- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ડૉકટરનું માનવહૃદય – જ્ઞાનેન્દ્ર .જ. ભટ્ટ

સૌરાષ્ટ્રના એક શહેરમાં ધંધો કરતા મારા એક ડૉકટર મિત્રે મને નીચેની વાત જણાવી હતી.

એક દિવસ મને બહારગામ તેડવા એક માણસ આવ્યો. નિયમ પ્રમાણે મેં કહ્યું : ‘બહારગામ જઈને તપાસવાના હું દસ રૂપિયા (તે જમાનાની આ વાત) લઉં છું. પૈસા લાવ્યા છો ?’
આવનારે કહ્યું : ‘લાવ્યો નથી, પણ ઘરે જઈને આપીશ.’
હું જવા તૈયાર થયો. જઈને દરદીને બરાબર તપાસ્યો. ક્ષયની અસર જણાઈ. બાઈને પૂછ્યું : ‘અત્યાર સુધી શું દવા કરતાં હતાં ?’
તેણે કહ્યું : ‘થોડા દી’ ઘરની દવા કરી, પણ રોગ પરખાતો નથી. દિનપ્રતિદિન તેઓ ગળતા જ જાય છે.’
મેં કહ્યું : ‘ગભરાવવાની જરૂર નથી. મોડું થયું જ છે, દર્દ ભયંકર છે, પણ ધીરજ રાખી દવા કરશો તો સારું થઈ જશે. પહેલાં તો તેમણે ખૂબ જ આરામ લેવો જરૂરી છે. ચોખ્ખી હવામાં રહેવાનું રાખશો અને સાથોસાથ દર્દીને પૌષ્ટિક ખોરાક-દૂધ, ઘી, ફળ વગેરે આપવાનું રાખશો. દવા અને ઈંજેક્શનો પણ આપવાં પડશે. આ બધું કરશો તો દર્દી બચી જશે.’

બાઈને મારી વાતથી સંતોષ થયો જણાયો, પણ તેના મોં ઉપરની વિષાદની છાયા હું જોઈ શક્તો હતો. એટલામાં જ બાઈએ મને કહ્યું : ‘ડૉકટર સાહેબ, પાંચ મિનિટ બેસજો. હું આવું છું.’ ઘરના ઓરડામાં જઈ હાથમાં કાંઈક છુપાવતી છુપાવતી એ બહાર જવા નીકળી. હું સમજી ગયો.
મેં બાઈને પૂછ્યું : ‘બહેન ખોટું ન લગાડશો, પણ તમો હાલ ક્યાં અને શા માટે જઈ રહ્યાં છો ?’

તેણે કહ્યું : ‘ડૉકટર સાહેબ, તમારાથી શું છુપાવવાનું હોય ? થોડીઘણી બચત હતી તે દવા પાછળ ખર્ચાઈ ગઈ છે. બે મહિનાથી તેઓ કામ પર જતા નથી. હવે મારી પાસે કાંઈ જ નથી. તમારી ફીના તથા દવાના પૈસા આપવા મારી સોનાની બંગડી ગીરે મૂકી તેના ઉપર પૈસા લેવા જઉં છું. આપ બેસજો, તમને ઝાઝા ખોટી નહીં કરું. દાગીના ઉપર ગમે તે માણસ પૈસા આપશે !’ તેનો અવાજ ધીરો બન્યો. હું અવાક્ થઈ ગયો.
મેં કહ્યું : ‘બહેન, તમારે બહાર જવાની જરૂર નથી. મારી ફી અને દવાના પૈસા હાલ આપવાની ઉતાવળ નથી.’ મેં ખીસ્સામાં હાથ નાખ્યો. મારી પાસે પચીસ રૂપિયા હતા તે મેં બાઈને આપ્યા અને કહ્યું : ‘ઘી-દૂધના ખર્ચ માટે રાખજો. તેઓ સારા થઈ જશે પછી આપણે બધોય હિસાબ કરીશું.’ બાઈ કૃતજ્ઞતાના ભાર હેઠળ કશું જ બોલી ન શકી. હું ચાલી નીકળ્યો.

રસ્તામાં મન વિચારમાળામાં પરોવાયું. પાંચ વર્ષ પહેલાં હું કૉલેજમાં મુંબઈ ભણતો હતો, ત્યારે ટૂંકો પગાર હોવા છતાં પિતાજી દર માસે નિયમિત મને હૉસ્ટેલના ખર્ચના પૈસા મોકલતા અને લખતા : ‘પૈસા માટે મૂંઝાઈશ નહીં. ઈશ્વર બધી ગોઠવણ કરી રાખે છે.’ જ્યારે ફી ભરવાની આવતી ત્યારે પિતાશ્રીના માસિક પગારથીયે રકમ વધી જતી. એક દિવસ રજામાં પિતાશ્રી જોડે વાત નીકળતાં મેં પૂછ્યું : ‘જ્યારે જ્યારે હું પૈસા મંગાવું છું ત્યારે ત્યારે તમે મને નાનીમોટી રકમો કેવી રીતે મોકલી આપતા હતા ?’ પિતાશ્રીએ કચવાતે મને કહ્યું : ‘બેટા, ન પૂછ્યું હોત તો સારું હતું. મારા એક ચોકસી મિત્ર છે. તેમને ત્યાં તારાં બાની સોનાની એક-બે બંગડીઓ મૂકી પૈસા લઈ આવતો અને તને મોકલતો.’

પિતાજીની એ વાત આજે યાદ આવી ગઈ. મનમાં જ હું બોલ્યો : ‘હે ઈશ્વર ! ગરીબોની સેવા કરવાની મને શક્તિ આપજે.’