માવડિયો – અલતાફ પટેલ

story[‘ગુજરાત’ સામાયિક. માહિતિ નિયામક ખાતું, ગાંધીનગર. ગુજરાત સરકાર તરફથી સાભાર. ]

ઑફિસેથી સાંજે આવીને રક્ષકે જોયું તો બા ખુરશીમાં એકદમ સૂનમૂન બેઠેલાં. રક્ષક કીચનમાં જઈ જોઈ આવ્યો તો બાએ કશું જ ખાધું નહોતું. એ તુરત બાનાં ચરણો પાસે નીચે બેસી ગયો.
‘બા, તમે આખો દિવસ જમ્યા નહીં ? તમને કેટલી બધી અશક્તિ આવી જશે. તમે સહેજે ચિંતા ના કરો. મેં આજદિન સુધી તમારી કોઈ વાત ઉથાપી નથી. તમે કહેશો એ જ પ્રમાણે કરીશ. મારા પર વિશ્વાસ તો છે ને….’
ગંગાબાના ચહેરા પર સ્મિત ફરકી ગયું. તેમણે રક્ષકના માથે હાથ ફેરવ્યો. રક્ષકે તેનો લન્ચબોક્ષ બતાવ્યો.
‘જો બા, મેં પણ સવારથી કશું જ ખાધું નથી. ચાલ હવે આપણે બંને સાથે જમી લઈએ. હું ટેબલ પર બધું ગોઠવી દઉં છું.’

રક્ષકે ઝડપથી ટેબલ ગોઠવી દીધું. એનેય કકળીને ભૂખ લાગી હતી. સવારે ઑફિસે જતાં બાને નારાજ કરતાં તેનો જીવ કપાતો હતો પણ એના માથેય સંકટનાં વાદળો ઘેરાયાં હતાં. તે નિ:સહાય, નિરુપાય બની ગયેલો. તેને પરણવું હતું મોક્ષાને કે જેના પ્રેમમાં તે છેલ્લાં પાંચ વર્ષથી ગળાડૂબ હતો. તેના વિનાની જિંદગી તેને અસહ્ય લાગતી હતી. મોક્ષા હતી પણ એવી જ. એના સૌંદર્યમાં શીલની સુગંધ હતી. હરણ જેવી આંખોમાં સુગંધનો સુરમો હતો. તે બોલતી તો જાણે વીણાના તાર ઝણઝણી ઉઠતા. એ મોક્ષા દિવસે દિવસે ઉતાવળી બની હતી. તેના રૂપને વારી ગયેલાઓનાં સારાં સારાં માંગા આવતાં હતાં. છેલ્લે અઠવાડિયે તો અમેરિકાથી આવેલા ડૉકટરે તેના માટે માગણી મૂકી હતી. એટલે જ મોક્ષા રક્ષકને હવે આગ્રહ કરી વીનવી રહી હતી.
‘રક્ષક, હવે તમે બાને સમજાવો. મારાં મમ્મી-ડેડી રાત દિવસ મારી ચિંતા કર્યા કરે છે. હું ગમે તેમ સમજાવીને મનાવી લઉં છું. મારાં મમ્મી ડેડી તમને પસંદ કરે છે પણ જ્યાં સુધી તમારી બા સંમતિ ન આપે ત્યાં સુધી કશું જ શક્ય નથી. કંઈક તો રસ્તો શોધી કાઢો અથવા મને મુક્ત કરો રક્ષક…. સહનશીલતાની પણ કોઈ હદ હોય…’
મુક્ત કરવાની વાત આવી ને રક્ષક ભડક્યો. કોઈ પણ સંજોગોમાં મોક્ષા તો હાથમાંથી જવી ન જોઈએ. એના વિના જીવવું આકરું થઈ પડે. એણે મોક્ષાને હિંમત ને આશ્વાસન આપ્યાં : ‘હું બાને મનાવી લઈશ… બાને ચોખ્ખું કહી દઈશ કે ગામડાની છોકરી સાથે હું જીવન નીભાવી ન શકું. બા એ વર્ષો પહેલાં અમારા ગામની એમની બહેનપણીને એમની દીકરી પ્રિયા માટે મારા લગ્નનું વચન આપ્યું એટલે બા એ વચન તોડવા તૈયાર નથી.’

મોક્ષાએ શંકા વ્યકત કરી : ‘એવું તો નથી ને રક્ષક કે તમે પ્રિયાને જોઈ હોય અને તે મારાં કરતાં વધારે રૂપાળી હોય એટલે બાનું બહાનું બતાવી મને ટાળી રહ્યાં હોય….જે મનમાં હોય તે સ્પષ્ટ કરજો. મારા તરફથી તમને સંપૂર્ણ મુક્તિ છે.’
પસીનાનાં બુંદ મોક્ષાના ચહેરા પર હીરા માણેકની જેમ ચમકી ઉઠયાં. રક્ષકે તેને ગળે વળગાડી લેતાં કહ્યું : ‘બસ આટલો જ મારા પ્રેમ ઉપર વિશ્વાસ મોક્ષા…. તું નહીં માને મેં આજથી આઠેક વર્ષ પહેલાં પ્રિયાને એક લગ્ન પ્રસંગમાં જોયેલી ત્યારથી મેં એને જોઈ નથી કે ન એણે મને જોયો છે. બાને પૂછ્યું તો એનેય પ્રિયાનો ચહેરો યાદ નથી છતાં આગ્રહ કરે છે. તને તો ખબર છે. બા એ કેટકેટલાં દુ:ખો વેઠીને મને મોટો કર્યો, મને ભણાવ્યો, એને સહેજે દુ:ખ થાય તેવું કશું કરી શકું નહીં કે એની વાતને ઉવેખી શકું નહીં…. પણ હું કોશીશ ચોક્કસ કરીશ…. મને પૂરેપૂરી શ્રદ્ધા છે. બાને મનાવી લઈશ….’
‘આ છેલ્લીવાર રક્ષક….મારે આ એક અઠવાડિયામાં જ જવાબ જોઈએ. હા કે ના… નહીં તો હું મારો રસ્તો શોધી લઈશ એટલે કે મમ્મી ડેડી કહેશે ત્યાં પરણી જઈશ. પછી મને દોષ દેશો નહીં.’

રક્ષકની મુંઝવણ વધી હતી એટલે આજે સવારે ઑફિસે જતાં જતાં ગંગાબાને તેણે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. પણ ગંગાબા જીદે ચઢેલાં : ‘શહેરની છોકરીઓનો બેટા ભરોસો નહીં. એ મારી હાજરી વખત જતાં સાંખી નહીં શકે. આપણા બંનેનું જીવવું દોહયલું કરી નાંખશે. પ્રિયાને ભલે જોયે પાંચ વર્ષ થયાં પણ એ ગામડાની સંસ્કૃતિની છે. ઘણાંના મોઢે એનાં વખાણ સાંભળ્યાં છે. એના બા-બાપૂજી પણ ખૂબ સંસ્કારી છે એટલે મને આ સંબંધ મારે ટકાવી રાખવો છે દીકરા….’
‘…..પણ બા, તમે સમજતાં કેમ નથી. મેં મોક્ષાને લગ્નનું વચન આપ્યું છે. એ મારા વગર અને હું એના વગર જીવી શકું તેમ નથી. આમ બોલતાં શરમ અને ક્ષોભ અનુભવું છું પણ તમને કીધા વિના છુટકો નથી. તમે જ કોઈ રસ્તો બતાવો બા….. તમારો ન્યાય મને માન્ય છે. તમારાથી વધીને દુનિયામાં મારા માટે કશું જ નથી….’
ગંગાબાની આંખ ભીની થઈ ગઈ. એ બોલ્યાં : ‘બાને દુ:ખી કરીશ તો ચાલશે બેટા, મોક્ષા સાથે તારે જન્મારો કાઢવાનો…. હું તો કેટલા દિવસ જીવવાની….’

બસ બા એ વાત પર રીસાઈ બેઠેલાં તે આખો દિવસ જમ્યાંય નહીં. હમણાં માંડ માંડ જમાડીને સુવડાવ્યાં. એ મોડી રાત સુધી બાના પગને રોજની જેમ તેલથી હળવું માલીશ કરતાં કરતાં જાગતો બેસી રહ્યો. પણ એ દરમિયાન એના મગજમાં એક વિચાર ઝબુક્યો અને તેનો અમલ કરતા તે ઉતાવળો થયો.

બીજે દિવસે વહેલી સવારે એ મોક્ષાને મળ્યો. પદમના પુષ્પ જેવું પ્રભાત ઉઘડી રહ્યું હતું. સૂરજનાં કિરણો સોનાના રસે ધરતીને ઘમરોળતાં હતાં. સહસ્ત્ર કિરણોનું પાન પીતી પૃથ્વી પુલકિત બની હતી. એવા સુંદર વાતાવરણમાં ડેનીમ જીન્સ અને ચોકલેટી ટોપમાં મોક્ષા સ્કુટી લઈને આવી હતી. એના વાળ નાયગ્રા ધોધની લયમાં ગોઠવાયેલા હતા. ઘડીભર તો રક્ષક એને અપલક તાકતો જ રહ્યો. પછી હળવેકથી એણે મોક્ષાનો હાથ પસારતાં કહ્યું :
‘મોક્ષા, એક રસ્તો મને સુઝે છે…. બસ તારી સહાયની જરૂર છે. આપણું કામ ઈશ્વરને ગમશે તો પાર પડશે.’
‘બોલો રક્ષક, તમે કહો તે કરવા તૈયાર છું. મારી એમાં તે કાંઈ સંમતિ લેવાની હોય ?’
‘જો બા એ તને કે પ્રિયાને હજુ સુધી જોઈ નથી…… વળી બાને દેખાય છે પણ ઝાંખુ. કાલે ઑફિસમાં રજા છે. તું એકલી તારી રીતે મારા ઘેર આવજે. હું બાને કહીશ કે ગામડેથી પ્રિયા આવી છે. તું એમની એવી સેવા કરજે કે તને છોડે જ નહીં…. બસ હું કહું તેમ કરતી જા મોક્ષા….. આવતી કાલે સવારે નવેક વાગે આવી જજે. રસોઈ પણ તું જ બનાવજે. તેને રસોઈ કરતાં તો આવડે છે ને કે ઓહિયાં…’
મોક્ષાએ રક્ષકની કૂખમાં કોણી દબાવી. ‘પણ રક્ષક, બાને છેલ્લે ખબર પડી જાય તો એમનું દિલ કેટલું દુભાશે તેનો તમને ખ્યાલ છે. આપણે કરેલી છેતરપીંડી એ કદી માફ નહીં કરે. હું બાને છેતરવા તૈયાર નથી.’
‘જો મોક્ષા એમાં કોઈ છેતરપિંડી નથી. મારી બા આગળ માફી માંગી લઈશ. છેવટે મારી બાનું હૃદય ખૂબ વિશાળ છે એ હું જાણું છું. એ પછી ના પાડશે તો આગળ વિચારીશું….. અરે હા, તું પર્સમાં કંઈક હતું તે મને બતાવવા માગતી હતી ને….’
મોક્ષાએ પર્સમાંથી બે ફોટા કાઢી સામે ધર્યા. રક્ષક બંને ફોટા જોઈ ગલવાઈ ગયો. તેનો ચહેરો સાવ ધોળી પૂણી જેવો થઈ ગયો. ‘તમને ફોટા બતાવીને ડરાવવાનો ઈરાદો લેશમાત્ર નથી. આ તો મમ્મી-ડેડીએ મને આગ્રહ કરી આપ્યા છે… આ બંને મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે. એક ડૉકટર અને એક ઍન્જિનિયર છે….’
‘તારી નજર કોના પર ઠરે છે મોક્ષા ? અમસ્તું જ પૂછું છું.’
મોક્ષાના કપાળે કરચલીઓ વળી ગઈ. તેણે એક ઊંડો શ્વાસ ખેંચી કહ્યું : ‘એકે પર નહીં. પણ તમારો વિલંબ મને અકળાવી મૂકે છે. મારાં મમ્મી-ડેડીના ઉચાટથી હું ગભરાઈ ગઈ છું. હું માત્ર મારા સ્વાર્થ ખાતર એમની બલી ન ચઢાવી શકું. તમે જાણો છો ને ડેડીને બે એટેક પહેલાં આવી ચૂક્યા છે.’

મોક્ષાની વાતથી ઘડીક નિસ્તબ્ધતા છવાઈ ગઈ. રક્ષક ગળગળો બની ગયો. તેણે છુટા પડતાં મોક્ષાને માથે હાથ મૂકી એટલું જ કહ્યું : ‘મેં કહ્યું તેમ આપણે છેલ્લો પ્રયાસ કરી જોઈએ. સફળ થઈએ તો આપણું નસીબ મોક્ષા નહીં તો…..’ ને ભારે હૈયે મોક્ષાને વિદાય આપી રક્ષક ઘરે આવ્યો.

બીજે દિવસે સવારે નવ વાગ્યાની રક્ષક પ્રતિક્ષા કરવા માંડ્યો. ત્યાં તો નવના ટકોરે યલો સાડીમાં મોક્ષા ઉંબરે આવી ઉભી. રક્ષકે અજાણ્યાં બની બા સાંભળે તેમ પૂછ્યું : ‘તમને ઓળખ્યા નહીં !’
‘હું પ્રિયા….દેવપુરથી આવું છું….’
પ્રિયા અને દેવપુરનું નામ સાંભળતાં જ ગંગાબા નજીક આવી મોક્ષાનો હાથ પકડી ઘરમાં ખેંચી લાવ્યાં. સોફા પર બેસાડી તે ધારી ધારીને મોક્ષાને જોવા લાગ્યાં. પછી ગામમાં બધાંની ખબર પૂછી.
‘અહીં આવ મારી પાસે રક્ષક…’ ગંગાબાએ રક્ષકને પાસે બોલાવી તેનો કાન પકડ્યો.
‘જો મારા વ્હાલા દીકરા…. આ છે પ્રિયા… કેટલી સુંદર ને સુશીલ છે….. આ છોકરીને તોલે પેલી તારી શહેરવાળી છોકરી આવી શકે ?’
મોઢું કટાણું કરીને રક્ષક બોલ્યો : ‘બા, તમને તો બધી છોકરીઓ પરી જ લાગવાની. મને તો મોક્ષા જ ગમે છે. ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું….’
ગંગાબાએ પ્રિયાને માથે હાથ ફેરવ્યો : ‘ખોટું ના લગાડતી બેટા, મારા આ દીકરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તું આવતી જતી રહીશ તો એની મેળે લાઈન પર આવી જશે.’

મોક્ષાથી એ સાંભળી હસી પડાયું. ગંગાબાએ તીણી નજરે નોંધ લઈ આશ્ચર્ય વ્યકત કરતાં કહ્યું : ‘જો બેટા, પ્રિયાનું મન કેટલું મોકળું છે….. તેણે તારી વાતને સહેજે ગંભીરતાથી લીધી નથી. આવી હૃદયની વિશાળતા ગામડાના લોકોમાં જ હોય. જરા સમજ… ચાલ હું ઝડપથી મારી પ્રિયા માટે રસોઈ બનાવું.’ કહેતાં ગંગાબા ઊભાં થયાં ને સાથોસાથ મોક્ષા પણ ઊભી થઈ ગઈ.
‘બા, તમે શાંતિથી મારી પાસે બેસજો. આજે મારા હાથની રસોઈ રક્ષકને ને તમને ખવડાવીશ. મારા હાથનું જમશે તો રક્ષક આંગળાં ચાટતા થઈ જશે.’
‘બસ બેટા, એવું તું કર કે મોક્ષાનું નામ જ લેવાનું છોડી દે. મારા દીકરાનું મગજ આ છોકરીએ બગાડી નાંખ્યું છે નહીં તો મારો દીકરો લાખોમાં એક છે. મારા કીધા વિના તસુએ પગલું ભરે નહીં.’

પ્રયોગ સફળતાની દિશામાં આગળ ધપી રહ્યો હતો. બા સ્ટોર રૂમમાં કંઈક લેવા ઉપરના માળે ગયાં ને રક્ષક કીચનમાં પહોંચી ગયો. કીચનમાં વ્યસ્ત મોક્ષાને પાછળથી ઢંઢોળી : ‘તું તો યાર જબરી એક્સપર્ટ છે… બા પર તેં તો જબરી ભુરકી નાખી દીધી છે. પહેલી મુલાકાતમાં જ તારા પર વારી ગયાં…..’
‘સારું સારું, જરા ધીમે બોલો…. બા સાંભળી ગયા તો આખી બાજી ઊંઘી વળી જશે. જો સાંકળ ખખડી…’
રક્ષક ભડકીને કીચનની બહાર નીકળી ગયો.
‘કેમ બેટા, રસોડામાં ભમરાની જેમ આંટા મારે છે ? પ્રિયા ગમવા માંડી લાગે છે…’
‘જરાય નહીં બા, આ તો એને માળીયેથી ડબ્બો ઉતારવો હતો એટલે મદદમાં આવ્યો.’

ને બરાબર કલાકે બધી રસોઈ મોક્ષાએ તૈયાર કરી નાંખી. બધા સાડા અગિયારે સાથે જમવા બેઠા. કોળીયે કોળીયે મોક્ષાની રસોઈનાં વખાણ કરી રહ્યાં હતાં તે રક્ષક જાણી જોઈને બા ને હળવેકથી ચીડવતો હતો : ‘રસોઈ ઠીક છે. આનાથી તો બા તમારા હાથની રસોઈ વધારે સારી બને છે. તમને તો પ્રિયા એટલી પ્રિય છે કે તેનાં જ વખાણ કરવાનાં. એમાં કંઈ નવી વાત નથી…’
ટેબલ નીચેથી મોક્ષાએ ધીમેથી રક્ષકને લાત મારી.
ગંગાબા હસતાં હસતાં મોક્ષા તરફ જોઈ બોલ્યાં : ‘માવડીયો છે… મારા હાથનું જ એને વધારે ભાવે પણ દીકરા ધીમે ધીમે તારે પ્રિયાની રસોઈથીયે ટેવાવું તો પડે ને…..’

રક્ષક આંખોથી મોક્ષાનો રુપાળો ચહેરો તાકતો રહી ગયો. એમ કરતાં કરતાં સાંજના ચાર થવા આવ્યા એટલે મોક્ષા તૈયાર થઈ ગંગાબા પાસે આવી.
‘બા, હવે હું નીકળું. બા ચિંતા કરતી હશે. બસનો સમય પણ થઈ ગયો છે.’
‘દીકરી, તું આવી એટલે મારું મન પ્રસન્ન થઈ ગયું. આવતા રવિવારે ફરી આવજે ને સાથે બાને પણ લેતી આવજે. બહેનપણીઓ ઘણા વર્ષોથી મળી નથી. એ આવે તો દીવાળી પછી તમારા બંનેનું ગોઠવી નાંખીએ. નહીં તો આ મોક્ષાની પાછળ દીવાનો થઈ ફર્યા કરશે. અને તું ય રખડી પડીશ. આ શહેરની છોકરીઓની ચાલાકી તને ખબર નથી પ્રિયા… સીધી કોર્ટમાં લગ્ન કરી લે છે.’
મોક્ષાથી આ વખતે ખરેખર હસી પડાયું.
‘જા પ્રિયાને સ્ટેન્ડ સુધી મૂકી આવ. મારું મોઢું શું તાક્યા કરે છે….’
‘બા, તમે જઈ આવો. મારા પગમાં કળતર થાય છે.’ ફરી એકવાર રક્ષકે ટીખળ કર્યું.
ગંગાબાએ રક્ષકના માથે હાથ મૂક્યો : ‘જા બેટા, મહેમાન સાથે સદવર્તન કરાય આમ તરછોડાય નહીં….’

ને ગંગાબાએ આગ્રહ કરી રક્ષકને મોક્ષા સાથે મોકલ્યો. રસ્તામાં બંને એક બીજાને તાળી પાડતાં બોલ્યાં : ‘શો ફલોપ થાય એવું હમણાં તો નથી લાગતું પછી ઈશ્વરની મરજી. આવતા રવિવારે ફરી એકવાર પ્રોગ્રામ ગોઠવીશું…ઓકે….’ મલકાતાં મલકાંતાં બંને છુટાં પડ્યાં. સ્ટેન્ડેથી રક્ષક ઘરે આવ્યો ને ગંગાબાની પ્રસન્નતા નો પાર રહ્યો નહીં. રાત્રે પણ મોડે સુધી એ પ્રિયાનાં જ વખાણ કરતાં રહ્યાં. ને રક્ષક મનોમન પોરસાતો રહ્યો. પથારીમાં પડ્યે પડ્યે ક્યાંય સુધી મલકાતો રહ્યો…….એ પછી તો મોક્ષા અઠવાડિયામાં તો એકાદવાર ઘરે આવવાનું ચૂકતી જ નહોતી ને ગંગાબા તો એટલાં ખુશ હતાં કે આગ્રહ કરીને મોક્ષાને તેડાવતાં.

પણ એક બપોરે રક્ષક ઑફિસેથી ઘરે બાની તબિયત રાતથી બગડી હતી એટલે ડૉકટરે લખી આપેલી હતી એ દવા લઈને આવ્યો ત્યારે મોક્ષા મહેમાનો સાથે બહાર ગઈ હતી એટલે આવી શકી નહોતી. રક્ષકે બાને થોડો નાસ્તો કરાવ્યો. ફળ ખવડાવ્યાં ને પછી દવા આપી સુવડાવ્યાં જ હતાં ને ત્યાં ડોરબેલ વાગી. બાની ઊંઘમાં ખલેલ ન પહોંચે એટલે દબાતા પગલે જઈ રક્ષકે દરવાજો ખોલ્યો તો એક આધેડ વયની સ્ત્રી અને એક છોકરી ઊભેલાં.
‘ગંગા છે ?…… હું એમની બહેનપણી રત્ના અને આ છે મારી દીકરી પ્રિયા… દેવપુરથી આવ્યાં છીએ.’ પ્રિયાનું નામ સાંભળતાં જ રક્ષકના પેટમાં ધ્રાસકો પડ્યો. ગંગાબા રત્નાનું નામ પડતાં જ સફાળાં બેઠાં થઈ ગયાં. રત્નાને પાસે બોલાવી ગળે વળગી પડ્યાં. બંનેની આંખમાં હરખનાં અશ્રુ તગતગી રહ્યાં.
‘જો બેટા, આ મારી ખાસ બહેનપણી રત્ના…. અમે સાથે જ ગામમાં રમેલાં, ભણેલાં ને મોટાં થયેલાં….’ ત્યાં તો ગંગાબાની નજર પેલી છોકરી પર પડી ને કંઈક દ્વિધા સાથે પૂછી રહ્યાં : ‘આ છોકરી કોણ છે રત્ના…?’
‘ઓળખી નહીં ? પ્રિયા છે પ્રિયા, તમારી પકુડી….’

ગંગાબા ફાટી આંખે ઘડીક પ્રિયા તરફ ને ઘડીક રક્ષક તરફ તાકી રહ્યાં. રક્ષક નીચે મોઢે સ્થિતપ્રજ્ઞ ઉભો રહ્યો. દાતરડાની ધાર જેવી પ્રતીતિ તેને થઈ રહી હતી અને એમાં એનો જીવ કાચા ડૂંડાની માફક વઢાઈ રહ્યો હતો.

પ્રિયા કશું ય બોલ્યા વિના ટીવી ચાલુ કરીને સોફા પર ગોઠવાઈ ગઈ. મધ્યમ કદની, દૂધ-ઘી ખૂબ ખાધાં હશે એટલે શરીર પણ ફૂલીને દડા જેવું થઈ ગયેલું. સોફા પર બેસવાની ને હસવાની અદા સાવ ગમાર જેવી. રક્ષક ધ્રૂજી ઉઠ્યો. તેના અંગે અંગમાં કંપારી આવી ગઈ. એક વિરાટ ધમ્મરવલોણું એના મગજમાં ફરતું રહ્યું અને એમાં એ વલોવાવા લાગ્યો.

બા મહેમાનો માટે રસોઈની તૈયારી કરવા ઉતાવળાં થતાં હતાં ને રક્ષકે તેમને રોક્યાં. બા તમે બંને ઘણા વર્ષે મળ્યાં છો… નિરાંતે વાતો કરો. હું બહારથી જમવાનું લઈ આવું છું…..
રત્ના રક્ષક સામે સ્મિત વેરતાં કહે : ‘દીકરો તારો ખાસ્સો મોટો ને સમજદાર છે. શહેરની છાંટ તો ક્યાંય દેખાતી નથી. હું તો આ બંનેના લગ્નનું ઝડપથી ગોઠવવા માટે જ આવી છું. ક્યાં સુધી બેસી રહેવાનું ગંગા….’ એ સાંભળી ગંગાબા ઘડીક ગંભીર બની ગયાં. રક્ષકનો ઉચાટ વધવા માંડ્યો. તે ઝડપથી ટીફીન લઈ બહાર નીકળી ગયો.

‘આપણી પોલ ખૂલી ગઈ છે….’ એ બાતમી આપવા વ્યાકુળ બનેલો રક્ષક કેટલીયેવાર સુધી મોક્ષાનો નંબર જોડતો રહ્યો પણ સ્વીચ ઑફનો સંદેશો મળ્યો ત્યારે તે ખરેખર ખૂબ નિરાશ થયો. રેસ્ટોરન્ટમાંથી ટીફીન ભરાવી તે ઘરે પાછો ફર્યો. રત્નામાસી ને પ્રિયાને જમાડ્યાં. ગામની, પ્રિયાની ઘણી વાતો થઈને છેક સાંજે બંનેને રક્ષક એસ.ટી બસમાં બેસાડી આવ્યો ત્યારે બા નો ભારેખમ ચહેરો જોઈ તે ચૂપચાપ ટીવી જોવા બેસી ગયો.

‘હમણાં જ મોક્ષાને બોલાવ, એ એના મનમાં સમજે છે શું ?…. મને મૂરખ…..’ બા ના અવાજમાં રુક્ષતા હતી. વેદના છલકાતી હતી.
‘બા, એનો ફોન બંધ છે… મોડેથી પ્રયત્ન કરી જોઈશ.’ હજુ રક્ષકનું એટલું બોલવું જ હતું ને આશ્ચર્ય વચ્ચે ધીમેથી દરવાજો ખોલીને મોક્ષા આવી ગઈ. બાને પગે લાગી. વાતાવરણની ગંભીરતાનો મોક્ષાને ખ્યાલ આવી ગયો. તેણે ધીમેથી બગલથેલામાંથી એકે પેકેટ ગંગાબા સામે ધર્યું.
‘બા, તમારા માટે ગરમ શાલ લાવી છું. આ શાલ કેટલી જૂની થઈ ગઈ છે.’

ગંગાબાએ પેકેટ બાજુએ ફેંકી દીધું. એટલે મોક્ષાને પાક્કી ખાતરી થઈ ગઈ કે કંઈક અજુગતું બન્યું છે. તેનું હૃદય ધડકવા માંડ્યું. તે રક્ષક સામે જતી જ હતી ને ગંગાબાએ હાથ પકડીને પાસે બેસાડી દીધી.
‘ત્યાં ક્યાં જાય છે ? તારે મારી પાસે જ હંમેશા રહેવાનું છે, સમજી. તારા બાપુજીને મળવા આપણે બધા સાજે જ જઈશું. હવેથી બધાં નાટકો બંધ…. પહેલા દિવસથી જ તને હું ઓળખી ગઈ હતી. મારી આંખોનું તેજ હજુયે અકબંધ છે સમજ્યા…’
‘માફ કરજો બા, અમારી પાસે કોઈ રસ્તો નહોતો એટલે અમારો આ છેલ્લો પ્રયત્ન કરવાની ફરજ પડી…’ ગંગાબાએ બંનેના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા ત્યારે ત્રણેની આંખોમાંથી હરખનાં અશ્રુ સરી પડ્યાં. અણકલ્પ્યો ઉત્સાહનો ઓચ્છવ છવાઈ ગયો.

‘મેં નહોતું કહ્યું મોક્ષા, મારી બાની તોલે કોઈ ના આવે…..’
મોક્ષાએ રક્ષકની સમીપ સરકી કાનમાં હળવેકથી, મીઠાશથી કહ્યું : ‘તમારા જેવો માવડિયો મેં એકે જોયો નહીં….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રાચી – સુરેન્દ્ર પટેલ
ત્રણ ગઝલો – સંકલિત Next »   

12 પ્રતિભાવો : માવડિયો – અલતાફ પટેલ

 1. NEETA KOTECHA says:

  Altaf bhai
  ”MAVADIYO” varta khub gami. badha samandho ma thodi samjan hoy to dikro koi divas ma ne muke nahi ane ena gamta patra sathe zindgi pan vitavi sake.
  Neeta kotecha

 2. ashalata says:

  good story
  Mani nazarmathi koi chatki shake
  nahi
  goodone
  abhar

 3. Gira says:

  very nice story… thank you…

 4. Chetan Khatri says:

  Jeno ant bahlo aneu badhu bahlu. Good story. Dikro hamesha aavi duvidha mathi pasar thato hoy che. Je maa ae dikra na sukh mate pote dukh vethyu, e dikra mate maa ni upar vat jai ne lagna karva nu kathin che.
  Rakshak sanskari hato atele aa vachet no marg aapnavyo. Baa ae kadach Moksha ane Priya ni sarkhamni pan kari hase, Moksha rasoi banavi ne jamdya, pan priya malva aavi to rasoi banava baa ne help karva ne badle TV jova besi gai.
  Baa ae Rakshak ne samnati aappi moksha jode lagan karva mate te bhau gamyu.

  aabhar.

  chetan khatri

 5. Naresh says:

  Excellent ! Sometomes elders to keep the promise sacrifice the life of Kids and at a time two life will get spoiled.

 6. hardik pandya says:

  wah !!!

 7. Rashmita lad says:

  aavo mavdiyo pati mane gamshe.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.