પ્રાચી – સુરેન્દ્ર પટેલ

[‘દીકરી મારી લાડકવાયી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓના પોતાની દીકરી વિશેના સુંદર લાગણીભીનાં પ્રસંગો વર્ણવેલાં છે. પ્રસ્તુત લેખના લેખક શ્રી સુરેન્દ્રભાઈ મૂળ ગાડા ગામના (સોજિત્રા પાસે) છે. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા શ્રી સુરેન્દ્રભાઈ અમદાવાદની સુપ્રસિદ્ધ ‘વિશાલા’ હોટલના માલિક છે.]

સુરેન્દ્ર પટેલના ઘરમાં જ્યારે ત્રીજી દીકરી અસ્તુનો જન્મ થયો ત્યારે તેમનાં માતા દિવાળીબા નર્સિંગ હોમના પગથિયાં ચઢીને પુત્રવધૂ સ્મિતાબહેનની ખબરઅંતર પૂછવા ગયાં હતાં. વયના કારણે પગથિયાં ચઢતાં થાકી ગયાં હતાં છતાં હાંફતા હાંફતા પણ સ્મિતાબહેનના પલંગ પાસે પહોંચી ગયાં હતાં. દિવાળીબાની હાલત જોઈને સ્મિતાબહેન સહેજ વાર ચિંતામાં ડૂબી ગયાં હતાં. પછી આદરપૂર્વક બોલ્યાં હતાં : ‘બા ! તમે તકલીફ ન લીધી હોત તો ચાલત !’
‘ના, વહુબેટા ! આજે તો મારે તારી ખબરઅંતર પૂછવા આવવું જ પડે !’ દિવાળીબા લાગણીવશ બની ગયાં હતાં. તેઓ ગદગદિત સ્વરમાં બોલ્યાં હતાં : ‘બે દીકરીઓ બાદ જો તેં દીકરાને જન્મ આપ્યો હોત અને હું તારા ખબરઅંતર પૂછવા ન આવી હોત તો ચાલત, પણ તેં ત્રીજી દીકરીને જન્મ આપ્યો છે એટલે જ આવી છું. મને નથી ગમ્યું એવું તને સહેજે લાગવું ન જોઈએ. તારા મનમાં ત્રીજીય દીકરીની નાખુશીનો ભાવ ન જન્મવો જોઈએ !’

‘બા !’ સ્મિતાબહેન ગદગદિત થઈ ગયાં હતાં. માત્ર સ્મિતાબહેન જ નહિ, દિવાળીબાની વાત સાંભળીને સુરેન્દ્રભાઈ પણ ભાવવિભોર થઈ ગયા હતા. બે દીકરીઓના જન્મ બાદ તેઓ કુટુંબનિયોજન વિશે વિચારતા હતા, પણ દિવાળીબાના આગ્રહવશ ત્રીજા બાળક વિશે વિચાર કર્યો હતો. દીકરો આવે તો સારું, પણ ન આવે તો તેના માટે દુ:ખી થવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નહોતો. ધાર્મિક રંગમાં રંગાયેલા દિવાળીબા હંમેશા કહેતાં : ‘આપણા હાથમાં કશું જ નથી, બધું જ ઈશ્વરને આધીન છે !’

દિવાળીબાની આ વાતને સુરેન્દ્રભાઈ અને સ્મિતાબહેને તક્તીની માફક મનમાં ચોંટાડી દીધી હતી. બા ના શબ્દો હંમેશાં દિશાસૂચન કરતા રહ્યા હતા. સુરેન્દ્રભાઈના વ્યક્તિત્વ પર બાનો પ્રભાવ રહ્યો હતો. પિતા છગનલાલના મૃત્યુ બાદ બાળપણથી જ માતાનો પ્રભાવ રહ્યો હતો. ભાઈકાકાના પ્રભાવમાં આવીને રચનાત્મક કામ કરવાનો શોખ જાગ્યો હતો. સિવિલ એન્જિનિયર બન્યા બાદ ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કરતા રહ્યા હતા. સ્મિતાબહેન સાથે લગ્ન કર્યાના અઢી વર્ષ બાદ સુરેન્દ્રભાઈ પિતા બન્યા ત્યારે જેમના ત્યાં કામ કરતા હતા તે ભાઈએ કહ્યું હતું : ‘લ્યો, તમારા ઘેર તો લક્ષ્મીજી પધાર્યા ! પહેલી દીકરી આવી, પૈસા આવશે !’

એ દીકરીનું નામ રાખ્યું હતું પ્રાચી. તેના જન્મના દોઢ વર્ષ બાદ બીજી દીકરી દેવલનો જન્મ થયો હતો. પ્રાચીના જન્મ સાથે એક જ્યોતિષીના કહેવા મુજબ સુરેન્દ્રભાઈનો ભાગ્યોદય થયો હતો. ત્રીજી દીકરી અસ્તુના જન્મ સાથે ‘વિશાલા’ (હોટલ) નો જન્મ થયો હતો. દીકરીઓના ઉછેર સાથે ‘વિશાલા’ ની લોકપ્રિયતાનો આંક ઊંચે ચઢતો રહ્યો હતો. ત્રણ દીકરીઓ હોવા છતાં સુરેન્દ્રભાઈને ક્યારેય દીકરાનો વિચાર આવ્યો નહોતો. દિવાળીબાના શબ્દો હંમેશા કાનમાં ગુંજતા રહ્યા હતા. ‘આપણા હાથમાં કશું જ નથી……’

જોકે, પોતાના હાથમાં જેટલું હતું, તેટલું તો સુરેન્દ્રભાઈએ હંમેશાં સ્મિતવદને દીકરીઓ માટે કર્યું ! ત્રણેય દીકરીઓને એમણે હંમેશા હિંમત આપી, સાત્વિક ખોરાકનો આગ્રહ રાખ્યો અને જીવનમાં તેમને શું કરવું છે તે બાબતે પણ ક્યારેય દબાણ ન કર્યું, પરિણામે ત્રણેય દીકરીઓ પોતપોતાની રીતે, પોતપોતાના ક્ષેત્રમાં, પોતપોતાની કાબેલિયત પુરવાર કરવામાં સફળતા મેળવી શકી. સુરેન્દ્રભાઈ જ્યારે અમદાવાદથી વીસેક કિલોમીટર દૂર ફાર્મહાઉસમાં રહેતા ત્યારે દેવલ જીપ્સીમાં એકલી ભણવા જતી-આવતી. ક્યારેક રાત્રે મોડું પણ થતું. એકવાર દેવલે સવાલ કર્યો : ‘પપ્પા ! મને રસ્તામાં કંઈ થાય તો !’
‘દીકરી ! તેં ઝાંસીની રાણીનું નામ તો સાંભળ્યું છે ને ?’ સુરેન્દ્રભાઈએ સલાહ આપી : ‘ગાડીમાં એક લાકડી રાખ. જિંદગીમાં મોત એક જ વાર આવે છે, હિંમત ન હારીશ !’ સુરેન્દ્રભાઈની સલાહ દેવલે સ્વીકારી લીધી. પિતાની હિંમતે દીકરીનો આત્મવિશ્વાસ વધાર્યો.

પ્રાચી અને દેવલને નૃત્યનો શોખ હતો. તેમનું આરંગેત્રમ પણ થયું. દિવાળીબાનો પ્રભાવ ત્રણેય દીકરીઓ પર, છતાં સૌથી નાની દીકરી પર અધિક. ત્રણેયનો સ્વભાવ સેવાભાવનો. દેવલ તો કોઈના હક્ક માટે લડતાં અચકાય નહિ એવી. પરંતુ થોડીક તડફડમાં માનનારી ખરી. જોકે કોઈની મદદ કરવાનો વખત આવે ત્યારે પોતાનું કામ પડતું મૂકીને દોડી જાય. સ્મિતાબહેનને દિવાળીબાની સેવા કરતાં ત્રણેય દીકરીઓએ જોયેલાં, તેથી જ તેમનામાં એ ગુણ ઊતર્યા !

નવરાત્રિ દરમિયાન પ્રાચીનો પરિચય પરેશ સાથે થયો. પ્રાચી અને પરેશે લગ્ન વિશે વિચાર્યું. પ્રાચીએ એકવાર સુરેન્દ્રભાઈને કહ્યું : ‘પપ્પા ! મારે એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવવી છે !’
‘તો કરાવને !’ સુરેન્દ્રભાઈ સમજી ગયા. પરેશ પટેલ તો તેમને મળતાં જ ગમી ગયાં. તેમના જન્માક્ષર પણ મળી ગયા. ઈન્ટિરિયર ડિઝાઈનર પરેશ અને પ્રાચીનાં લગ્ન થયાં. પ્રાચીના લગ્ન વખતે ‘વિશાલા’ નો સ્ટાફે ખડાપગે ઊભા રહીને કામ કર્યું. સુરેન્દ્રભાઈને એ વખતે તો નહિ, ત્યારબાદ પણ ક્યારેય દીકરાની ખોટ ન વરતાઈ. દેવલના બિઝનેસમેન પ્રણવ સાથે અને અસ્તુના મુંબઈમાં ટેક્ષટાઈલની ફેકટરી ધરાવતા ચિરાગ સાથે લગ્ન થઈ ગયાં.

દીકરીઓના લગ્ન બાદ ઘરમાં ખાલીપો લાગવ માંડ્યો. ભલે, સુરેન્દ્રભાઈ તો તેમના લગ્ન પહેલાં જ વિચારતા હતા કે એકને એક દિવસે દીકરીઓએ સાસરે જવું જ પડતું હોય છે ! મહેમાનોના ગયા બાદ પણ તેમની ગેરહાજરીનો અહેસાસ થતો હોય તો દીકરીઓ તો…. બાળપણથી માંડીને જુવાની સુધી, બાપની સામે જ હોય છે. દીકરીના જન્મ સાથે જ બાપના મસ્તકમાં એક ચેનલ શરૂ થઈ જાય છે કે…. દીકરી કેવી હશે ? રૂપાળી હશે કે કદરૂપી હશે ? નાજુક હશે ? હોશિયાર બનશે ? કેવું ભણશે ? તેને કેવી સખીઓ મળશે ? ધાર્મિક બનશે ? લગ્ન બાદ તેને કેવું સાસરિયું મળશે ? સુખી તો થશે ને ? સુરેન્દ્રભાઈના મસ્તકમાં અનેકાનેક સવાલો ઉદભવ્યા હતા અને ધીમે ધીમે તેના મનોમંથમાં છવાયેલા રહ્યા હતા.

ઘરમાં જે બને છે તે દીકરા-દીકરીઓ માટે દર્પણ બની રહે છે. માતાપિતાનાં વ્યવહાર-વર્તણૂંક જોઈને જ દીકરા-દીકરીઓ શીખે છે. સુરેન્દ્રભાઈએ આ વાતને સહજતાથી સ્વીકારી લીધી હતી. એમણે અને એમની પત્નીએ જે કંઈ એમની બા માટે કર્યું હતું, તેમાંથી દીકરીઓ કંઈક શીખે અને જેમના ઘેર પરણીને જાય તેમના માટે કંઈક કરી છૂટવા વિચારે !

દીકરીઓનાં લગ્ન વખતે મોટાભાગનાં માતાપિતાની માનસિક સ્થિતિ એક સમાન હોય છે – એક તો આપણે ત્યાંથી જાય છે તેનું દુ:ખ અને બીજું, જ્યાં જાય છે ત્યાં સુખ નહિ મળે તો તેની ચિંતા ! સુરેન્દ્રભાઈ અને એમનાં પત્ની સ્મિતાબહેન પટેલે પણ આવી જ કોઈ માનસિક સ્થિતિમાં સામનો કર્યો હતો. ભલે, જાણતા હોઈએ અને સ્વીકારતા હોઈએ છતાં દીકરીઓના સાસરે ગયા બાદ ઘર ખાલી ખાલી લાગે ! દીકરીઓ સાથે વીતાવેલી એકએક ક્ષણ આંખો સામેથી ચલચિત્રની પટ્ટીપેઠે સરકી જતી દેખાય. દીકરીઓમાં પ્રેમ, લાગણી અને સહનશીલતાના ભાવ અધિક હોય છે. એ ભાવમાં તરબોળ બનીને, મા-બાપ સાથે વર્તે છે. સુરેન્દ્રભાઈને હંમેશા દીકરીઓ સાથે વિતાવેલી પળોનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ક્યારેક તેઓ સૂનમૂન બની કામમાં વ્યસ્ત થવા મથ્યા કરે છે તો…. ક્યારેક આંખોમાં આંસુનાં તોરણો બાંધીને, સ્મરણો વાગોળતા રહ્યા છે….

ત્રીજી દીકરી અસ્તુનાં લગ્ન થયાં ત્યારે….. સુરેન્દ્રભાઈના હૃદયને બે વાતો સ્પર્શી ગઈ હતી. પ્રાચી અને દેવલ બાદ અસ્તુ પણ સાસરે જતી રહેશે ? અસ્તુના સસરાને ગદગદિત સ્વરમાં કહ્યું હતું : ‘મારી દીકરીની ભૂલ થાય તો મને કહેજો, પણ તેને સાચવજો…’ અને બીજી વાત – મેં જ લગ્ન ન કર્યાં હોત તો આજે કોઈ જીવને દુ:ખી કરવો ન પડ્યો હોત !

બે દિવસ સુધી તો સુરેન્દ્રભાઈ ગંભીર રહ્યા હતા, દીકરીઓ સાથે ફોનસંપર્ક કરી હૃદયને સમજાવતા રહ્યા હતા અને દિવાળીબાના શબ્દોને વાગોળતા રહ્યા હતા : ‘આપણા હાથમાં કશું જ નથી, બધું જ ઈશ્વરને આધીન છે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાન લીલું જોયું ને….. – ડૉ. પ્રદીપ પંડ્યા
માવડિયો – અલતાફ પટેલ Next »   

20 પ્રતિભાવો : પ્રાચી – સુરેન્દ્ર પટેલ

 1. NEETA KOTECHA says:

  Khub j saras. jyare gar na vadilo triji dikri na janam vakhte aatli sari vato vahu sathe kare e vahu nasibdar k jene aavu sasru maliu. vachta vachta kyare aakho bhini thai gai khabar j n padi.
  Neeta kotecha

 2. beena patel says:

  very nice. we have to accept whether it’s boy or girl equally as nice god gift.like in this true story elderly person should have this balanced attitude so the next generation will follow the same.

 3. Chetan Khatri says:

  I am really surprise d that for such a wonderful article, and there is only two responses and that also from Female. Atleast writer would have expected more response from men.

  The article is very good. got tears in my eyes. I also have one daughter. and what writer has gone thru, a father of daughter is always going thru, worried about her life after marriage. And born of third Baby girl after 2 girl, and the way Diwali ba has wished her daughter-in-law, is really appreciated. Really good attitude. Boy or girl, both are equal and important for parents.

  My Best wishes to Surendra Patel for this wonferful article. All the Very Best.

  Chetan Khatri

 4. Dipika says:

  We are just instrument to bring the child in this word, GOD create it so we do not have right to do anything wrong with girl or boy. It’s GOD’s gift. GOD does a lots of work day and night to create one child. our duty is just to give love and love, good path of life, good thoughts to them. we (parents) are not owner of child even we give a born to child.

 5. chetna bhagat says:

  આપણે એક વાત યાદ રાખવા જેવી છે કે સન્તનો ને મિલકાત ના વારસા કરતા..સ્ન્સકારો નો વારસો ભરપુર આપવો જોઈએ..દીકરી હોય કે દિકરો એમની કેળવણી સમાનતા થી થવી જોઈઍ…

 6. Komal says:

  Very very nice!!!!

 7. yogesh says:

  superb article. Vishala has been one of my favorite place to dine but did not know about the man behind it and his personal turmoil regarding his daughters. I think thats why the hospitality of his staff reflects his own emotional nature.
  thanks

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.