તહેવારોનો સંપુટ ‘દિવાળી’ – ભવાનીશંકર જોષી

દિવાળી એટલે આપણા દેશનો સૌથી મોટો, સૌથી મહત્વ ધરાવતો, પંચમુખી તહેવાર છે. સામાન્ય રીતે એક જ નામ ‘દિવાળી’ થી ઓળખાતો આ તહેવાર ખરેખર તો પાંચ વિશિષ્ટ તહેવારોનો સંપૂટ છે. તેમાં સમાઈ ગયેલા પાંચેય તહેવારોના આગવાં નામ છે, આગવી ઓળખ છે અને ઉજવણીની આગવી પ્રણાલિકાઓ પણ છે. છતાં ‘દિવાળીના તહેવારો’ ના એક જ નામ નીચે કેવાં સંપીને સમાઈ ગયા છે ! આ તહેવારો પાસેથી આપણે આ દેશના રહેવાસીઓ બીજું તો ઘણું શીખ્યા છીએ અને શીખીએ છીએ પરંતુ સૌથી મહત્વની છે તે શિખામણ જ આપણે લીધી નથી એવું નથી લાગતું ? વાત સાવ સીધી ને સટ છે કે પાંચ પાંચ તહેવારો પોતાનું આગવાપણું અને મહાત્મય અકબંધ જાળવી રાખે અને છતાં કોઈ બાબતમાં જરા સરખી યે ચડસાચડસી કર્યા વિના એક જ નામ નીચે સંપીજંપીને સહઅસ્તિત્વનું સુંદર ઉદાહરણ સામે ધરે છે. તો ચાલો, ત્યારે આ શુભ સંકલ્પ બાદ હવે દિવાળીના આ મોંઘેરા તહેવારો વિષે થોડી થોડી વાત કરીએ.

ધનતેરસ :
એક વર્ષના અંતની અને બીજા વર્ષના આરંભની છડી પોકારતા આ તહેવારોનો આરંભ આમ તો અગિયારસથી જ થઈ જાય છે પણ તેમ છતાં ધનતેરસ તેમાં મુખ્ય ગણાય છે. આસો માસના કૃષ્ણપક્ષની તેરસનો આ દિવસ ‘ધનતેરસ’ ના નામથી ઓળખાય છે, કારણકે તેનો સંબંધ, તેનું મહાત્મ્ય ધન એટલે કે લક્ષ્મી સાથે સંકળાયેલું છે. આ દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે. લક્ષ્મી એટલે ભૌતિક સંપત્તિ, આ પૃથ્વી પરના માનવો માટે પ્રાણવાયુ જેટલી મહત્વની બની રહી છે, જેના બળ વિના જીવનમાં એક ડગલું પણ માંડવું અશક્ય બને, એક દિવસ પણ ગુજારવો દોહ્યલો બને તેવી આ લક્ષ્મી આ જગત પર એકચક્રી શાસન ચલાવે છે. તેની કૃપા થાય તો ભૌતિક સુખોના ભંડાર ખૂલી જાય છે. આજના ભોગપ્રધાન જમાનામાં આથી જ લોકો લક્ષ્મીના પગ પૂજવા તલપાપડ રહે તેમાં નવાઈ શી છે ?

પરંતુ લક્ષ્મીનું એક બીજું નામ ‘શ્રી’ પણ છે અને ‘શ્રી’ એટલે શુભ. ‘શ્રી’ એટલે શોભા, સુંદરતા. આમ લક્ષ્મી એ માત્ર નાણાંની જ દેવી નથી. વિશ્વભરની જે કંઈ સંપત્તિ છે, શુભ અને શોભાયમાન સંપત્તિ છે તેની અધિષ્ઠાત્રી છે. એટલે લક્ષ્મીપૂજન વેળાની, ભાવના માત્ર સંપત્તિ મેળવવાની જ નહીં શુભ માર્ગે અને શોભા વધારે તેવી સંપત્તિ પ્રાપ્ત કરવાની હોવી ઘટે. દૈવી સંપત્તિની જ યાચના કરવી ઘટે. કારણકે આસુરી સંપત્તિ માનવીને કદી સાચું સુખ કે ચિરંજીવ શાંતિ આપતી નથી. ઊલટી દુ:ખ, ચિંતા, પરિતાપ અને દર્દનાક વિનાશકભણી દોરી જતી હોય છે. આથી ધનતેરસના માંગલ્યપૂર્ણ મહાત્મ્યને સુપેરે સમજી હ્રદયની શુધ્ધ ભાવના અને ઉમદા વિચારોપૂર્વક આ દિવસે ભૌતિક તેમજ આધિભૌતિક સુખોની પ્રાપ્તિઅર્થે જ લક્ષ્મીપૂજન કરીએ.

કાળીચૌદસ :
આસો વદ ચૌદસની ઘોર અંધારી રાતને પણ એક મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. આ તહેવારનું મહત્વ બે પ્રકારે ગણાય છે. એક અંધકાર પર ઉજાસનો વિજય અને બે સૃષ્ટિના અગોચર પ્રદેશોમાં વસતા, વિચરતા, સ્વચ્છ કે મેલા પણ પ્રબળ શકિતશાળી તત્વોની સાધના.

પ્રથમ મહત્વની વાત કરીએ તો અમાસને પણ એક ડગલું પાછળ રાખે તેવી ગાઢ અંધકારથી ભરેલી આ રાત પૂરી થતાં જ બીજા જ દિવસે દીપોત્સ્વી આવે છે. વર્ષનો આ અંતિમ દિવસ ઘરેઘરે, ચોરેચૌટે, શેરીએ ને બજારે, ગામેગામ અને શહેરે શહરમાં અગણિત દીપક પ્રગટાવીને ઉજવાય છે. લાખોને કરોડોની સંખ્યામાં ટમટમી ઊઠતા આ નાનકડા દીવડાઓનો સામટો પ્રકાશ અંધારી રાતને પણ દિવસ જેવી પ્રકાશમાન બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. આ જ રીતે અસંખ્ય માનવીઓનાં હૈયાંમાં પ્રગટતી નાની નાની વિશુધ્ધ અને ઉમદા ભાવના જગત પર જામી પડેલા અનિષ્ટોના અંધકારને હટાવી દેવા સમર્થ છે એવો સંદેશો નથી મળતો ?

કાળીચૌદશની રાત્રી ગુઢ વિદ્યાઓ અને ગુપ્ત સાધનાઓ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ રાત્રે આવા સાધકો પોતે પસંદ કરેલા મંત્ર, વિદ્યા, આધિભૌતિક તત્વો, આસુરી તત્ત્વો વગેરેની સાધના માટે ક્રિયાકાંડો અને વિધિઓ કરતા હોય છે. અને તે રીતે આ તહેવાર આ જગત પર ભારે વર્ચસ્વ ધરાવતા સ્વચ્છ તેમજ મેલા તત્વો અને વિદ્યાઓને વશ કરવાના માનવીના સામર્થ્યના પણ દ્યોતક બની રહે છે.

દિવાળી :
વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી, દીપોત્સ્વી, દીપાવલી….. આ તહેવારની ઉજવણીનું મુખ્ય અંગ છે અસંખ્ય દીવડાઓની અનંત હારમાળા. આસો વદ અમાસની આ રાત્રી – ને અમાસ હોવાથી કુદરતે કાળી ઘોર અને અંધારી બનાવી છે તે સ્વાભાવિક છે. પરંતુ આ દિવસે માનવે જાણે કુદરતદત્ત આ અંધકારને હટાવી દઈ પ્રકાશ પાથરવાનું પરમ સરાહનીય અભિયાન આરંભે છે. આ દિવસે ગરીબ, તવંગર, મહેલ-ઝૂંપડી સઘળે જ અચૂક દીવા પ્રગટાવવાનું શાથી અને ક્યારે શરૂ થયું તે વિષે અનેક કથાઓ (ઈતિહાસ, પુરાણ તથા દંતકથાઓ) માંથી મળી આવે છે. તેમાંથી ગમે તે એક કે વધારે કથાઓ સાચી હોઈ શકે છે પરંતુ એ બધું ન જાણીએ તો પણ દિવાળીના દિવસને હ્રદયના સાચુકલા રંગ વડે, ઉલ્લાસ અને ઉછરંગપૂર્વક દીવડા, મિષ્ટભોજન, સુંદર વસ્ત્રાલંકાર, મનોહર રંગોલીઓ અને પારસ્પરિક શુભેચ્છાઓ વડે ઊજવીએ તો તે ઉજવણીમાં કોઈ અધૂરપ ગણાશે નહીં.

દિવાળીના દિવસને શારદાપૂજનનો પવિત્ર દિવસ પણ ગણવામાં આવે છે. આ દિવસે સાક્ષરો, વિદ્વાનો અને વિદ્યાના ઉપાસકો પોતાનાં પુસ્તકોનું પૂજન કરી બુધ્ધિ, પ્રજ્ઞા, કલા તથા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા યાચે છે. તો વેપારીઓ તેમના હિસાબી ચોપડાઓનું વિધિવત્ પૂજન કરે છે અને નવા વર્ષના નવા ચોપડાઓનો પ્રારંભ કરે છે.

નૂતનવર્ષ :
દિવાળી પછીનો દિવસ નવા વર્ષનો પ્રથમ દિવસ – કાર્તિક સુદ એકમ. આ દિવસ માનવીઓ સમક્ષ એક નવા વર્ષની ભેટ લઈને આવે છે. એક આખું વર્ષ અનેક આશાઓ, અરમાનો, ઈચ્છાઓ, પુરુષાર્થો, સિધ્ધિઓ, નિષ્ફળતાઓ વગેરેને પોતાના ગર્ભમાં સંઘરીને માનવી સમક્ષ ખડું થાય છે. તેનું આગમન જેટલું આશા – ઉત્સાહપૂર્વક હોય છે તેટલું જ ભાવિ વિષેની અનિશ્ચિતતાઓના કારણે ડરામણું પણ લાગતું હોય છે અને તેથી પોતપોતાના આત્મીયજનો તથા સ્વજનો અને મિત્રોને નૂતન વર્ષ સર્વપ્રકારે સુખ, સંતોષ, સમૃધ્ધિ, સફળતા અને પ્રગતિકારક નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

આ દિવસે એવા એવા લોકો સાથે પણ શુભેચ્છા અને આત્મીયતાનો સેતુ બંધાઈ જાય છે જેને વર્ષમાં જવલ્લે જ મળવાનું થતું હોય અથવા સંપર્ક જીવંત રહેતો હોય. આમ નૂતન વર્ષનો આ દિવસ સંબંધો તથા સંપર્કોને પુનર્જિવિત બનાવી આપનાર મંગલકારી તહેવાર બની રહે છે.

ભાઈબીજ :
કાર્તિક સુદ-2 એટલે ભાઈબીજ. દેશભરમાં એક સરખા અંતરના ઉમળકા અને નિષ્ઠા સહિત ઉજવાતો આ તહેવાર ભાઈ-બહેનના નિર્મળ, નિ:સ્વાર્થ છતાં અત્યંત રૂઢ સંબંધને હ્રદયમાં તાજો કરી બળવાન બનાવવાનું નિમિત્ત બને છે. આ દિવસે બહેન પોતાના ભાઈને આમંત્રીને પોતાના ઘરે ખૂબ સ્નેહથી જમાડે છે અને ભાઈ-બહેનના એ ‘ભાવના ભોજન’ ની કદરરૂપે બહેનની રક્ષા અને સહાય માટે તો પુન: સંકલ્પબધ્ધ બને છે. પણ સાથે સાથે પ્રતીક રૂપે કોઈ ભેટ કે રોકડ રકમ પોતાની શકિત અનુસાર એવા જ ભાવપૂર્વક બહેનને આપે છે. આમ આ દિવસે ભાઈ-બહેનના નિર્મળ સ્નેહ અને અંતરની અમિયલ આશિષ પામે છે તો બહેન તેના માડીજાયાનો એવો જ સ્નેહ, હૂંફ અને હિંમત પામે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તો શું જોઈતું’તું ? – અનિલ ચાવડા
પૌરાણિક સંદર્ભોમાં દિવાળી – કુસુમ દવે Next »   

5 પ્રતિભાવો : તહેવારોનો સંપુટ ‘દિવાળી’ – ભવાનીશંકર જોષી

  1. rajeshwari says:

    Very good, informative article.

  2. Parthav says:

    I like it to much. This information is very good.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.