ખોવું અને શોધવું – રીના મહેતા

[લલિત નિબંધ]

દર થોડાં કલાકે અથવા રોજ, રોજ નહિ તો દર બે-ચાર દહાડે, એમ નહિ તો પાંચ-સાત દહાડે મારું કંઈક ને કંઈક ખોવાઈ જાય છે. મારું નહિ તો ઘરના કોઈક સભ્યનું પણ એ શોધવું તો મારે જ પડે એવી સ્થિતિ સર્જાય છે. હવે, એ ખોવાયેલી વસ્તુ ગમે તેટલી નજીવી, નકામા જેવી હોય, પણ ખોવાવાની ક્ષણે, ઘરમાં એની આવશ્યકતા સર્જાય ત્યારે તો તે અતિ તાકીદની, અતિ અગત્યની વસ્તુ બની જાય છે.

વસ્તુ ખોવાવાની પણ ચોક્કસ અવધિ હોય છે. ક્યારેક વસ્તુ બે-ત્રણ મિનિટ માટે ખોવાઈ જાય છે, તોક્યારેક અડધો-પોણો કલાક માટે. ક્યારેક તે દિવસો સુધી જડતી નથી, તો ક્યારેક હંમેશ માટે ! અમુક વસ્તુનું તો નામ પડતાં જ મને ફાળ પડે છે : ‘અરે ગઈ ! ખોવાઈ ગઈ !’ કોઈ બહુ કિંમતી અથવા અગત્યની વસ્તુ જડતી ન હોય અને તેના હોવાના સંભવિત શકમંદ સ્થળોએ તેની પૂરી તપાસ થઈ ચૂકી હોય તો હું મારી માતા કે તેની માતાની જેમ સ્વબચાવ કરું છું. મારાથી જ ક્યાંક ઊંચે મુકાઈ ગઈ છે. સાચવીને કશેક ચોક્કસ ઠેકાણે મૂકી છે. પણ, યાદ જ નથી આવતું કે ક્યાં…..

આમ તો હું ખોવાયેલી વસ્તુને એની તાકીદ મુજબ શોધવાની તસ્દી લઉં છું. પહેલાં ચીજ ઉપર-ઉપરથી શોધી લઉં છું. યાદ કરવા મગજ કસું છું. પણ કશુંક યાદ આવતાં-આવતાં અટકી જાય છે. પછી સમય મળ્યે ત્રુટક-ત્રુટક શોધું છું. પછી યે ન જડે તો એક-બે કલાકનો વિસ્તૃત શોધ-યજ્ઞ આદરું છું. પછીયે ન જડે તો મન મનાવીને થોડો વિરામ લઉં છું. જો એ વસ્તુ વિના ચાલી જાય એવું હોય તો આ વિરામ થોડાં દિવસોનો કે થોડા મહિનાઓનો કે થોડાં વર્ષોનોય નીવડે છે.

અલબત્ત આ બધી વિગતોનો અર્થ એ નથી કે હું સાવ અવ્યવસ્થિત છું અને સતત બધું ખોયા અને શોધ્યા જ કરું છું. હકીકતમાં, હું દિવસનો કેટલો બધો સમય તો ઘર અને ચીજોને સમીનમી કરવામાં ગાળું છું. તે છતાં વસ્તુઓ ખોવાતી અને સમયાંતરે મળતી રહે છે. વળી, આ ખોવાયેલી વસ્તુ મળ્યાનો આનંદ પણ જોડાજોડ મળતો રહે છે. મારું નિરીક્ષણ છે કે ઘણીખરી વ્યક્તિ આ પ્રક્રિયામાંથી પસાર થતી રહે છે. કેટલાંકનાં ઘર અને તેની તમામ ચીજો એટલાં બધાં વ્યવસ્થિત અને ચોક્કસ હોય છે કે થાય કે આમાં કોઈ વસ્તુને ખોવાવું હોય તો ક્યાં અને કેવી રીતે ખોવાય ? તેથી વિપરીત, કેટલાકનો તમામ અસબાબ એવો તો અસ્તવ્યસ્ત હોય છે કે આમાંથી કંઈ જડે તો કઈ રીતે જડે ?

વસ્તુ ખોવાઈ જાય એટલે કંઈ એને પગ નથી કે ક્યાંક ચાલી જાય. પણ, વ્યક્તિને તેનું સ્થાન યાદ ન આવે. ત્રીજી વ્યક્તિ તરીકે જ્યારે ખોવાયેલી વસ્તુ શોધવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરીએ ત્યારે રમૂજ જ થાય. વસ્તુ શોધનાર વ્યક્તિ પરસેવે રેબઝેબ, અકળાયેલી, તાણ કે ગુસ્સાથી ફાટ-ફાટ, મૂંઝવાતી, ધૂંધવાતી કે ન સમજાય તેવો બબડાટ કરતી, કદીક બીજી વસ્તુઓની ફેંકાફેંક કરતી, કબાટ ફેંદી કાઢતી અને છેવટે હાંફીને-હારીને ધબ્બ દઈ પંખા નીચે બેસી જતી જોવા મળશે. ‘વસ્તુ ઠેકાણે મૂકતાં હો તો ? જ્યાંથી ચીજ લીધી ત્યાં પાછી મૂકવાની ટેવ નહિ તેથી આમ થાય…’ વગેરે ઉક્તિઓ શોધનાર વ્યક્તિને ખોવાયેલી ચીજ શોધવા માટે વધુ ચાનક ચઢાવે અથવા ગુસ્સો કરે.

કેટલીક વસ્તુઓ તો ઈશ્વરે – ના, મનુષ્યે ખોવાવા માટે જ સર્જી છે. દાખલા તરીકે સોય-દોરો, પેન, પેન્સિલ-રબર, ચાવી, પાકીટ, સૅલોટેપ, ગુંદરની શીશી, અગત્યના કાગળો, બિલો, રસીદો, ચશ્માં, ચપ્પુ, કાતર, સેફટીપીન, ટાંકણી વગેરે…. ખોવાઈ જનારી વસ્તુઓ પણ તેના માલિક – ઉપયોગકર્તાના જુદા જુદા વર્ગ અનુસાર હોય છે. જેમ કે, પુરુષોના ચશ્મા, પાકીટ, પેન, રૂમાલ, મોજાં, ફાઈલ, કાગળ વગેરે ખોવાઈ જાય. સ્ત્રીનો તો સંસાર જ એટલો મોટો છે કે એમાં એના સિવાય બધું જ ખોવાઈ જઈ શકે છે. વળી, એને માટે મુસીબતની વાત તો એ છે કે બીજાઓની ખોવાયેલી વસ્તુ શોધવાની જવાબદારી પણ સવિશેષ એને શિરે હોય છે. સાડી પહેરવા માટે એ કબાટ ખોલે અને મેચિંગ બ્લાઉઝ શોધતા એને કલાકો થઈ જાય એવુંયે બને. જો કે એનાંયે પેન, પુસ્તક, પાસબુક, ચશ્માં, રૂમાલ વગેરે ખોવાઈ જઈ શકે છે. વૃદ્ધોને તપખીરની દાબડી, લાકડી, છત્રી, રોજ વાંચવાની ધાર્મિક ચોપડી, માળા, ચશ્માં, દવાની શીશી વગેરે ખોવાઈ જાય. બાળકોના નોટ-ચોપડી-રબર-પેન્સિલ વગેરે ખોવાઈ જાય.

આ ખોવાયેલી ચીજોનાં ખોવાવાનાં અથવા હોવાનાં અનેક સ્થળો હોઈ શકે છે. ઠાંસોઠાંસ ભરેલાં કબાટો, તેનાં અનેક ખાનાંઓ, પેટી-પટારાં, સૂટકેસો, મોટામસ માળિયાઓ, ગોખલા, ડબ્બા-ડુબ્બી, કોથળાં, કોથળી, થેલાં, શો-કેસ, ફ્રીઝની ઉપરની જગ્યા, અભરાઈ, પથારીની નીચે, તકિયા નીચે – ગમે ત્યાં પેલી ઝીણી અમથી વસ્તુ સંતાયેલી, મરક મરક હસતી બેઠી હોય છે. તમે પરસેવે રેબઝેબ બની જાવ, થાકીને ઠેં થઈ જાવ, સ્ટૂલ લઈ માળિયે ચઢવા જતાં ગબડી પડો…તોયે પેલી વસ્તુ જેનું નામ ! બોલશે જ નહિ કે હું અહીં છું. ક્યાંથી બોલે ? એને કંઈ જીભ છે ? પછી જ્યારે શોધવાનું માંડી વાળો તોય રહી-રહી મનમાં થાય કે ક્યાં હશે ? છેવટે જ્યારે એ વસ્તુની જરૂર જ ન રહી હોય ત્યારે તે અચાનક કોઈ ખૂણેથી પટ દઈ સામેથી મળી આવશે. તમે મોટેથી ઉદ્દગારી બેસશો : ‘અરે ! આ તો અહીં છે ! હું નો’તી કે’તી કે છે ચોક્કસ !’

વળી, દરેકની ખોવાની અને શોધવાની ક્રિયા ભિન્ન છે. કેટલાંક વસ્તુઓ વારંવાર ખોઈ કાઢે છે અને શોધવાની સહેજે તસ્દી લેતાં નથી. મળશે એની મેળે, કહી નિરાંત જીવે બેસે છે. તેથી વિપરીત કેટલાંક જેવી વસ્તુ ખોવાય કે ચીલઝડપે શોધવા મંડી પડે છે. અહીં, ત્યાં, ઉપર, નીચે બધે જ તેમના હાથ, આંખ સર્વ શરીર ફરી વળે છે. તો વળી કેટલાંક નિરંતર કંઈ ને કંઈ શોધ્યા કરતાં દેખાય છે. મારી બા અને મારાં સાસુ, બંને જણ દિવસમાં અગણિત વાર કબાટ ખોલે છે. એમાંના અઢળક વસ્તુભંડારમાંથી કંઈક ને કંઈક કામનું અથવા કામ ન પડ્યું હોય તેવુંયે શોધે છે, પાછું મૂકે છે. બાનું કબાટ તો ક્યારેક કલાકો સુધી ઉઘાડું, વસ્તુઓ શોધવાનું મૂક સાક્ષી બની રહે છે. એ ક્બાટનું ચાલે તો જાતે જ એનાં દ્વાર બંધ કરી દે. ક્યારેક તો વાતો કરતી બા પોતે શોધતાં શોધતાં શું શોધે છે એય ભૂલી જાય છે અને મને પૂછે છે : ‘હું શું શોધતી હતી ?’

જ્યારે મારાં સાસુનું કબાટ અતિઝડપે ખૂલે અને અતિઝડપે બંધ થઈ જાય ! આ અલ્પસમય ગાળામાં તેઓ વસ્તુ લે અને મૂકે છે. કેટલીક વાર તો વસ્તુ ખોવાઈ ગઈ હોવાની શંકા પડતાં જ વસ્તુને શોધવા મંડે છે અને પછી પેલી ન ખોવાયેલી વસ્તુ મળી જતાં મોટો હાશકારો કે સંતોષ વ્યકત કરી લે છે. આમ તેઓ અતિ ચોક્કસ. બધી વસ્તુઓ તેના ચોક્કસ સ્થાને મૂકવાનાં દ્રઢાગ્રહી. વસ્તુ જ્યારે જોઈએ ત્યારે અંધારામાં હાથ મૂકો તોય જડી જવી જોઈએ એવો એમનો સિદ્ધાંત ! ‘અલી ! ફલાણું ક્યાં ગયું ?’ એવા તેમના અણધાર્યા પ્રશ્નાર્થે ઘણીવાર હું નવી વહુની માફક ઘાંઘી થઈ જાઉં છું ને વસ્તુ શોધવા મંડી પડું છું. એમની ચોક્કસતાના માપદંડમાં આ જગતમાં એમના સિવાય બીજું કોઈ મને જડતું નથી. પણ, જો એમના જેવી વ્યક્તિ પણ વસ્તુ-શોધ પ્રવૃતિમાં વારંવાર જોડાય તો આપણા જેવા સામાન્યનો તો શો છૂટકો ? તેઓ શોધવા બેસે ત્યારે જાણે જીવ પર આવી જાય, માંદા થઈ જાય, અમે ઘરનાં વઢીએ, પણ ના ! એ તો શોધે ત્યારે જ જંપે ! એમની શોધ-પ્રક્રિયા ઉપર તો હું શોધ-નિબંધ પણ લખી શકું !

સંઘરેલો સાપ પણ કામનો, ચપટી ધૂળનોયે ખપ પડે – આ બધી કહેવતો માણસની સંગ્રાહક વૃત્તિને વ્યકત કરે છે. જેમ વસ્તુઓ વધારે, એમ એ વધારે ખોવાય. ખોવાવું અને શોધવું, શોધવું અને ખોવાવું – બંને એકમેક સાથે અભિન્નપણે જોડાયેલા છે. જીવનભર આપણે કેટલુંયે ખોતાં રહીએ છીએ. માણસો, સંબંધો, મનગમતી ક્ષણો, મનગમતાં સપનાં, બાળપણ, યુવાવસ્થા, ચહેરાં-મહોરાં… કેટલુંક આપણે જાણી જોઈને ખોઈ નાંખીએ છીએ, તો કેટલુંક સમય ખોઈ નાખે છે. કેટલુંક આપણે આપણી જાણ બહાર ખોઈ દઈએ છીએ. કેટલુંક પેલી અગત્યની વસ્તુની જેમ બહુ ઊંચે, સાચવીને મૂકવા જતાં ખોઈ નાખીએ છીએ. આપણું આ બધું ક્યારેક કલાકો, દિવસો, અઠવાડિયાંઓ, મહિનાઓ, વર્ષો સુધી જડતું નથી. જે ખોઈએ છીએ એ જ શોધીએ છીએ એવું પણ નથી. જે નથી ખોતાં એ પણ બીકના માર્યાં શોધી લઈએ છીએ. વળી ક્યારેક શું શોધતાં હતાં એ પણ ભૂલી જઈએ છીએ.

હયાતીના આરંભથી અંત સુધી માણસ સુખ-દુ:ખ, આનંદ-શોક, પ્રિયજન, રોજી-રોટી વગેરે શોધે અને ખોવે છે. અધ્યાત્મમાર્ગીઓ પરમ આનંદ શોધે છે. કેટલાક પોતાના ‘સ્વ’ ની શોધમાં હોય છે. એ ‘સ્વ’ પણ કદીક એનાથી એવો ઊંચે, ચોક્કસ ઠેકાણે સાચવીને મુકાઈ ગયો હોય છે કે જડતો જ નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નવા વર્ષે તણાવમુક્ત રહો, આ રીતે ! – મોહિની દવે
નેધરલૅન્ડના હેંગલો ગામનો પ્રવાસ – ચંદ્રિકા લોડાયા Next »   

11 પ્રતિભાવો : ખોવું અને શોધવું – રીના મહેતા

 1. manvant says:

  બહેનશ્રી! આપની એકાદ ખોવાયેલી ચીજ પણ જણાવવી જરૂરી ના લાગી ? ભાષા પ્રવાહી છે.
  વાંચી ખૂબ આનંદ થયો. અવલોકન ઝીણું છે.
  ધન્યવાદ !

 2. અનોખા વિષય પર નિબંધ વાંચી આનંદ થયો.
  અભિનંદન રીના બહેન.

 3. rajeshwari says:

  રીનાબહેન, તમે મારા મનમાં ચાલતી આવી લેખ શ્રેણીને કેવી રીતે ચોરી ગયા?બહુ જ મઝા આવી ગઈ.હવે એક નવો તોપીક આપું? સચવાઈ રહેવું…જેમકે કોઈ વ્યક્તિ સાવ નવરી હોય અને તેને કશીક પ્રવૃત્તિ મળી જાય તો આપણે કહીએ છીએ “સારું છે.તે બહાને સચવાઈ તો રહ્યા છે..”આ શીર્ષક હેઠળ લખજો.તમારી લેખન શૈલી જોઈ લાગે છે કે તમે તેને સરસ ન્યાય આપી શકશો……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.