- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ડેલહાઉસી અને ખજિયાર – વિનોદિની નીલકંઠ

[ આજથી લગભગ 30-40 વર્ષ પહેલાંના લેખિકાના પ્રવાસ નિબંધોમાંથી ગુજરાતી સાહિત્ય દ્વારા પ્રકાશિત ‘વિનોદિની નીલકંઠના નિબંધો’ પુસ્તકમાંથી સાભાર. ]

આજે વળી એક અત્યન્ત રળિયામણે સ્થળે બેસીને હું આ પત્ર લખી રહી છું. મારી બારીમાંથી, અરે ખુરશી ઉપર બેઠાં-બેઠાં પણ હિમાદ્રિ શિખરોની અનન્ત માળા જણાયા કરે છે ! ને ગિરિમાળાનું નામ પણ યથાર્થ રીતે ‘ધવલ ધાર’ પાડવામાં આવેલું છે. બરફથી આચ્છાદિત શિખરો, તેમજ રંગબેરંગી વનશ્રીથી વિરાજમાન હિમાલયની પર્વતાવલિ એવી સ્વસ્થતાથી, એવી દબદબાથી, અને એવી પરમશાન્તિથી અચળતાપૂર્વક આસન જમાવીને ગોઠવાયેલી છે કે તેથી સાથે સરખાવતાં માનવીનું જીવન સાવ ક્ષુલ્લક, વિહ્વળ, આછકલું અને અસ્થિર ભાસે છે !

જે ગામમાં હું આવી છું તે આપણા ગુજરાત બાજુ તો ખૂબ જ અજાણ્યું છે. આ ગામનું નામ છે ડેલહાઉસી. દિલ્હીથી પઠાણકોટ સુધી ટ્રેનમાં આવ્યા પછી મોટર માર્ગે ડેલહાઉસી પહોંચાય છે. ગામ ખૂબ જ સ્વચ્છ અને સફાઈભર્યું છે. ડેલહાઉસી દરિયાઈ સપાટીથી લગભગ 7000 ફીટ ઊંચું છે. અત્યારે અહીં ફૂલની ઋતુ છે. સફેદ પાંદડીની વચમાં સોનેરી-પીળા રંગના ચાંદાથી શોભતાં ડેઈઝીનાં પુષ્પોએ સ્વેચ્છાપૂર્વક ઊગી નીકળીને હિમાલયના આખા ખોળાને જાણે ફૂલથી ભરી દીધો છે.

અમારા બગીચામાં રંગબેરંગી ગુલાબ ખીલી ઊઠ્યાં છે. તેની માદક સુગન્ધ મગજને તર બનાવી દે છે. રસ્તામાં પણ ઠેરઠેર કુદરતે વાવેલા ગુલાબના છોડવા ઉપર હજારો કળીઓ ખીલી નીકળી છે, અને તેને ફૂટવાની અમે રાહ જોઈ રહ્યાં છીએ. ઓક અને દેવદારનાં ઝાડ આ પર્વત ઉપર સવિશેષ જણાય છે. વળી, સુન્દર લાલ ફૂલથી આખી વનરાજીને શોભાયમાન બનાવતાં ‘ચ્યુ’નાં ઝાડ પણ અસંખ્ય જોવા મળે છે. ડેલહાઉસીનો આખો પહાડ ખૂબ જ લીલોતરીભર્યો છે. માથેરાન અને મહાબળેશ્વર જનારા મુંબઈગરા લોકો અહીં ‘પોઈન્ટ’ શોધવા જાય, તો જરૂર નિરાશ થાય. અહીં ઝાડની ઘટાથી ઢંકાયેલા સુંદર છાયાદાર રસ્તા ઉપર ફરવાની અને હિમાલયનાં હિમાચ્છદિત શિખરોને નિહાળવાની મોજ માણવાની હોય છે. અવનવાં પંખીઓ ઝાડીમાંથી ગીત ગાયા કરે છે, અને નવેનવાં વનફૂલો રસ્તાની બાજુઓ ઉપર અણધારી જગાએથી ડોકિયાં કરી, રાહદારીઓને ચકિત કરી મૂકે છે !

હવા તો અહીંની એવી તાજગીભરી છે કે ઘણું ચાલ્યા છતાં, મુદ્દલ થાક લાગતો નથી. દિવસના છ-સાત માઈલ તો જેને ચાલવાની ટેવ ન હોય તે પણ સહેજે ચાલી નાંખે છે. અંગ્રેજી રાજ્ય હતું, ત્યારે પંજાબમાં વસતા ગોરા લોકોનું આ બહુ માનીતું ધામ હતું. ખાસ કરીને ઉનાળામાં તો ડેલહાઉસી ઉપર તેમનો ધસારો રહેતો. અત્યારે આ ગામ બહુ શાન્ત અને આછી વસ્તીવાળું બની ગયું છે. મોજશોખનાં અહીં કશાં સાધનો નથી. (એક-બે સીનેમાઘર છે ખરાં) કુદરતનાં રસિયાં માટે અહીં ઘણું બધું છે, પરંતુ જેને શહેરીજીવનની અપેક્ષા હોય, તેને અહીં ભાગ્યે જ ગમે. હિમાલયનાં બીજાં હીલ-સ્ટેશનોની સરખામણીએ આ સ્થળ ઘણું સસ્તું છે. ત્રણ-ચાર હૉટેલ અને પાંચસોએક બંગલાની સગવડ છે. વધારે દિવસ આવા શાન્ત સ્થળમાં ગાળવા ન ગમે, એવી જેમની પ્રકૃતિ હોય, તેવા લોકો પણ કાશ્મીરને પ્રવાસે નીકળ્યાં હોય તો ત્રણચાર દિવસ તો ડેલહાઉસીનો રસાસ્વાદ તેમણે લેવો જોઈએ.

નિત્ય જીવનના વ્યવસાયો અને શહેરની ગરબડ તથા હાથે કરીને ઊભી કરેલી અનેક સાચી-ખોટી ઉપાધિઓથી દૂર-સુદૂર આવેલું આ સ્થળ મને તો અત્યંત રોચક લાગે છે. પરોઢ, સવાર, બપોર, સંધ્યાકાળ તથા રાત્રે હિમાલયની પલટાતી શોભા નિહાળતાં આંખને તથા હૃદયને સંપૂર્ણ તૃપ્તિ થાય છે. આવી સુંદર જગ્યાએ રોજ રહી શકાતું હોય તો કેવું સારું ? છેવટે ચિત્તની સ્વસ્થતા અને મનની શાંતિ સિવાય માનવીને બીજા કશાની જરૂર જ શી છે ? એમ મને લાગ્યા કરે છે. અસલના વખતમાં જીવનનાં શેષ વર્ષોમાં લોકો હિમાળો કેમ સેવતા હશે તે આવા સૌન્દર્યધામમાં આવીએ ત્યારે આપોઆપ સમજાઈ જાય છે. આ સ્થળ ચંબા ખીણ પ્રદેશને મોંઢે આવેલું છે અને કાંગડા અને કુલૂના વિખ્યાત ખીણપ્રદેશો પણ અહીંથી દૂર નથી.

ખરેખર, હિમાલયની લગની એક વખત જેને લાગી જાય છે, તેને તેનાં દર્શન વગર જાણે ચાલતું જ નથી, અને તે ભવ્ય વિરાટ સ્વરૂપનાં દર્શન થાય ત્યારે જે પરમાનન્દની લાગણી દિલ સમસ્તને આવરી લે છે, તે તો જેણે અનુભવ્યું હોય તે જ સમજી શકે તેમ છે. જેનાં દર્શન માત્રથી ભવાટવિનો થાક આપોઆપ ઓસરી જાય છે, તેવા હિમાચલદાદાના એવા આશીર્વાદ માગું છું કે તેમનું સ્વાસ્થ્ય અને તેમને અંતરે વસેલી ચિર શાન્તિના અંશ માત્રનું અમારા જીવનમાં સિંચન થવા દેજો.

ડેલહાઉસીથી તેર માઈલ એક ખજિયાર નામનું રમણીય સ્થળ આવેલું છે. હિન્દના એક વખતના વડા હાકેમ લૉર્ડ કર્ઝને તેને ભારતનાં સૌથી સુંદર સ્થળ તરીકે વર્ણવ્યું છે.

એક વહેલી સવારે અમે ખજિયાર જવા નીકળ્યાં. મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજના ફિલોસૉફીના પ્રાધ્યાપક ડૉ. ચબે અમારો સાથ કર્યો હતો. બે દિવસ માટે સૂવા પાથરવાનાં સાધનો તથા પહેરવાનાં કપડાં તેમજ ભાથું બાંધી અમે ઊપડ્યાં. ટપાલઑફિસેથી પાંચ માઈલે ‘લક્કડમંડી’ નામની જગ્યા આવે છે. ત્યાં સુધી ઘણું ઉભડક ચઢાણ છે. તેથી તેટલો રસ્તો ઝપાટામાં કાપવા મેં ઘોડા ઉપર તે રસ્તો પસાર કર્યો અને ઊગતી જુવાનીમાં પુષ્કળ ઘોડેસ્વારી કરી હતી, તે દિવસોની યાદ તાજી કરી. રંજના (મારી પુત્રી) માટે તો ઠેઠ સુધી ઘોડો લીધો હતો. (જો કે તેને ચાલવું વધુ ગમતું હતું તેથી પરાણે બેસાડીએ તો જ તે ઘોડે બેસતી હતી.) મારી ઘોડીનું નામ આશા અને રંજનાના ઘોડાનું નામ બાલમ. ડેલહાઉસીથી બરકોટાની ટેકરી ખૂબ જ ઉભડક ચઢાણવાળી અને અત્યંત ગીચ ઝાડીવાળી છે. વળી, લીલી ઘાસ ઉપર ડેઈઝીનાં અગણિત ફૂલ ખીલી ઊઠેલાં છે. તેથી આખી બકરોટાની ટેકરી ઉપર ડેઈઝીનાં ફૂલનો ભાતીગળ લીલો ગાલીચો બીછાવ્યો હોય એવો આભાસ ઘડીભર થઈ જાય છે. ઊંચા વિયત સાથે વાતો કરતાં દેવદારનાં ઘેરા લીલા રંગનાં ઝાડમાંથી એક પ્રકારની તાજગીભરી આછી મધુરી સુવાસ પવનની સાથે વાતી, આખાએ વાતાવરણને સુગંધિત બનાવી રહી હતી. બકરોટાની ઊંચી ટેકરી ઉપર ઠેર-ઠેર બંગલાઓ આવેલા છે. દેવદાર અને ચેસ્ટનટનાં ઝાડની વનરાજીમાંથી તે બંગલા ડોકાતા હતા. તે પછી બટાકાની વાવણીવાળાં ઘણાં ખેતરોની બાજુમાં થઈને જતી સાંકડી ચઢાણવાળી પગથી ઉપર થઈને અમે આગળ વધતાં ગયાં. એકાન્ત રસ્તા ઉપર વનપંખી નર-માદા અધિરાઈથી મીઠે સૂરે એકબીજાને બોલાવી રહ્યાં હતાં. તે જ કલરવ વાતાવરણની નિ:શબ્દતાનો મધુરતાપૂર્વક ભંગ કરી રહ્યો હતો. લાકડાં અને કોયલાનો ભારે બોજ પીઠ ઉપર ઉપાડી ડેલહાઉસી તરફ ચાલ્યા જતા પહાડી દેહાતીઓ રસ્તે મળ્યા કરતા હતા. ઊંચા ઝાડને માથે નિર્મળ આકાશનો જે ઘેરો આસમાની રંગ જણાતો હતો તેના સૌન્દર્યનું પાન કરતાં છેવટે અમે લક્કડમંડી પહોંચી ગયાં. જંગલનાં લાકડાં કાપવાનું, કોયલા બનાવવાનું વગેરે કામ ત્યાં આસપાસ થાય છે. પહાડી લોકોની ત્યાં મોટી વસ્તી રહે છે. ચપટાં છાપરાંનાં અને માટીથી છાજેલાં તેમનાં વિચિત્ર બાંધણીવાળાં ત્યાં સંખ્યાબંધ ઝૂંપડાં જોયાં. હવે મેં આશા ઘોડીને વિદાય દીધી અને રળિયામણે રસ્તે ઉત્સાહભેર પગે ચાલવા માંડ્યું. ખજિયાર હજી આઠ માઈલ દૂર હતું.

નાનાં-નાનાં ઝરણાં ઓળંગતાં આનંદપૂર્વક અમે રસ્તો વટાવી રહ્યાં હતાં. છેલ્લા ત્રણેક માઈલ બાકી રહ્યા હશે અને દૂરથી ખજિયાર દેખાયું. થાક્યાના ગાઉની કહેવત કેટલી સાચી છે, તેનો અનુભવ તે છેલ્લાં બે અઢી માઈલથી થઈ ગયો. પરંતુ દરેક મુસાફરીનો છેવટે અંત તો આવે જ છે; તેમ અમે પણ ધ્યેયસ્થાને પહોંચી ગયાં. કાંઈક નીલગિરિનાં ઉટીનાં ‘ડાઉન્સ’ અને કાંઈક કાશ્મીરનાં ગુલમર્ગનાં મેદાનની યાદ તે સ્થળને જોતાં આવી, છતાં વળી તે સ્થળનું પોતાનું નિરાળું અને અત્યંત મનોહર વ્યક્તિત્વ નજરે ચઢ્યું. છાલિયા આકારનું વિશાળ લીલુંછમ ત્યાં મેદાન છે. વચ્ચે એક લકકડીઓ પુલ અને નાનકડું તેમાં તળાવ છે. તેમાં એક હોડકું ફરે છે. તળાવમાં એક લીલો ઘાસ-ભર્યો તરતો ટાપુ છે. મેદાનમાં એક છેડે નાની-શી નિશાળ, અને બીજે છેડે સરકારી બંગલો, તથા મુસાફરી માટે બંગલો છે. જરાક નીચે એક નાગદેવતાનું મંદિર તથા એક નાની દુકાન તથા બીજાં બે મકાનો છે. મેદાનમાં ઘોડા, ભેંસ, ગાય તથા ઘેટાં ચરતાં હતાં. ખજિયારનું નાનું-શું ગામડું ત્યાંથી થોડે છેટે આવેલું છે. મેદાનની ચારેકોર દેવદારનાં અગણિત ઝાડની ઘેરી ઘટા છે. માથે આકાશનો આસમાની ઘુમ્મ્ટ છે. પરમ શાન્તિભર્યું તે વાતાવરણ જાણે ભવેભવનો થાક ઘડીભરમાં ઉતારી દે છે ! આવાં સ્થળમાં આછકલા ક્ષુલ્લક વિચારો દિલમાંથી આપોઆપ વિદાય થઈ જાય છે. કુદરતની રચના અને આ અપૂર્વ લાવણ્યના સર્જનહાર પ્રત્યેના ભક્તિભર્યા વિચારોમાં મન ડૂબે તો શી નવાઈ ?

ત્યાંથી સનાતન શાંતિનું જાણે જિન્દગીભર પહોંચે એટલું ભાથું બાંધી લેવાની મને તો ઈચ્છા થઈ આવી ! ચિત્તમાં ઘૂંટાવી-ઘૂંટાવીને તે સમસ્ત વાતાવરણ હૃદયમાં અંકિત કરી લેવા મેં પ્રયત્ન કર્યો. લીલા મેદાનને એક છેડે બેસીને સાંજના ઊતરી આવતાં આવરણ અમે નિહાળી રહ્યાં. પોતપોતાનાં પાળેલાં ઢોરને ગામડાંનાં બાળકો અને સ્ત્રીઓ ઘરભણી હાંકી જવાની યુક્તિઓ કરવા લાગ્યાં. આવી ખુલ્લી મસ્ત હવા, આને આવો હરિયાળો ચારો મૂકીને ઘરમાં પુરાઈ જવા માટે પશુઓ બહુ નારાજી દર્શાવતા હતાં. પરંતુ આસપાસનાં જંગલોમાં રીંછ અને ચિત્તાનો વાસ હોવાથી પશુધનનું બહુ કાળજીપૂર્વક જતન અને રખેવાળી કરવાં પડે છે. સાંજ પૂરી થતાં પહેલાં જ ચંદ્રમાએ આકાશે ચઢી પ્રકાશ ફેલાવી દીધો, એટલે અંધારું થતા પહેલાં જ ચાંદનીથી આખોયે વનપ્રદેશ રૂપેરી બની ગયો ! અમને તો કહેવામાં આવેલું કે ખજિયારમાં ઘણી ટાઢ હશે, પણ ડેલહાઉસી કરતાં વિશેષ ટાઢ ન હતી. મધ્યાહ્ને અને સંધ્યાકાળે જે નૈસર્ગિક ચિત્ર જોયું હતું, તે કરતાં તદ્દન અવનવું ચિત્ર ચાંદરણામાં ખડું થયું. કયું સુંદર તે કોણ નક્કી કરી શકે ? અને તેમ કરવાની જરૂર પણ શી ? રાત્રે મુસાફરો માટેના ડાકબંગલામાં સૂઈ ગયાં. અમારા પાંચ જણની વચમાં બે ખંડ મળ્યા હતા.

સવારે અમારે રાવી નદીને કાંઠે આવેલી ચંબાનગરીમાં જવાનું હતું. તેથી વહેલાં ઊઠી નિત્યકર્મથી પરવારી ગયાં. પરોઢની તાજગીભરી હવામાં તે એકાન્તિકા, સૌંદર્યભરી જગ્યા છોડીને જવાનું કોઈનું દિલ થતું ન હતું, છતાં કમને સૌએ ચંબાને રસ્તે પગ ઉપાડ્યા. જતાં-જતાં ખજિયારને મનમાં અને હૃદયમાં, સદાને માટે મઢીને રહેવા દેવાની, તે સૌંદર્યના સર્જકને મેં તો ખરા અંત:કરણથી વિનંતી કરી.

અને પછી ફરીથી સુન્દર ઘટાદાર સાંકડી પગથીએ થઈને અમે ચાલવા માંડ્યા. વહેલી સવારનો તાજગીભર્યો, ફળફૂલોની ફોરમથી સુવાસભર્યો ધીરો વાયરો વાતો હતો; અને અમારાં ચિત્ત હળવાં અને પ્રફુલ્લિત બનાવતો હતો. ખજિયારથી ચંબાનો રસ્તો નવ માઈલનો છે અને આખો રસ્તો ઉતરાણ છે. કારણ ચંબાનગરી ત્યાંથી બે-અઢી હજાર ફીટ નીચાણમાં છે. છેલ્લા ત્રણેક માઈલ બાકી રહ્યા હશે અને અમે રાવીનાં તથા તેને તટે બાંધેલી ચંબાનગરીનાં દર્શન કર્યાં. વિમાનમાંથી જોતાં હોઈએ તેવું જ દશ્ય નજરે પડ્યું. જરા આગળ વધ્યાં, એટલે રાવીનાં ઘૂઘવાતાં પાણીનો અવાજ કાને પડવા લાગ્યો. પછી છેક નીચાણની ટેકરીઓ આવી, અને ઝાડી અદશ્ય થઈ, અને તાપ પુષ્કળ લાગવા મંડ્યો. બારેમાસ અમદાવાદમાં રહેનારને વળી તાપની શી નવાઈ ? એમ કહી મન અને શરીરને ઘણાં ટોણાં માર્યા, છતાં ગરમીની અસહ્યતા ઓછી થવાને બદલે વધવા લાગી.

પગથિયાં આકારનાં ખેતરોની રાંગે ચાલતાં-ચાલતાં, સૂર્યનાં અસહ્ય બનતા જતા તાપથી અકળામણ અનુભવવા છતાં, નજીક આવતી જતી રાવીનું તથા ચંબાનગરીનું સૌંદર્ય જોતાં-જોતાં આગળ વધતાં ગયાં. અત્યાર સુધી ચંબામાં દેશી રાજ્ય હતું. રાજધાનીનું તે શહેર હતું. ત્યાં મોટું વિશાળ લીલું મેદાન, રાજમહેલ, અજાયબઘર, મંદિરો વગેરે જોવા જેવું છે. રાવીને પાર કરી ત્રણસો ફૂટનો ચઢાવદાર રસ્તો પસાર કરી ગામમાં પ્રવેશ કરી શકાય છે.

ચંબામાં થોડા કલાક ગાળી અમે બનીખેત નામના પહાડી સ્થળે જવા માટે મોટરબસમાં બેસી ગયાં. ત્યાં મારગમાં રાવીએ અમારો સતત સથવારો કર્યો હતો. રાવીનાં પાણી જમનાજીની માફક કૃષ્ણવર્ણાં છે. બે બાજુ ઉભડક પહાડોની વચમાંની સાંકડી ખીણમાંથી ત્યાં રાવી વહી જાય છે. નહિ ઉન્માદ, નહિ ઉછાળા, નહિ તોફાની તરંગો, સંસ્કારી કુટુંબની કોઈ કુલવતી સ્ત્રી માફક, મર્યાદાશીલ ગતિથી તે વહી જાય છે. તેનાં કાળાં વસ્ત્રો પાણીના વેગથી સરી ન પડે, તેની પણ તે જાણે કાળજી રાખીને વહી રહી છે.

રાવીનાં વહેણ જોઈ ઘણા વિચારો મનમાં ઊભરાયાં. પંજાબની પાંચ મોટી વિખ્યાત નદીઓમાંની એક તે આ રાવી. ખેતરોમાં જલ સીંચતી ભારતની આ લોકમાતા છેવટે સિંધુ નદીને મળી જાય છે. પંજાબની પાંચે નદીઓનાં પાણી મેળવીને સિંધુ આટલી મોટી બની છે. તેનો પાંચમા ભાગનો હિસ્સો રાવીને ફાળે જાય છે. પણ રાવીને કોણ મોટી બનાવે છે, તે શી રીતે ભુલાય ? આખે રસ્તે પહાડોમાંથી વહી જતી સેંકડો અનામિકા નદીઓ, નાળાં અને રૂમઝૂમતાં ઝરણાં સ્વેચ્છાપૂર્વક રાવીમાં પોતાનાં જળ ઠાલવી રાવીને મોટી નદી બનાવે છે. પહાડનાં પેટાળમાંથી નીકળી, પથ્થરો તોડીને, રાની પશુઓથી ભરપૂર ગીચ વનરાઈ ભેદીને, ઊંચા-ઊંચા ખડકો ઉપરથી કૂદકા મારીને, કેટકેટલાં, નાનાં-મોટાં ઝરણાં અને નદીઓ રાવી સાથે પોતાનાં પાણી એકાકાર કરી દે છે ! પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની મુદ્દલ પરવા કર્યા વગર તેઓ પોતાનું સર્વસ્વ રાવીને સમર્પણ કરી તેને પંજાબની અને ભારતની પણ એક મહાનદી બનાવે છે. ચંબાથી બનીખેત સુધી આખો રસ્તો, આ ઝરણાંઓના આત્મસમર્પણની જીવંત અને અદ્દભુત રોમાંચક રેલાતી કથા રસપૂર્વક નિહાળવામાં હું તલ્લીન બની ગઈ હતી. બનીખેત આવ્યું અને બસમાંથી ઊતરવું પડ્યું. અર્ધે કલાકે બીજી મોટરબસ આવી. તેમાં ચઢી ગયાં. ત્યાંથી ડેલહાઉસી માત્ર ચાર માઈલ છે.

ગમે તેટલો સુન્દર, આનન્દભર્યો અને અવનવો પ્રવાસ કરીને પણ ઘેર આવીએ, ત્યારે હૈયામાં કેવો આનંદ ફેલાય છે, તેનો સૌને અનુભવ હશે. આખો દિવસ ભાઈબંધો કે બહેનપણીઓ સાથે આનંદભેર રમીને સાંજ પડે બાળક થાકીને ઘેર આવે, અને લાંબા હાથ પ્રસારી ઊભેલી માતાની ગોદમાં બાળક જેવી હૂંફ અનુભવે છે, તેવી જ હૂંફ, પર્યટનેથી પાછા ફરેલા માનવીઓને ‘ઘર’ નથી આપતું શું ? ખજિયાર અને ચંબાથી જ્યારે ડેલહાઉસી પાછાં આવ્યાં, ત્યારે એવો જ હર્ષ થયો, એવી જ હૂંફ લાગી. ધરતીનો છેડો ઘરનો નેડો.