- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બદલાતા સંબંધો : પિતા પુત્રની દષ્ટિએ – કે.કા. શાસ્ત્રી

[ વિદ્વાન સાહિત્યકાર, સર્જક, સંશોધક તેમજ સારસ્વત એવા શ્રી કે.કા. શાસ્ત્રીનું થોડા દિવસો પહેલા 102 વર્ષની વયે નિધન થયું. તેમણે મોટાભાગે સંશોધનલેખો અને ઉચ્ચ પ્રકારનું ગુજરાતી ભાષાનું કાર્ય કર્યું છે. તેમના સમાજલક્ષી નિબંધોને લગતા એક પુસ્તક ‘નભોવાણી’ માંથી આ એક લેખ તેમને શ્રદ્ધાંજલી સ્વરૂપે સાભાર. ]

આ વિષય આપણી સામે આવતાં તૈત્તિરીય ઉપનિષદની શિક્ષાવલ્લીનું પેલું વાક્ય યાદ આવે છે, જે શિષ્ય અભ્યાસ પૂરો કરી પોતાના ઘર તરફ પ્રયાણ કરવાની આજ્ઞા લેવા આચાર્ય પાસે જાય છે ત્યારે શિક્ષા આપતાં અનેક વચનો કહે છે એમાંનો આ એક ટુકડો છે, જેવો કે – ‘માતૃદેવો ભવ, પિતૃદેવોભવ’ – માતા દેવ છે, પિતા દેવ છે એવી ભાવના કરજે, દેવ જેટલું એમનું સન્માન કરતો રહેજે. ભારતીય ઉપખંડની પ્રાચીન કાલમાં આ એક આગવી લાક્ષણિકતા હતી. આ માટે પણ ભગવાન રામનું ઉદાહરણ લઈ શકાય એમ છે. સંસ્કૃતનું એક સુભાષિત છે કે ‘આજ્ઞા ગુરૂયામવિચારણીયા’ – ગુરુજનો-વડીલોની આજ્ઞા થતાં વિચાર કરવા થોભવું નહિ, તરત જ આજ્ઞાનો અમલ કરવો.’ ભગવાન રામે માતા કૈકેયીના મોઢે આજ્ઞા સાંભળી ને વિચાર કરવા ન રહ્યા કે પિતાએ ખરેખર આજ્ઞા કરી છે કે નહિ. એવું પ્રાચીનતમ ઉદાહરણ પરશુરામના પિતા જમદગ્નિનું છે. પરશુરામની માતાના અજાણ્યે થયેલ દોષની સજામાં રેણુકા માતાનો વધ કરવાની ઋષિની આજ્ઞા કરી. પરશુરામે એક ધડાકે માતાનો વધ કરી નાખ્યો. માતા પુત્રની પિતાને કરેલી વિનંતીથી પુનર્જીવિત થઈ એવું આજની દષ્ટિએ ન સ્વીકારિયે, પણ દષ્ટાંતની દષ્ટિએ આ કિસ્સાને આપણે મૂલવવો જોઈએ. અંધ માતા-પિતાને કાવડમાં લઈ ફરતા શ્રવણનું પણ ઉદાહરણ આપણે લઈ શકીએ.

ભારતીય પ્રણાલીમાં ત્રણ પિતા કહેવામાં આવ્યા છે : 1. પિતા. 2. વિદ્યાદાતા. 3. શ્વસુર આ પૂર્વે ઉપર કહ્યું તેમ આજ્ઞા એટલે ત્યાં આ ત્રણે સમજવાનાં છે. આ રીતે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જે પાલન કરે છે, પોષણ કરે છે, રક્ષણ કરે છે તે પિતા છે. જન્મથી લઈને પોતાના પગ પર ઊભો રહેવાની શક્તિ આવે ત્યાં સુધી પિતા પુત્રનું રક્ષણ કરે છે, પોતાની વિદ્યા પુત્રમાં સંક્રાંત કરે છે અને એ રીતે પુત્ર પોતાના સમાજમાં બીજા સમવયસ્કોની હરોળમાં ઊભો રહેવા શક્તિમાન થાય છે. આ જ કારણે બીજા દેશોની સરખામણીએ ભારતીય ઉપખંડમાં ઉત્પન્ન થયેલો પુત્ર વડીલ તરફ આદર-માન રાખનારો જોવા મળતો આવ્યો છે. એના હૃદયમાં પિતા હમેશાં આદર-માનને સ્થાને બિરાજી રહ્યો છે, પિતાના જીવન સુધી એનો આજ્ઞાંકિત રહેવામાં આત્મગૌરવ અનુભવે છે. એનાં વાણી વર્તન વગેરેમાં એ પિતા-માતા સમક્ષ નમ્રતાથી જીવવામાં પોતાનું શ્રેય માને છે. આજના બદલાતા સંબંધોમાં પુત્રની નજરે પિતાનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, જે ભારતીય ઉપખંડ માટે વિચારવાની પરિસ્થિતિ ઊભી કરે છે. ભારતીય ઉપખંડને માટે ગૌરવની વાત તો એ છે કે ઈ.સ પૂર્વેની અને પછીની છ સાત શતાબ્દીઓ સુધી વિદેશોમાંથી આવેલા લોકો સ્થાનિક પ્રજા સાથે સમરસ થઈ ગયા, કહો કે એકાત્મક થઈ ગયા ને એમની બહારની સંસ્કૃતિનું કોઈ મહત્વનું નિશાન બચ્યું નહિ. વેશભૂષામાં થોડોક જ ફેરફાર થયો, પણ એમાં વિદેશી ભાવ અલગ રહ્યો નહિ, બહારના કોઈ સંપ્રદાયો-સિદ્ધાંતો-રીતરિવાજોનું અસ્તિત્વ રહ્યું નહિ. આવેલા પારસીઓએ નહિ જેવું થોડું સાચવ્યું, પણ સમરસ થવામાં કોઈ આડચ આવી નહીં. મૂળમાં તો ઈરાન-જૂના પારસ દેશની સંસ્કૃતિ સભ્યતા-ભાષા વૈદિક સંસ્કૃતિ સભ્યતાની જ એક શાખા જેવી હતી એટલે સમરસતા સ્વાભાવિક બની રહી. એમનું જે કાંઈ જુદું હતું તે પણ ઓગળી ગયું. પછી આવેલા વિદેશીઓની સંસ્કૃતિ-સભ્યતામાં અંતર હતું. પછી યુરોપીય લોકો આવ્યા એઓ પણ પોતાની સંસ્કૃતિ-સભ્યતા પોતાની સાથે લાવ્યા હતા, એઓ પણ સો બસો વર્ષ તો કોઈ ખાસ અસર પાડી શક્યા નહોતા, પણ અંગ્રેજી શાસન દ્રઢ થતાં યુનિવર્સિટીઓના આરંભ સાથે યુરોપીય દીક્ષા-શિક્ષાનો આરંભ થયો અને યુરોપીય સંસ્કૃતિ-સભ્યતાનો અભ્યાસ થતો ચાલ્યો ત્યારે એમના કેટલાક રીતરિવાજ ને સભ્યતા જેવા સંસ્કારોનું જાણ્યે અજાણ્યે અનુકરણ થતું ચાલ્યું ત્યારે આ પ્રશ્ન ઊભો થયો. આમ છતાં એ આક્રમણકારક તો થઈ શક્યા નહિ. આમાં જે નવો પ્રવાહ આવ્યો તેમાં ભારતીય લોકો યુરોપીય પ્રદેશોમાં તેમ હવે અમેરિકા સુધી વ્યવસાય વગેરેને કારણે જઈ વસ્યા એ કારણે પિતાપુત્ર વચ્ચેના સંબંધોમાં પરિવર્તનની હવા પ્રસરવા લાગી.

યુરોપીય સભ્યતામાં સંતાન ઉંમર લાયક થાયે એટલે એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે ગાળતો હોય છે, સંયુક્ત કુટુંબની પ્રથાનું ત્યાં કોઈ મહત્વ નથી. આ વિષયમાં અમેરિકામાં કેવી સ્થિતિ છે એનો એક દાખલો અહીં રજૂ કરવા જેવો છે. સેન્ટ લૂઈસ માં એક જર્મન ડૉકટર હતા, જેને કંપની આપવા મારો પુત્ર ચિ.શ્યામસુંદર એના અભ્યાસકાલમાં સાથે રહેતો હતો. એ ડૉકટર જ્યાંસુધી જીવતા હતા ત્યાંસુધી એમની દીકરીએ કદી સાર-સંભાળની દરકાર કરી નહોતી, પિતાના મરણ પછી એ મિલકતનો હવાલો લેવા આવી. અમેરિકામાં એક વિચિત્ર વસ્તુ જાણવામાં આવી : ત્યાં કુમારિકાઓને સંતાન થવાનું અને પરિણીતાઓને છૂટાછેડા થવાનું બહુ સામાન્ય છે. કુમારિકાઓ પતિમતી થતાં અને છૂટાછેડાવાળી સ્ત્રીઓ પુનર્લગ્ન કરતાં એવાં સંતાનો અને પુનર્લગ્નવાળા પતિઓનાં પૂર્વની પત્નીઓનાં સંતાનોનો કોઈ ધણી ધોરી હોતો નથી. આવાં સંતાનો ત્યાં ‘રોડવેઝ’ તરીકે જાણીતાં છે. આ પુત્ર હોય કે પુત્રીઓ હોય, એમણે મા-બાપની હૂંફનો અનુભવ કર્યો જ નથી હોતો એટલે એમને કોણ પિતા છે એનો પણ ખ્યાલ હોતો નથી, રહેતો પણ નથી.

એવું જ વૃદ્ધ મા-બાપોના વિષયમાં પણ જાણવામાં આવ્યું. સંતાનો એમને નભાવતાં નથી હોતાં એને કારણે આવાં મા-બાપો કાઉન્સિલ એટલે કે મ્યુનિસિપાલિટીના વૃદ્ધાશ્રમોમાં રહી શેષ જીવન વિતાવે છે. બૅન્કમાં ચેક વટાવવા જતાં હોય, સ્ટોરોમાં પોતાને જરૂરી ચીજવસ્તુ ખરીદવા જતાં હોય, આવાં મા-બાપોને ફૂટપાથ ઉપર ડગુમગુ ચાલતાં જોવાનો અનુભવ મળ્યો છે જ. આડકતરી આ અસર ભારતીય વસાહતીઓ પર થતી રહે છે. આમ એક બાજુ આવી અસર અને ભારતીય ઉપખંડમાં અંગ્રેજો આપણા માટે મૂકી ગયેલ અસરનો ધીમો પ્રસાર આપણે ત્યાં પણ થતો ક્યાંક ક્યાંક અનુભવાય છે. વૃદ્ધોને જીવાદોરી સમાન તો કમાતા પુત્રો જ હોઈ શકે. એ પુત્રો જ્યારે પોતાની જવાબદારી બજાવવામાં બેદરકાર બને ત્યારે વૃદ્ધોની શી દશા થાય ?

એ સુવિદિત છે કે છેલ્લા દસ બાર દાયકાથી આપણે ત્યાં અનાથાશ્રમોનો પ્રચાર વધ્યો છે. અનૈતિક રીતે ઉત્પન્ન થયેલાં બાળકો તેમજ મા-બાપ ગુજરી ગયાં હોય અને કોઈ નિકટનાં સગાંઓનો આશ્રય ન મળ્યો હોય તેવાં બાળકો, પહેલાં તો પુત્રો જ, પણ કેટલાક સમયથી પુત્રીઓ પણ આવા અનાથાશ્રમોમાં આશ્રય લેતી જોવા મળે છે. આમને કોણ પિતા છે કે કોણ માતા છે એનો ખ્યાલ પણ નથી હોતો. બીજી બાજુ સંસ્કારમાં અને શિક્ષણમાં આગળ વધી ગયેલા અને પશ્ચિમની સંસ્કૃતિ સભ્યતાએ રંગાયેલા ભારતીયોને પોતાના જીવનમાં પિતા-માતાની દખલગીરી ગમતી નથી હોતી, જેને કારણે મા-બાપને વૃદ્ધાશ્રમોનો સહારો લેવો પડે છે. જો વૃદ્ધો પાસે કાંઈ બચત રહેલી હોય તો વૃદ્ધાશ્રમોમાં આશાયેશથી રહી શકાય છે, બચત ન હોય તો અનાથ તરીકે એવાં વૃદ્ધાશ્રમોમાં રહેવું પડે છે.

ઈંગલૅન્ડ અમેરિકા જેવા દેશોમાં તો સુખી ઘરનાં વૃદ્ધોને પણ પેન્શન મળે છે; અરે, ભારતીય ઉપખંડ તેમજ બીજા દેશોમાંથી ત્યાં ત્યાં ગયેલા અને ત્યાંના નિવાસીઓને કાયદાની રીતે થયેલા સક્ષમ રહેવાસીઓનાં મા-બાપોને પણ પેન્શન મળતાં હોય છે. એટલે સંયુક્ત કુટુંબમાં કે પુત્રો અલગ કાઢી મૂકે તો પણ જીવન પર્યંત દુ:ખે સુખે સમય ગાળતાં રહે છે, જ્યારે આપણે ત્યાં આવી પેન્શનની કોઈ જ વ્યવસ્થા નથી. આપણા દેશના અર્થતંત્રમાં આવી કોઈ શક્યતા પણ નથી. વળી આપણા દેશમાં યુરોપીય-અમેરિકન પ્રકારની જીવનપદ્ધતિ અમલી બનાવવાનું હજી શક્ય બન્યું નથી.

બાહ્ય્ર સંસ્કૃતિ-સભ્યતાનું આક્રમણ હજી સાર્વત્રિક નથી બન્યું. ભારતીય ઉપખંડની દષ્ટિએ અબજ ઉપર વસ્તી ધરાવતા આપણા દેશમાં પુત્રો હજી ઉચ્છૃંખલ બન્યા નથી. આદિવાસી વિસ્તારોમાં જઈએ, ભારતીય ઉપખંડનાં ગામડાં-ગોઠડાંઓમાં જઈએ, મોટાં ગામો-નગરો-નગરીઓમાં જઈએ ત્યાં સર્વત્ર સંયુક્ત કુટુંબોની પ્રથાનું પ્રાધાન્ય રહ્યું છે તેથી વિદેશીય કે ભારતીય સંપ્રદાયપ્રણાલીઓમાં ઊછરી રહેલી જનતામાં આપણને મા-બાપો તરફનું પુત્રોનું માનસંમાન સચવાયેલું જોવા મળે છે. અપવાદો તદ્દન થોડા છે અને એ પણ ગામડાં-ગોઠડાં નાનાં-મોટાં ગામોમાં તો લગભગ નહિ એવું આપણે કહી શકવાની સ્થિતિમાં છીએ.

એક વસ્તુ શિક્ષિતોમાં પાંગરતી અનુભવાય છે કે જે અમાન્યા વૃદ્ધોની સાચવવામાં આવતી હતી તે નવશિક્ષિતોમાં ઘસાયે જતી હોય એવો માત્ર શહેરોમાં વસતાં અનેક મા-બાપોનો કચવાટ જોવા-અનુભવવામાં આવે છે, એટલે કે સંતાનો કાબૂ બહાર છે. આવાં સંતાનોએ આપણા આ ઉપખંડની તાસીરનો ખ્યાલ રાખતા રહી અમારાં ભાવી વંશજોને હાથે અમારી કેવી હાલત થશે એ તરફ સભાનતા કેળવવી પડશે. આપણે આપણા દેશની સાર્વત્રિક પરિસ્થિતિનો ખ્યાલ રાખવો જોઈશે, વિદેશોનું આંધળું અનુકરણ નહિ. આ સંદર્ભમાં ઉપનિષદકાલીન ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ ભારતીય ઉપખંડને માટે આજે પણ એટલી જ ઉત્તમ અને આવશ્યક શીખ છે.