પહાડ છું, જીરવી લઉં પાષાણતા – જશવંત મહેતા

“પપ્પા…”
“હં….”
“આજે તમારે મારે ઘરે જમવાનું છે !”
“તારા ઘરે ?”
“હાસ્તો, કેમ આ જોતા નથી. ગૅસ સળગાવ્યો છે, ગરમ પાણી મૂક્યું છે, હમણાં ચા પણ થઈ જશે.”

હું નાનકડી ઉન્મેષા સામે જોઈ રહ્યો. રાતના લગભગ દસેક વાગ્યા હતા. આમ તો હું ઘરે પહોંચું ત્યારે મારી નાનકડી નટખટ દીકરી સૂઈ જ ગઈ હોય. પરંતુ આજે એ જાગતી હતી અને એ પણ નાનકડું ‘ઘર’ માંડીને એક ખૂણાને જાગતો કરી બેઠી હતી. બીજા ખૂણે શ્રીમતીજી મોઢું ચડાવીને બેઠાં હતાં. સવારે ઑફિસે જતાં પહેલાં થઈ ગયેલા ઝઘડાની રાખ હજી ઓલવાઈ નહોતી. મારો ગૃહપ્રવેશ થતાં જ એ મોઢું ચડાવી, છણકો કરતી અંદરના બેડરૂમમાં ચાલી ગઈ.

જન્માષ્ટમીના મેળામાંથી અપાવી દીધેલાં રસોઈઘરનાં રમકડાં પાથરીને દીકરી બેઠી હતી.

“હે ભગવાન, આ તમારા લેખકોનું એક દુ:ખ ભારે…. ધૂનકીમાં જ હો. સાંભળતા નથી. આજે તમારે મારા ઘરે જમવાનું છે.”

હું નાનકડી દીકરીની નિર્દોષ રમત પર હસી પડયો.

મેં બેડરૂમમાં નજર કરી. શ્રીમતીજી પલંગના છેડે રસોડાને રમત જોઈ શકાય, એ રીતે અસ્સ્લ આર્યનારીની અદાથી બે ગોઠણ વચ્ચે માથું નાંખી સૂનમૂન બેઠાં હતાં. રસોડામાં નાનકડો ગૅસ સળગતો હતો. દાળ ઊકળતી હતી.

“પપ્પા, આ બાઘાની માફક આંખ ફાડી જોઈ શું રહ્યા છો ? જલ્દી ચા પી લ્યો, પછી ઑફિસ જવાનું મોડું થશે….”

“પણ બેટા અત્યારે તો રાત પડી છે.”

“શું તમેય તે પપ્પા. આપણે તો ખોટું ખોટું ઘર ઘર રમીએ છીએ. હું મમ્મી….. અને તમે પપ્પા હોં.”

અને હું હસી પડયો. મેં બેડરૂમમાં નજર કરી. બે ગોઠણ વચ્ચે માથું ઢાળીને સૂનમૂન મોઢું ચડાવીને બેઠેલાં શ્રીમતીજીથી ‘ઠુસ’ દઈને હસી પડાયું. ઉમાશંકર જોષીની ‘સ્નેહની કડી-એ સર્વથી વડી” બનીને અમારા અબોલા તોડાવી દીધા.

દીકરી વહાલનો દરિયો તો ખરી, કાળજાનો કટકો પણ ખરી અને સમજણનું સરોવર પણ ખરી. બાપના હ્રદયને જેટલું દીકરી ઓળખે – ભીતરના ભંડકિયામાં પ્રવેશીને- આવાં બાલીશ તોફાનો કરી- બાપની વેદના, અબૂઝપણું-એના હર્ષોલ્લાસો – જે સહજતાથી પામી શકે છે, તે ઘણીવાર સપ્તપદીના જિંદગીમાં સાત ફેરા ફરેલી પત્ની કે નવ નવ માસ સુધી ઉદરમાં સાચવતી મા-જનેતા પણ નથી પામી શકતી.

પિતૃદેવો ભવની ઋચા ગણગણતી દીકરી પિતાને ‘દેવ’ નહીં, ‘માણસની આંખે’ જોતી થઈ ગઈ છે. એને આજના પિતા તરીકેનું હું સદ્ભાગ્ય માનું છું. શૈશવની સાત વર્ષની મારી ઢીંગલી આજે જ્યારે ‘પચાસ’ ની ઉંમરે બે દીકરી અને એક દીકરાની ‘મા’ બની ગઈ છે ત્યારે “પપ્પા….તમે તો એવા ને એવા જ રહ્યા” નું બ્રહ્મવાક્ય હજારો માઈલ દૂર અમેરિકાના “શાર્લોટ” ગામની ધરતીમાંથી બેઠી બેઠી ઉચ્ચારે છે, ‘માણસ’ તરીકે નવાજે છે ત્યારે સારું લાગે છે.

વર્ષો પહેલાં આ પ્રસંગ પરથી વાર્તા ‘રમા જુદી થઈ’ લખાઈ ગઈ. લીલા રંગની શાહીથી ‘નવચેતન’ ના તંત્રી ચાંપશીકાકાના “ભાઈ દિવાળી અંક માટે સરસ વાર્તા મોકલી આપજો” ની હંમેશની ટહેલને માન આપી ચાંપશીકાકાને વાર્તા મોકલી. ત્રીજા જ દિવસે એ જ લીલા રંગની શાહી વાળું પોસ્ટકાર્ડ મળ્યું. લખ્યું હતું : ”ભાઈ, તમારી દીકરીએ તો મને રડાવી દીધો. આવી સમજુ દીકરીઓ સૌને હજો.”

મહર્ષિ વ્યાસ અને મહાકવિ વાલ્મીકિને કદાચ દીકરીઓ નહીં હોય…… હોત તો કદાચ મહાભારત કે રામાયણ લખાયાં ન હોત….. વ્યાસ અને વાલ્મીકિની માનવીય સંવેદનાનાં વખ કદાચ આ દીકરીઓ જ ઘોળીને પી ગઈ હોત; પણ ના, વ્યાસ અને વાલ્મીકિ પછીના પેઢીના મહાકવિ કાલિદાસે કણ્વઋષિમાં – એક ઋષિમાં પિતાની માનવીય સંવેદનાને આકાર કરી…. શકુન્તલાની ‘ક્ન્યાવિદાય’ ના પ્રસંગે વિશ્વસાહિત્યમાં પિતૃપ્રેમની પરમ ચેતનાનાં અંતિમ શિખરનાં દર્શન કરાવતા અંતરની લાગણી પ્રગટ કરી.

‘ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે’ના, વંશવેલો વિસ્તારવા પુરુષને જ બાળકરૂપે માંગનારી સંસ્કૃતિના આપને ‘જીવો’ છીએ. દીકરીને સાપનો ભારો ગણતા સમાજના પ્રતિનિધિઓ એવા આપણે દીકરીને ‘પરણાવવા’ નીકળીએ છીએ. ‘કન્યા પ્રદર્શન’ ના ખેલો કરતાં હોઈએ છીએ ત્યારે પ્રદર્શન વિધિ પતી જતાં ધડકતાં દિલે, શુન્ય મસ્તકે, લથડતી ચાલે-પિવાઈ ગયેલી ચાના ખાલી કપની ટ્રેને અંદરના ખંડમાં લઈ જતી દીકરીને એક પળનો પણ વિચારવાનો સમય ન આપતાં સવાલ કરી બેસીએ છીએ : “બેટા છોકરો ગમ્યો ?” અને એ સવાલ કરતાં પણ અંતરમાં તો ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ની જ –દીકરીની સંમતિના જ જવાબની અપેક્ષા રાખતા હોઈએ છીએ, ત્યારે દીકરીઓ મનમાં વિષાદભર્યું હસે છે. પિતાના ચાલાકીપૂર્ણ ભોળપણ પર પણ હસે છે. જિંદગીની કરૂણતાનું અંતિમચરણ પણ નિયતિએ દાદા અને પપ્પાની માટે કેવું ઘડયું છે એની યાદ અમેરિકન કવિયત્રી સ્ટેઈનર રાઈસની પંકિતો એમ કહે છે કે એક ‘જીવતી ધરી’ ને શૈશવથી યૌવન સુધી પાળીપોષીને મોટી કરી, દિલ અને દિમાગનું એક નવું જ સંમિશ્રણ વિશ્વ બનાવવા માટે વર્ષોની મહેનત કરી એ ‘બેટા છોકરો ગમ્યો ?’ ના એક સાધારણ સવાલ માટે ?

દીકરીઓના અંતરમાંથી ઊઠતા આવા સવાલનો જવાબ – બાલિશ વર્તનોનો સવાલ દીકરીઓના બાલિશ પિતાઓ પાસે નથી….. કારણકે હેલન સ્ટેઈનર કહે છે તેમ ‘પિતા ખાસ વ્યકિત છે’ અને વાત્સલ્ય નું દિલ લઈ બેઠેલી દીકરીઓ માટે તો – ‘પિતા એક નાના બાળક અને એક મોટી વ્યકિતનું સંમિશ્રણ છે’. અને એટલે જ આજ સુધી હું પચાસ વર્ષની વયે પહોંચેલી દીકરીનો સાત વર્ષની ઉંમરે “પપ્પા તમે તો એવા ને એવા રહ્યા” નો ઉપાલંભ આજ સુધી સહી રહ્યો છું. કદાચ એટલે જ હું કહી શકું છું કે પિતૃદેવો ભવની જગ્યાએ આજની દીકરીઓ પિતાને ‘દેવ’ નહીં ‘માણસ’ની આંખે પિતાની બધી જ બાલિશતા, બાઘાપણું, અબૂઝપણું પામી જઈને સહન કરીને જોતી રહી છે. અને સાથે સાથે છાને ખૂણે કવિમિત્ર હર્ષદ ચંદારણાના શબ્દોમાં – “આ હવામાં આજ કેવળ ભેજ છે, આંસુઓનો એક દસ્તાવેજ” હ્રદયમાં કોતરીને પણ હર્ષદ ચંદારણાના શબ્દોમાં “એક અજાણ્યું પંખી મારા ફળિયે ગાય છે…” અને “અમે રે લીલા વનની ચકરલડી ઊડી જાશું પરદેશ જો” ની ફરિયાદ રામાયણકાળ થી છે. દીકરી વિહોણા વ્યાસ કે વાલ્મીકિ, નંદબાવા-દેવકીના પુત્રી વિહોણાં માબાપોના જમાનાથી છે. વાલ્મીકિએ નારદજીને પોતાના રામાયણ ‘કાવ્ય’ માટે નાયક કેવો હોવો જોઈએ એવું પૂછયું, ત્યારે મહર્ષિ નારદે જવાબ આપ્યો : એવો ગુણયુકત તો દેવતા પણ હું ક્યાંય જોતો નથી. પરંતુ જે નરચન્દ્રમામાં એ સકલ ગુણો છે તેની કથા સુણો. રામાયણ તે નરચન્દ્રમાની કથા છે. મહાભારતમાં પણ કહેવાયું છે કે પરોપકાર કરવામાં પુણ્ય છે. અન્યને પીડાદાયી કર્મ કરવામાં પાપ છે. આપણી દીકરીઓ લીલા વનની એ ચરકલડીઓ-કાળજાના કટકાઓ, એમના જીવનમાં ‘પહાડ છું લઉં જીરવી પાષાણતા’ જીરવતાં જીરવતાં ‘કેટલાં ઝરણાં સતત ફોડે મને’ – અંતરમાંથી જિંદગીભર પિતા પ્રત્યેના – માતા પ્રત્યેના, – ભાઈભાંડુ પ્રત્યેના,- સમાજ પ્રત્યેના, – કેટકેટલાંયે મીઠાં ઝરણાં વહેતાં કરી રહી છે.

તંત્રીનોંધ (રીડગુજરાતી.કોમ) :

આમ તો ‘દીકરી વ્હાલનો દરિયો’ પુસ્તક ભાગ્યેજ કોઈ ગુજરાતીના ઘરમાં ન હોય….પણ તેમ છતાં, જો કોઈ અજાણ હોય તો તેને આ પુસ્તક વિશેની થોડી માહિતી આપી દઉં. આ પુસ્તક બે ભાગમાં છે. જેમાં પહેલા ભાગનું નામ ‘દીકરી વહાલનો દરિયો’ છે જ્યારે બીજા ભાગનું નામ ‘દીકરી એટલે દીકરી’ છે. ખૂબ જ ટૂંકા સમયમાં આ પુસ્તકની બાર જેટલી આવૃતિઓ પ્રગટ કરાઈ છે. ભાવનાની ચરમસીમા અને આંખોમાંથી ભલભલાંને અશ્રુધારા વહેવડાવી દે એવું….આ પુસ્તક…. વાંચીએ ત્યારે જાણે એમ લાગે છે કે આપણે ભાગવતના ગોપીવિરહની કથા વાંચીએ છીએ. કેટલાંય લોકોને આ પુસ્તક લગ્ન આદિ શુભ પ્રસંગે ભેટ તરીકે આપતા મેં જોયાં છે. પુસ્તકમાં ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખકો, કવિઓ તેમજ લોકકથાકારો ના જીવનમાં તેમની અને તેમની પુત્રી વચ્ચેના ભાવનાત્મક સબંધોની હ્રદયસ્પર્શી રજુઆત કરાઈ છે. આ પુસ્તક માત્ર વાંચવા અને વસાવા જેવું નહિ, પરંતુ વારસામાં આપવા જેવું છે. આ પુસ્તક વિશે આપને કોઈ માહિતી જોઈતી હોય તો મને લખો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુત્રીની મા : સૌથી સુંદરતમ ઘટના – સ્મિતા કાપડિયા
સૌથી ક્રૂર હિંસા – સર્વેશ વોરા Next »   

19 પ્રતિભાવો : પહાડ છું, જીરવી લઉં પાષાણતા – જશવંત મહેતા

 1. bhavna says:

  hello,

  me aa book vachi che. atyare hu london ma sasre chu pen hu mara parents ne bahuj miss karu chu. me book vachi che, tema moraribapu nu ane saahbudin rator nu vachutu tyre hu radva lagi hati.mane aa book khubj game che, have jayre hu india jaish tyre aa book hu kharidi laish.

 2. Gira says:

  This article seemed really interesting to me. very good. I would sure want some more infromation about this book ‘દીકરી વ્હાલનો દરિયો’ .

  thank you for the great article on Father & Daughter relationship.

 3. Rashmitalad says:

  mare aa pustak vsavavu che. can you help me ?Please ?

 4. manvant says:

  “દીકરી વહાલનો દરિયો” પુસ્તક મેં વડોદરાથી
  મંગાવીને વાંચીને વંચાવ્યું છે.વસાવ્યું છે.

 5. krupa says:

  Maara Ek Uncle mane a book mara lagna ma gift aapi hati ane a gift mari badhi j gift ma khub j saras gift hati.Me to aa book ghani var vanchi pan sathe sathe mari colledgues ane mari friendse pan vanchi. aa lekh vanchi ne fari ek var a book vanchava ni ichchha thai aavi.

 6. prarthana jha says:

  me vanchyu che anubhavyu che ane pappa etle pappa ane dikri etle dikri e vat sarthak karta aa lekh thi hu parichit chu,pan atyare pappa thi dur chu to vachi ne aanand thayo…sundar lekh che…j sanatan sambandho ni sugandh ne vina pavan mahekave evi takat dharave che…abhinandannnn,ane vandan

 7. nayan panchal says:

  “દીકરી વહાલનો દરિયો તો ખરી, કાળજાનો કટકો પણ ખરી અને સમજણનું સરોવર પણ ખરી.”

  નયન

 8. અતુલ જાની (આગંતુક) says:

  દીકરી વહાલનો દરિયો તો ખરી, કાળજાનો કટકો પણ ખરી અને સમજણનું સરોવર પણ ખરી. બાપના હ્રદયને જેટલું દીકરી ઓળખે – ભીતરના ભંડકિયામાં પ્રવેશીને- આવાં બાલીશ તોફાનો કરી- બાપની વેદના, અબૂઝપણું-એના હર્ષોલ્લાસો – જે સહજતાથી પામી શકે છે, તે ઘણીવાર સપ્તપદીના જિંદગીમાં સાત ફેરા ફરેલી પત્ની કે નવ નવ માસ સુધી ઉદરમાં સાચવતી મા-જનેતા પણ નથી પામી શકતી.

  પોતાનું જ સ્વરૂપ, પોતાની જ કલ્પના સાકાર થઈને જ્યારે મુર્તિમંત બને છે ત્યારે તે દિકરી થઈને અવતરે છે. અને એટલે જ દિકરી જેટલી બાપને જાણે છે તેટલું ભાગ્યે જ બીજું કોઈ જાણતું હશે.

 9. Khyati says:

  મને આ પુસ્તક ની ખબર છે. પણ મે વાંચ્યું નથી. હુ અત્યારે લંડન માં મારા પેરેન્ટ્સથી દુર છુ. મારી પણ નાનકડી દીકરી છે. please i want all these books, can you help me to find out from where can I Get it, as if some one can parcel from India I would be grateful.Please email me the details, pleaassssssssseeeeeeee……..

 10. Khyati says:

  દીકરી વ્હાલનો દરિયો’
  દીકરી એટલે દીકરી’ i want both these books, if some one can guide me to get it.
  thank you

 11. Raningbhai says:

  kharekhar jivanma varamvar a book vachavu joiye to khabar pade k bap ane dikrino prem shu chhe ane bapna jivanma dikrinu su mahatava se ane dikrina jivanma bapnu su mahatava se hu aje kambhagi su k mare ak dikri nathi jo aje dikri hot to mane vadhare khabar padat

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.