરાજાએ ઉત્સુકતાવશ પૂછયું.
યમદૂતો બોલ્યાં : “મહારાજ ! હંસ નામના રાજા એક દિવસ શિકાર કરવા નીકળ્યાં. તે જંગલમાં પોતાના સાથિયોથી દૂર દૂર જતા રહી છૂટા પડી ગયા અને બીજા રાજ્યની સીમા માં ભૂલથી દાખલ થઈ ગયા. પછી તે દેશના રાજા હેમા એ આ હંસ રાજાનો સત્કાર અને સ્વાગત કર્યાં.
હવે બન્યું એવું કે જે હેમા નામનો રાજા હતો, તેની પત્નીએ તે જ દિવસે એક પુત્રને જ્ન્મ આપ્યો. પણ જ્યોતિષિઓએ નક્ષત્ર આદિની ગણના કરીને એ બાળકનું ભવિષ્ય એવું ભાખ્યું કે… આ બાળક વિવાહના ચાર દિવસ બાદ મરી જશે. બહારગામથી આવેલા આ રાજા હંસના આદેશ થી આ બાળકને યમુનાના તટની એક ગુફામાં બ્રહ્મચારીરૂપમાં રાખવામાં આવ્યો. તેની પર સ્ત્રીઓનો પડછયો પણ ન પડે તેવી રીતે તેને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી.
પણ વિધિનું વિધાન તો અડગ હોય છે. સમય વીતતો ચાલ્યો. સંયોગવશ એક દિવસ રાજા હંસની યુવાન પુત્રી એ નદી તટ નજીક થી પસાર થઈ અને તેને આ રાજકુમાર પસંદ પડતા તેની સાથે ગાંધર્વ વિવાહ કરી લીધા. ચોથો દિવસ આવ્યો અને રાજકુમાર મૃત્યુને પ્રાપ્ત થયો. એ નવપરિણિતા નું કરૂણ આક્રંદ સાંભળીને અમારા દિલ દ્રવી ઉઠયાં. આટલી સુંદર જોડી અમે કદી જોઈ ન હતી. એમનું રૂપ કામદેવ અને રતિથી જરાપણ ઉતરતું નહોતું. એ યુવાનને કાળના પંજામાં પકડતાં અમારી આંખના આંસુ રોકી ન શકાયા.”
યમરાજા ગળગળાં થઈને બોલ્યા : “શું કરીએ પણ ? વિધિના વિધાનને હેતુ આપણે આવું અપ્રિય કાર્ય કરવું પડયું.”એટલામાં એક યમદૂતે પૂછયું : “પણ મહારાજ, આ અકાળ મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય જ નથી ?”
ત્યારે યમરાજા તેનો ઉપાય બતાવતા બોલ્યાં : “એક ઉપાય છે. ધનતેરસ પૂજન તેમજ દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાલ મૃત્યુથી છૂટકારો મળી શકે છે. જે ઘરમાં આ પૂજન થાય છે તે ઘરની આસપાસ પણ અકાલ મૃત્યુ આવી શક્તું નથી.”
બસ, ત્યારથી ધનતેરસ ના દિવસે ધન્વન્તરિ પૂજન અને દીપદાન ની પ્રથાની શરૂઆત થઈ.
ધનતેરસ પૂજન
પ્રચલિત કથા અનુસાર આસો વદ તેરસ ના દિવસે સમુદ્રમંથનથી આયુર્વેદશાસ્ત્રના પ્રણેતા ભગવાન ધન્વન્તરિ અમૃત કલશ લઈને પ્રગટ થયા હતા. તેમણે દેવતાઓને અમૃત પાન કરાવીને અમર કરી દીધા. એ જ સંદર્ભમાં આજે પણ આયુષ્ય અને સ્વાસ્થયની ઈચ્છા થી ભગવાન ધન્વન્તરિનું પૂજન ધનતેરસ ના દિવસે કરવામાં આવે છે. આ દિવસે યમરાજાનું પણ પૂજન કરવામાં આવે છે. કોઈ શ્રધ્ધાળુ આ દિવસે ઉપવાસ રાખીને યમરાજાની કથાનું શ્રવણ પણ કરે છે. આ દિવસે ધન્વન્તરિ તેમજ લક્ષમીજીનું પૂજન કરવામાં આવે છે. સાયં કાળે દીપ પ્રજ્વલિત કરીને દુકાન આદીને શણગારવામાં આવે છે. યથાશકિત તાંબા, પિત્તળ અને સોનાની ચીજવસ્તુઓ પણ લોકો ખરીદતા હોય છે.
Print This Article
·
Save this article As PDF
Saprma divse saras mahiti apva badal dhanyavad
Ami
Mumbai
Verry Good Information .. on a related days..
Than YOu verry much
સરસ વાર્તા!