નેધરલૅન્ડના હેંગલો ગામનો પ્રવાસ – ચંદ્રિકા લોડાયા

[પ્રવાસ લેખ : નવનીત સમર્પણમાંથી સાભાર.]

ચોખ્ખાચણાક રસ્તા, ઊંચા ઘટાદાર વૃક્ષો, રસ્તાની બંને બાજુ છવાયેલી હરિયાળી, એ હરિયાળીની વચ્ચે રૂપકડાં ઘરો.

પંદર-વીસ ડગલાંના અંતરે નાનકડું તળાવ, તળાવમાં તરતાં લીલી ડોકવાળાં બતક અને દૂધ જેવાં શ્વેત હંસ-યુગલો ! જાણે કોઈ ચિત્રકારે દોરેલું સુંદર ચિત્ર જોઈ લો ! આ ચિત્ર છે નેધરલૅન્ડના હૅંગલો ગામનું ! પહેલી નજરે જ પ્રેમમાં પડી જવાય એવું યુરોપનું આ ગામ છે. મોટર રસ્તે રાજધાની ઍમ્સ્ટરડમથી દોઢેક કલાકના અંતરે. નેધરલૅન્ડ જેને આપણે મોટા ભાગે એના જૂના નામ હૉલેન્ડથી ઓળખીએ છીએ, એના હૅંગલો ગામમાં કટકે કટકે નવેક મહિના રહેવાનું થયું ત્યારે ડચ સંસ્કૃતિનો ખૂબ નજદીકથી પરિચય થયો. હૅંગલો હોલેન્ડની પૂર્વમાં આવેલું છે. જર્મનીની સરહદે પહોંચવું હોય તો અહીંથી કારમાં ફકત વીસ મિનિટ લાગે છે. હોલેન્ડ કરતાં જર્મનીમાં પેટ્રોલ સસ્તું છે તેથી સરહદની નજદીક રહેતા હોલેન્ડવાસીઓ કારમાં પેટ્રોલ જર્મનીમાં ભરાવે છે.

એંસી હજારની વસ્તીવાળા આ ગામમાં આધુનિક બહુમાળી મકાનોએ પ્રવેશ નથી કર્યો. મોટા ભાગનાં રહેણાક એકસરખી શૈલીમાં બંધાયેલાં છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં બંધાયેલાં મકાનો હજી અડીખમ છે. છતાં સરકાર જૂનાં મકાનો ધ્વસ્ત કરી એની જગ્યાએ નવાં મકાનો બાંધે છે. ડચ શૈલી પ્રમાણે ઘરનું મુખ્ય બારણું ખોલતાં એક સાંકડો પેસેજ આવે. પેસેજમાં એક બાજુ દાદર ઉપર જતો હોય. બીજી બાજુ દીવાનખંડનો દરવાજો પડતો હોય અને ત્રીજી બાજુ રસોડાનું પ્રવેશદ્વાર દેખાય. પેસેજમાં એક શૌચાલય પણ હોય. સૂવાના ઓરડા ઉપર હોય છે. બાંધકામમાં આપણને મોકળાશનો અભાવ લાગે. સૂર્યપ્રકાશ સુલભ નથી તેથી કાચનો વપરાશ વધારે થાય છે.

લોકો સુશોભનના ખૂબ શોખીન છે. દરેક ઘરમાં બેઠકના ઓરડામાં પોણી કે આખી દીવાલ આવરી લે એટલી મોટી બારી હોય. બારીના કઠોડા પર સજાવટ માટે પ્રાણી કે માનવ આકૃતિઓ, ફૂલોનાં કૂંડા વગેરે સુશોભનો મૂક્યાં હોય. એક જ કૃતિના નાના-મોટા માપના ત્રણથી ચાર નમૂના ચડતા કે ઊતરતા ક્રમમાં મૂકવાનો રિવાજ ખૂબ પ્રચલિત છે. લગભગ દરેક ઘરની આગળ નાનકડો બગીચો જોવા મળશે જ. લોકો શનિ-રવિના દિવસે બગીચામાં કામ કરતા દેખાય. કેટલાક બગીચા તો પોતાની મહેનતથી આપણા ધંધાદારી માળીઓ બનાવે તે કરતાં પણ સુંદર રચાયેલા ને જળવાયેલા હોય છે. ઘણા લોકો બાગમાં હજુ નિખાર લાવવા સુશોભનો ગોઠવે છે. આપણે ત્યાં જાહેર રસ્તા પર દીવાલ વિનાના આવા બગીચાની કલ્પના કરવી મુશ્કેલ છે.

નાનું શહેર એટલે વાહનવ્યવહાર પણ મર્યાદિત. ભારતના કોઈ પણ શહેરમાંથી ત્યાં ગયેલી વ્યક્તિ માટે તો ત્યાં રસ્તા પર ચાલવાની બાદશાહી ! આપણને રસ્તાની સાવ કિનારે – ક્યારેક તો કાદવ-કીચડમાં ધકેલીને આગળ ધસતા વાહનચાલકોથી આપણે એટલા ટેવાયેલા છીએ કે મને રસ્તો ઓળંગવા દેવા એક મોટરચાલકે પોતાની મોટર ઊભી રાખી દીધી એ હકીકત સમજતાં મને પહેલી વાર જરા વાર લાગી હતી. સાઈકલ-સવારોને પણ એવી જ મોજ છે. મોટરચાલકોએ થોભીને એમને પહેલાં પસાર થવા દેવા પડે છે. રસ્તાની બંને બાજુઓ પર લાલ પટ્ટા ખાસ સાઈકલ-સવારો માટે અનામત રાખવામાં આવે છે.

તમે પૈસાદાર અથવા વગદાર ન હો છતાં માનવ તરીકે તમારી કંઈ કિંમત છે એનો અહેસાસ તમને હૅંગલોમાં અચૂક થાય છે. ત્યાં દુકાનોમાં વેચાણ સંભાળનાર વ્યક્તિ પ્રથમ તમારું અભિવાદન કરશે. સુપર માર્કેટની અતિ વ્યસ્ત સેલ્સગર્લ સુદ્ધાં અભિવાદનનાં ઉચ્ચારણો વિના તમારા હાથમાં બિલ નહીં પકડાવી દે. દુકાન, થિયેટર વગેરેમાં કોઈ તમારાથી આગળ થવાની કોશિશ નહીં કરે. એક ગ્રાહકનો વારો પતી જાય ત્યાં સુધી બીજો શાંતિથી ઊભો રહેશે. આપણી ગૃહિણીઓને ઈર્ષા આવે એવી જિંદગી અહીંની સ્ત્રીઓ જીવે છે. સ્ત્રીઓ રસોડામાં રાંધવામાં દિવસમાં માત્ર અર્ધોથી પોણો કલાક વિતાવે છે. ડચ પ્રજા દિવસમાં એક જ વાર ગરમ જમે છે, જેમાં બટાટા અને માંસ મુખ્ય હોય છે. દિવસનું બીજું ખાણું ઠંડુ ભોજન એટલે કે પાઉં, ચીઝ, દૂધ વગેરે ખાય છે. લોકો સાંજે સાડા-છ-સાતે વાળુ કરી લે છે. રાંધવાની કડાકૂટ ઓછી છે તો બીજી બાજુ અહીં કોઈ પણ પ્રકારના શ્રમિકો મળતા નથી તેથી કપડાંની ઈસ્ત્રીથી માંડીને બધું જ કામ જાતે કરવાનું હોય છે. તે છતાં ત્યાંની જીવનશૈલી અને અદ્યતન સાધનોને કારણે સ્ત્રીઓને નોકરી-ધંધો ને મનગમતી પ્રવૃત્તિ કરવા પૂરતો સમય મળી રહે છે. સામાજિક પ્રસંગોની ઉજવણી બિલકુલ ભારરૂપ ન લાગે તે રીતે થાય છે. જન્મદિવસ ઊજવવા મિત્રો અને રિશ્તેદારો સાંજે પોતપોતાના ઘરેથી ભોજન કરીને આવે છે. પછી સૌ સાથે મળીને બિયર કે અન્ય પીણાં પીએ છે. સાથે કેક કે સૂકો નાસ્તો આપવામાં આવે છે. લગ્ન પણ ખૂબ સાદાઈથી, પોતાની સગવડ પ્રમાણે કરવામાં આવે છે. મારા એક ઓળખીતા યુગલે ફકત ચૌદ જણની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન વિના સાથે રહેવું ત્યાં અતિ સામાન્ય છે. યુવક-યુવતીઓ થોડાં વર્ષ સાથે વિતાવ્યા પછી લગ્ન કરવાનું પસંદ કરે છે. ઘણી વાર એમનાં લગ્નમાં એમના બાળકની હાજરી પણ હોય છે !!

પચાસ-સાઠ વર્ષ પહેલાં આપણે ત્યાં કેટરિંગ વગેરેની આજના જેવી સગવડો નહોતી. કોઈ પણ પ્રસંગે નજીકના લોકો મદદ કરતા. પાપડ વણવામાં કે અથાણાં નાખવામાં સુદ્ધાં સ્ત્રીઓ એકબીજાને હાથ દેવડાવતી. હૅંગલોમાં કંઈક અંશે આ જાતનો વ્યવહાર સચવાયેલો છે. કોઈકે નવું ઘર લીધું હોય તો મિત્રો ઘરને રંગવામાં ને સજાવવામાં એની મદદે આવે છે. તેમ છતાં કોઈ એકબીજાની જિંદગીમાં માથું મારતું નથી. આપણને પાશ્ચાત્ય સંસ્કૃતિ વિશે જે ભડકામણા ખ્યાલો છે તે બધા ખરા નથી. લોકો કુટુંબ-પ્રિય છે. બાળકો યુવાન થતાં મા-બાપ સાથે રહેતાં નથી પણ સૌ એકમેકના સંપર્કમાં રહે છે.

વૃદ્ધો તંદુરસ્તી સારી હોય ત્યાં સુધી બહુ આરામથી જીવે છે. માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોવાને લીધે તેમને જિંદગી જીવવામાં સરળતા રહે છે. વૃદ્ધોને મેં સ્કૂટર જેવું ખાસ પ્રકારનું ત્રણ પૈડાંવાળું વાહન ચલાવતાં જોયા. એ વાહન સ્ટોરની અંદર સીધું લઈ જઈ શકાય. એમને વાહન પરથી ઊતરવાની કે પાર્ક કરવાની કશી કડાકૂટ નહીં. કામનાં વર્ષો દરમિયાન જેટલો ટેક્સ ભર્યો હોય તે પ્રમાણે માસિક પેન્શન મળે છે. ઘણા લોકો નિવૃત થયા પછી દેશ-વિદેશના પ્રવાસ ખેડે છે, કેમ કે કુટુંબની જવાબદારી ઓછી થઈ ગઈ હોય છે પણ માસિક આવકમાં મોટો તફાવત પડ્યો હોતો નથી. વૃદ્ધો અશક્ત થાય ત્યારે વૃદ્ધાશ્રમમાં રહે છે. હૅંગલોમાં સાઠીમાં આવેલા લોકોને વૃદ્ધાશ્રમમાં પોતાની સેવા આપતા જોયા. સિત્તેર-પંચોતેર વર્ષ સુધીના લોકો ખૂબ સારી તંદુરસ્તી ધરાવે છે. વયસ્ક લોકોની સગવડ માટે હૅંગલો ફરતું પુસ્તકાલય પણ છે.

કોઈના ઘરની બહાર પુસ્તકો સાથેનું દફતર લટકતું દેખાય તો ખબર પડે છે કે આ ઘરમાં કોઈ બાળકનું સ્કૂલનું ભણતર પૂરું થયું છે. અમારા પાડોશીના ઘરની બહાર બગલો ચાંચમાં નાનું બાળક લઈને ઊડે છે એવું કટ-આઉટ મુકાયું કે અમે સમજી ગયા કે પાડોશણે શિશુને જન્મ આપ્યો છે. એમ ને એમ તો મળવા જવાય નહીં એટલે અમની સાથે મળવાનો દિવસ અને સમય નક્કી કર્યાં. મળવાનો દિવસ આવ્યો ત્યારે સમય પહેલાં પાડોશણે બેલ મારીને કહ્યું : ‘તમે આજે ન આવતાં, આજે હું બહુ થાકી ગઈ છું.’

ગામની મધ્યમાં એક ચોક છે જે આ ગામની પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. ચોકને સેંત્રુમ કહે છે. પુસ્તકાલય, ચર્ચ, પોસ્ટ-ઑફિસ, કાઉન્સિલ હૉલ, રેસ્ટોરાં, રૂપકડાં કેફે અને અદ્યતન દુકાનો બધું જ અહીં સમાઈ જાય છે. વાર-તહેવારે આ ચોક રૂપ બદલે છે. દર બુધ અને શનિવારે અહીં ગુજરી ભરાય છે, જેમાં તાજાં ફળો, શાકભાજીથી માંડીને કપડાં, રમકડાં, ઘરવખરીનો સામાન એમ વિવિધ વસ્તુઓ મળી રહે છે. તો આ જ ચોક વર્ષમાં એક વખત રંગીન વાઘા પહેરીને બાળકો માટેનો એમ્યુઝમેન્ટ પાર્ક બને છે. હોલેન્ડની રાણીનો જન્મદિવસ પણ લોકો ઉત્સાહથી ઊજવે છે.

બધું જ સુષ્ઠું સુષ્ઠું લાગે છતાં પોતાના દેશ જેવું કાંઈ નહીં ! આપણી પેંપેંપીંપીં કરતી રિક્ષાઓ સામે ગમે તેટલી ફરિયાદ હોય છતાં હૅંગલોમાં બસની રાહ જોતાં રિક્ષા અચૂક યાદ આવી જતી. ખૂણેખાંચરે ગમે ત્યાં હાથ લંબાવીને રિક્ષા થોભાવો અને માત્ર દસ-બાર રૂપિયામાં મુસાફરી કરી શકો એ ‘વૈભવ’ આપણને ભારતમાં જ મળે છે ! વળી શિયાળામાં સાંજે સાડાચાર વાગે અંધારું થઈ જાય. રોજ સૂર્યનાં દર્શન તો દુર્લભ ! ને ઘરની બહાર કાતિલ ઠંડીનો સામનો કરવાનો ! આપણને કુદરતની આપણા દેશ પર શું મહેરબાની છે એ ત્યારે સમજાય. ઉનાળાના દોઢેક મહિના સિવાય સાંજે છ-સાડા છ વાગતાં રસ્તાઓ પર સૂનકાર છવાઈ જાય. આવી નિર્જનતા લોકોનાં ટોળાં જોવા ટેવાયેલી આપણી આંખોને સ્મશાનવત્ લાગે.

મને ત્યાંના લોકોએ કોઈ સમાન પ્રશ્ન પૂછ્યો હોય તો તે હતો, ‘ઈન્ડિયામાં ગાયો રસ્તા પર ફરતી હોય ?’ તો કોઈકને કુતૂહલ હતું કે ‘ગાય એટલી પવિત્ર છે કે રસ્તા પર ગાડી રોકીને તમારે એને પસાર થવા દેવી પડે ?’ ગાયોનું આમતેમ ફરવું આપણા માટે એટલું સ્વાભાવિક છે કે આ ઘટના બીજાઓ માટે આટલી અસમાન્ય હશે એનો આપણને વિચાર જ ન આવે. બીજો એક અનુભવ એ થયો કે કોઈના ઘરે જાઓ તો ‘શું પીશો ?’ એમ પૂછવામાં આવે ને આપણી મરજી મુજબ ચા, કોફી કે જ્યુસ મળે. જમવાના સમયે પહોંચ્યા હો તો જરૂરી નથી કે તમને સાથે જમવાનું કહે. હું એક વખત બપોરે કોઈના ઘરે મળવા ગઈ હતી. મારા યજમાને જમવાનું શરૂ કરતાં મને પૂછ્યું : ‘બ્રેડ ખાઈશ ?’ એક ભારતીય અને ગુજરાતી વ્યક્તિથી કોઈ ‘ખાઈશ ?’ પૂછે તો હા કેમ પડાય ? ભૂખ લાગી હતી છતાં મેં ના પાડી. પેલા લોકો તો જમવા લાગ્યા. પછી અમારો બહાર ફરવા જવાનો કાર્યક્રમ ઘડાયો અને હું છેક મોડી સાંજ સુધી ભૂખી રહી ! આ અનુભવ પછી ભૂખ કે તરસ લાગી હોય અને કોઈ ખાવા-પીવાનું પૂછે તો તરત હા પાડી દેતી.

હૅંગલો પર્યટકોનું ધામ નથી. આવી જગ્યાઓ પ્રવાસની યાદીમાં આવતી નથી. તેથી આપણાથી જોજનો દૂર આવેલા એ ગામના વતનીઓ સાથે રહીને એમનું રોજિંદુ જીવન નિકટતાથી નિહાળવાનો લહાવો મારા માટે અનેરો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખોવું અને શોધવું – રીના મહેતા
ગુમરાહ – ગિરીશ ગણાત્રા Next »   

14 પ્રતિભાવો : નેધરલૅન્ડના હેંગલો ગામનો પ્રવાસ – ચંદ્રિકા લોડાયા

 1. Vivek says:

  Good description. Most of the things written in this article is true for any town of Europe or North America.

 2. Bhavesh Patel says:

  Nice coverage. We see same thing on daily life at Toronto, Canada.

 3. manvant says:

  આવા પ્રવાસલેખો માટે અલગ વિભાગનું સર્જન કરવા
  તંત્રીશ્રીને વિનંતી કરું છું.આ લેખ ખૂબ ગમ્યો .લેખકને
  પણ ધન્યવાદ ! આભાર !

 4. pina patel says:

  this article is real touching to our heart.

 5. rajeshwari says:

  સરસ લેખ લખ્યો છે.આ સ્થળે ન ગયા હોઈએ તો પણ ત્યાંનો પરિચય થઈ જાય છે.આવા લેખો સાથે જો ત્યાના થોડા ફોટોગ્રફ્સ પણ આપ્યા હોય તો વધુ મઝા આવે.અભિનંદન ચંદ્રિકાબેન્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.