- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ધારો કે રાણી તમે જીતી ગયા – પાયલ શાહ

[ રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધાની પ્રથમ વિજેતા કૃતિ આજે સાઈટ પર મૂકતાં અત્યંત આનંદ અનુભવું છું. સ્પર્ધાની આ કૃતિઓથી વાચકોને લેખનની પ્રેરણા મળે અને આપણું ગુજરાતી સાહિત્ય વિવિધરંગી બને તેવી આશા રાખું છું. આ વાર્તાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનીક છે. વ્યવસાયે ફેશન ડિઝાઈનર એવા લેખિકાએ, વાર્તામાં ઘટનાનું સુંદર નિરૂપણ કર્યું છે. રીડગુજરાતી તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : payalashah4@hotmail.com -તંત્રી ]

ફલાઈટ 3192A ક્રેશ થઈ ગઈ – આ સમાચાર ટી.વીમાં જોતાં તથાગત ચોંકી ઉઠ્યો. આ ફલાઈટમાં તો ડૉ. સેન અને અનિરુદ્ધ હતા. તથાગતની આંખો સામે અંધારા આવવા માંડ્યા. ધ્રૂજતા હાથે ઍરપોર્ટ પર ફોન લગાડ્યો. તેને સમાચાર સાંભળવા મળ્યા કે ડૉ. સેન અને અનિરુદ્ધ સેન પણ મરનારની યાદીમાં સામેલ છે. તથાગત સોફા પર ફસડાઈ પડ્યો. તેના ગુરુ સમાન ડૉ. સિદ્ધાર્થ સેન અને તેનો એક માત્ર મિત્ર – અનિરુદ્ધ અત્યારે…..

અનિરુદ્ધ અને તથાગત કૉલેજમાં એક સાથે હતા. તથાગત સાવ ગરીબ કુટુંબનો જ્યારે અનિરુદ્ધ ભારતના જાણીતા વૈજ્ઞાનિક ડૉ. સેનનો પુત્ર. આજ સુધી તે સ્કોલરશિપ લઈને ભણતો આવ્યો બાકી મોંઘીદાટ કૉલેજમાં ભણવું એ તેની માટે સ્વપ્ન જોવા બરાબર હતું. તથાગતને બનવું હતું વૈજ્ઞાનિક જ્યારે ખૂબ દેખાવડા અનિરુદ્ધ ને બનવું હતું એક્ટર ! અનિરુદ્ધને તથાગત – હંમેશા કોઈક અલગ વ્યક્તિ લાગતો. આંખોમાં એક પ્રકારની ઉદાસી, પણ કાંઈ કરી બતાવવાનો જુસ્સો. અનિરુદ્ધે પોતાના જન્મદિવસે તથાગતને જ્યારે બંગલા પર બોલાવ્યો ત્યારે ડૉ. સેન તેની વાતોથી, જ્ઞાનથી ચકિત થઈ ગયા. ત્યારબાદ તથાગતની ગાડી બરાબર પાટા પર ચઢી ગઈ. બી.એસ.સી પૂરું કરીને તથાગતે ડૉ.સેન પાસે તાલીમ લેવા માંડી અને અનિરુદ્ધ પોતાની ચમકદમકવાળી દુનિયામાં વ્યસ્ત બની ગયો.

અચાનક ફોનની ઘંટડીએ તથાગતને વિચારોની તંદ્રામાંથી જગાડી દીધો. તેણે ફોન લીધો. તેની મિત્ર સિલ્વીયાનો ફોન હતો. તે પણ સુમ્મ થઈ ગઈ હતી. બંનેને એકબીજા સાથે શું વાત કરવી તે સમજ ન પડી. તથાગતે ધીમા અવાજે વાત શરૂ કરી.
‘સિલ્વી, આ બંગલામાં હું ડૉ.અંકલ ને અનિ વગર ન રહી શકું. વિચારું છું કે થોડાક દિવસ પછી કોલકતા ચાલ્યો જાઉં. સિલ્વીયા એ માત્ર ‘હં’ કહ્યું અને ફોન મૂકી દીધો.

શોક વ્યકત કરવાવાળાં ટી.વી ચેનલ, છાપાં, મેગેઝીનવાળાંએ ધસારો કરી દીધો. તથાગત ને સિલ્વીયા બધાંને એક સરખો જવાબ આપીને થાકી ગયા હતાં. તથાગતને બંગલામાં આકરું લાગતું હતું. તેણે સામાન પેક કરવા માંડ્યો. સામાનમાં ખાસ કાંઈ હતું નહીં…. બસ અઢળક યાદોને લઈને તથાગત જતો હતો. બંગલાની ચાવી તેણે ગણુને આપી. ગણુ અહીં માળી, ડ્રાઈવર, નોકર જે ગણો તે બધું હતો. તથાગતને અચાનક યાદ આવ્યું કે ડૉ.સેનના બેડરૂમમાં એક ફોટો છે…અનિરુદ્ધનો અને પોતાનો. દોડીને તે ફોટો લેવા ગયો.

ફોટોફ્રેમની સામે જોતાં જ તેણે અત્યાર સુધી રોકી રાખેલાં આંસુ આંખોમાં ધસી આવ્યા. ધ્રૂજતે હાથે ફોટોફ્રેમમાંથી ફોટો લીધો પણ આ શું ? ફોટાની સાથે એક ચિઠ્ઠી પણ બહાર આવી. તથાગતે ચિઠ્ઠી વાંચવાની શરૂ કરી.
‘મારી શોધ ખૂબ અગત્યની છે. જેનાથી આપણા દેશને હું પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખરે પહોંચાડી દઈશ. મેં એક એવા મેટલની શોધ કરી છે જે ન બળી શકે, ન વળી શકે, ન તૂટી શકે. આ મેટલ પ્લેન બનાવવામાં સૌથી વધારે કામ લાગશે. દુશ્મન દેશોને થૉડી શંકા આવી ગઈ છે. આવી જ ચિઠ્ઠી મેં તથાગતના રૂમમાં અને અનિરુદ્ધના રૂમમાં ફોટોફ્રેમ છે તેમાં મૂકી છે. જો મારી ગેરહાજરી હોય તો ભળતાં હાથમાં મારી શોધ ન જાય. અનિ અને તથાગત તમે મારું સપનું સાકાર કરજો. મારા રૂમમાં લાકડાનું એક કબાટ છે. તે કબાટમાં ઘણા બધાં કપડાં લટકાવેલા છે. તે બધાં કપડાં હટાવીને કબાટમાં અંદર જોજો. ત્યાં ત્રણ દાદર છે. તે ઉતર્યા બાદ એક ઓરડો આવશે, ત્યાં એક પલંગ છે. તે પલંગની નીચે મેં એક રમત રાખી છે. તે રમતમાં છુપાયેલી છે મારી ફોર્મ્યુલા. રમત ખૂબ સરળ છે. તે રમત એ જ મેટલમાંથી બનાવવામાં આવી છે. રમતના નિયમો તે મેટલની રમતની પાછળ લખેલા છે.’

તથાગત ફાટી આંખે ચિઠ્ઠી અને કબાટની સામે જોઈ રહ્યો. ધીમે પગલે તે કબાટની પાસે ગયો. આટલી નિરવ શાંતિમાં કબાટ ખૂલવાનો અવાજ તેને પોતાને પણ ભડકાવી ગયો. કબાટ અંદરથી ખૂબ મોટું હતું. કબાટની અંદર પગ મૂકતાં તે એકપળ તો ધ્રૂજી ગયો. ઢગલાબંધ કપડાંની વચ્ચે જગ્યા કરતો તે આગળ વધ્યો ત્યાં જ દાદર આવ્યો. તે ઉતરતાં જ ઓરડો આવ્યો. તેણે હળવેથી તેના દરવાજાને ધક્કો માર્યો. પલંગ સિવાય રૂમમાં કાંઈ જ નહોતું. તથાગતે પલંગની નીચે જોયું. એક કાળી બેગ હતી. તેણે બેગ ખોલી પણ બેગ તો સાવ ખાલી હતી !

તથાગતે બેગમાં અંદર હાથ ફંફોસ્યો તો કોઈક ધાતુ સાથે હાથ ભટકાયો હોય એવું લાગ્યું. તથાગતને મનમાં હાશ થઈ કે ગેમ અંદર બેગના ચામડામાં છે. ‘સેન સાહેબ પણ કમાલ છે !’ તથાગત ગણગણ્યો. બેગને છાતીથી વળગાડીને તે ઝડપથી દરવાજાની બહાર નીકળી ધડાધડ દાદરા ચઢીને કબાટમાંથી બહાર નીકળ્યો, ત્યારે તેને પોતે હેરી પોર્ટરની કથાનો કોઈ રહસ્યમય પાત્ર ભજવતો હોય તેવું લાગ્યું. થોડી મિનિટો પહેલાં તથાગત બધું છોડીને ચાલ્યો જવાનો હતો. જ્યારે હવે એક સ્વપ્ન સાકાર કરવાની તાલાવેલી હતી. તથાગતે સૌથી પહેલાં તો રમત એકદમ ધ્યાનથી જોઈ.

રમત જૂના જમાનામાં ચોપાટ રમતાં તેવી હતી. અને એકદમ નીચે લખ્યું હતું કે રમત જીતવા માટે પાછળ જુઓ. તેણે નિયમો વાંચવાના શરૂ કર્યા.
[1] દાવ રાજા અને રાણીનો છે. ન કોઈ સૈન્ય, ન કોઈ વજીર, ન કોઈ હાથી-ઘોડા. જીત પણ નક્કી છે કે રાણી જ જીતવી જોઈએ, તે પણ આઠ દાવમાં. સામે પક્ષે રાજા જીતી ગયો તો પણ કોઈ ફરક નથી પડવાનો.
[2] રમનારા બે હોવા જોઈએ. ગેમને બાળવાનો, તોડવાનો કે વાળવાનો પ્રયાસ નહીં કરતા કારણકે તે જે મેટલમાંથી બનાવવામાં આવી છે તે ન બળી શકે છે કે ન તૂટી શકે છે.
[3] રાણી એક વખતે એક પગલું જ ચાલવી જોઈએ. એક સાથે એકથી વધારે પગલું ચાલશે તો આ રમત દ્વારા ફોર્મ્યુલા નહીં મળે.
[4] વચમાં એક ગોળ છે. જેમાં એક છોકરી ઊભી છે. તેના હાથમાં ઘંટડી છે. જ્યારે રાણી એક પગલું આગળ વધશે ત્યારે છોકરીનાં હાથની ઘંટડી વાગશે. છોકરીની બાજુમાં જ રાજા, રાણી અને પાસાં પણ છે.
[5] આ ફૉર્મ્યુલામાં મેટલ કઈ રીતે બનાવવું તેની ફોર્મ્યુલા આઠ ખાનામાં મૂકી છે. રાણીનું દરેક પગલું તમને ફોર્મ્યુલાની નજીક લઈ જશે. એક-એક પગલું કરતાં રાણી આઠ પગલાં ચાલશે તો જ ફોર્મ્યુલા મળશે બાકી નહીં.

તથાગતને રમત તો સાવ સરળ લાગી પણ દરેક વખતે રાણી એક પગલું જ ચાલે તો જ પૂરી ફોર્મ્યુલા મળી શકે બાકી નહીં – આ કેવી આકરી શરત ! પાછી રાણી જ જીતવી જોઈએ. તથાગતને મુંબઈમાં ગણીને બે જ મિત્ર હતા. એક અનિરુદ્ધ અને બીજી સિલ્વીયા. સિલ્વીયા ખરી રીતે તો અનિરુદ્ધ ની જ મિત્ર હતી પણ એ ત્રણેની સારી મંડળી જામી ગઈ હતી.

સિલ્વીયા ઍરોનોટિક એન્જિનિયર હતી. તથાગતને થયું સિલ્વીયાને જ ફોન કરું કદાચ એ મદદ કરી શકશે. તથાગતે સિલ્વીયાને ફોન કર્યો, સિલ્વીયાએ શાંતિથી તથાગતની વાત સાંભળી. બંગલા પર આવી, ગેમ જોઈ, નિયમો વાંચ્યા પણ આ કેવું….. જીત પહેલેથી જ નક્કી રાણીની તો પછી ગેમ કેમ રમવાની ? આ વાતથી નવાઈ લાગી પણ તેણે તથાગતને કહ્યું : ‘ચાલ રમતની શરૂઆત તો કરીએ ત્યારે જ કંઈ ખ્યાલ આવશે.’

દરેક વખતે પાસાં નાખતી વખતે સિલ્વીયાને આશા રહેતી કે એક જ આવવો જોઈએ પણ એવું થતું નહીં. જે ખાનામાં રાણી એક ડગલું ચાલે તે ખાનાનું તાળું ખૂલે તેવો અવાજ આવતો પણ જ્યારે તેઓ ગેમમાં હારી જતાં ત્યારે તાળાં ખટાખટ બંધ થઈ જતાં. બંને રમત રમીને થાકી ગયા. અંતે સિલ્વીયા કંટાળીને બોલી : ‘એક કામ કરને યાર, જા કંઈક પિત્ઝા કે બર્ગર લઈ આવ. થોડા ફ્રેશ થઈને પાછા રમત રમીએ.’ તંગ વાતાવરણમાં પણ તથાગતથી હસી પડાયું. તેણે કહ્યું : ‘ઠીક છે, તું જા બહાર ગાર્ડનની લૉનમાં આંટા માર, ફ્રેશ થા, હું આવું છું લઈને.’

સિલ્વીયાએ લોનમાં જવા માટે બંગલાનો પાછળનો દરવાજો ખોલ્યો ત્યાં તેને કોઈનો અવાજ સંભળાયો. સિલ્વીયા દરવાજા પાછળ ઊભી રહી તો……આ શું ! બંગલાનો અભણ, ગમાર ચોકીદાર ગણુ મોબાઈલ પર કોઈની સાથે વાત કરતો હતો. સિલ્વીયા રોકાયેલા અવાજે સાંભળતી રહી….
‘એ બુદ્ધુઓ ગેમ તો રમે છે પણ કંઈ થતું નથી… બસ એકવાર…. એમને ફોર્મ્યુલા મળી જવાદે પછી એમની જ ‘ગેમ’ કરી નાખું. ફૈઝલ, તું બોસને કહી દે કે જેવી ફોર્મ્યુલા મળે એટલે હું તરત આ દેશ છોડીને આપણા દેશમાં આવું છું. ચાલ, ફતેહ કરીને જ આવીશ.’

તે લથડતે પગલે બંગલામાં આવી. આ ગણુ તો પાડોશી દેશનો જાસૂસ છે અને અહીં તે તથાગત અને તેના પર નજર રાખતો હતો. તેણે મનોમન વિચાર્યું કે આ વાત તથાગતને તરતજ જણાવવી પડશે. ત્યાં જ તેને ખ્યાલ આવ્યો કે જો હું ફોન પર કાંઈ પણ બોલીશ કે તથાગતની રૂબરૂમાં પણ વાત કરીશ તો કોઈ માઈક્રોફોન કે માઈક્રોચીપ્સ લગાડી હશે તો ? કે પછી ‘પેલો’ કોઈપણ રીતે વાત સાંભળી ગયો તો મુસીબત…તેણે તથાગત આવી જાય ત્યારે આગળ કેવા પગલાં ભરવા તે વિચારવાનું શરૂ કર્યું.

છેવટે સિલ્વીયાએ SMS થી તથાગતને સંદેશો મોકલ્યો કે ગણુ એ પાડોશી દેશનો જાસૂસ છે. આપણે બંગલામાં શું કરીએ છીએ તે જાણે છે. તેને કાઢી મૂકશું તો તેને આપણા પર શક આવશે. હવે તેને ગેરમાર્ગે દોરીને આપણે ફોર્મ્યુલા બચાવવાની છે. તેને જરાપણ શક ન આવે તેવી રીતે તેને હટાવવાનો છે. – ‘મેસેજ ડિલિવર્ડ’ આવતાં તેણે રાહતનો શ્વાસ લીધો. તથાગત ઘરે આવ્યો ત્યારે તેના મોં પર ખાસ કોઈ ભાવ નહોતા ત્યાં જ સિલ્વીયાના મોબાઈલ પર મેસેજ આવ્યો કે ‘થેંક્સ સિલ્વી. હવે હું તારી સાથે ઝઘડો કરું એમાં સાથ આપજે. થેંક્સ અગેઈન.’

તથાગતે સિલ્વીયા સામે આંખ મારીને ઝઘડો શરૂ કર્યો.
‘સિલ્વી, હજારવાર કીધું કે તને હું કહું છું તેમ જ થશે….આપણે મેટલને પિગળાવી પડશે.’
‘પણ તથાગત…..’ સિલ્વીયા બોલી.
‘યુ શટ અપ સિલ્વી !’ તથાગત બરાડ્યો. ગણુના કાન સરવા થયા. બંને વચ્ચેનો ઝઘડો સાંભળીને ગણુ બંગલાની અંદર જતો હતો ત્યાં જ તથાગતે ગણુને બૂમ પાડી અને કાગળમાં કંઈક લખી આપ્યું અને કહ્યું, ‘ગણુ, આ કેમિકલ છે. તેને લેવા તારે એક કેમિસ્ટની દુકાને જવું પડશે. અહીંથી દોઢેક કલાક દૂર છે. જા જલ્દી જઈને લઈ આવ.’ ગણુના હોઠ મલકી ગયા. તે સમજી ગયો કે આ કેમિકલને લીધે જ ફોર્મ્યુલા મળવાની લાગે છે. બસ, હવે એકવાર ગેમ મળે એટલે આ લોકોની ‘ગેમ’ કરીને…..
‘જી, સાહેબ લાવો.’ ગણુને હાથમાં કાગળ પકડાવી તથાગતે એને કેમિસ્ટની દુકાનનું સરનામું આપ્યું.

ગણુના ગયા બાદ સિલ્વીયા કાંઈક બોલવા જતી હતી ત્યાં જ તથાગતે તેને ઈશારો કર્યો..વાત નહીં…મેસેજ… ત્યાંજ સિલ્વીના મોબાઈલમાં મેસેજ આવ્યો કે ‘તું મારી પાછળ પાછળ આવ. આપણે ત્યાં વાત કરીએ.’ તથાગતે ગેમ હાથમાં લીધી ને ડૉ. ના રૂમ તરફ ગયો. તે ડૉ. સેનના રૂમમાં કબાટ પાસે ઊભો રહ્યો. સિલ્વીયાના હોઠ પર હાસ્ય ફરકી ગયું કે શું કબાટની અંદર વાત કરવાની ? ત્યાં જ તથાગતે સિલ્વીયાનો હાથ પકડીને તેને કબાટની અંદર ખેંચી.

ઢગલાબંધ કપડાંની વચ્ચે જગ્યા કરતાં બંને જણા દાદર ઊતર્યા અને ઓરડાનો દરવાજો તથાગતે ખોલ્યો ત્યારે સિલ્વીયા હબક ખાઈ ગઈ. આશ્ચર્યને આઘાતની મારી બે-ત્રણ મિનિટ કાંઈ બોલી જ ન શકી. તથાગતે કહ્યું : ‘હવે બોલ. તારા બધા સવાલોના જવાબ આપીશ.’ સ્વસ્થ થયા બાદ સિલ્વીયા બે-ત્રણ મિનિટ કાંઈ બોલી જ ન શકી. ખાલી એટલું જ પૂછ્યું ‘આ બધું શું ?’ તથાગતે માંડીને વાત કરી કે ડૉ. અંકલની રિસર્ચની વાતનો થોડો ખ્યાલ દુશમન દેશને કોઈક રીતે આવી ગયો હતો. ગણુએ પાડોશી દેશનો જાસૂસ જ હશે. તેને અહીં ગોઠવીને ફોર્મ્યુલા હાથ કરવાના ખેલ પર આપણે હવે પડદો પાડી દીધો છે. ખરી રીતે તે કેમિસ્ટની દુકાન CBI ની છે. અને આ કેમિકલ કોડવર્ડ છે કે જે માણસ આ કાગળ લઈને આવે તે જાસૂસ કે આતંકવાદી છે અને તેને રસ્તામાંથી હટાવવાનો છે. આ વાત ડૉ. સેને જ મને કરી હતી. દુશ્મનથી બચવા માટેનો આ સૌથી સારો રસ્તો છે. સિલ્વીયા પ્રશંસાભરી નજરે તથાગતને જોઈ રહી. તથાગતે સિલ્વીયાને ખભે હાથ મૂકતાં કહ્યું : ‘ચાલ, હવે આપણે રમત શરૂ કરીએ. જોઈએ રાણી આપણને સાથ આપે છે કે નહીં.’ પાછી બંને એ ગેમ શરૂ કરી પણ કાંઈ ન વળ્યું.

સિલ્વીયાએ થાકી-કંટાળીને પાછા ગેમના નિયમો વાંચવાના શરૂ કર્યા. અચાનક તેને કાંઈક તુક્કો આવ્યો.
‘તથાગત, ધ્યાનથી વાંચ અહીં શું લખ્યું છે કે રમત જીતવા માટે પાછળ જુઓ. ચાલ, એક કામ કરીએ કે ગેમમાં ચારેતરફ સ્ક્રૂ લાગેલા છે તે ખોલીને જોઈએ.’
તથાગત ઝડપથી દોડ્યો, કબાટની બહાર નીકળીને સ્ક્રૂડ્રાઈવર લઈ આવ્યો. ગેમ ખોલી ત્યારે બંનેના મોઢામાંથી હુર્રરા…… નીકળી ગયું. ત્યાં એક ચિઠ્ઠી હતી કે ‘અભિનંદન ! જીતના પ્રથમ પગથિયાં સુધી પહોંચવા માટે ! અહીં છોકરીના હાથમાં એક ઘંટડી છે હવે તેના બીજા હાથમાં પાસો રાખો. છોકરીના વાળમાં પાછળની તરફ એક નાનું બટન છે તે દરેક વખતે પ્રેસ કરો જેથી પાસામાં એક જ આવશે અને રાણી જીતી જશે…’

તથાગત સમજી ગયો કે આ ગોઠવણી યાંત્રિક છે જેનાથી પાસો ફેંકતા દરેક વખતે એક જ આવે. ડૉ. સેનના વિચારો એકદમ યોગ્ય હતાં કે જો આ રમત ભૂલેચૂકે પણ કોઈ અયોગ્ય વ્યક્તિના હાથમાં આવે તો તે નિયમો વાંચીને પણ સુદ્ધાં જીતી ન શકે, આ શોધનો ગેરફાયદો ન ઉઠાવી શકે. પેલો બેવકૂફ ગણુ, રમીરમીને મરી જાત પણ તેના હાથમાં આ ફોર્મ્યુલા ન આવત. તેની માટે પરફેક્ટ વૈજ્ઞાનિક બુદ્ધિ અને મગજ જોઈએ. તથાગત અને સિલ્વીયાનું ડૉ. માટેનું માન વધી ગયું. યોગ્ય વ્યક્તિના હાથમાં ફોર્મ્યુલા જાય તે માટે તેમણે કેટકેટલો ખ્યાલ રાખ્યો હતો. તેમની મહેનત દાદ માગી લે તેવી હતી.

તથાગત અને સિલ્વીયાએ રમત શરૂ કરી આ વખતે પાસાં છોકરી દ્વારા જ ફેંકાતા હતા અને રાણી દરેક વખતે એક એક ડગલું ભરતી હતી. થોડીક જ પળોમાં રાણીએ પોતાની આઠ પગલાંની સફર પૂરી કરી. દરેક ખાનાનાં તાળાં ખૂલી ગયાં અને તથાગત જીતી ગયો. પણ ફોર્મ્યુલા ક્યાં ?……….. બંનેની આંખોમાંથી તે જ પ્રશ્ન ડોકાતો હતો ત્યાં જ હળવેથી વચ્ચેનું ગોળ ખસ્યું અને ફોર્મ્યુલાના કાગળો ત્યાં પડ્યા હતાં. બંનેની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. આ ફોર્મ્યુલા રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાની હતી તો જ આગળ કાંઈ થઈ શકે તેમ હતું…..

તથાગત અને સિલ્વીયાને 26મી જાન્યુઆરીના સન્માન સમારંભમાં રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ મળવાનો હતો. રાષ્ટ્રપતિએ નીમેલા વૈજ્ઞાનિકોએ ડૉ.સેનની ફોર્મ્યુલા મુજબ મેટલ બનાવ્યું હતું. અને તેનું પરિક્ષણ સફળ રહ્યું હતું. બધા દેશો માત્ર જોઈ રહ્યા. ભારતે સર્વોચ્ચ સફળતાનાં શીખરો સર કર્યા હતાં. મેટલનું નામ રાખવાની જવાબદારી રાષ્ટ્રપતિએ તથાગતને તથા સિલ્વીયાને આપી હતી. બંની સ્ટેજ પરથી ડૉ.સેનને યાદ કરતાં એકી અવાજે નામ આપ્યું ‘સેન મેટલ’ – તાળીઓનાં ગડગડાટ સાથે બધાંએ આ નામ વધાવી લીધું ત્યારે આંખોમાં હર્ષના આંસુ સાથે તથાગતને ડૉ. સેન ને ખૂબ ગમતી ગુજરાતી કવિતાની પંક્તિ યાદ આવી કે :
‘ધારો કે રાણી તમે જીતી ગયા….’

[સંપૂર્ણ]