- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

નવા વર્ષે તમારે ત્યાં કોણ આવે ! – કલ્પના દેસાઈ

[કટાક્ષિકા]

(નવા વર્ષની શુભેચ્છાનો લેખ હોવાથી શીર્ષકનો અવળો અર્થ ન લેવો.) મને સો ટકા ખાતરી છે કે નવા વર્ષને દિવસે અમારે ત્યાંના જેવું અફલાતુન સાલમુબારક તો તમારે ત્યાં નહીં જ થતું હોય. તમારે ત્યાં જે હંમેશા ભારે સાડી અને હોય તેટલા મંગળસૂત્રો, બંગડીઓ, વીંટીઓ, ઝાંઝરા, કંદોરા લાદીને ચહેરાને રંગીન બનાવીને આવે છે ને સાથે ફિટમફિટ સફારી પહેરેલા ગંડેરાને લાવે છે તેવા અમારે ત્યાં ખરેખર કોઈ જ નથી આવતાં.

અમારે ત્યાં તો આ હા હા ! શું મજા આવે ! નહીં નહીં તોય સો એક જણ તો બે-ત્રણ કલાકમાં જ આવી જાય. નવા ચકાચક રંગબેરંગી કપડાં, નવા જ બૂટ/ચંપલ ને જાત જાતની હેરસ્ટાઈલ. ચાલમાં ઉમંગ, ઝડપ ને મોં પર એકદમ ઓરિજિનલ સ્માઈલ ! સ્માઈલ શું ? હાસ્યનો ઘુઘવતો સમુદ્ર જ જોઈ લેવો ! આઠ-દસની ટોળીમાં જ બધાં ઘેર ઘેર ફરે. કોઈક સુધારેલા વળી પોતાની ‘ફેમેલી’ (પત્ની)ને સાથે લઈને નીકળે ! પણ જે આવે તે એટલા જોશમાં આવે કે આપણેય (એટલે કે અમે) જોશમાં આવીને બે વાર વધારે સાલમુબારક બોલી નાંખીએ. ‘ભાઈ છાલમુ બારસ ! ભાભી છાલમુ બારસ !’ બોલીને અમારો હાથ પોતાના બંને હાથોમાં ખૂબ અહોભાવથી લઈને જોર જોરમાં હલાવી નાંખે. ને પછી પગે પડવાની વિધિ ચાલે. દર વર્ષે મને થાય કે, આ કાર્યક્રમ ખુલ્લા મેદાનમાં જ રાખવો જોઈએ, કારણકે આ લોકો જ્યારે પગે પડે ત્યારે પાછળ ખસવા માટે ખાસ્સી એવી જગ્યા જોઈએ અથવા દોડમદોડી પણ કરી શકાય !

આ દિવસે ચા પીવા કરતાં, જે ખેતમજૂરો હોય તેમને ભાઈ તરફથી મળતી બક્ષિસમાં વધારે રસ હોય છે. બે-પાંચ ઘરેથી પચીસ-પચાસ રૂપિયા મળી જાય એટલે એમની દિવાળી નવટાંકને સહારે ટનાટન ! ભાઈ પણ તે દિવસે ખુશમાં હોય. કોઈ નથી આવતું’નું મેણું ટળ્યું હોય ને સવારથી બધાં આવી આવીને પગે પડતાં હોય ! બાકીના દિવસોએ જોકે ભાઈ-ભાભી એમને પગે પડતાં હોય !! પણ નવા વર્ષે એવું બધું વિચારવા ન બેસાય.

ભાઈને તો બધાની સાથે વાતોમાં જ એટલી લિજ્જત આવતી હોય કે બીજા કોઈ વિચારો ન આવે પણ મને લગભગ દર વર્ષે ચા ઉકાળતાં ને તપેલીને જોતાં આવા વિચારો જ આવે. એક ફકત મિસ્ટર ગાંધી (એટલે કે કરિયાણાની દુકાનવાળા) જ એવા છે જેને અમારી પડી છે. દર વર્ષે શુકન કરાવે, સબરસ અને શ્રીફળથી. જેનું નમક અમે આખું વર્ષ ખાધું હોય તેને એના ઘર કરતાં સારી ચા પાઈ દઉં, પણ પછી એમ થાય કે એમ તો ધોબી, દરજી, શાકભાજીવાળા વગેરે જે કોઈ આવે તેણે પોતાના ધંધાને શોભે તેવી કોઈક નાનકડી ભેટ લાવવી જોઈએ કે નહીં ? એક દિવસના કપડાં મફત ઈસ્ત્રી કરી આપીશ કે એક ડ્રેસની સિલાઈ ફ્રી કે પછી નવા વર્ષે શાકભાજી મફત ! શું કરું ? પણ નવા વર્ષે જ આવા બધા મફતિયા વિચારો આવી જાય !

એક બીજા વી.આઈ.પી છે જેની આખુ વર્ષ પુરુષો રાહ જુએ (અમારા ઘરના) અને નવા વર્ષે હું એમની રાહ જોઉં ! ફેમિલી કેશકર્તનકાર ! આખુ વર્ષ બંને રીતે બોડી કે મૂંડી જાય ત્યારે જાતભાતના અસ્ત્રા ને કાતર લાવ્યા હોય પણ સાલમુબારક કહેવા ફક્ત અરીસો લઈને આવે ! ઘરના પુરુષોની સામે અરીસો ધરી દે. બક્ષિસ લે ને ચા પીને રવાના ! એક રીત પૂરી થઈ જાય પણ હું બહુ ખુશ થાઉં. કોઈક તો અરીસો ધરવાવાળું મળ્યું. હવે તો જોકે, સ્ત્રીઓને પણ પાર્લરમાં અરીસો બતાવાય છે. (પણ અરીસામાં જોવા જોવામાં ફેર હોય છે, જોતાં આવડવું જોઈએ.)

બીજા એકાદ કલાકમાં મજૂરો અને એમની ફેમિલીઓનો જથ્થો પૂરો થઈ જાય એટલે થાકેલા ભાઈ-ભાભી, ચા-નાસ્તો કરીને નિરાંતે બેસે. બાળકો તો સવારથી જ પોતાના ગ્રુપમાં ફરતાં થઈ ગયાં હોય.

એવા જ એક નવા વર્ષની નવલી સવારે પરવારીને અમે સૌ, બે-ત્રણ પરિવારના સભ્યો ઓટલે બેઠા હતા. સવારથી કોણ કોણ આવી ગયું તેની વાતો કરીને, તેમની ખાસિયતો યાદ કરીને હાર્ટની કસરત કરતા હતાં. થોડી વારમાં બે મજૂર થોડા રંગમાંને બદલાયેલા ઢંગમાં, ઝૂમતા ઝૂમતા ઓટલાના પગથિયા ચડઉતર કરવા માંડ્યા. જેમ તેમ ઓટલા પર આવી પહોંચ્યા. અમે તો સૌ એકબીજાને જોઈને મલકવા માંડ્યા. ‘આવો, આવો સાલમુબારક ! ભીમા…શાકા… આવ ભાઈ’ કહી એમને આવકાર્યા. ‘ભાઈ છાલમુ બારસ, બેન, છાલમું બારસ’ બોલતાં બોલતાં બંને વારાફરતી બધાને મળ્યા, હાથ મિલાવ્યા, પગે લાગ્યા ને છેલ્લે હું બેઠેલી એટલે મારા તરફ આગળ વધ્યા. ભીમો દુબળા કોમનો, શાકા અંગ્રેજોની અસરવાળો. આડે દિવસે દસ ફૂટ દૂરથી વાત કરનારા, નજર પણ ન મિલાવનારા આ મજૂરો નવા વર્ષે ખૂબ હોંશે હોંશે હાથ મેળવે (હલાવી નાંખે) ને પગે લાગે.

મને કોઈ પગે લાગે તે ગમે નહીં એટલે ‘હા-હા સાલમુબારક ! બસ-બસ, પગે નહીં લાગવાનું’ બોલતી બોલતી પાછળ ખસી જાઉં. પણ તે દિવસે ઓટલા પર વધારે પાછળ ખસવા જતાં જોખમ હતું ને આ બે જણ માતાજીના આશીર્વાદ લીધા વગર જાય એવું લાગતું નહોતું. ભીમાએ તો એ જ જૂની વિધિ મુજબ ‘છાલમું બારસ’ કરી લીધું પણ…. શાકો ! શાકો કદાચ વધુ રંગમાં હતો, તે મારી સામે ઘૂંટણિયે બેસી ગયો અને મારો હાથ હાથમાં લઈ અંગ્રેજોની સ્ટાઈલથી ઊંઘા હાથ પર ‘સાલ મુબારક’ કરી દીધું ! હું તો હાથ છોડાવીને અરે…..! બોલતી સ્તબ્ધ થઈ ગઈ ! બાકીનાં બધાં પણ સુન્ન ! એકાદ મિનિટ તો નવું વર્ષ પણ થંભી ગયું. ને શાકો, ને ભીમો તો એમની ધૂનમાં જ ‘ચાલો ત્યારે ચાઈલા…’ બોલતાં નીકળી ગયાં. પણ પછી તો ક્યાંય સુધી ઓટલા પર જે હસાહસ ચાલેલી ને ધમાલ મચેલી તેની કેસેટ અમે દર વર્ષે યાદ કરીને વગાડી લઈએ !

આ વર્ષે પણ ફરી નવું વર્ષ આવી પહોંચ્યું છે. મારાં-તમને સૌને દૂ…ર થી જ સાલ મુબારક !