દીકરી દેવો ભવ – પૂ. મોરારીબાપુ

મહુવામાં હોઉં ત્યારે મારા રોજના ક્રમ પ્રમાણે, મારે ગામ તલગાજરડા, ચિત્રકૂટ ધામથી રામવાડી સુધી ગામ વચ્ચેથી પસાર થવાનું, જેથી બધાં મને મળી શકે, હું બધાંને મળી શકું. હમણાં રામવાડી જતો હતો ત્યાં ગામને છેડે થોડાં ભાઈ, બહેનો, બાળકો ઊભાં હતાં. એક ભાઈ લગભગ 55 વર્ષની આસપાસની ઉંમરના સજળ નેત્રે ઊભા હતા. મારા સ્વભાવ પ્રમાણે ઊભા રહીને મેં પૂછયું, શું છે બાપા ? જવાબ આપ્યો, બાપુ, કાંઈ નથી. મારી દીકરીનું આણું વળાવીએ છીએ. એ ગઈ એટલે અમે સૌ ઊભાં છીએ. આ વાત સાંભળી, દશ્ય જોઈને મને વિનોદભાઈ (અભિયાન) નું આમંત્રણ યાદ આવ્યું કે, બાપુ, દીકરી વિશે કંઈક લખીને કે બોલીને આપો.

મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.

દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.

મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’ આવી અનુભૂત વાત ગાઈ છે.

દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….

એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો. મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે બેટા, હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું; ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટા ભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.

રામચરિત માનસમાં લખ્યું છે – “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ’ યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.

હા, દેશ, કાળ અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે :
‘દીકરી (દુહિતા) દેવો ભવ’.

તંત્રીનોંધ (રીડગુજરાતી.કોમ) :

આમ તો ‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તક ભાગ્યેજ કોઈ ગુજરાતીના ઘરમાં ન હોય….પણ તેમ છતાં, જો કોઈ અજાણ હોય તો તેને આ પુસ્તક વિશેની થોડી માહિતી આપી દઉં. આ પુસ્તક બે ભાગમાં છે. જેમાં પહેલા ભાગનું નામ ‘દીકરી વહાલનો દરિયો’ છે જ્યારે બીજા ભાગનું નામ ‘દીકરી એટલે દીકરી’ છે. ખૂબ જ ટૂંકા સમયમાં આ પુસ્તકની બાર જેટલી આવૃતિઓ પ્રગટ કરાઈ છે. ભાવનાની ચરમસીમા અને આંખોમાંથી ભલભલાંને અશ્રુધારા વહેવડાવી દે એવું….આ પુસ્તક…. વાંચીએ ત્યારે જાણે એમ લાગે છે કે આપણે ભાગવતના ગોપીવિરહની કથા વાંચીએ છીએ. કેટલાંય લોકોને આ પુસ્તક લગ્ન આદિ શુભ પ્રસંગે ભેટ તરીકે આપતા મેં જોયાં છે. પુસ્તકમાં ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખકો, કવિઓ તેમજ લોકકથાકારો ના જીવનમાં તેમની અને તેમની પુત્રી વચ્ચેના ભાવનાત્મક સબંધોની હ્રદયસ્પર્શી રજુઆત કરાઈ છે. આ પુસ્તક માત્ર વાંચવા અને વસાવા જેવું નહિ, પરંતુ વારસામાં આપવા જેવું છે. આ પુસ્તક વિશે આપને કોઈ માહિતી જોઈતી હોય તો મને લખો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એવી જીદ કેમ ચાલે ? – ચંદ્રહાસ ત્રિવેદી
પુત્રીની મા : સૌથી સુંદરતમ ઘટના – સ્મિતા કાપડિયા Next »   

11 પ્રતિભાવો : દીકરી દેવો ભવ – પૂ. મોરારીબાપુ

 1. manvant says:

  Pujya Bapu ne pranam ane Chiranjivi Shobhna ne Shubhaashish.Kalidasa said : ARTHO HI KANYA PARAKIYA EVA;TAM ADYA SAMPREKSHYA PATI GRUHITUH :
  JAATO MAMAAYAM VISHADAH PRAKAAMAM ;PRATYARPITAM NYAAS IVAANTARAATMAA !!(A GIRL IS OTHER’S ASSET :BY SENDING HER TO HER HUSBAND’S HOUSE,MY LOAD OF WORRIES IS DIMINISHED WITH PEACE AS IF EXCHANGING THE SOULS!).

 2. […] પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ કહે છે કે દીકરી દેવો ભવ! (રીડગુજરાતી પર આ લેખ ખાસ વાંચવા જેવો છે!)  […]

 3. nayan panchal says:

  સુંદર લેખ.

  મેં માત્ર ‘દીકરી વ્હાલનો દરિયો’ જ વાંચ્યુ છે. તંત્રીનોંધ સાથે સંપૂર્ણ સહમત. જો કોઈ વીરલો એક જ બેઠકે આખુ પુસ્તક વાંચી બતાવે તો માની જાઉં.

  નયન

 4. અતુલ જાની (આગંતુક) says:

  જેમ જેમ હું અને મારી દીકરી મોટા થતા જઈએ છીએ તેમ તેમ આ વાતો મને વધુ સમજાતી જાય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.