વાસંતી કોયલ – વર્ષા અડાલજા

[નાટક – રીડગુજરાતીને આ નાટક ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર.]

[ સુખી ઉચ્ચ મધ્યમવર્ગનું હોય તેવું ઘર.
સમય : વહેલી સાંજ.
લેચ કી થી બારણું ખોલી ચાવી ઉછાળતો સુનિલ પ્રવેશે. પાછળ જ છે વાસંતી. બન્ને ખુશમિજાજ બનેલા ઠનેલા છે. હાઇ હિલ્સ ઉતારતી, પર્સ સોફામાં ફેંકતી વાસંતી સોફામાં પડતું મૂકે. ]

વાસંતી : ઓહ ! બ્યૂટીફુલ ફિલ્મ.
સુનિલ : હં…..બહુ વખતે આપણે થિયેટરમાં ફિલ્મ જોઇ. વાસંતી !
વાસંતી : યોર આઇડિયા.
સુનિલ : ટી.વી. ડીવીડી પર ફિલ્મ જોવાનું મને કંઇ જામતું નથી. એની વે. આજે તારો બર્થ-ડે મારે સેલીબ્રેટ કરવો હતો.
વાસંતી : થેંક્સ સુનિલ. બહુ વખતે આમ બનીઠનીને નીકળી. ફર્સ્ટક્લાસ ફિલ્મ, ફર્સ્ટક્લાસ હોટલમાં નાસ્તો…
સુનિલ : અને ફર્સ્ટક્લાસ તું.
વાસંતી : ઓ સુનિલ ! યુ આર અ ડિયર. મનુ…..મનુ…..મનુ….
સુનિલ : મનું ક્યાં છે ઘરમાં વાસંતી ? ભગવાનની જેમ ક્યારે અંતર્ધ્યાન થઇ જાય, એનો શો ભરોસો ?
વાસંતી : એક વાર હું લેચ-કી ભૂલી ગઇ હતી ત્યારે દરવાજા પાસે બે કલાક આ ભગવાન માટે તપ કરેલું.
સુનિલ : પણ અત્યારે એ બાઘાનું શું કામ છે ?
વાસંતી : એટલી તરસ લાગી છે. ઊઠવું તો પડશે.
( સુનિલ સ્ફૂર્તિથી ઊભો થઇ, ઊઠવા જતી વાસંતીને બેસાડે )

સુનિલ : નો માય ડિયર.
( અંદર જઇ પાણીનો ગ્લાસ ટ્રેમાં લાવી અદાથી પેશ કરે )
સુનિલ : એટ યોર સર્વિસ મેમ.
વાસંતી : સુનિલ !
સુનિલ : રીમેમ્બર ! આજે તારો બર્થ ડે છે. યુ આર ક્વીન ઑફ હાર્ટસ.
વાસંતી : આઇ લવ યુ. આઇ લવ યુ. આઇ લવ યુ.
સુનિલ : મોસ્ટ વેલકમ.
( વાસંતી-સુનિલ એકમેકના આશ્લેષમાં )

સુનિલ : મારી વાસંતી કોયલ ! તું પણ મારો કેટલો ખ્યાલ રાખે છે ! હું આળસુનો પીર. પહેલીથી જ હં ! તું છે તો ઑફિસે સમયસર પહોંચું છું.
વાસંતી : રિયલી !
સુનિલ : આ તો શું શબ્દોમાં આવું બધું કહેવાની ટેવ નહીં ને !
વાસંતી : સારી ટેવ પાડતો રે સુનિલ.
સુનિલ : આઇ નો. એટલે જ તને આજે એ પણ કહી દેવા માંગું છું કે ગયે વર્ષે મારી બાનું તેં ઑપરેશન કરાવ્યું, એમની કેટલી ચાકરી કરી…..
વાસંતી :ડ્યૂટી માઇ ડિયર. અને તેં મારા બુદ્ધુ જેવા મામાના દીકરા તરુણને કેટલી માથાકૂટ કરી ઠેકાણે પાડી આપ્યો !
સુનિલ : રાઇટ હો. તારી ફરજ અને મારી ફરજ નહીં !
વાસંતી : ઓ માય ડિયર હસબન્ડ.
સુનિલ : વાસંતી ! મારો કલિંગ અનિરુદ્ધ ખરો ને !
વાસંતી : હં !
સુનિલ : એને દરરોજ એની વાઇફ ચૌલા સાથે કંઇ ને કંઇ ખટપટ થાય.
વાસંતી : ઓ ડોન્ટ ટેલ મી !
સુનિલ : આઇ એમ ટેલીંગ યુ. કાલે ગમ્મત થઇ.
વાસંતી : ખટમપટમાં ગમ્મત !
સુનિલ : સાંભળ તો ! લંચમાં અમે ટિફિન ખોલી જમવા બેઠા તો શું થયું ખબર છે ?
વાસંતી : યુ આર ટેલીંગ મી.
સુનિલ : એનું ટિફિન ખાલી. ખાલી એટલે કે ખા…લ્લી…
વાસંતી : વ્હોટ ! ગેસ ખલાસ થઇ ગયો હશે. તને યાદ છે સુનિલ…..
સુનિલ : ના રે અંદર સરસ ગોળ પથરો અને સાથે ચીઠી….‘આપણા અબોલા ચાલુ છે.’
વાસંતી : બિચ્ચારો ભૂખ્યો રહ્યો હશે.
સુનિલ : મારા ટિફિનમાંથી ખાધું ને રડી પડ્યો !
વાસંતી : અરે ! મારી રસોઇમાં મરચાં ?
સુનિલ : ના. અપમાનની આગ. મને કહે તું કેટલો સદભાગી ! તને વાસંતીભાભી જેવી પત્ની મળી.
વાસંતી : સાચ્ચું ?
સુનિલ : મારી વાસંતી કોયલના સમ. આઇ એમ લકી.
વાસંતી : હું ય લકી. નસીબદાર મારા ભરથાર.
સુનિલ : કૈસે ? હમ ભી તો સુને.
વાસંતી : તારા જેવો પતિ મળ્યો. દાદીમાએ પરાણે કરાવેલા મોળાકર ફળ્યાં. થેંક્સ ગોરમા. મારી ફ્રેન્ડ ભદ્રા ખરી ને !
સુનિલ : મહાકાળી ?
વાસંતી : એ તો હંમેશા એમ જ કહેતી, તારા વર પરથી રાઇ-મરચાં ઉતારી નાંખી દે.
સુનિલ : કેમ ? કેમ ?
વાસંતી : નજર લાગશે કાં ચોરાઇ જશે.
સુનિલ : ડાર્લિંગ, લગ્ન કર્યા એટલે એકમેક માટે જ જીવવાનું હોય ને !
વાસંતી : કરેક્ટ.
( આરામથી સોફામાં લંબાવે છે. )

વાસંતી : અત્યારે શું જમીશ ?
સુનિલ : આઇ એમ ફુલ. બેચાર સેન્ડવીચ હશે તો ચાલશે. નો તકલીફ.
વાસંતી : તકલીફ શેની ?
સુનિલ : તકલીફ તો ખરી. ઊભા થવું…..રસોડામાં જવું…..આ મનુનોય હજી પત્તો નથી. હું બિસ્કિટ ખાઇ લઇશ.
વાસંતી : ખરેખર ?
સુનિલ : તને શંકા છે ?
વાસંતી : ના. પણ બિ-સ્કિ-ટ ? આમ જુરો તો તારી વાત સાચી છે. મારે ય બિસ્કિટ ચાલશે.
સુનિલ : ડિયર, તું શું કામ ચલાવી લે ? તું એનિમિક લાગે છે. તું પૌષ્ટિક ખોરાક ખા.
વાસંતી : સજેશન સરસ છે પણ કંટાળો આવે છે, તારા પૌષ્ટિક વિટામિનયુક્ત વહાલથી મારું પેટ ભરાઇ ગયું અને શક્તિ પણ મળી ગઇ.
સુનિલ : ઓ મારી લાલની. હ્રદયની રાણી !
( ડોરબેલ. વાસંતી સામે જોઇ સુનિલ ઊઠે. બારણું ખોલે. મનુ આવે છે. )

સુનિલ : ક્યાં ગયો હતો મનુ ?
મનુ : તમે લોકો બહાર ગયા હતા એટલે હું…..પણ…..જરા…..
વાસંતી : કહેવું તો જોઇએ ને !
મનુ : સોરી બહેન. મહેમાન આવી ગયા ?
સુનિલ : કોણ મહેમાન ?
મનુ : ટેક્સીમાં કોઇ મહેમાન આવ્યા હતા. તમે નહોતા એટલે બહારથી જ જતા રહ્યા. ડ્રાઇવરે બેગ આપી.
વાસંતી : કઇ બેગ ?
મનુ : તમે જોઇ નહીં સાહેબ ? આ પડી.
( દૂર મૂકેલી બેગ બતાવે છે )

સુનિલ : એમનું નામ શું ?
મનુ : એ તો મેં પૂછ્યું જ નહીં. એ તો ટેક્સીમાં જ બેસી રહ્યા ને મારે પણ મોડું થતું’તું……બહેન રસોઇની કાંઇ તૈયારી…..?
વાસંતી : ના ના. બિસ્કિટ છે ને !
મનુ : છે ને ! પણ મહેમાન…..
વાસંતી : અમે ઘરમાં નથી સમજીને મોડા જ આવશે.
મનુ : એ ખરું. સાહેબ સાંજનું છાપું.
( અંદર જાય. સુનિલ પેન લઇ ક્રોસવર્ડમાં પરોવાય. વાસંતી બગાસું ખાતી કંટાળતી જિજ્ઞાસાથી ઊભી થાય. બેગ પાસે જઇ ધારી ધારીને જુએ, ગોળ ગોળ ફરે, વિચારમાં પડે. ફરી જુએ. )

વાસંતી : બેગ…..લાગે છે તો સમીરની…..કદાચ મુંબઇ કોન્ફરન્સ કે કામ માટે આવ્યો હોય.. યસ. સમીર જ આવ્યો છે. આમ પણ એને ગમે ત્યારે નોટિસ વિના ટપકી પડવાની ટેવ છે…..મોટીબહેનને વળી ઇન્ફોર્મ શું કરવાની ? ઘર બંધ જોઇ જતો રહ્યો….આવવો જ જોઇએ. ભૂખથી ભડભડતો…..સુનિલ…… સુ-નિ-લ…..
સુનિલ : બોલ વાંસતી કોયલ. આઇ મીન ટહુકો કર.
વાસંતી : તું કહેતો હતો ને કે તેં ઘણા વખતથી દાળ ઢોકળી નથી ખાધી ?
સુનિલ : મેં એવું કહ્યું ?
વાસંતી : ઓફકોર્સ, તારી મેમરી પહેલા જેવી નથી ડિયર. તું મને કહેતો હતો પણ પૌષ્ટિક વિટામિનયુક્ત આહાર– ઉફ– ની તને જરૂર છે. યુ નીડ ઇટ.
સુનિલ : પણ વાસંતી…..
વાસંતી : એવા બિસ્કિટ ફીસ્કિટથી ચલાવી લેવાનું નથી. હું દાળનું કૂકર મૂકી દઉં. રાંધવામાં વળી આળસ કેવી ?
( ખુશખુશાલ અંદર જાય. સુનિલ બાઘો બની વિચારે. ઊભો થાય )

સુનિલ : અચાનક આવું જબરદસ્ત હ્રદયપરિવર્તન ? ક્રોસવર્ડ પઝલ તો આ છે. ઇસ કા રાઝ ક્યા ?
( વિચારતાં નજર પડે બેગ પર. બેગ ઊંચકી ટેબલ પર મૂકે. ધ્યાનથી જુએ. ગોળ ગોળ ફરે. રસોડા તરફ જુએ. પછી ચહેરા પર ભેદ ઉકેલ્યાનું સ્મિત. વાસંતી આવે છે…)
વાસંતી : સરસ છે ને બેગ ?
સુનિલ : ફર્સ્ટક્લાસ. જગદીશભાઇ સરસ જ વસ્તુ વાપરે. તને ખબર છે એમને હલકી સસ્તી વસ્તુ જરાય ગમતી નથી.
વાસંતી : એટલે ?
સુનિલ : એટલે માય ક્વીન ઓફ હાર્ટસ. આ બેગ મારા મોટાભાઇ જગદીશભાઇની છે.
વાસંતી : રબ્બીશ. આ મારા ભાઇ સમીરની છે. ગયે વખતે આવ્યો ત્યારે જ ખરીદી હતી.
સુનિલ : નો.નો. આ બેગ જગદીશભાઇની જ છે. ગયે મહિને એમનો કાગળ હતો ને કે હું સરપ્રાઇઝ વિઝીટ આપીશ !
વાસંતી : તેં મને કહ્યું નહોતું.
સુનિલ : આ કહ્યું લે. ડાર્લિંગ હું પણ તને સરપ્રાઇઝ આપવાનો હતો.
વાસંતી : ઓહ ! એમ !
સુનિલ : મારી વાસંતી કોયલ ! સાચ્ચે જ મને ભૂખ લાગી છે. તેં તો કહ્યું કે મારે બિસ્કિટથી ન ચલાવી લેવું જોઇએ.
વાસંતી : હમણાં તો ભૂખ નહોતી !
સુનિલ : હવે લાગી.
વાસંતી : ભૂખ કંઇ ટ્યૂબલાઇટ છે કે સ્વીચ ઓન ઓફ કરવાની ?
સુનિલ : તારા હાથનો જાદુ છે. હું જાણું છું તને. મને કંઇ પણ ગરમ ગરમ ખવડાવવાની હોંશ છે. હં…..એમ કર બટેટાના ગરમ ગરમ પરોઠાં અને દહીં. હું ફ્રેશ થઇ જાઉં.
( સુનિલ અંદર જાય. વાસંતી રોષમાં બેગને જોઇ રહે. હાથ ફેરવે. અવઢવમાં. પછી નિર્ણય થઇ જાય)

વાસંતી : સમીરનું ભલું પૂછવું. રમતો રામ. કદાચ કલકત્તા જઇશ એમ પણ કહેતો હતો….બેગ જગદીશભાઇની હશે…..પણ આવી સરસ…..કોને ખબર ! આ ઉંમરેય શોખીન જીવડો છે. (ઝભ્ભો પહેરતો મોં લૂછતો સુનિલ ખુશખુશાલ ગીત ગણગણતો આવે )
સુનિલ : અરે ડિયર ! તું હજી રસોડામાં ગઇ નથી ? ભૂખથી મારા પ્રાણ જાય છે. વાસંતી…..વાસંતી….. (સુનિલ ના નાટકિયાવેડા સામે વાસંતી નિર્વિકારભાવે)
વાસંતી : તું તો સેન્ડવીચની પણ ના પાડતો હતો ને ! બિસ્કિટથી પ્રાણ ટકી ગયાના હજારો દાખલા ઇતિહાસને પાને નોંધાયા છે. મનુ…..મ…નુ….. (પ્રવેશે. ઉંઘરેટો છે.)
મનુ : જી બહેન. વાસંતી : બિસ્કિટનો ડબ્બો લાવ. તારા સાહેબના હાથમાં પકડાવી દે.
સુનિલ : મારે બિસ્કિટ ખાવા નથી.
(મનુ હવે સજાગ, સતર્ક, આંખો પહોળી કરી બન્ને ને જુએ)
મનુ : તો દાળઢોકરી માટે દાળનું કૂકર મૂકું ને !
સુનિલ : રહેવા દે ને ! કોણ માથાકુટ કરે ? બિસ્કિટ ચાલશે.
મનુ : ઓલરાઇટ.
(સુનિલનું મોએં ફૂલી જાય છે. મનુ અંદર જાય. દોડતો આવી બિસ્કિટનો ડબ્બો ધરે. સુનિલ અદબ વાળી દે. વાસંતી લઇ ને એક બિસ્કિટ ખાય છે.)
વાસંતી : વેરી ટેસ્ટી. ખાવા છે ?
(સુનિલ અક્કડ છે. વાસંતી ની નજર ફરી બેગ પર. બિસ્કિટ ખાતાં ખાતાં ધ્યાનથી જુએ. મનુ રસપૂર્વક આ ક્રિયા જુએ)
વાસંતી : મનુ પણ કમાલ છે. પૂછ્યાગાછ્યા……વિના…..આ બેગ…..સમીર…..અહીંની કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે…..પોસિબિલિટી…..તો છે…..આ બેગ લેવા હું અને સમીર…ધેટ્સ ઇટ. સમીરની જ આ બેગ છે. હમણાં જ માણસ ગંધાય માણસખાંઉ કરતો આવવો જોઇએ…..મનુ…..મનુ…..
(મનુની મોટેથી બૂમ પાડે છે. મનુ ત્યાં જ ઊભો છે. જી બહેન કહેતાં વાસંતી ચમકી જાય છે.)
વાસંતી : ઓ.કે. મન્નુ દાળનું કૂકર મૂક. સુનિલ ડિયર, તને કેટલી ભૂખ લાગી છે ?
સુનિલ : વાસંતી ડિયર, આ બિસ્કિટ ચાલ્શે. આજે એવો સરસ દિવસ વીત્યો છે, તને તકલીફ આપવાનું મન નથી થતું. બિસ્કિટ વેરી ટેસ્ટી . મનુ !
મનુ : જી.
સુનિલ : કૂકર મૂકવાની જરૂર નથી.
( મનુ જાય છે )

(વાસંતી ફૂંગરાય છે. સોફામાં બેસી પડે છે. સુનિલ લહેરથી બિસ્કિટ ખાતો ઊભો થાય. વાસંતી આડી નજરે જોયા કરે છે. સુનિલ કાગળ શોધે છે. મળી જાય છે. વાંચે છે. ઉતાવળે વાંચી જાય, એક લીટી મોટેથી વાંચે, કેલેન્ડર સામે જોઇ લે.)
સુનિલ : …..આવતે મહિને જરૂર આવીશ. બે ચાર દિવસ રહેવાનો વિચાર છે.
( કાગળ ખિસ્સામાં મૂકી, બેગની સામે વિજયી સ્મિત કરે )
સુનિલ : વાસંતી…..ડાર્લિંગ…..
વાસંતી : મારું માથું દુખે છે.
સુનિલ : એ તો હું નથી જમવાનો એના દુખથી તારું માથું….. આઇ નો ડિયર. ચલ. હું જમીશ. માત્ર તારે ખાતર. માઇન્ડ યુ. ગરમ ગરમ પરોઠા અને મસ્ત મસ્ત દહીં. ઊઠને પ્લીઝ……ડિયર…..
(વાસંતી આંખ મિંચીને બેસી રહે છે.)
સુનિલ : ભગરી ભેંસ પાણીમાં પડી હોય એમ કેમ કરે છે ? મનુ…..
(મનુ દોડતો આવે છે. એને હવે યુદ્ધના વાદળ ઘેરાતા દેખાય છે.)
મનુ : જી…..જી…..
સુનિલ : ફ્રીજમાં દહીં છે ?
મનુ : ના સાહેબ.
સુનિલ : આ લે પચ્ચીસ રૂપિયા. મસ્ત મોળું મીઠું દહીં લઇ આવ…..મન્નુ…..અંદર ક્યાં જાય છે ? બહાર જા.
મનુ : પણ સાહેબ……ડબ્બો…..
( સુનિલ બોલતો જાય. વાસંતી સામે જોતો જાય વાસંતી ગુસ્સે થતી જાય છે. ન રહેવાય ત્યારે ધૂંઆપૂંઆ થઇ જાય.)
સુનિલ : મનુ, કુકરમાંથી દાળનો ડબ્બો કાઢી લે અને બટેટા મૂકી પ્રેશર કૂકર પર વ્હીસલ મૂકી દે. એટલું થશે કે નહીં ?
મનુ : જી…..જી સાહેબ.

(વાસંતી સટાક ઊભી થઇ જાય)
વાસંતી : મનુ, ખબરદાર બટેટા મૂક્યા છે તો. દાળ મૂક.
સુનિલ : સંભળાય છે કે બહેરો છે ! બટેટા મૂક.
વાસંતી : દાળ એટલે દાળ એટલે દાળ.
સુનિલ : અને બટેટા ઇઝ બટેટા.
વાસંતી : દાળ.
સુનિલ : બટેટા.
મનુ : એક જ કૂકરમાં દાળ અને બટેટા બન્ને મૂકી દઉં ?
વાસંતી : ના. આ સિદ્ધાંતનો સવાલ છે.
સુનિલ : ઓત્તારી ! દાળમાં સિદ્ધાન્ત ?
વાસંતી : બટેટા માટે આટલી હઠ ?
સુનિલ : આ ઘરમાં આજે બટેટા જ બાફવા મુકાશે. બસ.
વાસંતી : મન્નુ, અનુપમ લોજમાંથી દાળઢોકળીનું ટિફિન લઇ આવ. આ લે સો રૂપિયા.
(મનુ માંડ છૂટ્યો હોય એમ શ્વાસભેર અંદર દોડે. ટિફિન લઇ બહાર આવીને ઘરબહાર જવા જાય. સુનિલ નાટ્યાત્મક રીતે તેને રોકે, મનુ પણ લાચારીથી પાછો ફરે)
સુનિલ : મનુ, ટિફિન લઇને તું લક્ષ્મણરેખા નહીં ઓળંગી શકે.
વાસંતી : ઓહ ! શેઠ નોકરની નાટકમંડળી.
સુનિલ : પણ ડબ્બો લઇ તું આદર્શ ડેરીમાંથી દહીં લાવી શકે છે.
(મનુ અંદર જાય. ડબ્બો લાવે. ટિફિન અને ડબ્બો બંને લઇ ઊભો રહે. વાસંતી-સુનિલ એકમેક સામે ઘૂરકે છે.)

વાસંતી : મનુ, દાળઢોકળી.
સુનિલ : મન્નુ, તું આજે દહીં નહીં લાવે તો…..તો…..તો…..તને કોઇ પણ દેવતાનો શ્રાપ છે.
(ઓ ભગવાન બોલતો મનુ રસોડામાં જતો રહે.)
વાસંતી : સુનિલ, મેં તને આટલો જીદ્દી અને બેરહમ નહોતો ધાર્યો.
સુનિલ : હું જીદ્દી પાછો લટકામાં બેરહમ ?
વાસંતી : સાડીસત્તર વાર.
સુનિલ : અરે ઊલટાનો આભાર માન મારો કે તારા જેવી અડીયલ ટટ્ટુને મેં જિંદગીભર નભાવી.
વાસંતી : ઓહ ! હું…..હું અડિયલ ટટ્ટુ ? ને ઉપરથી પાછી નભાવી ? ઓ માય ગોડ !
સુનિલ : નહીં તો ! બક બક બક. બોલવાનું ભાન જ નહીં. બોલે કે વટાણા વેરી નાંખે.
વાસંતી : તો તું વીણી લે ને ! સિમ્પલ હા…..હા…..હા…..
સુનિલ : શટ અપ. આના કરતાં અનિરુદ્ધની પત્ની સારી. આહાહા ! કેવું સોનેરી વાક્ય ટિફિનના ડબ્બામાં મૂકેલું ! ‘આપણા અબોલા ચાલુ.’ સાલ્લો દુનિયાનો સૌથી સુખી માણસ.
વાસંતી : અનિરુદ્ધ ! સુખી !
સુનિલ : દુનિઆના સૌથી સુખી માણસનું શર્ટ કોઇને જોઇએ તો અનિરુદ્ધનું જ શર્ટ કામ આવે.
વાસંતી : એમ ! અને તું દુઃખી છે ?
સુનિલ : દુઃખના મહાસાગરમાં ડૂબકી ખાઉં છું. પરણ્યો કે ડે-વન થી.
વાસંતી : અને તેં મને શું સુખ આપ્યું છે ?
સુનિલ : અરે વાહ ! તારી ફ્રેન્ડ ભદ્રા મહાકાળી જ કહેતી હતી કે વાસંતી તારા વર પરથી નજર ઉતારજે. તારો વર કોઇ રમણી ચોરી જશે. વાસંતી : ભદ્રા મૂરખ, મહામૂરખ છે.
સુનિલ : યોર ફ્રેન્ડ મિ. લોર્ડ.
વાસંતી : અહાહા અને તારો ફ્રેન્ડ અનિરુદ્ધ શું કહેતો હતો ! સુનિલ, યુ આર લકી. વાસંતી જેવી વાઇફ મળી છે.
સુનિલ : એ ઇડિયટ છે.
વાસંતી : તારો ખાસ ખાસ મિત્ર છે.
સુનિલ : તારી સાથે જીભાજોડી કરવી નથી. મનુ…..મ…..નુ…..
( મનુ ગભરાયેલો દોડતો આવે ડબ્બો અને ટિફિન લઇને ઊભો રહે )

મનુ : શું લાવું ? દાળઢોકળી કે દહીં ?
વાસંતી : આજે તો આ ઘરમાં દાળઢોકળી જ આવશે, નહીં તો હું બહાર જઇશ.
સુનિલ : મનુ, દહીં.
વાસંતી : એટલે હું ઘરમાંથી ચાલી જઇશ એની તને જરાય નથી પડી ?
સુનિલ : તારી જ મરજી હોય ત્યાં હું હેલ્પલેસ.
વાસંતી : નો. યુ ડોન્ટ કેર. તું બહાનું કાઢી મને ઘરબહાર ધકેલવા માંગે છે ? તો તમે ખાંડ ખાઓ છો મિ. સુનિલ મહેતા. ઘર મારા નામ પર છે. અહીંથી જેને જવું હોય તે ખુશીથી જાય. હું શું કામ જાઉં ?
સુનિલ : એટલા મારા નસીબ ફૂટેલા.
મનુ : પાછું કેન્સલ ?
( થાકેલા પગે પાછો અંદર જાય )
વાસંતી : હું જાણું છું પહેલેથી તને હું ગમી નહોતી.
સુનિલ : વાસંતી તું…..
વાસંતી : હા હા હું નહી પેલી રશ્મિ. આઇ નો. એનું માગું આવ્યું’તું ને ! એને જ પરણવું હતું ને !
સુનિલ : નોનસેન્સ વાસંતી.
વાસંતી : લગ્ન કરી મેં શું સુખ જોયું !
સુનિલ : ઓહ માય ગોડ !
વાસંતી : પૈસાની કેટલી તંગી હતી તોપણ કરકસરથી ઘર ચલાવ્યું. તારી બાની સેવા કરી… પપ્પાજીનાં બબ્બે ઑપરેશનોમાં દિલ દઇને ચાકરી કરી……એનો આ બદલો ! હાય કિસ્મત !
સુનિલ : મેડમ, સેવા કરી તે ઉપકાર્ય કર્યો ? તારી ડ્યૂટી હતી. હવે ગાણાં ગાય છે ?
વાસંતી : અરેરે ! બેરહમની સાથે સાથે બેકદર બલમા !
સુનિલ : વ્હોટ ! ખરું પૂછ તો તને પરણીને દુઃખી હું થયો. ઘર ચલાવવાના કોઇ વેતા જ નહીં.
વાસંતી : સુનિલ, હવે હદ થાય છે.
સુનિલ : મેડમ, તારા પિયર માટે આટલું ઘસાયો…..તો પણ….. શીટ…..
વાસંતી : આટલું સરાસર જુઠ્ઠું ?
સુનિલ : જુઠ્ઠું ? વ્હોટ ડુ યુ મીન ? તારા બુદ્ધુ ભાઇને નોકરી અપાવી…..સમીરને એડમીશન કોણે અપાવ્યું ? ભૂલી ગઇ ? અને યસ…..પેલી આફ્રિકાવાળી તારી ચિબાવલી કઝીન પૂરો એક મહિનો અહીં પડીપાથરી રહી એનું શોપિંગ…..ડિનર…..ફિલમ્સ…..હુ પેઇડ ? આ મૂરખ સુનિલ.
વાસંતી : હાય રામ ! બેરહમ બેકદર અને…..જૂઠ્ઠો…..નગુણો પણ…..
સુનિલ : આપણી ગુજરાતી ભાષા રીચ છે. શબ્દકોષ આપું ? શોધી કાઢ બીજા શબ્દો. બીજું કાંઇ આવડતું નથી તો ગાળો આપતા તો શીખી જા.
વાસંતી : એજ ચિબાવલી મારી કઝીન મોંઘીદાટ ગીફ્ટ લાવી તો પટ લઇ લીધી.
સુનિલ : મેડમ, ફોરેનના અતિથિ ઇન્ડિયા આવે ત્યારે સસ્તી ચીજો પધરાવી આપણી મોંઘી મહેમાનગતિ માણી જાય છે. આસ્ક એની વન.
વાસંતી : મને સંભળાવવાનું પૂરું થયું કે મારી કઝીન પર.
સુનિલ : જેવું છે તેવું કહ્યું.
વાસંતી : એમ ! હું પણ તારા ફેમિલી માટે જેવું છે તેવું કહીશ એટલે મરચાં લાગશે.
સુનિલ : અરે મારા કુટુંબીજનો જેવા ઇન લોઝ તને આખી દુનિયામાં શોધ્યા નહીં જડે. શોધવા જાય ત્યારે મહેરબાની કરી ટોર્ચ લઇ જજે.
વાસંતી : આમ જ મીઠું બોલીને મને તેં ફસાવી.
સુનિલ : ફ-સા-વી ? રીડીક્યુલસ યાર.
વાસંતી : હા હા હા. સુનિલ : ઓ.કે. તારે ફસામણીમાંથી જ્યારે પણ મુક્ત થવું હોય ત્યારે થઇ શકે છે.
વાસંતી : મારા બર્થ ડે ને દિવસે તેં મને સરસ ગીફ્ટ આપી. છૂટાછેડા.
સુનિલ : હેય વેઇટ અ મિનિટ. તેં ફસામણીની વાત કરી એટલે મે કહ્યું.
વાસંતી : હું ભલે ને કાંઇ પણ બોલી ! પણ તારાથી એવું બોલાય જ કેમ ?
સુનિલ : ઓત્તારીની !
( વાસંતી જોરજોરથી રડે છે. મનુ ગભરાયેલો ડબ્બો અને ટિફિન લઇને દોડતો આવે )

મનુ : સાહેબ….. સાહેબ માની જાઓને ! દાળઢોકળી મગાવી લ્યો ને !
વાસંતી : દયા ખાય છે તું ? નાખ ટિફિન ચૂલામાં. હું મારા જીવનને રડી રહી છું અને તને દાળઢોકળીની પડી છે ?
( મનુ લાચાર. બન્ને સામે જુએ હાથમાંના વાસણો જુએ. અંદર જાય )
સુનિલ : શેઇમ ઓન યુ. નોકરની સામે આમ રડીને પ્રદર્શન કરવાનું ?
(રડવાનું અટકાવી ફરી લડાયક મૂડમાં)
વાસંતી : હું પ્રદર્શન કરું છું ? મારું દિલ ભડકે બળે છે અને તું આમ લાઇટલી બોલે છે ? હે મા અંબા ! મને આ દારુણ દુઃખ સહવાની શક્તિ આપ. હવે આ ઘરમાં મારાથી નહીં રહેવાય.
સુનિલ : વાસંતી !
વાસંતી : અલવિદા.
સુનિલ : તેં કહ્યું ને ઘર તારા નામ પર છે !
વાસંતી : તો ?
સુનિલ : તું રહે. હું જ જાઉં છું.
વાસંતી : તું શું કામ જાય ? સ્ત્રી કહેવાય ગૃહસ્વામીની પણ ઘરમાં સત્તા પુરુષની જ. સ્ત્રીને દાળઢોકળી બનાવવાનો પણ અધિકાર નહીં.
( ચાલવા જાય. સુનિલ આડો ફરે. ટેન્શન )
સુનિલ : વાસંતી…..
વાસંતી : આમ તો હું અત્યારે જ જતી રહેત. આ જ ક્ષણે…..પણ…..
સુનિલ : પણ ?
વાસંતી : આજે થાકી ગઇ છું. આરામ કરવો છે. પછી જતી રહીશ. ચોક્ક્સ.
સુનિલ : ગાજ્યા મેહ વરસતા નથી.
વાસંતી : પણ આ મેહ કેવા વરસે છે અનરાધાર એ તું જોજે. દુનિયા પણ જોશે કે પતિ નિર્મમ…..બેરહમ…..
સુનિલ : બેકદર.
વાસંતી : યસ બેકદર થાય છે ત્યારે સ્ત્રી કેવી દર દરની ઠોકર ખાય છે, મા ! જગદંબે, મને શક્તિ આપજે.
( અંદર જાય છે. સુનિલ વિચારમાં આંટા મારે છે. થાકીને સોફામાં પડતું મૂકે છે. આંખ મળી જાય છે. મન્નુ ડોકું કાઢી આમતેમ જોઇ હાશકારો અનુભવી ડોકું ખેંચી લે ) ફેઇડ આઉટ………..ફેઇડ ઇન…………….

( સુનિલ ઘસઘસાટ ઊંઘે છે. બેગ એની જગ્યાએ નથી. મનુ આવે છે. ચિંતાથી આંટા મારે છે. સુનિલને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે )
મનુ : સાહેબ, ઊઠો…..સાહેબ ઊઠો ને !
સુનિલ : હં…..
મનુ : સાહેબ, પછી મોડું થઇ જાય તો મને કહેતાં નહીં.
( સુનિલ ને ઢંઢોળે. સુનિલ મનુનો હાથ પકડી લે. ઊંઘમાં સુખ અનુભવે. મોઢું પાસે લાવે. મૂછના સ્પર્શે જાગી જાય)
સુનિલ : ક…..કોણ છે ?
મનુ : સાહેબ, હું મનુ.
સુનિલ : મનુ…..હું ક્યાં છું ?
મનુ : ઘરમાં જ છો સાહેબ. જલદી ઊઠો.
સુનિલ : ઊંઘવા દે ને !
મનુ : સાહેબ, ઊંઘતા રહી જશો ને બહેન તો ચાલ્યા.
( સુનિલ હવે પૂરો જાગી જાય છે. સફાળો ઊભો થઇ જાય છે )
સુનિલ : શું ?
મનુ : બહેન બેગ તૈયાર કરે છે એટલે તો તમને ઉઠાડ્યા.
સુનિલ : ભલે તું જા.
( મનુ અંદર જાય. સુનિલ વિચારમાં છે શું કરવું. વાસંતી બેગ લઇ બહાર આવે છે )
સુનિલ : આ શું વાસંતી ? બેગ લઇને ક્યાં જાય છે ?
વાસંતી : ગમે ત્યાં તારે શું ? તું તો મારીથી છૂટ્યો ને ! સમીર આવે તો કહેજે કે…..અરે બેગ ક્યાં ગઇ ?
સુનિલ : બેગ ! આફતનું પોટલું ? મનુ…..મનુ…..બેગ ક્યાં ?
( મનુ દોડી આવે )
મનુ : અરે, હા તમે સૂતા હતા ત્યારે બેગ તો ગઇ.
વાસંતી : ગઇ એટલે ? કોણ લઇ ગયું ?
મનુ : ભાણાભાઇ.
સુનિલ : હુ ધ હેલ ઇઝ ધીસ ભાણાભાઇ ?
મનુ : આપણા પાડોશી નિમુબહેનના ભાણાભાઇ હતા. એ લોકો ઘરે નહોતા એટલે બેગ એમણે અહીં મૂકી’તી સાહેબ. હાશ. કાશ ગઇ.
( ખુશ થતો જાય )

વાસંતી : તો એ બેગ સમીરની નહોતી ?
સુનિલ : હું પણ મૂર્ખો. બેગ કોની છે એની ખાતરી કર્યા વિના…..
( બન્ને એકમેક સામે જોઇ રહે. સુનિલ વાસંતીના હાથમાંથી બેગ લઇ લે. બન્ને એકાએક ખડખડાટ હસી પડે )
વાસંતી : મારી અક્કલ ક્યાં ગઇ હતી ! કાંઇ જોયા-જાણ્યા વિના બોલતી જ ગઇ…..મેં તને બેરહમ કહ્યો.
સુનિલ : અને સાથે બેકદર બાલમા.
વાસંતી : અને…..જુઠ્ઠો પણ.
સુનિલ : યસ.
વાસંતી : અરેરે…..મેં તને આવું આવું કહ્યું ?
સુનિલ : ડાર્લિંગ હુંય કંઇ કમ છું ? મેં તને અડિયલ ટટ્ટુ કહી’તી ને !
વાસંતી : તું પણ શું કરે ? મેં તને ઉશ્કેર્યો પછી…..
સુનિલ : અરે, પણ તું બોલી તો બોલી હું મૂંગો રહ્યો હોય તો ? પણ ના. બોલતો જ ગયો. મહેણાં મારતો જ ગયો. તેય બર્થ ડે ને દિવસે ?
વાસંતી : મને મારા પર એટલો ગુસ્સો આવે છે ને !
સુનિલ : ના ડાર્લિંગ માય ક્વીને ઓફ હાર્ટસ. મેં પટ દઇને કહી દીધું કે ભલે તારે ઘર છોડીને જવું હોય તો જા. છી છી…..
વાસંતી : આપણે બન્ને મૂરખ ઇડિયટ.
( બન્ને હાથ પકડીને ઊભા રહે. હસે )

સુનિલ : માનવજાતની લડાઇઓના ઇતિહાસમાં દાળઢોકળી અને પરોઠાંને લીધે ક્યારેય યુદ્ધ નહીં થયું હોય.
વાસંતી : જોકે સુનિલ એટલું તો ખરું કે તું જીદી તો ખરો જ. પરોઠાં અને દહીં કહી કહીને મારો જીવ ખાઇ ગયો.
સુનિલ : અને મારું તો જિંદગીભર દાળઢોકળી પરથી મન ઊઠી ગયું. આ ઘરમાં દાળઢોકળી પર હવે સખત પ્રતિબંધ.
વાસંતી : અને આ હાથ હવે ક્યારેય પરોઠાં નહી બનાવે, સમજ્યો !
(બન્ને ફરી લડાયક મિજાજમાં સામસામે)
સુનિલ : ચાલો આ પછી અડિયલ ટટ્ટુ થઇ ગઇ.
વાસંતી : શું ઉં ઉં ઉં ઉં ઉં ?
સુનિલ : અ-ડી-ય-લ-ટ-ટ્ટુ.
વાસંતી : બેરહમ. બેકદર. નગુણો. આઇ રિપીટ બેરહમ. બેકદર અને ન-ગુ-ણો.
સુનિલ : ફરી ફટક્યું ? હમણાં તો ભદ્રા મહાકાળીની શિખામણની વાત કરતી હતી. તારા વર પરથી લીંબુ-મરચાંની નજર ઉતાર. ચોરાઇ જશે.
વાસંતી : અરે ! તારો તો ભંગારમાંય ભાવ ન આવે.
સુનિલ : અનિરુદ્ધ સાચ્ચું જ કહેતો હતો કે ચૌલાના અબોલાથી એ સુખી સુખી થઇ ગયો.
વાસંતી : અને તું ?
સુનિલ : દુઃખીના દાળિયા.
વાસંતી : એય શીંગચણા. જા તને દુઃખના બંધનમાંથી આઝાદ કરું છું.
સુનિલ : આ વખતે બોલ્યું પાળજે જ. બેગ ભરેલી છે ને !
વાસંતી : એટલે ? મને રીતસર કાઢી મૂકો છો ? હે ! અંબામા !
સુનિલ : ઓ અંબામાં ! બેગ એણે જાતે પંડે પોતે ભરી છે. મેં નહીં.
વાસંતી : હાય રબ્બા ! તું મને એક વાર વાસંતી કોયલ કહેતો હતો.
સુનિલ : બધું ભૂલી હું નવેસર થી જીવન શરૂ કરવા માગું છું.
વાસંતી : મારો પ્રેમ, લાગણી, ત્યાગ અને બલિદાનની આ કિંમત કરી ?
સુનિલ : મનુ…..મન્નુ…..
(મનુ દોડતો આવે. ફરી આ દૃશ્ય જોઇ દુઃખી થાય)

સુનિલ : મનુ જા. ટેક્સી લાવ. બહેનને મોડું થાય છે. પછી ફર્સ્ટક્લાસ ચા મૂક.
વાસંતી : મનુ, ઉંબર બહાર પગ મૂક્યો છે તો અંબામા તારા લેખાં લેશે.
મનુ : હું અહી જ ઊભો છું. નક્કી કરો ત્યારે કેજો.
વાસંતી : અંદર જા.
( મનુ ભાગે )
વાસંતી : તો મારા ઘરમાંથી કાઢી મૂકવા માગો છો મિ. સુનિલ મહેતા ? મૈંને ભી કચ્ચી ગોલિયાં નહીં ખેલી.
સુનિલ : અરે !
વાસંતી : હું મારા હક્ક માટે લડીશ.
સુનિલ : હજી વધારે લડવાની વાત કરે છે ? તારું ફરી ગયું છે.
વાસંતી : ફરી તો તમારું જશે મિ. સુનિલ મહેતા. પત્નીને અન્યાય કરવાના જુર્મમાં કોર્ટ તમારી ખબર લઇ નાંખશે.
સુનિલ : એક્સક્યુઝ મી. કોર્ટ ? દાળઢોકળીમાંથી સી…..દ્ધી…. કોર્ટ ?
વાસંતી : અહાહા ! પરોઠામાંથી પત્નીવિદાય ? પણ હવે હું અન્યાય નહીં ચલાવી લઉં.
સુનિલ : મેડમ અન્યાય તો તું કરે છે. ક્યારનું માથું ફરે છે. એક કપ ચા…..રહેવા દે. જાતે જ બનાવી લઇશ.
વાસંતી : એક કપ મારી પણ મૂકજે. મસાલો નાંખજે.

( બન્ને એકમેક સામે કતરાતી આંખે લડાયક પોઝમાં ઊભા છે. સમીર અને જગદીશભાઇ એક એક નાની બેગ સાથે દાખલ થાય. બંને ને આ રીતી ફ્રીઝ થયેલા જુએ. સમીર-જગદીશભાઇ પાસે આવી બન્ને ને ટગરટગર જુએ)
સમીર : હ…..લ્લો…..
જગદીશ : કાંઇક નવીન રમત રમતાં લાગે છે. વાસંતી !
સમીર : જીજાજી !
( બન્ને ચમકે, તેમની તરફ ફરે )
વાસંતી, સુનિલ : તમે ?
જગદીશ : અરે, તું તો એવો ચમકી ગયો ! હું ભૂત નથી…..તારો મોટો ભાઇ જગદીશ.
સમીર : દીદી, યુ ડોન્ટ રેકનાઇઝમી ? સમીર…..તારો નાનો લાડકો ભાઇ.
વાસંતી : યસ. ઓફકોર્સ.
સમીર : તને કહ્યું હતું ને કદાચ ઇન્ટરવ્યૂ માટે આવીશ ? જીજા, તમે પણ ભૂલી ગયા ?
સુનિલ : ના ના. આ તો તમે બન્ને એ સાથે એન્ટ્રી મારી એટલે નવાઇ લાગી. ધેટ્સ ઓલ કેમ વાસંતી ?
વાસંતી : અ…..હા…..હા એમ જ.
જગદીશ : બાકી થોડી વાર તો મને એમ લાગ્યું કે તમે બે ઝઘડતા હતા.
સમીર : મને પણ એવું લાગ્યું કે બન્ને એકમેક સામે ઘૂરકી રહ્યાં છો.
સુનિલ : હોતું હશે કાંઇ સાલેસાબ ! હું અને વાસંતી ઝઘડીએ ! મોટાભાઇ તમે પણ…..હા હા હા…..
(જગદીશભાઇ ઇન્કવાયરી કરતાં હોય એમ વાસંતી સામે જુએ. વાસંતી સુનિલ સાથે હા…..હા…..કરવામાં સૂર પુરાવે. સમીર-જગદીશભાઇને નિરાંત થાય )
વાસંતી : મોટાભાઇ, આ તો શાંતિયોગ નામનું યોગાસન છે.
જગદીશ : એકબીજા સામે ડોળા તતડાવવાનું ?
વાસંતી : યસ, ટી.વી. ચેનલ પરથી શીખ્યા. રોજ રાત્રે સૂતી વખતે પતિપત્ની આ મુદ્રામાં ઊભાં રહે એટલે…..પણ જવા દોને એ વાત. તમે બન્ને સાથે ? આટલી રાત્રે ?
સમીર : દીદી, બપોરે અમે બન્ને અહીં જ ભેગા થઇ ગયાં. તમે બન્ને બહાર….. આઇ નો દીદી ટુ ડે ઇઝ યોર બર્થ ડે. એટલે સરપ્રાઇઝ આપવા કહ્યું નહીં. મનુ પણ નહોતો.
જગદીશ : મેં સમીરને કહ્યું, માળા આ બે મજા કરવા ઊપડી ગયાં છે. ચાલ આપણે બેય પણ લહેર કરીએ. આવો ચાન્સ ક્યારે મળે ?
સમીર : અમે તમારી ફેવરીટ અનુપમ લોજમાં જમ્યાં.
જગદીશ : ઝાપટ્યું.
સમીર : ઓ યસ.
જગદીશ : મેં દાળઢોકળી ખાધી. આંગળા ચાટીને.
સુનિલ : વ્હોટ ! દાળઢોકળી ?
જગદીશ : મોં ન બગાડ. પૃથ્વી પરનું અમૃત ચા નહીં પણ દાળઢોકળી છે.
સમીર : આહાહા ! ગરમ ગરમ આલુ પરોઠા અને મસ્ત મીઠું દહીં.
વાસંતી : તેં પરોઠા ખાધા ?
સમીર : હું તો પરોઠા ક્લબનો સભ્ય છું
( સુનિલ-વાસંતી એકમેક સામે જોઇ બન્ને સામે જુએ )
બન્ને : ઓ નો !

સમીર : અરે ! કમાલ છો તમે ? વ્હોટ ડુ યુ મીન બાય નો ! દીદી, જ્યારે ને ત્યારે તમે મારી પર દાળઢોકળીનો જુલમ કરો છો.
જગદીશ : અને આ મારો નાનો ભાઇ દુશ્મનની જેમ પાછળ પડી મને જ્યારે ને ત્યારે આલુ પરોઠા ધરાર ખવડાવે. આજ તો થયું હો જાય.
( સમીર-જગદીશભાઇ એકમેકને તાળી આપે )
સુનિલ : પણ મોટાભાઇ તમને ભાવે છે એટલે…..
જગદીશ : એટલે જ અબખે ન પડે !
વાસંતી : હું હમેશા કહું કે મોટાભાઇ ખાવાના શોખીન. ચાલો, હું ઘરે કંઇ જુદું બનાવું છું કે પછી આપણે હોટલમાં જઇએ પણ આ સુનિલ.
સુનિલ : પણ હું તો…..
જગદીશ : તું તો બોલતો જ નહીં. આ તો વાસંતી સોના જેવી વહુ મળી છે તે પાડ માન ભગવાનનો કે તને સાચવીને બેઠી છે. ભૂલેચૂકે પેલી રશ્મિ સાથે કર્યું હોય ને તો તને છોડીને ક્યારની વહેતી થઇ ગઇ હોત
(વાસંતી ગર્વથી સુનિલ સામે જોઇ લે. સુનિલ બેગ તરફ ઇશારો કરે. વાસંતી આ લોકોને ન કહેવા આંખથી ઇશારો કરે. કાનની બૂટ પર હાથ મૂકી માફીનો સંકેત કરે. આંખની રમતથી પેલા બે અજાણ)
સમીર : નો. નો. મોટાભાઇ એવું ન બોલો. મારા જીજાજી સોનાનું માણસ છે. ઓકે મેઇક ઇટ પ્લેટીનમ. મારા પપ્પામમ્મી તો એમ જ કહે દીદી અડિયલ ટટ્ટુ….. સોરી દીદી…જેવી જીદી છે. એ તો જીજા સમજદાર છે એટલે…..યુ નો…..
( જગદીશભાઇ થાકી ગયા છે. બેગ ખોલી પેકેટ કાઢે )

જગદીશ : આજે તારો જન્મદિવસ છે ને ! એટલે નેકસ્ટ વીકને બદલે આજે જ તારી ભાભીએ મોકલ્યો. આ તારી ગીફ્ટ. પાટણનું પટોળું છ મહિના પહેલાં ખાસ તારા માટે ઓર્ડર આપી બનાવડાવ્યું છે.
( વાસંતી એકદમ ખુશખુશાલ. પેકેટ લઇ લે. પગે લાગે )
વાસંતી : થેંક્યું મોટાભાઇ.
સુનિલ : વાહ ! ક્યા કિસ્મત પાયી હૈ ! અપુન તો બેરહમ…..બેકદર…..
વાસંતી : શીશ…….
સમીર : આપકી કિસ્મત ભી કમ નહીં જીજાજી.
સુનિલ : હા. પાટણનું પટોળું.
સમીર : ના. આ વોચ ખાસ તમારા માટે.
સુનિલ : વોચ ?
સમીર : રેમન્ડ વ્હીલ લેટેસ્ટ મોડલ.
સુનિલ : મને…..મને ઘડિયાળ ? શેને માટે ? યાર ?
સુનિલ : સાચું કહું ? ઘણા વખતથી પપ્પામમ્મીને તમને કંઇ સુંદર કિંમતી ગીફ્ટ આપવાની ઇચ્છા હતી.
વાસંતી : મારા જેવી ગીફ્ટ તો આપી હતી તારા જીજાજીને પછી…..
સમીર : પુઅર જોક દીદી…એમને થતું હતું કે લગ્નમાં પણ તમે કંઇ લીધું નહીં અને અમારી એવી સ્થિતિ પણ ત્યારે નહોતી…
સુનિલ : સમીર…..
સમીર : થોડા વખત પહેલાં ગામની જમીન અને જુના ઘરના સારા પૈસા આવ્યા. એમાંથી અમે હવે મોટું ઘર લેવાના છીએ અને તમારા માટે સ્પેશ્યલ ગીફ્ટ.
સુનિલ : સિમ્પલી બ્યુટી ફૂલ.
જગદીશ : અરે વાહ !
વાસંતી : પણ બર્થ ડે ગર્લ તો હું છું !
સુનિલ : દીદી યે આપકે લીયે. રૂ. 501 નું કવર. મમ્મી કહેતી હતી કે વાસંતી તો પોતાને માટે હંમેશાં શોપિંગ કરી જાય છે. સો ધીસ ટાઇમ ઓન્લી જીજુ.
( વાસંતી સુનિલની છેક નજીક ઊભી રહે. કમ્મરે હાથ મૂકે )
વાસંતી : સમીર, અમે બે એક જ છીએ ને !
સુનિલ : બિલકુલ. શ્યોર.
જગદીશ : જાણે મેઇડ ફોર ઇચ અધર.
સમીર : મનુ…..મનુ….. ( મનુ આવે છે )
મનુ : જી. સમીરભાઇ.
સમીર : અમારી પથારી કર ને ! ઊંઘ આવે છે. ગૂડ નાઇટ દીદી. સવારે બ્રેકફાસ્ટ બનાવી મને જલ્દી ઉઠાડી દેજે. ઇન્ટરવ્યૂ છે. અને હા, બ્રેકફાસ્ટમાં આલુ પરોઠા.
મનુ : ગરમ ગરમ.
( મનુ સુનિલ-વાસંતી સામે જોઇ બે બેગ લઇ અંદર જાય. આળસ મરડતો સમીર જવા જાય અને વાસંતીની બેગ પર નજર પડે )
સમીર : હેય વેઇટ અ મિનિટ. આ બેગ…..તમે બન્ને ક્યાંય રીઝોર્ટમાં ઉપડવાના હતા ? મોટાભાઇ, આપણે રંગમાં ભંગ પાડ્યો કે શું ??
વાસંતી : ના રે. મનુ સફાઇ કરતો હતો…..એ ગમે ત્યાં સામાન મૂકી દે મનુ…..મન્નુ…..આ બેગ લઇ જા. તને કેટલી વાર કહ્યું ડ્રોઇંગરૂમ કંઇ ગોડાઉન છે ?
( મનુ આવે. બન્નેને જોઇ રહે. પછી બેગ લઇ જાય )

સમીર : તો ઠીક દીદી. એક મિનિટ તો એવો વિચાર આવી ગયો કે તારી જૂની આદત પ્રમાણે અમારા ઘર…..છોડીને…..હા…..હા…..હા….
વાસંતી : કમ્માલ છે સમીર. હું સુનિલને છોડીને…..સ્ટુપીડ…..
જગદીશ : તું જોક કરે છે સમીર પણ આ અમારા સુનિલનું ભલું પૂછવું. ક્યાંક રાંક વાસંતી હેરાન કરતો હોય…..
વાસંતી : મોટાભાઇ, એવું સપનામાંય શક્ય છે ? સુનિલ તો મને ખૂબ ખૂબ સાચવે છે. કેમ સુનિલ !
સુનિલ : અને વાસંતીએ મારું સાત ભવનું એડવાન્સ બુકિંગ કર્યું છે. નખશીખ આર્યનારી.
જગદીશ : સાચ્ચે વાસંતી ! હાશ. ચાલ ત્યારે હુંય થાકી ગયો છું. સવારે પાંચનો ઊઠ્યો છું.
( જગદીશ જાય છે. વાસંતી-સુનિલ ફરી સામસામે જોતાં ઊભાં થાય છે. દર્શકોને લાગશે ફરી ઝઘડી પડશે કે શું ? )
સુનિલ : સાચ્ચે મેં તારું ધ્યાન રાખ્યું છે ને !
વાસંતી : અને સાત જન્મ સુધી તું મારી સાથે રહેવા તૈયાર છે ને આર્યપુત્ર !
સુનિલ : ઓફકોર્સ મારી વાસંતી કોયલ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુમરાહ – ગિરીશ ગણાત્રા
પાન લીલું જોયું ને….. – ડૉ. પ્રદીપ પંડ્યા Next »   

27 પ્રતિભાવો : વાસંતી કોયલ – વર્ષા અડાલજા

 1. shiv says:

  Simple truth, reality of marriage. Very nice topic .keep it up,so readers like us get good reading materials plus thinking.

 2. shiv says:

  Simple truth, reality of marriage. Very nice topic .keep it up,so readers like us get good reading materials plus thinking.Thaks vershaben.

 3. કલ્પેશ says:

  વાંચતા ઘણી વાર લાગી. લખતાં તો તેથીયે વધુ વાર લાગી હશે.

  અમિતનો આભાર

 4. manvant says:

  વાંચતાં ને લખતાં વાર લાગે એવું આ ના-ટક જોયું .

 5. Gira says:

  Wow.. really cute one!! i like it.. zagadva thi j prem vadhe che!! i don’t know if it’s appropriate or not. lolsss. but really cute drama!! lovin it!!

 6. Vijayraj says:

  વેરી ગુડ.

  કિપ ઈટ અપ.

 7. Dr.Shraddha says:

  very nice.
  read it till d end n end is good.so liked it.
  Regards,
  Shraddha.

 8. Jinal says:

  બહુ લામ્બુ છે

 9. sunil patel says:

  બહૂ સરસ વા લખિ

 10. DARSHANA DESAI says:

  હળવી શૈલી માં નાટક વાંચવાની બહુ મઝા પડી. ખરાબ મૂડ પણ સારો થઇ જાય.

 11. dr priti says:

  realy realy gud 1,
  very simple nd enjoyable,
  thanks varshaji

 12. BINDI,NIGERIA says:

  SIMPLE AND SWEET!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.