નવા વર્ષે તણાવમુક્ત રહો, આ રીતે ! – મોહિની દવે

[આરોગ્ય]આપણામાંના ઘણાં સવારે વહેલાં ઉઠનારા છે તો કેટલાક રાત્રે મોડા સુધી જાગીને મોડાં ઊઠે છે. પણ જેઓ સવારે નવથી સાંજે પાંચની નોકરી કરે છે તેઓનો દિવસ તો ક્યાં વીતી જાય છે ખબર નથી પડતી. પાછું કામ તો ખૂટતું જ નથી. જેઓ ઉત્સાહભેર આખું અઠવાડિયું પસાર કરે છે, તેઓ સપ્તાહના અંતે આરામ કરવાના મૂડમાં જ હોય છે. છતાં આપણે કેટલાક એવા લોકોને જોઈએ છીએ જે ક્યારેય થાકેલાં કે કંટાળેલા લાગતા નથી. સાંજે ઑફિસેથી આવીને ઘણી મહિલાઓ કપડાં ધોતી હોય છે અન્ય કામો ઉત્સાહથી કરતી હોય છે. તેઓ આવું શી રીતે કરી શકે છે એવો પ્રશ્ન અન્ય ઘણાંને થતો હશે.

અમારી સોસાયટીમાં ઘણાં લોકોને મેં રાત્રે મોડા ઘેર આવતાં અને સવારે વહેલાં ચાલવા જતાં પણ જોયા-સાંભળ્યા છે. તેઓ આમ શી રીતે કરી શકતા હશે એવો પ્રશ્ન હમેશા મારા મનમાં ઊઠે છે. જ્યારે કેટલાક જુવાનજોધ ઉંમરે ઢીલાં-ઢીલાં સુસ્ત દેખાતા હોય છે. શું આપણે આપણી જવાબદારીઓ, વાતાવરણ આપણા લોકોને આપણો ભોગ લેવાની છૂટ આપીએ છીએ ? ખરેખર તો આપણે આપણી શક્તિઓને લૂંટાવી દઈએ છીએ. અને પછી થાક અને બોજાથી ઢળી પડીએ છીએ. શું આપણે આપણાં જીવનને નવેસરથી આયોજન કરીને વધારે સારી રીતે ગોઠવી ના શકીએ ?

તમારી મર્યાદાઓને સ્વીકારીને ચાલો :
ઘણાં બધાં કામો જાતે જ કરવાનો આગ્રહ કે અપેક્ષા ન રાખો. શારીરિક શક્તિને એક મર્યાદા હોય છે. તેને તેની મર્યાદાથી વધુ ખેંચવાથી તે તૂટી જાય છે.

તમારી જીવનશૈલી એવા પ્રકારની હોય કે જેમાં તમારે માનસિક શ્રમ વધુ કરવો પડતો હોય તો તમારાં કામનું આયોજન એ પ્રકારે ના કરો જેમાં તમને માનસિક શ્રમ વધારે પહોંચે. થોડો સમય શારીરિક શ્રમ માટે ફાળવો. મારા એક સગાં સૉફટવેર એન્જિનિયર છે. તે ઘેર આવી પછી મગજને સંપૂર્ણ આરામ આપે છે. અને શારીરિક પ્રવૃત્તિમાં લાગીને માનસિક થાક ઉતારે છે. બહારની વ્યક્તિને આ જોઈને નવાઈ લાગે પણ તેમનાં માટે હળવાં થવાનો આ એક શ્રેષ્ઠ રસ્તો છે.

હળવાં કેવી રીતે થશો ?
દરેક વ્યક્તિની થાક ઉતારવાની, હળવાં થવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. તમારે કેટલાંક વિકલ્પો વિચારી તેમાંથી સૌથી અનુકૂળ વિકલ્પ પસંદ કરવો. આ પદ્ધતિ એવી અસરદાર હોવી જોઈએ કે જે તમારો થાક ઉતારીને ફરી તાજામાજા બનાવી દે. સામાન્ય રીતે તમારી રોજિંદી પ્રવૃત્તિથી અલગ પ્રકારની પ્રવૃત્તિ આ હોવી જોઈએ.

તમારાં શરીરની પ્રકૃતિને જાણો :
આપણાં શરીરની એક ખાસ ક્રમબદ્ધતા હોય છે. આપણી ઉમર જેમ વધતી જાય તેમ આ ક્રમબદ્ધતામાં પરિવર્તન આવે છે. દિવસ દરમિયાન અમુક ચોક્કસ સમયે આપણે ખૂબ શક્તિ-સ્ફૂર્તિ અનુભવીએ છીએ. અમુક સમયે સુસ્તી અનુભવીએ છીએ. આપણી શારીરિક ક્રિયાઓના નિયંત્રણ તંત્રને કારણે આમ બને છે. તેને કારણે આપણે અમુક સમયે કામ કરવાનું અને અમુક સમયે આરામ કરવાનું પસંદ કરીએ છીએ. આ તંત્રને સમજીને તે પ્રમાણે તમારા કાર્યોનું આયોજન કરો.

અભ્યાસોના તારણો દર્શાવે છે કે કોઈ વ્યક્તિ રાત્રે અગિયાર વાગે સુસ્તી અનુભવે તો તે દિવસના અગિયાર વાગે એકદમ ચુસ્ત અને સ્ફૂર્તિલી હોય છે. કેટલાક લોકો રાત્રે નવ વાગ્યા પછી સ્ફૂર્તિ અનુભવે છે અને અડધી રાત્રી સુધી કામ કરી શકે છે. કેટલાક વિદ્યાર્થીઓ રાત્રે મોડા સુધી વાંચતા હોવા છતાં સવારે દૂધવાળો આવે ત્યારે જાગી જતાં હોય છે. અભ્યાસ એકમાત્ર તેમનો હેતુ હોવાથી તેઓ મોડે રાત સુધી વાંચી શક્ત હોય છે. નવાઈ લાગે તેવી આ બાબત પાછળનું રહસ્ય એ હોય છે કે તેઓ સાંજે બે-ત્રણ કલાકની સુસ્તીના સમયમાં ઊંઘ ખેંચી લેતા હોય છે. ઘણાં લોકો બપોર પછીના સમયમાં આવી સુસ્તી અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ એનો સદઉપયોગ કરી લે છે.

તમારા શરીરની સુસ્તી અને તાજગીના સમયનું અવલોકન કરો. થોડો પ્રયત્ન કરીને આ બંને સમયગાળાને તમારી જરૂરિયાત પ્રમાણે બદલી નાંખો. જેથી તમારો દોડધામનો સમયગાળો તમારી સ્ફૂર્તિનો સમયગાળો બની રહે. આ પ્રક્રિયા ‘જેટ લેગ’ ઉપર નિયંત્રણ મેળવવા જેવી છે. આ કામ કસરત દ્વારા થઈ શકે છે. કસરત તમારા સૂવાનાં સમયને અને સુસ્તીને દૂર લઈ જાય છે. કસરત ગરમ પીણાં અને પ્રકાશમાં (તેજસ્વી) રહેવાની ચેષ્ટા સુસ્તી અને ઊંઘને દૂર રાખે છે. આ પ્રયાસ નિયમિત રીતે કરવામાં આવે તો તમારી શારીરિક ઘડિયાળના ક્રમમાં પરિવર્તન આવે છે. સુસ્તીનો સામનો કરવાની એક અન્ય રીત છે તે સમયે સુસ્ત, કંટાળાજનક કામો કરવા, બિલ ભરવા, ફોન-કૉલના જવાબ આપવા કે કપડાંને ઈસ્ત્રી કરવી એ કંટાળાજનક અને સુસ્ત પ્રકારનાં કામ છે.

થાકી જાઓ ત્યારે અટકી જાઓ :
થાક અને તાણનો અનુભવ થવા માંડે ત્યારે કામ કરવાનો પ્રયત્ન છોડી દો. જો તમે આમ નહિ કરો તો ત્રાસી જશો. ચિડાઈ જશો. જો આમ કરવું શક્ય ના હોય તો તમારો કસરતનો સમય બદલી નાંખો. આખું આયોજન નવેસરથી કરો. ઉદાહરણ તરીકે આગળ અને પાછળની બાજુ વળવું, પ્રાણાયામ વિગેરે, સુસ્તી શરૂ થાય એ પહેલાં કરી લો. જેને કારણે તમારાં રોજીંદા સુસ્ત સમયે તમને સુસ્તી નહિ લાગે.

લોકો મોટા ભાગે સવારે કસરત કરતાં હોય છે પણ રીટા ઑફિસેથી આવીને પછી અડધો કલાક યોગ કરે છે. તે પછી ઘરનાં બાકીનાં કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. તેને થાક ઓછો લાગે છે. જે કામો કરવાનું તેનું શરીર ના પાડે છે તે પોતાના શરીર પર જુલમ કરતી નથી. શરીરની ફરિયાદોને તે ગંભીરતાથી લે છે. શરીર અને મનને આ પ્રકારે સમજવાથી, કેળવવાથી તમે તમારા મહત્વના કામો સમયસર પૂરાં કરી શકો છો અને શરીરને ગજા બહારનું કષ્ટ ઉઠાવવું પડતું નથી.

દુનિયાભરનો બોજો ઉપાડવાનો પ્રયત્ન ના કરો :
દરેક વાતને તમારે કરવી જરૂરી ના સમજો. દરેક કામમાં ‘તમારાં વગર નહિ ચાલે’ કે ‘મારા વિના આ કામ નહિ થાય.’ એવું માનશો નહિ. કેટલીક વખત કામથી અલિપ્ત રહેતાં શીખો. જેથી તમારા પર વધુ બોજો નહિ આવે. તમારી જવાબદારીઓને વર્ગોમાં વહેંચી નાંખો અને દરેકનો અગ્રતાક્રમ નક્કી કરો, જ્યાં શક્ય હોય તો ત્યાં તમારો વિકલ્પ (અન્ય માણસને) મોકલો. અગાઉથી વિચારીને બધું આયોજિત કરો. તમે નોકરી કરતી મહિલા હોવ તો કામનું આયોજન એ રીતે કરો કે કામો સરળ બને. ઉદાહરણ તરીકે, ઝડપથી તૈયાર થઈ શકે તેવાં નાસ્તા જ બનાવો. તમારા બાળકોમાં એકાદને કેટલીક ખરીદી અને ઘેર લાવીને ચોક્કસ જગ્યાએ ખરીદેલી ચીજવસ્તુઓને ગોઠવવાનું કામ સોંપી દો. તમારા પતિ કે બીજું બાળક વોશિંગ મશીન જુએ એ પ્રમાણે કામ વહેંચી દો. સામાજિક કામો શનિ-રવિની રજાઓ માટે રાખો. બાળકો જો નાના હોય તો તમારા પતિ સાથે કામની વહેંચણી કરી લો. સાંજે બહાર જમવા જવાનું નક્કી કરો તે વખતે ત્યાં ખાવાનું મેનુ પહેલેથી નક્કી કરી લો. જેથી બાળકો ત્યાં જીદ કરીને તમને વધારે હેરાન ના કરે.

જવાબદારીઓ બે પ્રકારની હોય છે. એક પ્રકાર છે અઘરી જવાબદારીઓ અને બીજી છે સરળ જવાબદારીઓ. મહત્વની જવાબદારીઓ તમે જાતે નિભાવો અને હળવી, સરળ જવાબદારીઓ અન્ય વિકલ્પ દ્વારા પૂરી કરાવી લો. આમ કરવાથી તમારા પર કામનો બોજો હળવો રહેશે. તમારી જાતને મહામાનવ સમજીને બધાં કામ જાતે કરવાના ભ્રમમાં ના રહેશો.

તમારી જાત સાથે જબરદસ્તી ના કરશો :
ક્યારેક તમે હતાશ અને ચિઢિયા બની જાઓ, એમ સંભવી શકે છે. તમારા અસંતુષ્ટ બૉસ કે જીદ્દી બાળકો તમને અકળાવી નાંખે એમ બને. તે વખતે ‘મારે તો શાંત જ રહેવાનું છે’ એમ વિચારીને જાતને દબાવવા પ્રયત્ન ના કરશો. અકળામણ ગમે ત્યારે સ્ફોટક સ્વરૂપે બહાર આવવાની જ છે. ઉપરથી તમે ઝડપથી થાકી જશો. મનમાં દબાવી રાખેલી લાગણીઓ તમને વધુ નુકશાન કરશે. તેથી જે પ્રતિક્રિયા આવતી હોય તે પ્રમાણે જ વર્તો. હા, ઑફિસમાં ગુસ્સો દર્શાવવો યોગ્ય નથી પણ અતિશય નમ્રતા અને મીઠાશ પણ લાંબો સમય ટકતાં નથી. સ્વાભાવિક રહો જેથી તમારા બૉસને પણ તમારી તકલીફ સમજાય. બાળકો તરફ પણ તમારી નારાજગી કે ગુસ્સો વ્યકત કરો. તેઓ માટે પણ આ સમજવું જરૂરી છે કે મમ્મી હંમેશા હસતી અને લાડ કરતી ના રહી શકે. તેઓનું અયોગ્ય વર્તન તેઓએ સુધારવું જ પડે. આ રીતે બાળકોને પણ કેળવણી મળશે.

મનમાં દબાવી રાખેલી લાગણીઓ લાંબા સમયે વિવિધ પ્રકારના રોગોને જન્મ આપે છે. તેથી ચોક્કસ હદ સુધી જ સહનશીલતા રાખો. છતાં ક્યારેક એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે કે જ્યારે સ્વાભાવિક રીતે વર્તવું શક્ય નથી હોતું. આવાં સમયે એક કાબેલ ખેલાડીની જેમ વર્તો. ખેલાડી થાકેલો હોય, તાણમાં હોય ત્યારે ઊંડા શ્વાસ લઈને પોતાને-જાતને આગળ ધપાવવા પ્રયાસ ચાલુ જ રાખે છે. રક્તમાં વધુ પ્રાણવાયુ જેવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. તમે પણ આમ જ કરો. જો કે તાણની સ્થિતિ લાંબો સમય રહેવી ના જોઈએ.

આ પ્રકારની જાગૃતિ તમને વિકટ પરિસ્થિતિઓમાં પણ ટકાવી રાખશે. વારંવાર જાતને આ પ્રમાણે કેળવવાથી એ એક ટેવ બની જશે અને તમારું જીવન સરળ બનશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દિવાળી એટલે… – દિનકર જોષી
ખોવું અને શોધવું – રીના મહેતા Next »   

19 પ્રતિભાવો : નવા વર્ષે તણાવમુક્ત રહો, આ રીતે ! – મોહિની દવે

 1. કલ્પેશ says:

  નવા વર્ષની શરુઆત જીવન-શૈલીમા ફેરફાર લાવીએ અને તેનુ પરિણામ જોઇએ.

  સહર્ષ આભાર

 2. vijayshah says:

  sundar lekh
  mohiniben ane mrugeshbhai bannene abhinandan!

 3. Pravin Patel says:

  Jivanni svastha chaal maate sundar sopaan.Lakhata raho.

 4. સરસ ટેકનીકો સુચવી છે.
  આભાર.

 5. rajeshwari says:

  Good article…If you feel tired then visit “Read Gujarati” This is also a very good option….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.