ગુમરાહ – ગિરીશ ગણાત્રા

[વાર્તા]
‘મે આઈ હેવ યોર ટિકિટ, પ્લીઝ ?’ ટિકિટ ચેકરે ફર્સ્ટ-કલાસના કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને પૂછ્યું. એક પછી એક મુસાફરે પોતાની ટિકિટો બતાવવાની શરૂ કરી. ટિકિટના નંબરો, તારીખ અને મુસાફરીનો મુકામ જોઈ, ટિકિટો પર પેન્સિલથી લીટી મારી, ટિકિટ ચેકરે પાછી આપી, પરંતુ કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા છઠ્ઠા મુસાફરે ટિકિટ ચેકર પાસે ટિકિટ પાછી લેતાં પૂછ્યું :
‘સાહેબ, આપનું નામ ઈશ્વરલાલ બારોટ તો નહિ ને ?’
‘હા જી. હું જ ઈશ્વરલાલ બારોટ’ કહી એણે પોતાના બ્લુ-કોટ પરની બ્રાસની પટ્ટી પર કોતરાયેલા નામ ‘આઈ.સી. બારોટ’ તરફ આંગળી ચીંધીને કહ્યું, રેલ્વેએ અમારી ઓળખ માટે હવે અમને નામનો આ બેજ આપ્યો છે, બોલો, કંઈ કામ હતું ?’
‘ના જી.’
‘તો પછી મારા પૂરા નામની તમને કઈ રીતે ખબર પડી ?’
‘અણસાર પરથી. ચહેરા પરનો અણસાર પકડી આપને મેં નામ પૂછ્યું.’
‘મને ઓળખો છો ?’
‘ઓળખું છું ?’ મુસાફરે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું ‘અડધી રાતે વડોદરા સ્ટેશન પર ઉતારી ગાલ પર તમાચાની જે રમઝટ બોલાવી હતી, એ હજુય યાદ છે !’

કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા ચારેય મુસાફરોના કાન હવે સરવા થયા.
‘માફ કરજો સાહેબ, મને આવું કશુંય યાદ નથી.’ ટી.સી એ કહ્યું, ‘જો કે હવે ઉંમર થઈ. સત્તાવનમું વર્ષ ચાલે છે. યાદદાસ્ત જરા નબળી પડી ગઈ છે…. તમારી ભૂલ તો નથી થતી ને ?’
મુસાફરે હસીને ઊભા થઈ, માનપૂર્વક ઈશ્વરલાલ બારોટના બંને હાથ પકડી પોતાની પાસે બેસાડતાં કહ્યું, ‘સાહેબ, આપની કોઈ ભૂલ થતી નથી. ભૂલ તો એ વખતે મારી થઈ હતી. અત્યારે હું આડત્રીસ વર્ષનો છું. વીસ-બાવીસ વર્ષ પહેલાંની ઘટના અત્યારે યાદ ન આવે એ સ્વાભાવિક છે, પણ પેલા તમાચાનો માર કાનમાં જે તમરાં બોલાવી ગયો તે હું ભૂલ્યો નથી. ક્યારેક કાનમાં બહેરાશ જેવું લાગે ત્યારે તમારા તમાચાઓને હું આજેય યાદ કરું છું……’

રાજકોટથી આવતો કીર્તિ-મેઈલ સાંજે સાત વાગે વાંકાનેર સ્ટેશન પર આવ્યો ત્યારે સેકન્ડ કલાસના સ્લીપર કોચમાં બે ટિકિટ ચેકરો ચડ્યા. એક હતા સીનિયર ચેકર મંગતાણી અને બીજા એના મદદનીશ ઈશ્વરલાલ બારોટ. બંને સાદા વેશમાં હતા, પરંતુ જેવી ટ્રેન શરૂ થઈ કે બન્નેએ ડબ્બાના જુદા જુદા છેડેથી મુસાફરોની ટિકિટો તપાસવી શરૂ કરી. બેઉના હાથમાં રિઝર્વેશનનાં ફોર્મ તથા ટિકિટ-ચેકર તરીકેની ઓળખરૂપે રેલવેએ આપેલો બેજ હતો. ટિકિટ રિઝર્વ કરાવતી વેળા ભરાયેલા ફોર્મમાં નામ, ઠામ, ઉંમર અને એમાં અપાયેલી ટિકિટનો નંબર જોઈ ખોટા નામે મુસાફરી કરતા મુસાફરોને પકડવામાં આવતા હતા.

રિઝર્વેશન ફોર્મ સાથે મુસાફરોની ટિકિટની તપાસણી કરતાં કરતાં ટિકિટ ચેકર આઈ.સી. બારોટ આગળ વધ્યાં. એક કંમ્પાર્ટમેન્ટમાં ઉપરની બર્થ પર લંબાવીને સૂતેલા એક સોળ-સત્તર વર્ષના કિશોરને ઢંઢોળીને કહ્યું :
‘ટિકિટ, પ્લીઝ’
કિશોરે ટિકિટ આપી.
ટિકિટ પરનો નંબર જોઈ ટી.સીને નંબરનું રિઝર્વેશન ફોર્મ કાઢ્યું અને પછી પૂછ્યું :
‘શું નામ છે ?’
‘અ…અ..અ..કમલ’
‘બાપનું નામ ?’
‘બાબુભાઈ.’
‘અટક ?’
‘ત્રિવેદી.’
‘ઉંમર વર્ષ ?’
‘સત્તર.’
‘પરંતુ તમારા રિઝર્વેશન ફોર્મમાં તો નીરુબહેન ધીરુભાઈ પરીખનું નામ છે.’
‘મને ખબર નથી.’
‘ટિકિટ ક્યાંથી લીધેલી ? કોની પાસેથી લીધેલી ?’
‘અમારા એક ઓળખીતા ટ્રાવેલ-એજન્ટ પાસેથી.’
‘રેલવેમાન્ય ટ્રાવેલ એજન્ટ પાસેની આ ટિકિટ નથી. કોઈ બીજા મુસાફરને નામે મુસાફરી કરવી એ રેલવેનો ગુનો બને છે. નીચે ઊતરો.’

કિશોર નીચે ઉતર્યો.
‘ઉપર પડેલી તમારી બેગ કે જે કાંઈ સામાન હોય તે પણ નીચે ઉતારો.’
કિશોર પાસે માત્ર એક જ સૂટ-કેસ હતી. એ લઈને એ નીચે ઊતર્યો. એ દરમિયાન બીજા ટિકિટ ચેકર મંગતાણી પણ આવી પહોંચ્યા. કિશોરને લઈને એ ડબ્બાના છેડેના ભાગમાં એટેન્ડન્ટની સીટ પાસે આવ્યા, અને કહ્યું :
‘ક્યાં જવાનું છે ?’
‘મુંબઈ.’
‘તમારી આ રાજકોટથી મુંબઈ સુધીની ટિકિટ હવે રદ ગણાશે. રિઝર્વેશન ચાર્જીસ, દંડ વગેરે ભરી નવી ટિકિટ કઢાવી તમે મુસાફરી કરી શકો છો નહિતર વિરમગામ કે અમદાવાદ સ્ટેશને તમને પોલીસના હવાલે કરવામાં આવશે. બોલો, શું કરવું છે ?’

કિશોર ગભરાયો. રેલવેના તમામ નિયમોથી અજાણ અને જિંદગીમાં પહેલી જ વખત આવો બનાવ બનતો હોવાથી એ ગભરાઈ ગયો. ટિકિટ ચેકર બારોટે કહ્યું :
‘પૈસા હોય તો દંડ ભરી નવી ટિકિટ અને એનું રિઝર્વેશન કરાવી લો.’
‘હા, હા, એમ જ કરો ને’ કહી કિશોરે પાકીટ કાઢ્યું. પાકીટમાં સો-સો રૂપિયાની નોટોની થોકડી જોઈ મંગતાણીની દાઢ સળકી. એ બોલ્યા :
‘ગાડી જ્યાંથી શરૂ થઈ ત્યાંથી એટલે કે વેરાવળથી મુંબઈ સુધીની ટિકિટ કઢાવવી પડશે.’
‘પણ સાહેબ, હું તો રાજકોટથી બેઠો છું.’
‘તમે ક્યાંથી બેઠા છો એની એમને ખબર નથી. ગમે ત્યાંથી બેઠા હો પણ ઓરિજિનેટિંગ સ્ટેશનથી ટિકિટ કઢાવવી પડે એવો રેલવેનો નિયમ છે…. હા, પણ એ નિયમમાં છૂટછાટ મૂકવી કે તમને મુસાફરી કરવા દેવી કે નહિ એ બધું અમારા પર છે.’ મંગતાણી લુચ્ચું હસ્યા. કિશોર મૂંઝાયો. એને મૂંઝવણમાં પડેલો જોઈ મંગતાણીએ ચાલ બદલી, ‘બારોટ, તમે એની ટિકિટ બનાવશો નહિ. અમદાવાદ સ્ટેશને આપણે એને પોલીસને હવાલે કરી દઈશું.’ કહી એ બીજા કમ્પાર્ટમેન્ટમાં ચેકિંગ કરવા ચાલ્યા ગયા.

એ ગયા એટલે કિશોરે બારોટને પગે લાગતાં કહ્યું, ‘સાહેબ, આટલો ગુનો માફ કરો. હવેથી આવી ભૂલ નહિ કરું. મને મુંબઈ જવા દો.’
બારોટે કિશોર સામે જોયું. એની કીમતી સૂટ-કેસ પર નજર ફેરવી અને પછી પૂછ્યું : ‘મુંબઈ શું કામે જાઓ છો ? કોને ત્યાં જાઓ છો ? મુંબઈનું એડ્રેસ શું ?’
કિશોર ગેંગેફેંફે થઈ ગયો. એ હટ્ટોકટ્ટો પહોળો, ફેશનેબલ કપડાં પહેરેલો, રૂપાળો, મૂછનો દોરો ફૂટતો કિશોર મુસાફરીમાં આવેલા આ અણધાર્યા વળાંકથી ગભરાઈ ગયો. ટિકિટ ચેકરના ઉપરા છાપરી પૂછાયેલા એકેય સવાલનો એ જવાબ આપી શક્યો નહિ. એને ગભરાયેલો જોઈ ટિકિટ ચેકર બારોટે હુકમ કર્યો :
‘બેગ ખોલો.’
કિશોરે પાકીટમાંથી ચાવી કાઢી બેગ ખોલી. ટી.સીએ બેગ તપાસી. બેગમાં રંગબેરંગી અદ્યતન ફેશનના કપડાં, ડાયરી, કેમેરા, ગોગલ્સ, સેંટની બોટલ અને એક નાનકડો પ્લાસ્ટિકનો ડબ્બો પણ જોવામાં આવ્યો. ‘આમાં શું છે ?’
‘કશું જ નહિ. દાઢીનો સામાન છે.’
ટી.સીએ કિશોરના ચહેરા સામે જોયું અને પછી ડાબા હાથ વડે જોરથી એક તમાચો કિશોરના ગાલ પર ઠોકી દીધો અને બોલ્યા : ‘ડબ્બો ખોલ.’ એ નાનકડા ડબ્બામાં સોનાની બંગડીઓ, માળા, હીરાના બૂટિયાં, બાજુબંધ વીંટી, ચેઈન વગેરે દાગીના જોઈ પૂછ્યું.
‘આ ક્યાંથી લાવ્યો ?’
કિશોરે કશો જવાબ ન આપ્યો.

બારોટે બેગમાં રહેલી એક ડાયરી ઊંચકી અને એનાં પાનાં ફેરવવા માંડ્યા. પાને પાને ચિતરાયેલા સિને અભિનેતા, પ્રોડ્યુસરો, એકટિંગ અને ડાન્સિંગ શાળાઓના નામ, સરનામાં અને ટેલિફોન નંબરો જોઈને બધું સમજી ગયા. ડાયરીનાં પાનાંઓની વચ્ચે છાપામાંથી કાળજીપૂર્વક કાઢેલા મુંબઈના સ્ટુડિયોના નામો જોઈ એની શંકા વધુ મજબૂત બની. એમણે કિશોરને કહ્યું : ‘બેગ બંધ કરી અહીં આ એટેન્ડન્ટની સીટ પર બેસ.’ ટિકિટ ચેકર બારોટ ફરી એના કામે લાગી ગયા.

વિરમગામ સ્ટેશન આવ્યું.
મંગતાણીએ પણ પોતાનું કામ પૂરું કરી બારોટ પાસે આવી કહ્યું : ‘છોકરાને હવે બીજા ડબ્બામાં લઈ લો.’
છોકરાને લઈને રિઝર્વેશનના બીજા ડબ્બામાં આવ્યા. મંગતાણીએ ધીરેથી બારોટને પૂછ્યું : ‘પેલા છોકરાનું શું કરવાનું છે ?’
બારોટ કશું બોલ્યા નહિ.
‘માલ પડાવવા જેવો છે. એનું પાકીટ સો-સોની થોકડીઓથી જ છલકાય છે. એક-એક નોટ પાક્કી કરી લઈએ.’
‘મંગતાણી સાહેબ,’ બારોટે કહ્યું, ‘આજે આપણે એને લૂંટશું તો કાલે એ આપણને લૂંટશે. બધું વ્યાજ સાથે આપણે એને પાછું આપવું પડશે.’
‘આપણે ?’
‘આપણે એટલે કે આપણા સમાજે. મોટો થઈને એ સમાજને લૂંટશે.’
‘જેને લૂંટવા હોય એને લૂંટે. આપણું શું ? સમાજ બોડી બામણીના ખેતર જેવો છે. જેને જે કરવું હોય એ કરે. આપણે આપણી ભાખરી શેકી લઈએ.’
‘સાહેબ, આ કેસ મને સોંપી દો તો ?’
‘એમ ! એકલાએકલા ખાવાની ઈચ્છા થઈ કે શું ? ખબર છે ને કે ધંધામાં સરખા હિસ્સે ભાગ પાડવાનો હોય.’
‘તમારી સાથે હું પહેલી વખત કામ કરું છું.’ બારોટે કહ્યું, ‘એટલે તમને મારો અનુભવ નથી અને મને તમારો અનુભવ નથી. તમારે જે કરવું હોય તે કરો. હું તમારી પાસે કશો ભાગ નહિ માંગુ, પણ આ કેસ તમે મને સોંપી દો.’
‘અચ્છા ! તો એમ વાત છે ? ચાલો, આ કેસ તમારો. હું વચ્ચે નહિ આવું. પણ પાંચેય ડબ્બામાંથી તમને કશો ભાગ નહિ આપું.’
‘કબૂલ.’

અમદાવાદ સ્ટેશન આવ્યું.
છોકરો હવે ગભરાયો. ટિકિટ ચેકર એને પોલીસના હવાલે કરશે તો ? એ ગભરાતો, બીતો, ફફડતો, એટેન્ડન્ટની સીટ પર બેઠો રહ્યો. બારોટે ડબ્બો બદલાવ્યો. છોકરાને પોતાની સાથે લેતા ગયા. અમદાવાદ સ્ટેશને એમણે એને ચા પણ પીવડાવી. અમદાવાદ છોડ્યા પછી બંને ટિકિટ ચેકરો પોતાના કામે લાગી ગયા અને નડિયાદ આવતાં સુધીમાં તો બંનેએ પોતાનું કામ પૂરું પણ કરી નાખ્યું. આ બધો વખત બારોટની નજર પેલા કિશોર પર ફરતી રહી. વડોદરા સ્ટેશન આવતા બારોટે પેલા કિશોરને હુકમ કર્યો : ‘ચાલ, તારી બેગ લઈ લે. અહીં ઊતરવાનું છે.’
‘પણ સાહેબ, મને પોલીસના હવાલે ન કરતા. હું ચાર્જ ભરવા તૈયાર છું.’
બારોટ કશું બોલ્યા નહિ. એ એને વડોદરા સ્ટેશનની ટી.સીની ઑફિસમાં લઈ ગયા. કીર્તિ-ઍક્સપ્રેસ ઊપડ્યો ત્યાં સુધી એ કશું બોલ્યા નહિ, પણ જેવું ટ્રેન પ્લેટફોર્મ છોડ્યું કે એમણે કિશોરની પૂછપરછ શરૂ કરી.
‘શું નામ કહ્યું તેં તારું ?’
‘અશોક.’
બારોટે જોરથી એક તમાચો એના ગાલ પર ધરી દીધો. ‘ઘડીક પહેલા તેં તારું નામ કમલ બાલુભાઈ ત્રિવેદી કહ્યું હતું અને હવે અશોક બની ગયો ?’ અને પછી બીજો તમાચો ઠોકી દેતા કહ્યું : ‘બધું સાચેસાચું કહી દે. નહિતર પોલીસમાં સોંપી દઈશ તો એ તને મારી મારીને ધોઈ નાખશે.’
‘સાચું કહું છું સાહેબ મારું નામ અશોક છે. વાંકાનેર સ્ટેશને મેં તમને મારું ખોટું નામ કહ્યું હતું પણ મારું સાચું નામ અશોક હસમુખલાલ પંચાલ છે. ખોટું બોલતો હોઉં તો ડાયરીના પહેલે પાને મેં મારું નામ અને સરનામું લખ્યું છે એ જોઈ લો.
‘સારું. શું ભણે છે ?’
‘મેટ્રિકની પરીક્ષા આપી.’
‘ક્યાં રહે છે ?’
‘રાજકોટ.’
‘બાપ શું કરે છે ?’
‘ધંધો.’
‘શેનો ?’
‘ઓઈલ એન્જિનના પાર્ટ્સ બનાવવાની ફેકટરી છે.’
‘સારી ચાલતી હશે, નહિ ?’
‘હા, ઓઈલ એન્જિન પણ બનાવીએ છીએ.’
‘મુંબઈ શું કામ જાય છે ?’
કિશોર મુંઝાયો. પણ એક બીજા તમાચાની પ્રસાદીએ સાચું કહી દીધું : ‘ફિલ્મ લાઈનમાં કામ કરવા માટે.’
‘હં…’ બારોટે કિશોરની સામે જોતાં કહ્યું, ‘તો ફિલ્મ એકટર બનવાનો વિચાર છે, એમ ને !’ પછી કાન આમળતાં કહ્યું, ‘ઘેરથી કહીને નીકળ્યો છે ?’
‘ના.’
‘બેગમાં રહેલા દાગીના કોના છે ?’
‘માના, બહેનનાં.’
‘ચોરીને લાવ્યો છે ?’
અશોકે જવાબ ન આપ્યો. ટિકિટચેકરે એના ઘરનું સરનામું અને ફોન નંબર લીધાં. એક નોકરને એના પર ધ્યાન રાખવાનું કહીને એ સ્ટેશન માસ્તરની ઑફિસમાં ગયા. રાજકોટ સ્ટેશને ઑફિસની ઘંટડી ખખડાવી અશોકના ઘેર ફોન કરવાનું કહ્યું. એકાદ કલાક પછી હસમુખરાય પંચાલનો ફોન આવ્યો અને બારોટ જોડે વાત કરી. એ વખતે સ્ટેશની ઘડિયાળમાં રાતના અઢી વાગ્યા હતા.

સ્ટેશન પરના એક ટી-સ્ટોલ પર બારોટ સાહેબ અને અશોકે ચા અને ખારી બિસ્કિટનો નાસ્તો કર્યો. બીજા દિવસે સવારે દસ વાગ્યે વડોદરા સ્ટેશનના રિટાયરિંગ રૂમમાં ઊંઘતા અશોકને જગાડી, એમણે એના પિતાને હવાલે કર્યો. પિતાના હાથમાં અશોકની સોંપણી કરતાં કહ્યું : ‘જા ભાઈ, ઘેર પાછો જા. તું દેવાનંદ, રાજેશખન્ના કે અમિતાભ બનવાને બદલે તાતા કે બિરલા બનશે તો એમાં તને અને આ દેશને ફાયદો છે….’
*********

‘….હં… હવે શું કરો છો ?’

‘બિઝનેસ. તમારી મહેરબાનીથી બબ્બે ફેકટરીઓ ચલાવું છું. આ મારું કાર્ડ. કોઈ પણ કામ કહેશો તો એ કરતાં મને જરૂર આનંદ થશે. એ રાત્રે તમે મને ઘેર પાછો ન વાળ્યો હોત તો… તો…’

‘જુઓ સાહેબ, મેં તમારા પર કોઈ ઉપકાર કર્યો નથી.’ બારોટસાહેબ બોલ્યા, ‘રેલવેની ફરજ બજાવતાં અમારે ઘણા ગુમરાહ મુસાફરોને સાચી ટ્રેન બતાવવી પડતી હોય છે. તે દિવસે તમે ખોટી ટ્રેનમાં બેસી ગયા હતાં. મેં મારી ફરજ બજાવી, તમને સાચી દિશા બતાવી. બસ, સાહેબ. આથી વિશેષ મેં કશું કર્યું નથી….! અને હા, તમને મેં મારેલા તમાચાનો માર એ રેલવેના ટિકિટચેકરે મુસાફરને મારેલો માર નહોતો, એક બાપે દીકરાને મારેલો માર હતો એમ સમજજો… ચાલો સાહેબ, તમારી માફી માગું છું, જો કંઈ ખોટું કર્યું હોય તો….’ કહી બારોટ સાહેબ બીજા કમ્પાર્ટમેન્ટમાં ગયા અને મુસાફરોને કહ્યું :
‘મે આઈ હેવ યોર ટિકિટ, પ્લીઝ ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નેધરલૅન્ડના હેંગલો ગામનો પ્રવાસ – ચંદ્રિકા લોડાયા
વાસંતી કોયલ – વર્ષા અડાલજા Next »   

17 પ્રતિભાવો : ગુમરાહ – ગિરીશ ગણાત્રા

 1. vijayshah says:

  vah su saras vat chhe!
  ‘રેલવેની ફરજ બજાવતાં અમારે ઘણા ગુમરાહ મુસાફરોને સાચી ટ્રેન બતાવવી પડતી હોય છે. તે દિવસે તમે ખોટી ટ્રેનમાં બેસી ગયા હતાં. મેં મારી ફરજ બજાવી, તમને સાચી દિશા બતાવી. બસ, સાહેબ. આથી વિશેષ મેં કશું કર્યું નથી….! અને હા, તમને મેં મારેલા તમાચાનો માર એ રેલવેના ટિકિટચેકરે મુસાફરને મારેલો માર નહોતો, એક બાપે દીકરાને મારેલો માર હતો એમ સમજજો… ચાલો સાહેબ, તમારી માફી માગું છું, જો કંઈ ખોટું કર્યું હોય તો….’

 2. manoj patel says:

  jya sudhi hu maanu chhu tya sudhi mane em laagi rahyu chhe ke e ticker checker no chhokaro pan aam gharethi bhagine j kyak jato rahyo hase, ne e antar ni vedanane girish ganatra saheb kadach batavva maagta hoy, pan aa maaru potaanu angat mantavya chhe, hu maanu chhu e kadach khotu pan hoi sake.

 3. Mohita says:

  Beautiful story. Sometimes even the least expected people can change your course of life. I guess in this case Ashoke was at the right place, right time and in right hands.

 4. Trupti Trivedi says:

  I liked this story.

 5. gopal h parekh says:

  saras majani vaarta

 6. Pravin Patel says:

  Lanch nahi leta aavaa ketalaa? Ashok nashibdaar ke Barot jevaa pramaanik tikitchekarno bheto thayo.Khubaj sundar. Hrudaysparshi. Dhanyawad.

 7. વાહ !
  ઘણી જ સરસ વાર્તા છે.
  પ્રામાણીક ટીકીટ ચેકર ની ભલમનસાઇથી તે કિશોરનુ ભાવી સુધર્યુ.
  અભિનંદન ગિરીશભાઇ.

 8. Gira says:

  wow… very inspirational story.. there are few of them like Mr. Barot in this world. thank you for the nice story…

 9. rajeshwari says:

  ગિરીશભાઈ સરસ વાર્તા લખી છે. અભિનંદન..જો સમાજમાં બધા જ લોકો આવા પામાણિક અને સદભાવના વાળા હોય તો??..

 10. Chetan Khatri says:

  Story title itself says everything “Gumrah”. So many young and teenagers are getting misguided with this Film Line. They just get attracted with the Glamor but do not know if trap in wrong hand then what will be their future ?
  Mr.Barot knows this very well and that’s why he stopped Ashok to go on this path. Really a very good work done by him.
  I do like articles of Girshbhai Gantara. Please keep writtting such good stories which shows path to new generations.

  Regards,

  Chetan Khatri

 11. NEETA KOTECHA says:

  Girish bhai
  Varta khub j saras hati. bas jarurat che k aa varta kamsekam ek T.C vanche . ane eva uvano vanche k j hiro thava nikdi padta hoy che. j mata pita read gujrati vanchta hoy amne potana bachchone aavi varta short ma kahevani. aapdne lage k emne aavi vato ma maja nahi aave pan sambhdelu kyarek kam lage j. Girish bhai varta khub saras hati.
  Neeta kotecha

 12. Naresh says:

  Girishbhai, Ghani J saras varta che, ketlak loke a rite ghar chodi ne life spoil kari che, an eye opener

 13. ઋષિકેશ says:

  સરસ વાત કહી. Every ticket checker should read this !! 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.