તબિયતનો પ્રભાવ – મુકુન્દરાય પંડ્યા

[હાસ્યલેખ]

મારો એક ઓળખીતો કંપાઉન્ડર નોકરી કરતો હતો. તે જ્યારે જ્યારે સામે મળે ત્યારે અચૂક પૂછે, ‘કાં, કેમ છે તબિયત ?’ અને એક દિવસમાં એકાદ વાર જ નહિ, જ્યારે જ્યારે મળે ત્યારે, દસ મિનિટમાં જ બીજી વાર મળ્યો હોય તોપણ, તે તબિયતના સમાચાર પૂછવાનો જ. પહેલાં તો મને લાગતું કે એની કંપાઉન્ડરની નોકરીને લીધે દરદીઓ સાથે જ કામ રહે, એટલે ‘તબિયત’ એને ખૂબ સાંભરતી હશે !

પરંતુ મારી એ માન્યતા ભૂલભરેલી હતી. માત્ર કંપાઉન્ડર જ નહિ, બધાં જ ‘તબિયત’ પૂછે છે. સવારથી તે સાંજ સુધીમાં કે રાત્રે પણ જે જે ઓળખીતા મળે તે સૌ ‘કહો, તબિયત કેમ છે ?’ ‘હં, તબિયતના શું ખબર છે ?’ , ‘તબિયત તો સારી ને ?’ એવા એવા પ્રશ્નો પૂછે જ ! શરૂઆતમાં તો મને જ્યારે જ્યારે ‘તબિયત કેમ છે ?’ પૂછવામાં આવતું ત્યારે હું ખૂબ વિચારમાં પડી જતો. જૂઠું બોલી સામાને છેતરવાની મને ટેવ નથી એટલે ‘તબિયત’ નો જવાબ આપતાં મારે ખૂબ ખૂબ વિચાર કરવો પડતો કે રાત્રે ઊંઘ તો બરાબર આવી હતી ને ? નહોતી આવી તો મચ્છર કે માંકડને લીધે નહોતી આવી કે ‘તબિયત’ નો કંઈ વાંધો હતો ? દસ્ત જવું પડ્યું હતું કે નહિ ? અને જવું પડ્યું હતું તો દસ્ત સાફ આવેલ કે નહિ ? ઝાડા તો નહોતા થઈ ગયા ને ? પેટ દબાવીને વળી ખાતરીયે કરી લેતો ! અને ઘણી વાર બને છે કે આપણે માંદા હોઈએ તો પણ આપણને ખબર નથી પડતી; તેવું ન થાય માટે માથું હલાવી માથું દુ:ખે છે કે કેમ તેની ખાતરી કરી લેતો.

ઘડિયાળ કાઢી નાડીના ધબકારા પણ ગણતો અને શ્વાસ પણ ગણતો. મારું ‘થરમૉમિટર’ તૂટી ગયું તે પહેલાં તાવ પણ માપી જોતો, અને તે પછી પાકી ખાતરી કરીને મારી તબિયતના સમાચાર આપતો ! પરંતુ તે બધા જ પ્રસંગે (જો કે એક-બે કરતાં વધારે પ્રસંગો તેવા બનેલા નહિ) મને ખૂબ મુશ્કેલી પડતી. અને ઘણી વાર સામા માણસની ધીરજની પણ સારી એવી કસોટી થતી ! પણ હવે તેવું કરવું છોડી દીધું છે ! સાચાનો આ જમાનો ક્યાં છે ?

તેમાંય જ્યારે અવારનવાર મને ‘તબિયત’નો પ્રશ્ન પૂછવામાં આવતો ત્યારે મને ચિંતા થઈ પડતી કે શું હું એટલો બધો માંદો લાગું છું કે સૌ મને પૂછ્યા કરે છે; ‘તબિયત તો સારી છે ને ?’ ઘણા લાંબા વખત પછી મને ખબર પડી કે આ તો ‘પૂછવા ખાતર પૂછાય છે,’ ‘તબિયત ખાતર’ નહિ. અને સૌ પાછળ એક સિદ્ધાંત રહેલો છે, અને તે અનિશ્ચિતતાનો. બ્રહ્મમાંથી માયાનું સર્જન થયું તેમાં માયા અનિશ્ચિત હતી; તે માયામાં પણ જગત વધારે અનિશ્ચિત ગણાય. તેમાં પણ જડ કરતાં ચેતન વિશેષ અનિશ્ચિત; અને તેનાથી પણ અધિક અનિશ્ચિત આ તબિયત. એમ ‘તબિયત’ ને ‘અનિશ્ચિતશિરોમણિ’ કહી શકાય. અને એ અનિશ્ચિત છે એટલે જ તેના ખબર પુછાય છે. કોઈ એક માણસની ‘તબિયત’ ક્યારે ફરે એ કહેવું આંકફરક કરતાં પણ વધારે જોખમી છે. અને એટલે જ (હવે મને સમજાય છે કે) પેલા કંપાઉન્ડર શા માટે, દસ મિનિટમાં પણ, ‘તબિયત’ ના ખબર ફરીવાર પૂછતા !

યુરોપમાં ઋતુની અનિશ્ચિતતા ખૂબ જ છે તેથી ત્યાં ‘How is the weather’ (ઋતુ કેવી છે ?) એમ સૌ એકબીજાને મળે છે ત્યારે પૂછે છે. આપણા હિંદમાં ઋતુ કરતાં પણ વધારે અનિશ્ચિત ‘તબિયત’ છે. અને તેથી જ માંદગીની ઋતુ તો આખો વખત ચાલ્યાં જ કરે છે. એટલે આપણે એકબીજાંને તબિયતના સમાચાર પૂછીએ છીએ અને તે યે માત્ર એકબીજાને મળીએ ત્યારે જ નહિ, કાગળમાં પણ પુછાવીએ છીએ. તમે મિત્રોના પત્રો, પિતા-પુત્ર, બહેન-ભાઈ, પતિ-પત્ની વગેરે સૌના કાગળો વાંચો; તમને એક પણ કાગળ એવો નહિ મળે જેમાં તબિયતના ખબર ન પુછાવ્યા હોય !

વળી તબિયત આટલી બધી અનિશ્ચિત છે એ સૌ કોઈ જાણે છે. અને એ કારણે જ મહાપુરુષોની ‘તબિયત’ ના પ્રશ્નનો જવાબ આપતાં મારે જે માથાકૂટ કરવી પડતી હતી તે મેં તો કંટાળીને છોડી દીધી. પણ એમ કંટાળે તો તો આ બધા મહાપુરુષો કેમ કહેવાય ? એટલે દિવસમાં અનેક વાર આ રીતે ‘તબિયત’ વિશે તપાસ કરી તેના સમાચારો જાહેર કરવામાં આવે છે ! કહો જોઈએ, ‘તબિયત’નું મહત્વ કેટલું બધું છે !

આખુંયે વૈદકશાસ્ત્ર જ આ ‘તબિયત’ની અનિશ્ચિતતાને આભારી છે ને ? દિવસે દિવસે ડૉકટરોની સંખ્યા વધતી જાય છે. અને શેરીએ શેરીએ, તેમ જ ખાંચે ખાંચે એક કરતાં વધારે ડૉકટરો ‘તબિયત’ ની અનિશ્ચિતતા પર આતુરતાભરી મીટ માંડીને બેઠા હોય છે. (અલબત્ત, તેથી રોગોનું પ્રમાણ, રોગીઓનું પ્રમાણ કે મરણનું પ્રમાણ જરાય ઓછું થયું છે એવું માની લેવાની ભૂલ ન કરવી; કેમકે તે બધાં પ્રમાણો બને તેટલાં વધે તેની એ સૌ ખાસ કાળજી રાખે છે !) અને મને તો એમ લાગે છે કે એક કાળે આ ડૉકટર એટલા બધા વધી જશે કે દરેક એક મૂકીને બીજી દુકાન દવાખાનાની જ હશે ! બેકારીના આ યુગમાં આટલાં બધાંને રોજી મળે છે તેનું કારણ પણ અનિશ્ચિત તબિયત જ ને ? હરહંમેશ વધો એની અનિશ્ચિતતા !

તમને એકાદ વાર તો એવો અનુભવ થયો જ હશે કે એકાદ મોટી જબરી સભામાં તમે વ્યાખ્યાન સાંભળવા ગયા હો; એ ધક્કામુક્કીમાંથી જેમ-તેમ જગ્યા કરીને, ખિસ્સાકાતરુઓથી હરપળે સાવચેત રહેતાં, મહામહેનતે થોડીક જગ્યા કરી હોય; અને ત્યાં એકાએક જાહેર કરવામાં આવે કે ‘વક્તાની તબિયત એકાએક જ બગડી જતાં વ્યાખ્યાન મુલતવી રહેલ છે’ અને આવ્યા એવા જ તમારે પાછા જવું પડે ! આટાઆટલું કરી શકવાની શક્તિ જે ‘તબિયત’માં હોય તેની શક્તિ કેમ જ ઓછી કહેવાય ?

અને આ તબિયતનો એક એવો નિયમ છે કે જેમ જેમ તમે ‘તબિયત’ વિશે વધારે વિચાર કરો, તેમ તેમ તમને તે વધારે ને વધારે ખરાબ લાગે ! અમારા એક પાડોશી, બાપદાદા સારી એવી સંપત્તિ મૂકી ગયા હોઈ, બીજું કાંઈ કામ કરતા નહિ ! તેવું કરવાની લાયકાત પણ ઓછી. એટલે બેઠાં બેઠાં આખો વખત એ મહાશક્તિ ‘તબિયત’ ના જ ચિંતનમાં ગાળતા. પરિણામે ‘આજે તો માથું દુ:ખે છે.’ ‘આજે તો કોણ જાણે કેમ ગળામાં “ખરડ-ખરડ” થાય છે.’ ‘આજ તો વાળ ઊભા રહે છે.’ એવા એવા તબિયતના ઝીણાઝીણા ફેરફારની નોંધ લેતા. અને એક ડૉકટર પણ તેમને સારી પેઠે ઓળખી ગયા હતા; તેથી તેમને જોતાં જ ‘આજે તમારી આંખો કેમ લાલ છે ?’ ‘જીભ બરોબર સારી નથી.’ એવું એવું કહેતા ! અને હરહંમેશ ચિત્રવિચિત્ર ઈંજેકશનો અને દવાઓનું એ સંગ્રહસ્થાન બની ગયા હતા ! આ બધો પ્રભાવ માત્ર ‘તબિયત’ નો જ !

કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી બંને સાથે ન રહે ! વિદ્વાનને ઝાઝો પૈસો ન હોય, ને પૈસાદારને ઝાઝું જ્ઞાન ન હોય ! એ વાત સાચી છે કે નહિ તે ખબર નથી; પણ પૈસા વગરનાની તબિયત સારી હોય છે, જ્યારે પૈસાવાળાઓની તબિયત વધારે ‘અનિશ્ચિત’ એટલું તો નિશ્ચિત જ. રોગોની સંખ્યા ને માંદગીનો સમય ગરીબ કરતાં પૈસાદારને જ વધારે હોય છે ! કોઈ ખેડૂતને ‘કેન્સર’ કે ‘એપેન્ડિસાઈટિસ’ નાં ‘ઑપરેશન’ કરાવવાં પડતાં નથી ! અને એને લીધે જ પૈસાદારોએ ફેમેલી-ડૉકટર રાખવાની પદ્ધતિ દાખલ કરી છે ! કેમ કે તેમની તબિયત હરહંમેશ બદલાયાં કરે છે; એટલે જુદા જુદા ડૉકટરો બોલાવવા પડે ! તે ઉપાધિમાંથી બચવા એક ડૉકટરને ફેમિલી ડૉકટર તરીકે જ રાખી લે છે !!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રસન્નતાની પાંખડીઓ – ફાધર વાલેસ
સોના – મીના છેડા Next »   

5 પ્રતિભાવો : તબિયતનો પ્રભાવ – મુકુન્દરાય પંડ્યા

 1. NEETA KOTECHA says:

  Mukund bhai
  khub j saras. sav sachi vat . pan aaje loko e nathi puchta k saraswati che k nahi ? laxmi che k nahi badha puchse. ane laxmi n hoy to potana e parka ane hoy to parka e potana. ane laxmi hoy to kya vaparvi chinta hoy to sauthi vadhare DR. pase j vapray.

 2. Chetan khatri says:

  Dear Mukund Bahi,

  Kem Cho ? Tabiyat pani kem che ? :))
  Sav Sachi vat, loko male atele tabiyat nu pahela puche. Janta ajanta tabiyat nu puchai javay che ae to aa sundar hasya lekh vachya pachi khabar padi, Bahu saras lekh.

  thanks

  Chetan Khatri

 3. Pritesh says:

  Tamaro lekh vanchi ne man prafullit thai gayu.kharekhar tabiyat puchhavi a aapne tya ek rivaj thai gayo chhe pan kharu kahu to english loko ane aapna loko ma ek farak chhe. Aapni passe paisa hoy ke na hoy manas hospital ma padyo hase and glucose ni bottle chadti hase ke pachhi gare game etla kakdat chalta hoy pan jo koi khabar anatar ke tabiyat puchhe to manas hamensa hakaratmak jawab aapse. Jyare english manaso Not too bad kahi dese. Emne mate koi dovas saro nahi hoy.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.