અમે મફતને પરણાવ્યો – જયંતીભાઈ પટેલ

[વ્યંગકથા: રીડગુજરાતીને આ વ્યંગકથા મોકલવા બદલ શ્રી જયંતીભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]

અમારો મફત આમ તો પૂરો બત્રીસ લક્ષણો અરે બત્રીસ શું પૂરો તેત્રીસ લક્ષણો પણ કરમની કઠણાઈ કે એ પરણવામાંથી રહી ગયેલો. એની પરણવાની ઉંમર થઈ ત્યાં એના બાપ ગુજરી ગયા. બેચાર મહિનામાં એનાં મા પણ ભગવાનના દરબારમાં પહોંચી ગયાં. એના બાપે એને માટે ભલે બીજું કશું ન કર્યું હોય પણ એને વારસામાં પાંચ લાખનું મકાન અને બેએક લાખની રોકડ આપતા ગયેલા. પણ નાતવાળાએ એનાં લગન આડે વિઘન નાંખ્યા કરેલાં ને એમાં મફતની ઉંમર પાંત્રીસનો આંકડો વટાવી ગયેલી. છેલ્લે છેલ્લે તો અમે બધા દોસ્તદારોએ પણ એનાં લગન માટે દોડાદોડ કરવામાં કશી મણા રાખેલી નહીં પણ એમની પાટીદારની નાતમાં અમારા જેવા બીજી નાતવાળાનું ઉપજે શું ?

મફત અમારી સાથે હોય ત્યારે કોઈ વાંઢાની મશ્કરી કરતાં કે કોઈના લગનની વાત કરતાંય મફતનું મ્હોં એવું ઉતરી જતું કે અમને એ વાત કરવા બદલ પસ્તાવો થતો. છેવટે અમે બધાએ મનથી નક્કી કર્યું કે એળે નહીં તો બેળેય મફતને પરણાવવો જ. અમે એની નાતના જાણીતા એવા એક લગન-દલાલ મગન પૂજાને સાધ્યા. વાત પાટે ચઢે તો એને પાંચસો રૂપિયા આપવાની વાત કરી એટલે તો પછી પૂછવું જ શું? અમારો એ તુક્કો કામયાબ પુરવાર સાબીત થયો.

બે જ દિવસમાં મગનભાઈ હસતે મ્હોંએ મળવા આવી પહોંચ્યા. એમણે વાત શરૂ કરી : ‘જુઓ મહાપરાણે એક અસામીને તૈયાર કર્યો છે. એને બે છોકરીઓ છે. બેય પરણાવવા જેવડી થઈ ગઈ છે ને એની પાસે કશી તેવડ નથી. એવોએ તો એક જ વાત કરતો હતો કે મોટી પરણાવું એ નાનીના લગનનો બધો ખર્ચો આપતો હોય તો હા, નહીં તો ના.’
‘એટલા બધા તે હોતા હશે? લગન સાદાઈથી કરે તોય પંદર હજાર તો થઈ જાય.’ મેં કહ્યું.
‘એ તો ઓવી વાત કરે. એનેય ખબર છે કે એટલા કોઈ ન આપે. જો એટલા આપનાર મળ્યો હોત તો એની બેય છોડીઓ આટલી મોટી શાની થઈ હોત ? મેં એનો તાગ લઈ જોયો છે. એ પાંચેક હજારમાં માની જશે એમ લાગે છે.’ મગનભાઈએ કહ્યું.

‘એને કહેવું હતું ને કે અહીં તો છોકરી રાજ કરશે.’ મેં મગનભાઈને મફતની સાહ્યબીનો ચિતાર આપવા પ્રયત્ન કર્યો.
‘તે મેં એને નહીં કહ્યું હોય? આવી પટલાઈ કરતાં કરતાં આ ધોળાં થયાં છે. જો તમારી પાંચ હજારની તૈયારી હોય તો હું આગળ વાત ચલાવું.’
‘એનો વાંધો નહીં પણ આપણે જાનમાં વધારે નહીં તોય સો એક માણસો તો લઈ જવાં પડશે. તે એમની આગતા-સ્વાગતા તો કરશે ને ?’ મગનભાઈની વાતથી ઉત્સાહમાં આવી ગયેલો મફત બોલ્યો.
‘જુઓ ભાઈ, આ તો ગજવે ઘાલવાની વાત થઈ. આમાંથી એવોએ કાણી પાઈએય કાઢશે નહીં. કાં તો સાદુ કરો કે પછી જાનની વ્યવસ્થા આપણે જ ખાનગીમાં કરી લઈએ તો વાત બને.’ મગનભાઈએ કાને હાથ દઈ દીધા. મફત કહે મારે જાન તો લઈ જ જવી પડે. મેં કહ્યું: ‘લાખ ભેગા સવા લાખ. જાનની મહેમાનગતિનો ખર્ચ મફત વેઠી લેશે. એ બહુબહુ તો પાંચ હજાર થશે. એનું બિલ આપણે પાછલે બારણેથી ચૂકવીશું. લોકો તો એમ જ સમજશે કે વેવાઈએ સારી પરોણાગત કરી. એમનુંય સારું દેખાશે.’

મફતેય મૂંડી હલાવીને એમાં સહકાર આપ્યો. આનાથી બમણી રકમ હોત તોય આજે એ ઝાલ્યો રહે એવો ક્યાં હતો? ને મગનભાઈએ કામ કરી બતાવ્યું. બે જ દિવસમાં એમણે છોકરી જોવાની ને માટલીની વિધિ પતાવડાવી દીધી ને પંદર દિવસમાં લગનનું મૂરત પણ કઢાવી લાવ્યા. હજુ મફતની નાતવાળાને કશું સમજાય એ પહેલાં તો બધું પાકું થઈ ગયું. ને નક્કી કરેલે દિવસે મફતભાઈ ઘોડે ચઢ્યા. એક લક્ઝરી (?) બસ, એક મેટાડોર અને એક કારમાં હકડેઠાઠ માણસો ભરીને અમારો રસાલો ઉપડ્યો મફતને પરણાવવા. અમે બધા મિત્રો બસમાં બેઠા હતા, મેટાડોરમાં બધી સ્ત્રીઓ હતી અને વરની કારમાં એનાં મામા ફોઈનાં એવાં વધારે નહીં તોય દસેક જણ મફતને ઘેરીને બેસી ગયાં હતાં.

અમારી પચાસની કેપેસીટીવાળી બસમાં નહીંનહી તોય સીત્તેર માણસો તો ચઢી જ બેઠા હોઈશું. બસની જેટલી બારીઓ હતી એના કરતાં વધારે માથાં એમાંથી બહાર ડોકાઈ રહ્યાં હતાં. એવામાં કોઈએ બૂમ પાડીઃ ‘બધા માથાં અંદર રાખજો, બસ નળીમાં પેસે છે.’ ને જેમ કમાન્ડરનો ઓર્ડર છૂટે ને અમલ થાય એમ બધાં માથાં અંદર પેસી ગયાં. પણ નળીમાંનાં ઝૈડાં એમને એમ છોડે ખરાં ? એમણે બારીઓમાંથી જોરદાર આક્રમણ કરવા માંડ્યું. નળી પસાર કરતાંમાં તો કોઈની આંખ પટાઈ હતી તો કોઈને કપાળે કે ગાલે ઉઝરડા પડ્યા હતા તો કોઈને કપાળે સાથિયા ચિતરાઈ ગયા હતા. આખી બસમાં ઝૈડાં પરથી ઉડેલી ધૂળ અને પાંદડાં ઉડ્યા કરતાં હતાં.

આ તો થઈ એ આક્રમણની પહેલી ઝલક એની બીજી ઝલકનો નઝારો તો હવે શરૂ થવાનો હતો. એ ઉડતી ધૂળની ડમરી સમી ત્યાં બધાંને શરીરે સામટી ખંજવાળ ઊપડી. ત્યાં કોઈએ બૂમ પાડી અલ્યા કૂવેચ ઊડી છે. ને એ સાંભળતાં જાણે બધાંને સામટી ખંજવાળ શરૂ થઈ ગઈ. કોઈએ માથાનાં લટિયાં ઝાપટવા માંડ્યાં તો કોઈએ કપડાં ખંખેરવા માંડ્યાં. આનાથી તો જેને કૂવેચ નહોતી લાગી એનેય લાગી. કોઈ બોચીએ ખંજવાળવા માંડ્યું તો કોઈ બરડે તો કોઈ ગળે. વેવાઈને ગામ પહોંચતાં તો બધા ખંજવાળથી જાણે અધમૂઆ થઈ ગયા હતા.
જેવા જાનને ઉતારે પહોંચ્યા કે તરત કેટલાકે કપડાં કાઢવાની પરવા કર્યા સિવાય પીવાનું પાણી ભરેલી માટલી માથે રેડી દીધી તો કેટલાકે ખમીસ કે પહેરણ કાઢી ખંખેરતાં આખા ઉતારામાં કૂવેચ ફેલાવવી શરૂ કરી દીધી. એક તો ભર શિયાળાની ઠંડી અને તાજી માટલીનું હીમ જેવું ઠંડુ પાણી. બધા ઉતારાની ચાદરોથી ડીલ કોરાં કરતા એ જ ચાદરો ઓઢીને હોકા ભરવા કરેલી તાપણી પાસે તાપવા બેસી ગયા. કેટલાકે ચાદરો પહેરી લીધી ને ભીનાં કપડાં તાપણી પર ધરીને સૂકવવા માંડ્યાં. પણ જેમજેમ રાત ઢળવા માંડી તેમતેમ ઠંડીનો ચમકારો પણ વધવા માંડ્યો. તાપણીમાં ઉમેળવાનાં લાકડાં પણ ખૂટવા માંડ્યાં.

વહેલાં આવી ગયેલાં વરની ગાડીવાળાં ને મેટાડોરવાળાં કોઈને નાનાં વાહનોને કારણે કૂવેચનો પ્રસાદ ચાખવાનો વારો આવ્યો ન હતો એટલે એમને તો હસવામાં મજા પડતી હતી. ત્યાં વરને તોરણે લાવવાનું તેડું આવ્યું. બધા સજાગ થઈ ગયા. બધાએ અડધાં સૂકાયેલાં કપડાં પાછાં પહેરી લીધાં. ગમે તેમ તોય આ તેડાથી બધા આનંદમાં આવી ગયા હતા કારણ કે વર તોરણે ચઢે એમાં જમવાનું તેડું પણ આવી જતું હતું.

જાનમાં એક મફત જ એવો હતો કે જેના પર ઠંડીની અસર થઈ હોય એમ લાગતું ન હતું. આજે તો એના મનની વરસોની મુરાદ પૂરી થઈ રહી હતી પછી એને ઠંડી લાગે ખરી ! મફતને આગળ કરીને અમારો વરઘોડો નીકળ્યો. મફતની ગાડીમાં એની બે બહેનો ને બીજાં પાંચસાત છોકરાં ચઢી બેઠાં હતાં એટલે એને વધારાની હૂંફ મળતી હતી. પણ થોડે દૂર ગયા કે ઠંડીએ મફતનેય પોતાનો ચમકારો બતાવવો શરૂ કરી દીધો. મફતે લેંધા પર સીલ્કનો ઝભ્ભો પહેર્યો હતો. ઉપર વેંતની જેકેટ. એનાથી આ ઠંડી રોકાય ખરી ? એય ધ્રુજવા માંડ્યો. જાનૈયા બધા આવી ઠંડીની ગણતરીએ તૈયાર થઈને પહોરવા ઓઢવાની વેતરણ કરીને આવેલા એય જ્યાં ઠુંઠવાતા હતા ત્યાં મફતની તો શી વલે ?

જેમતેમ કરીને ભાઈ અમે માંડવે પહોંચ્યા. ઠુંઠવાતો મફત ગાડીમાંથી ઉતર્યો કે વાળંદે એને બાવડેથી પકડી બાજટ પર ઉભે કરી દીધો. એય વહેલી તકે માંડવામાં પેસી જવાની ઉતાવળમાં જ હતો ને. એનાં સાસુ એને પોંકવા આવ્યાં એ તો પાંચ ફૂટથીય ઓછાં ઊંચાં. એક તો મફત પૂરો છ ફૂટ ઊંચો ને પાછો બાજટ પર ઊભો એટલે ઊંટ ઉકરડે ચઢ્યા જેવો ઘાટ થયો હતો. પુરોહિતે મફતનાં સાસુના હાથમાં પાંચ શેરિયો લોટો પકડાવી દીધો ને વરના માથા પર પાંચ વખત ફેરવવા કહ્યું.

પણ અમારો ભાથી આજે વરરાજા બન્યો હતો તે જરાય નચો નમે ખરો? છેવટે મેં એના કાનમાં ફૂંક મારી એટલે એ જરા નીચો નમ્યો. એનાં સાસુએ પરાણે એને માથેથી લોટો વાળવા માંડ્યો. એમ કરતાં એમના હાથમાંથી લોટો સરક્યો. એને જતાં એમાંનું બધું પાણી મફતના માથા પર પડ્યું ને ત્યાંથી કપડાં પલાળતું સીધું મફતના પગે ઊતરી ગયું. એક તો શિયાળાની કાતીલ ઠંડીથી ઠરેલું પાણી. મફતને કમકમીયાં આવી ગયાં. ચોરીમાં બેઠા પછીય મફત એવો તો ધ્રુજતો હતો કે એની સાથે એની નીચેનો બાજઠ પણ હાલમડોલમ થતો હતો. છેવટે જ્યારે ચોરીમાં અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે એને જરા શાતા વળી હોય એમ લાગ્યું.

એ ઓછું હોય એમ જાનવળાને બેસવા માટે માંડવાની બહાર ગાદલાં પાથર્યાં હતાં. એટલે જાનમાં સમજુ માણસો તો મફતને પરણતો રહેવા દઈને ઊતારા ભેગા થઈ ગયા હતા. કેટલાક તો જતાં ઓઢવા માટે એક-એક બે-બે ગાદલાંય બગલમાં મારતા ગયા હતા. પણ અમે તો મફતના ખાસ દોસ્તો. અમારે તો મફતને પરણાવ્યાનો પૂરો લ્હાવો લેવો જ પડ્યો.

આજે એ વાતને ચાર વરસ વીતી ગયાં છે છતાં મફતનાં લગનની વાતે અમને આજેય કમકમીયાં આવી જાય છે. એની નાતવાળા હજુય કહે છે કે મફતિયો પરણ્યો ને અમને ટાઢે પાણીએ નવડાવ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નવા વર્ષે તમારે ત્યાં કોણ આવે ! – કલ્પના દેસાઈ
હરડેપાક ! – નવનીત સેવક Next »   

23 પ્રતિભાવો : અમે મફતને પરણાવ્યો – જયંતીભાઈ પટેલ

 1. ABHIJIT PATALIA says:

  Really Too hilarious comedy,
  I got tears in my eyes while reading
  Thanks

 2. Very good comedy, excellent description of village & cold season. Great dilect used.

 3. khushboo says:

  excellent comedy.

 4. ashalata says:

  very good comedy

 5. સરસ હાસ્ય લેખ !
  અભિનંદન જયંતીભાઇ.

 6. rakshit says:

  fantastic…

 7. deval(usa) says:

  funniest story forever…

 8. rajeshwari says:

  Very good comedy…Congratulation.

 9. dipesh says:

  its like we r there in every movement.its like comdy in front of us .thanks 4 giving such story

 10. Ashish says:

  Story is fantastic, But need some more. Story had reached to intersting phase and suddenly got ended. Atleast expected some more discription of “Phera” & other rituals….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.