ગુલમહોર – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

સાંજના સાડાસાત થવા આવ્યા, પણ રસેન્દ્ર હજી પોતાની ખુરશી પર જ બેઠેલો હતો….

ચપરાશી પ્રતીક્ષા કરી રહ્યો હતો કે રસેન્દ્ર ચેમ્બરમાંથી બહાર નીકળે કે તરત જ પોતે પણ ઘર ભણી દોટ મૂકે ! એણે બે-ત્રણ વખત રસેન્દ્રની ચેમ્બરમાં નજર પણ કરી જોઈ. દરરોજ ફાઈલોના ખડકલા વચ્ચે કામમાં મશગૂલ રસેન્દ્રના ટેબલ પર એક પણ ફાઈલ દેખાતી નહોતી !….

‘આ “સાહેબ” લોકો તો ફૅશન ખાતર પણ ચેમ્બરમાં બેસી રહે ! એમને શું ? ઘેર જાય તો એમનાં “મેમ સાહેબ” ક્યાંક…. કોઈક કલબ કે પાર્ટીમાં ગયાં હોય….! એટલે ઘેર જવાની ઉતાવળ પણ એમને ક્યાંથી હોય ? અમારી જેમ શાકભાજી કે રેશન લઈને ઘેર પહોંચવાનું હોય તો ખબર પડે !’ ચપરાશીની બીજા ચપરાશી જોડીની વાતચીના શબ્દો રસેન્દ્રના કાને પડ્યા હતા !
અને રસેન્દ્ર તરત જ ચેમ્બર છોડી બહાર આવ્યો હતો…. કશું જ બોલ્યા વગર એ સડસડાટ પગથિયાં ઊતરી ગયો હતો…. સામે દેખાતી સડક તેને ‘ગૃહપથ’ અપનાવવાનું નોતરું આપી રહી હતી….! પણ રસેન્દ્રને આજે ‘ઘેર’ પહોંચવાની લેશ માત્ર ઉતાવળ નહોતી !

ઘેર વહેલા પહોંચવાના પરિણામની તેને કલ્પના હતી !
પોતે ધીમા અવાજે કહેશે : ‘મૈથિલી, આજે વળી પાછો !’
‘અરે જહન્નમમાં જાય… તમારો વળી પાછો ઑર્ડર ! બદલીના સમાચાર સિવાય બીજી કશી વાત કોઈ દહાડો તમે કરી છે મારી સાથે… ? કહી કહીને થાકી ગઈ કે મોટા સાહેબોને ખુશ રાખો, થોડોક ખર્ચ કરો તો, સાહેબોની રહેમ નજર રહે, પણ તમને તો સિદ્ધાંતો અને નીતિનું ભૂત વળગ્યું છે ! જેની વારંવાર બદલીઓ થાય છે, એમની પત્નીઓને પૂછી જુઓ… સતવાદી હરિશ્ચંદ્ર પણ આજના જમાનામાં કોઈક ઑફિસમાં નોકરી કરતો હોત ને તો એ પણ પોતાની પત્ની તારામતીના આગ્રહથી સત્યનું પૂછડું પકડી રાખવાનું છોડીને ‘બોસ’ ની ખુશામત કરતો થઈ જાત…! પણ તમને જીવતાં જ ક્યાં આવડે છે ! જીવવું હોય તો જમાનાની સાથે ચાલતાં શીખવું પડે….સમજ્યા ?’ લગભગ આવી જ દલીલો સાથે મૈથિલી તાડૂકશે…. દામ્પત્યને માથે વાદળો ઘેરાશે, ધ્રૂજાવી નાખે એવા શબ્દોના કડાકા થશે…. આંધી…તોફાન ! માથું ફોડી નાખે એવા કરાની વર્ષા !

મૈથિલીએ અનેક વાર એવું કહ્યું છે કે તમારા જેવા ઑફિસરની પત્ની થઈ એના કરતાં કોઈક ખેડૂત કે વેપારીની પત્ની બની હોત તો સ્થિર જીવન તો મળત ! વણજારા જેવી ભટકતી જિંદગીથી હું કંટાળી ગઈ છું ! નવા ઠેકાણે બદલી થાય, રસેન્દ્રનો માનપાન સાથે સત્કાર થાય, પણ મૈથિલીને લમણે તો લખાવાની ચાર દીવાલોની કેદ !

રસેન્દ્રએ મૈથિલીને વારંવાર એક વાત સમજાવવાની કોશિશ કરી હતી કે એ જરૂરી નથી કે મૈથિલી આખો દિવસ ઘરમાં બેસી રહે ! એણે પોતાના રસ કે રુચિ અનુસારનાં ક્ષેત્રોમાં મન પરોવવું જોઈએ. પણ મૈથિલી ભારપૂર્વક માનતી હતી કે પોતે કાંઈ ઑર્ડિનરી ‘હસબંડ’ ની વાઈફ નથી કે ગમે ત્યાં ફર્યા કરે ! રસેન્દ્રે મિસિસ પાલનો દાખલો આપીને તેને બ્યુટી પાર્લર શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. પણ મૈથિલીએ સાફ જણાવી દીધું હતું, ‘હું સેવા કરવા નહીં સેવા લેવા જન્મી છું, સમજ્યા ? મારા દાદાજીએ એક વાત મને ભારપૂર્વક સમજાવી છે કે માન મેળવવું હોય તો લોકો સાથે વધુ ‘મિક્સ’ થવાનું ટાળો ! અને એટલે જ હું આજ સુધી એક પણ ઠેકાણે મહિલા મંડળની સભ્ય નથી થઈ….પણ મને તમારી દયા આવે છે. તમે આટલા મોટા ઑફિસર થઈને ઉદ્દઘાટનો, ગોષ્ઠીઓ વગેરે પરત્વે કેમ ઉદાસીન રહો છો ? તમે ‘ચિફ ગેસ્ટ’ તરીકે જાઓ તો મને પણ લોકો ઈનામ વિતરણ માટે બોલાવે ને ! પ્રધાનોની આસપાસ સરકારી કામો માટે આંટા મારો છો, પણ એમની પાસેથી પત્નીને ખુશ રાખવાની કળા બિલકુલ શીખ્યા નહીં ! પત્નીને ખુશ રાખવી હોય તો દેશ-પરદેશના કાર્યક્રમોમાં તેને સાથે રાખવી જોઈએ ! પણ તમને તો વળગ્યું છે ગાંધીજીનું ભૂત ! તમે કહો છો ‘બાપુ’ ‘બા’ ને દરેક કાર્યક્રમમાં થોડા જ ‘સ્ટેજ’ પર પાસે બેસાડતા હતા ! સેવા કરવી હોય તો મૂંગે મોઢે થાય !’

અને અંતે રસેન્દ્ર રાતના નવ વાગ્યે ઘેર પહોંચ્યો હતો !
મૈથિલી તેની રાહ જોઈને બેઠી હતી…. નાટકના ‘સાત’ વાગ્યાના શોમાં જવા માટે….! રસેન્દ્રને જોતાવેંત એણે નાટકની ટિકિટોના ટુકડેટુકડા કરી નાખ્યા હતા. એ રાત્રે મૈથિલીએ રસેન્દ્રને જમવાનો પણ ભાવ પૂછ્યો નહોતો.

બીજે દિવસે સવારે બદલીના સમાચાર મૈથિલીને કહ્યા વગર છૂટકો ન હતો ! રસેન્દ્રે ખિસ્સામાંથી જેવો કાગળ કાઢ્યો કે તરત જ મૈથિલીએ કહ્યું….
‘એમ કરો… આ પપ્પુને પાંજરાપોળમાં મૂકી આવો અને મને મારા પિયર ! બૅગ-બિસ્તરા બાંધી-ખોલીને હું તંગ આવી ગઈ છું ! મારાથી તમારી સાથે નહીં રહેવાય. શાન્તિથી જીવવું હોય તો મૂકી દો આ બદલીના ત્રાસવાળી નોકરી ! વેપાર કરો, ધંધો કરો, નાનકડી ફેકટરી નાખો, પણ શહેરશહેરનાં નળનાં પાણી પીવાના આ શાપમાંથી મને બચાવી લો !’

રસેન્દ્રે અત્યંત નમ્રતાપૂર્વક પોતાની મજબૂરી મૈથિલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ મૈથિલી એકની બે થઈ નહોતી. અને અંતે મૈથિલી તથા પપ્પુને એકલાં મૂકીને રસેન્દ્ર બદલીને સ્થળે હાજર થયો હતો…. મૈથિલીને એણે હૈયાધારણ આપી હતી કે થોડાક સમયમાં જ બદલી કરાવીને પોતે પોતાની મૂળ જગ્યાએ પાછો ફરશે. પણ નવા સ્થળે માત્ર ત્રણ જ મહિનામાં રસેન્દ્રની વિરુદ્ધ અરજીઓ થવા માંડી હતી ! એનો અપરાધ માત્ર એટલો કે તે નિયમ અને સિદ્ધાંતથી વર્તતો હતો ! એના હાથ નીચેના માણસો લાંચિયા અને બેઈમાન હતા. બૉસ એમને દાદ દેતો નહોતો. એનું એમને દુ:ખ હતું. એટલે કોઈક ‘સારા’ સાહેબને લાવીને તેઓ ‘જનસેવા’ નો પોતાનો શિરસ્તો ચાલુ રાખવા ઈચ્છતા હતા. અત્યાર સુધી ‘જનસેવા’ અને ઑફિસના ‘પ્રભુની સેવા’ બન્ને એક સાથે તેઓ સાધી શક્યા હતા, પરંતુ રસેન્દ્રે આવીને ‘વાતાવરણ’ બગાડી નાખ્યું હતું ! વર્ષોથી સ્થપાયેલી ‘પરંપરાઓ’ આમ એક અણસમજુ ઑફિસર તોડી નાખે તો ‘ભવિષ્ય’ નું શું ? એ વાત તેઓ રસેન્દ્રના ઉપરી અધિકારીઓને ગળે ઉતારી શક્યા હતા ! અને ઉપરી અધિકારીઓ નહોતા ઈચ્છતા કે ઑફિસનું ‘વાતાવરણ’ બગડે ! પરિણામે રસેન્દ્ર જેવા પ્રમાણિક અને સમર્થ ઑફિસરની સેવાઓની અન્યત્ર અનિવાર્ય જરૂર હોવાના ‘કારણસર’ રસેન્દ્રની વળી પાછી બદલી કરવામાં આવી હતી. અને મૈથિલીને જણાવ્યા વગર જ રસેન્દ્ર વળી પાછો નવી જગ્યાએ હાજર થયો હતો.

નવી ઑફિસમાં એના આગમનથી જાણે કે ‘શોક’ નું વાતાવરન સર્જાયું હતું. રિસેસમાં એના કાને કેટલાક કર્મચારીઓના શબ્દો પડ્યા હતા ! ‘આપણા મોટા ઑફિસરો જ ઈડિયટ છે ! આવી કારમી મોંઘાવારીમાં ‘રસેન્દ્ર’ જેવા માણસને આપણી ઑફિસમાં મૂકીને આપણા પેટ પર પાટુ મારવાની શી જરૂર હતી ?’

અને રસેન્દ્ર ઊંડા નિસાસા સાથે બારી બહાર નજર કરી હતી ! વૈશાખનો આકરો તાપ ! એની પરવા કર્યા સિવાય એ આગમાં ગુલમહોરનું વૃક્ષ પૂર બહારમાં ખીલ્યું હતું ! પણ એના તરફ નજર કરવાની કોઈને ફુરસદ નહોતી ! ગુલમહોરે તો એકલા જ ખીલવું પડે છે ને…. ‘એરકન્ડિશન્ડ’ કે ‘એરકુલર’ ની શીતળતા ના લાલચુઓને ગુલમહોરના ખમીર કે ખુમારીની કિંમત પણ ક્યાંથી હોય ? અને મૈથિલીની નજર પણ એવાં તકલાદી સુખો તરફ જ હતી ને ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમને છોડીને હું કેવી રીતે જાઉં ? – રમણલાલ સોની
ડૉકટરનું માનવહૃદય – જ્ઞાનેન્દ્ર .જ. ભટ્ટ Next »   

7 પ્રતિભાવો : ગુલમહોર – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

 1. Krunal C says:

  ગઝલની પંક્તિ યાદ આવી ગએ :
  ખૂદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

 2. Krunal C says:

  ગઝલની પંક્તિ યાદ આવી ગઇ :
  ખૂદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

 3. Gira says:

  very nice story. it’s soo true that to live with the integrity nowadays is very painful n endure. people are blind behind unnecessary facility n afffluences. they need awarness …need to open their eyes from the fallacies…
  thannks for the story..

 4. નાદાનોસે દોસ્તી
  હાલ બેહાલ

 5. ખરી વાત છે , ગુલમહોરે તો એકલા જ ખીલવું પડે છે. આજના યુગમા સત્ય અને પ્રામાણિકતા સાથે જીવવુ કપરુ છે જરા.

 6. Moxesh Shah says:

  Dr. Chandrakant Mehta, Best as usual, this time also. Very nice story focusing on present situation of the Society.
  “મોટા સાહેબોને ખુશ રાખો, થોડોક ખર્ચ કરો તો, સાહેબોની રહેમ નજર રહે” : This is called “Boss management”, and has become part of today’s corporate world. What a shame for whole society?

 7. ashalata says:

  gulabni ajubajuna kantakone
  GULABni pida ni she khaber——-
  nice one

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.