ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – મીનાક્ષી ઠાકર

Gujarat mapગુજરાત – ગુર્જભૂમિ – ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ. ગુજરાતનાં આધ્યાત્મિક મૂળ ખૂબ ઉંડા છે. ગુજરાત ઈતિહાસ, કથા અને સંસ્કૃતિના ભવ્ય, સમૃદ્ધ અને અમૂલ્ય વારસાથી સમૃદ્ધ છે. ગુજરાતનાં તીર્થસ્થાનો અને યાત્રાધામો આપણી સંસ્કૃતિના આગવા અંગો છે તો અહીં થી જ સૌ પ્રથમ ગુજરાતી પ્રજાએ વેપારની ખેપ માટે પ્રયાણ કર્યું હતું.

ગુજરાતના લોકો હિંમતવાન અને સાહસિક વૃત્તિવાળા, સ્વભાવે વિનમ્ર, વ્યવહારદક્ષ, ઉંડી સૂઝવાળા, પ્રેમાળ, દેશદાઝથી ભરપૂર, વીરતા અને સ્ત્રી-સન્માનની ભાવના તથા મૈત્રીપૂર્ણ વ્યવહારવાળા છે. અહીંના લોકો માટે તેલંઘણના કવિ વૈકંટધ્વરીએ સત્તરમી સદીમાં કહેલું : ‘આ ગુર્જર દેશ જો ને આંખને ઠાર. સર્વ સંપત્તિથી ભરપૂર આ તો જાણે સ્વર્ગલોક – કર્પૂર અને મીઠી સોપારીથી મધમધતાં પાને એનાં યુવાનોનાં મુખ શોભે છે. વિવિધ દિવ્યાંબરો તે ધારણ કરે છે. ચમકતાં રત્નોનાં આભૂષણ પહેરે છે. અહીંની સ્ત્રીઓનું સૌંદર્ય પણ અનુપમ છે. એમનાં મુખ છે કમલસમ અને આંખો છે નીલકમલનાં તેજો.’ ગુર્જરભૂમિ માટેના કવિ વૈકંટધ્વરીએ ઉચ્ચારેલા આ શબ્દો સાર્થક છે.

સામાન્ય રીતે સામાજિક જૂથના વ્યક્તિત્વનો પાયો એની રહેણીકરણીની વિશિષ્ટતામાં હોય છે. પહેરવેશ, રીતરિવાજ, ખાનપાન, બોલી, માનસિક વલણો વગેરે પરથી પ્રાદેશિકતા નક્કી થાય છે અને એ પણ પરંપરાથી ચાલી આવેલી રૂઢિગત સાંસ્કૃતિક વિશેષતાઓ જ છે. જેને કારણે ગુજરાત સાંસ્કૃતિક ક્ષેત્રે સમૃદ્ધ બન્યું છે. સાંસ્કૃતિક વારસામાં ભાષા, સાહિત્ય, કલા, ધર્મ, સંસ્કૃતિ, શિલ્પ-સ્થાપત્ય વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાતી સાહિત્યનાં મૂળ શોધવાં હોય, ગુર્જર પ્રજાની વીરતા અને રસિકતાની ઝલક જોવી હોય તો આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીના ‘સિદ્ધ હેમ’ ગ્રંથમાંથી મળે છે. ‘ભરતેશ્વરબાહુધલિ ધોર’ (ઈ. 1169) જૂની ગુજરાતીની પહેલી રચના, નરસિંહ પૂર્વેના જૈનેત્તર કવિઓમાં અસાઈત શ્રીધર વ્યાસ, ભીમ અને અબ્દુર રહેમાન ગણાવી શકાય. અસાઈતે ગાયન-વાદન, નર્તન અને અભિનય એમ ચારેય ભેગાં કરીને ભવાઈના વેશો લખ્યા ને ભજવ્યા. ગુજરાતી સાહિત્યનો ઉદય નરસિંહ મહેતાના પ્રભાતિયાંથી થયો (ઈ.સ. 1410-1480). ભક્તિરસથી ભરપૂર નરસિંહના કવિસર્જનો ગુજરાતી ભાષા જીવશે અને માનવહૃદયમાં જ્યાં સુધી પ્રેમ અને ભક્તિનાં સંવેદનો રહેશે ત્યાં સુધી જીવશે. ત્યારબાદ મીરાં, સત્તરમી-અઢારમી સદીમાં પ્રેમાનંદ અને શામળ તેમનાં ભક્તિ અને શૃંગારરસથી ભરપૂર ભજનો (મીરાં), વેધક છપ્પા (અખો) રસ નીગળતાં આખ્યાનો અને મોહક વાર્તાઓ થકી ચીરસ્મરણીય છે. શામળ પછી થયેલા કવિઓમાં ઉલ્લેખપાત્ર દેવીભક્ત વલ્લભ મેવાડો, પ્રીતમ, રત્નો, બાપુ સાહેબ ગાયકવાડ, ચાબખા મારનાર ભોજો અને ગિરધર આવે.

મધ્યકાલિન સાહિત્યના સિતારા દયારામે આપણને ગરબીઓ આપી અને પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ આપ્યું. મધ્યકાલનો સાહિત્યપ્રવાસ અર્વાચીન યુગમાં પૂરો થાય. જેમાં ધાર્મિક, સામાજિક, રાજકીય, સાહિત્યક અને સાંસ્કૃતિક પાસાંનો સ્પર્શ મળે. દુર્ગારામ, મહીપતરામ, નર્મદ જેવા સમાજ-સુધારાના આગ્રહી તો ગોવર્ધનરામ, મણિલાલ અને આનંદશંકરે સ્વસંસ્કારની શોધ ચલાવી.

ગુજરાતી સાહિત્ય પર અર્વાચીનતાનો ઢોળ ચઢ્યો દલપતરામના હાથે, ત્યારબાદ નવલરામ, ભોળાનાથ સારાભાઈ, મહીપતરામ, કરસનદાસ, ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, જહાંગીર મર્ઝબાન, ગોવર્ધનરામ, મણિલાલ દ્વિવેદી, નરસિંહરાવ દિવેટીયા, રમણભાઈ નીલકંઠ, કવિ કાન્ત, કલાપી, દલપતરામ, કવિ નાનાલાલ, બળવંતરાય ઠાકોર અને લોકનેતા-માનવજાતિના ઉદ્ધારક મહાત્મા ગાંધીજીનો એટલો જ ફાળો છે.

ત્યારપછી યાત્રામાં કાકાસાહેબ કાલેલકર, ક.મા. મુનશી, સ્વ.દેસાઈ, ધૂમકેતુ, દ્વિરેફ, ઝવેરચંદ મેઘાણી અને ઉમાશંકરનું આગમન એ સાહિત્યની મહત્વની ઘટના છે. તો સ્નેહરશ્મિ, સુંદરમ, ચં.ચી. મહેતા, પન્નાલાલ, ઈશ્વર પેટલીકર, મડિયા, શીવકુમાર જોશી, પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર, નલિન રાવળ, હસમુખ પાઠકની નવલકથા અને કવિતાઓમાં ‘નવીનતર’ પ્રવાહરૂપ પ્રગટ થાય છે. તો બાલમુકુન્દ દવે, વેણીભાઈ પુરોહિત, ઉશનસ અને જયંત પાઠક તથા હરિન્દ્ર દવે અને સુરેશ દલાકની કવિતાઓએ અતીત અને વર્તમાનનો સમન્વય કર્યો છે. અર્વાચીન સાહિત્યકારોએ પણ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. ચંદ્રકાન્ત બક્ષી, રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, મધુરાય, આદિલ મન્સુરી, શ્રીકાન્ત શાહ, માધવ રામાનુજ, ચીનુ મોદી, ગુણવંત શાહ, ભોળાભાઈ પટેલ વગેરે પણ એટલાં જ મહત્વનાં નામો છે.

ગુજરાતી પ્રજા સ્વભાષા ને સ્વસંસ્કારનું અભિમાન રાખે, ભાષાની કદર કરે તો તેમાં પણ પ્રગતિ થતી રહે અને ઉચ્ચ સ્થાન અપાવી શકે.

રંગભૂમિ :
સાહિત્યની પ્રગતિ સાથે શિષ્ટ નાટ્યલેખનની પણ પ્રગતિ થઈ. કાલિદાસનાં નાટકોનો અનુવાદ થવા લાગ્યો. શેક્સપિયરનાં નાટકોનો અનુવાદની કૃતિઓ રંગમંચ પર ભજવાવા લાગી. ગુજરાતી રંગભૂમિના વિકાસના પાયાના પથ્થરો તો પારસીઓ જ ગણાય, દાદાભાઈ થૂથી, દાદાભાઈ પટેલ, નાઝીર મોદી, કાવસજી ખટાઉ, બાલીવાલા, કાતરક અને સોરાબજીના નામો રંગભૂમિને ઉજાળતાં રહેશે.

મુંબઈની રંગભૂમિ પર દક્ષિણની રંગભૂમિની અસર હતી. તો કાઠિયાવાડનાં રજવાડાઓમાં પણ રંગભૂમિની પ્રવૃત્તિ સારી રીતે વિકસી. ગુજરાતી રંગભૂમિએ બુદ્ધ, સિકંદર, ચંદ્રગુપ્ત, હર્ષ, શિવાજી, રાણાપ્રતાપ, પૃથ્વીરાજ અને નરસિંહ મહેતા કે મીરાં જેવાં પાત્રોને રંગભૂમિ ઉપર ઉતાર્યા. સમય વહેતાં નાટકોમાં સંગીતનું તત્વ ઉમેરાયું અને કવિતા તથા સંગીતનો સમન્વય થતાં નાટકકળામાં નિખાર આવ્યો. અર્વાચીન નાટ્યકારોમાં ચંદ્રવદન ચી. મહેતાએ અર્વાચીન રંગભૂમિનો નક્કર પાયો નાખ્યો અને અવ્યક્ત રહેલી રંગભૂમિની શક્તિને બહાર લાવવાનો સ્તુત્ય પુરુષાર્થ કર્યો.

લોકકળા :
વેદકાળથી મધ્યકાળ સુધી અનેક જાતિઓના આક્રમણને ખાળનારની યશગાથાઓ ગુજરાતમાં લોકકળા, લોકસંગીત કે લોકકથા રૂપે જીવંત છે. લોકકળા એટલે તળપદા લોકોની કળા. આ કલાકારોએ સર્જેલી લૌકિક તત્વવાળી, જનસમૂહને ગમે તેવી વ્યવહારિક અને ધાર્મિક પરંપરાને સાચવીને મૂકાયેલી કળા. આ વિભાગમાં ભીંતચિત્રો, શિલ્પ, પકવેલી માટીનાં રમકડાં, ભરત, ગૂંથણ વગેરેનો પણ સમાવેશ થઈ જાય. મોતીપરોણું, ધૂલિચિત્રો, કાગળ કે ભીંતપર પશુપંખીઓની આકૃતિઓ બનાવવી. પોથીચિત્રો કે તાડપત્રી પારનાં લખાણોને પણ આમાં સમાવી લેવાય. વળી ગારનું લીંપણ કરી, રંગબેરંગી માટી પૂરી, આભલા ચોંટાડીને સુંદર સુશોભન કરવાનું કામ પણ લોકકલાકારો કરતા રહે છે. ગુજરાતની પૂર્વપટ્ટીમાં રહેલા આદિવાસી જાતિના કલાકારો મુખ્યત્વે માટીના ઘોડા, રમકડાં બનાવવાં, દેવ-દેવીઓની મૂર્તિ બનાવવી, ભીંતચિત્રો બનાવવા વગેરે કલા જાણે છે. લોકસંગીતમાં સ્વ. હેમુ ગઢવી, દિવાળીબહેન ભીલ, પ્રફુલ્લ દવે, લાખાદાન ગઢવી અને બાલકૃષ્ણ દવેનાં નામો જાણીતાં છે.

ચિત્રકલા :
ગુજરાતમાં ચિત્રકલાના નમૂના સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિનાં કેન્દ્રો, લોથલ રંગપુર કે રોજડી જેવા સ્થળોએથી પ્રાપ્ત થયાં છે. આનો અર્થ એ કે ગુજરાતના ચિત્રકારોએ ભિતિ ફલકથી માંડી લધુ તાડપત્ર, લાકડાની પાટી, કાપડ અને કાગળ પર ચિત્રકામ કરીને નામના મેળવી છે. ગુજરાતની ચિત્રકલાનું એક ગૌરવવંતુ પ્રકરણ તે પિછવાઈ-ચિત્રશૈલી છે. આપણા કેટલાક વિશ્વ વિખ્યાત ચિત્રકારોમાં રવિશંકર રાવલ, કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, હિરાલાલ ખત્રી, યજ્ઞેશ્વર શુક્લ, સોમાલાલ શાહ, બંસીલાલ વર્મા, ઈશ્વર સાગરા, પીરાજી સાગરા, ભુપેન ખખ્ખર વગેરેનો સમાવેશ કરી શકાય.

નૃત્ય અને સંગીત :
ગુજરાતની નૃત્ય પરંપરા પૌરાણિક કાળ જેટલી જ પ્રાચીન છે. અર્વાચીન કાળમાં શિષ્ટ નૃત્યોપ્રત્યે લોકોની અભિરુચી જોઈને વડોદરામાં ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં મ્યુઝીક અને ડાન્સનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ જેવા અન્ય મોટા શહેરોમાં પણ ભરત નાટ્યમ, કથ્થક, મણિપુરી ઓડીસી નૃત્યોની તાલીમ આપનારી નૃત્યશાળાઓમાં દર્પણ, કદંબ, નૃત્યભારતી, નર્તન સ્કૂલ ઑફ ડાન્સ, વડોદરાની મધુર જ્યોતિ વગેરેનો ઉલ્લેખ કરવો આવશ્યક માનું છું.

અર્વાચીન ગુજરાતના શાસ્ત્રીય નૃત્યકારોમાં મૃણાલિની સારાભાઈ, કુમુદિની લાખિયા, સવિતાબહેન મહેતા, ઝવેરી બહેનો, પ્રતિમા પંડિત, સ્મિતા શાસ્ત્રી, મલ્લિકા સારાભાઈ જેવી નૃત્યાંગનાઓનો ફાળો નર્તન ક્ષેત્રે અમૂલ્ય છે.

શિલ્પ-સ્થાપત્ય :
ગુજરાત ભવ્ય સાંસ્કૃતિક અને કલાસભર શિલ્પ વારસો ધરાવે છે. હવેલી સ્થાપત્ય, મંડપ પ્રવેશદ્વાર, ખડકી, માઢ, ઝરૂખો, વગેરે લાકડામાં અને પત્થરમાં સારી રીતે કંડારાયેલા મળે છે. ગુજરાતનાં પ્રાચીન તળાવો, કુંડો, કુવા અને વાવ જેવાં કૃત્રિમ જળાશયોમાં કરેલી કોતરણીનો જગતભરમાં જોટો જડે એમ નથી. જેમ કે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, અમદાવાદની અડાલજ વાવ વગેરે.

અમદાવાદની સીદી સૈયદની જાળી, મોઢેરાનું સૂર્યમંદિર, દેલવાડાનાં અને કુંભારિયાનાં જૈન મંદિરો, સોમનાથનું પ્રસિદ્ધ શિવમંદિર, શત્રુંજય, તારંગા અને અન્ય સ્થળોનાં જૈન મંદિરો, શામળાજીનું મંદિર, અમદાવાદના હઠીસીંગના દહેરાં, અમદાવાદની રાણી રૂપમતીની મસ્જિદ, સરખેજનો શેખ સાહેબનો રોજો વગેરેનો સમાવેશ થાય છે.

આમ, ગુજરાતનો સાહિત્યિક-સાંસ્કૃતિક વિકાસ સતત થતો જ રહ્યો છે. હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ગુજરાતી પ્રજા તરીકે આપણે કેટલાંક સુલક્ષણ આત્મસાત કર્યા છે. આપણી ભાષા, લિપિ, વિદ્યા, કલા, આપણું સાહિત્ય, આપણો ધર્મ, આપણું તત્વજ્ઞાન, આપણી કુટુંબભાવના અને લગ્ન ભાવના, આપણી આતિથ્ય ભાવના, આપણી સંગીત, નૃત્ય-નાટ્ય-ચિત્ર જેવી કલાઓ કે પછી આપણી સ્થાપત્ય અને શિલ્પ કલા એ બધું જ આગવું છે. સાચવી રાખવા જેવું છે. અને ભવિષ્યની પેઢીને કહેવા જેવું છે કે અંગ્રેજી કલ્ચરના ઓ ભૂલકાંઓ, ‘ગુર્જરી માત’ ને ભૂલશો નહિ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બદલાતા સંબંધો : પિતા પુત્રની દષ્ટિએ – કે.કા. શાસ્ત્રી
પ્રસન્નતાની પાંખડીઓ – ફાધર વાલેસ Next »   

15 પ્રતિભાવો : ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – મીનાક્ષી ઠાકર

 1. Mahendra Shah,M.D. says:

  I am surprised that author has time to collect all these details and forgot name of Avinas Vyas in Lok Sangeet.
  Also there is no mention of Havli Sangeet as our
  invaluable treasure.

 2. deven says:

  artices like this make us pround as gujarati. “garvi gujarat”

 3. રસિક ઠાકર says:

  મીનાક્ષી બેન ઠાકર,
  ખુબ સરસ લેખ છે.

 4. રસિક ઠાકર rasik_t@yahoo.com says:

  મીનાક્ષી બેન ઠાકર,
  ખુબ સરસ લેખ છે..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.