- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પૌરાણિક સંદર્ભોમાં દિવાળી – કુસુમ દવે

દિવાળી વિષે હિન્દુ ધર્મમાં કેટલીક દંતકથાઓ છે. દિવાળીની એ દંતકથાઓ લોકો દ્વારા પ્રચલિત છે કે એ દિવસે ભગવાન રામ ચૌદ વરસોના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા, તેમના કહેવા પ્રમાણે કારતકની અમાસનું વિશેષ મહત્વ છે, કારણકે તે દિવસે ભગવાન રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તે રાજ્યાભિષેકના આનંદમાં આખી અયોધ્યા નગરી દીવડાઓથી ઝગમગી ઊઠી હતી, ઘર-ઘરમાં મંગલ ગીતો ગવાતા હતા અને લોકોએ તેમના આનંદ માટે આતશબાજી પણ ખેલી હતી. કર્ણાટકની લોકકથા આ સંદર્ભમાં સત્યતા પુરવાર કરે છે.

બીજા પૌરાણિક સંદર્ભ દિવાળી સાથે જોડાયેલા છે. વિષ્ણુ પુરાણના મત પ્રમાણે રાજા બલિએ તેના બળથી ત્રણે લોકને પોતાને આધીન કરી લીધા હતા, તેનાથી દેવતાઓમાં ખળભળાટ મચી ગયો અને તેઓ ભગવાન વિષ્ણુની પાસે ગયા. દેવતાઓના રાજા ઈન્દ્રને વધારે ચિંતા થઈ કારણકે તે ત્રણે લોક ચાલ્યા જવાથી તે નામ માત્રના રાજા રહ્યા હતા. દેવતાઓએ વિષ્ણુને બલિરાજાને મારવાનું સૂચન કર્યું.

ભગવાન વિષ્ણુ બ્રાહ્મણના વેશમાં પાતાળ નગરીના રાજા બલિની પાસે ગયા અને દાનમાં ત્રણ પગલાં જમીનના માંગ્યા. રાજાએ બ્રાહ્મણને સંમતિ આપી. વિષ્ણુએ ત્રણ પગલામાં ત્રણે લોકને માપી લીધા. પાછળથી મૃત્યુલોક અને સ્વર્ગલોક ભગવાન વિષ્ણુએ પોતાની પાસે રાખ્યા. બલિરાજાને પાતાળલોક પાછો આપ્યો. દેવતાઓને પોતાનો લોક મળવાથી રાજા બલિને ભગવાન વિષ્ણુએ જીવતદાન આપ્યું. એ ખુશીમાં બલિરાજાએ તેમના લોકમાં દીવડાઓ પ્રગટાવીને દિવાળી મનાવી.

મહાભારતના આધારે દિવાળીનો સંબંધ ‘નરકાસૂર’ સાથે છે, કહેવાય છે કે નરકાસૂરે ત્રણે લોક ઉપર તેનું વર્ચસ્વ જમાવી દીધું હતું. દેવતાઓના કહેવાથી કૃષ્ણે નરકાસૂરનો વધ કર્યો. મૃત્યુ પહેલાં નરકાસૂરે કૃષ્ણ પાસે વરદાન માગ્યું કે તેની મૃત્યુતિથિ ઉપર ત્રણે લોકમાં પ્રકાશનો ઉત્સવ ઉજવવામાં આવે તે દિવસથી દિવાળીનો ઉત્સવ પ્રચલિત થયો.

માર્કણ્ડેય પુરાણના કહેવા પ્રમાણે લક્ષ્મીની મનુષ્યો દ્વારા પૂજા-અર્ચના કરવાથી આ તહેવાર પ્રચલિત થયો. તે પુરાણ પ્રમાણે લક્ષ્મીની સૌથી પહેલી પૂજા-સ્વર્ગમાં નારાયણે કરી. બીજી વખત બ્રહ્માએ, ત્રીજી વખત ભગવાન શંકરે અને ચોથી વખત સમુદ્ર મંથનના વખતે ભગવાન વિષ્ણુએ, પાંચમી વખત મનુ મહારાજે, છઠ્ઠી વખત મનુષ્યોએ લક્ષ્મીની પૂજા કરી. તે દિવસે મહારાત્રી હતી. તેથી દીવડાઓ પ્રગટાવી પ્રકાશનો ઉત્સવ ઊજવવામાં આવ્યો.

કાલિયા પુરાણનો સંબંધ પણ દિવાળીમાં જોવા મળે છે. કહેવાય છે કે જ્યારે પાતાળલોકથી અસુર નીકળીને મૃત્યુલોકમાં આવ્યા અને મનુષ્યો ઉપર અત્યાચાર કરવા લાગ્યા, ત્યારે મહાકાળીએ તેમનો સંહાર કરવાનો નિશ્ચય કર્યો. તે તેમના વાહન સિંહ ઉપર સવાર થઈને અસુરોનો વધ કરવા લાગ્યા. ભગવાન શંકરે પાછળથી મહાકાળીનો ગુસ્સો શાંત કર્યો. રાક્ષસોના અત્યાચારથી મુકિત મળવાના આનંદમાં પણ ધરતી ઉપર દિવાળી ઊજવવામાં આવી. દિવાળીના દિવસે ત્યારથી દીવાની પૂજા થાય છે.

એક બીજા લેખને આધારે લક્ષ્મીની બહેન દરિદ્રા છે. તેના પ્રભાવથી પણ આખા સમાજમાં દરિદ્રતા ફેલાઈ. જે ઘરમાં દરિદ્રાના પગ પડતાં ત્યાં ખાવાનું પણ મળવું મુશ્કેલ બનતું. તેના કારણે બધે જ અંધકાર છવાઈ જતો. કહેવાય છે કે એક દિવસ કારતકની અમાસને દિવસે લક્ષ્મી અને દરિદ્રા મૃત્યુલોકમાં આવ્યા. લક્ષ્મીથી લોકોની ગરીબી જોવાતી નહોતી. તેથી તેણે લોકોના ઘર ધન-વૈભવથી ભરી દીધા. લોકોએ ગરીબીનો અંધકાર દૂર થતાં દીવડાઓ પ્રગટાવી લક્ષ્મીનું સ્વાગત કરી તેના ગુણગાન ગાયા.

દિવાળીના તહેવારના સંબંધમાં એવી લોકવાયકા પણ છે કે, તે દિવસે ભગવાન કૃષ્ણે તેમના શરીરનો ત્યાગ કર્યો હતો. તે દિવસે જૈન ધર્મના ભગવાન મહાવીરનું પણ મૃત્યુ થયું હતું. ભગવાન મહાવીરની યાદમાં કૌશલ, કાશી, લીચ્છવી તથા મલ્લસંધ રાજ્યોમાં દીવડા પ્રગટાવવામાં આવ્યા. ત્યાંના રાજાઓનું કહેવું છે કે, આજ અમારા પ્રકાશનો દીપ ચાલ્યો ગયો હવે તેના આપેલા જ્ઞાનરૂપી પ્રકાશથી સંસાર પુલકિત બનશે. તે દિવસથી દિવાળીનો જન્મ થયો.

દિવાળીના પૌરાણિક સંદર્ભોથી એટલું તો સ્પષ્ટ છે કે આ તહેવાર અંધકારના અમાસના જેવા અજ્ઞાનને છોડવા માટેનો સંદેશો આપે છે. અસુરોથી મુક્તિ મેળવીને પ્રાણી માત્રનું ક્લ્યાણ એ જ દિવાળીનો ઉદ્દેશ છે.