શ્યામા, સોહમ, …સુનામી – નીલમ દોશી

[‘રીડગુજરાતી વાર્તા સ્પર્ધા-2006’ માં ચતુર્થ સ્થાન (પ્રથમ ત્રણ વિજેતા સિવાયની અન્ય દશ કૃતિઓમાં પ્રથમ સ્થાન) મેળવનાર બદલ આ કૃતિ માટે શ્રીમતી નીલમબેહન દોશીને (કોલકતા) ખૂબ ખૂબ અભિનંદન. આપ શ્રી લેખિકાબહેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nilamhdoshi@yahoo.com ]

કુદરતની સામે થવા મથતા માનવીને કુદરત જ્યારે તેનું ત્રીજું નેત્ર ખોલી….ધરતીકંપ, વાવાઝોડું, જવાળામુખી કે સુનામી જેવા સ્વરૂપે પોતાના રૌદ્રરૂપના દર્શન કરાવે છે, ત્યારે માનવી ને પોતાની મર્યાદાનો, વિવશતા નો એહસાસ થાય છે. કુદરતના તાંડવ નૃત્ય આગળ માનવી 21મી સદીમાં પણ વામણો બની જાય છે. કુદરત ની એક લપડાક ક્ષણમાત્ર માં બધું ખેદાન-મેદાન કરી નાખે છે. અલબત્ત સંહારના આવા ભયાનક પ્રસંગોએ માનવતાના મંગલરૂપના દર્શન પણ અચૂક થાય જ છે. માનવીની ઉદાત્ત ભાવના, તેની અંદર રહેલી સદવૃત્તિ પણ ત્યારે જ જાગી ઉઠે છે. કવિ કલાપીની પ્રસિદ્ધ પંકિત – ‘જે પોષતું,તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી’ ની યાદ અનાયાસે આવી જાય છે.

તાજેતરમાં આવેલ સુનામીના તોફાનની જેમ જ વરસો પહેલા પણ એકવાર આ જ રીતે તેનું ત્રીજું નેત્ર ખોલ્યું હતું. સમુદ્રી વાવાઝોડાએ ત્યારે પણ આ જ રીતે કાળો કેર વર્તાવેલ. કિનારાના સેંકડો ગામડાં તણાઇ ગયા હતા. નાના નાના ટાપુઓ પર વસ્તીનું નામોનિશાન નહોતુ રહ્યું. કુદરતનું સર્જનાત્મક સ્વરૂપ જેટલું વિસ્મયજનક અને રોમાંચકારી છે, એટલું જ ભયાનક છે તેનું સંહારક સ્વરૂપ. ‘ધન્ય છે કિરતાર તારી કળા, તેં દીધી ચેતના,તેં દીધી ચેહ.’

ફક્ત સ્થાનિક લોકો જ નહી,દરિયાકિનારે ફરવા ગયેલ સેંકડો સહેલાણીઓ પણ ફસાઇ ગયા હતા. કોઇનું સર્વસ્વ લૂંટાઇ ગયુ હતું, તો કોઇ સદભાગી નવજીવન પામી શકયા હતા. કુદરતે જાણે હાહાકાર કરી મૂકયો હતો. માનવી કુદરત સામે અવળચંડાઇ કરે તો કુદરત માનવીને તેની મર્યાદાઓનું ભાન કોઇ પણ રીતે કરાવ્યે જ રાખે છે.

તે સમયે આવેલ પ્રચંડ સમુદ્રી વાવાઝોડામાં પણ અગણિત કુટુંબો ફસાઇ ગયા હતા ત્યારે દૂર દૂર કિનારા પર લગભગ 10-11 વરસનો લાગતો એક બાળક આ કુદરતી આફતનો ભોગ બની અર્ધબેભાનાવસ્થામાં કણસતો પડયો હતો. સમય તો સાક્ષીભાવે બધું જોતો જોતો વહી રહ્યો હતો. ન જાણે કેટલા સમય પછી કિશોરને ભાન આવતું લાગ્યું. ધીમેધીમે તેની આંખો ખૂલતી ગઇ. પોતે ક્યાં છે, એ કંઇ સમજાયું નહી. તે આંખ બંધ કરી ગયો. જાણે આસપાસ નું કંઇ જોવા ન માગતો હોય તેમ. ફરી આંખ ખોલી, થોડી વાર જાણે આંખમિચોલીની રમત ચાલી. અચાનક કિશોરને ભાન આવ્યું હોય તેમ તે બેઠો થઇ ગયો. મમ્મી..પપ્પા…? દિગંતમાંથી જાણે ચીસ ઉઠી. તેની આકળ-વિકળ નજર ચારે તરફ ફરી વળી પણ કોઇ ન દેખાતા તે મોટે થી રડી ઉઠયો. આ તે ક્યાં આવી ચડયો હતો? તે તો તેના મમ્મી-પપ્પા સાથે દરિયે ફરવા ગયો હતો. પાણીમાં ઊભા ઊભા તેઓ બધા કેવી મસ્તી કરતા હતા ! પોતે નીચો નમીને મમ્મીને પાણી ઉડાડતો હતો …..ઉડાડતો હતો…..

તેની નજર સામે જાણે તે જ દ્રશ્ય રીવાઈન્ડ થઇ રહ્યું. આગળ જાણે કંઇ હતુ જ નહી. પણ…ઓહ….અચાનક તે સમુદ્રના મોજા સાથે કયાંક તણાતો હતો. તેને યાદ આવ્યું….ત્યારે પણ તે આમ જ મમ્મી-પપ્પાની ચીસો કદાચ પાડતો હતો. પણ તેઓ ક્યાં હતા? તેઓ પણ શું પોતાની જેમ તણાઇ ગયા હતા? તેને ડર લાગવા માંડયો. તે રડી પડયો. પણ આંખ માંથી વહેતા આંસુ લૂછવા મમ્મી કયાં હતી? તેની મોટી મોટી આંખો અશ્રુઓથી છલકાતી હતી. તેણે ભયભીત બની રાડો પણ પાડી. પણ કોઇ હોય તો સાંભળે ને? હવે? હવે તે શું કરે? ક્યાં જાય? રડી રડીને તે થાકી ગયો. અંતે બહાદુર બાળકની જેમ હીબકા શમાવી તે ચાલવા માંડયો….એ આશા એ કે કયાંક કોઇ મળી જશે. કયાંકથી ઇશ્વર અદ્રશ્ય મદદ મોકલી દેશે. તેને પોતે વાંચેલીને સાંભળેલી વાર્તાઓ યાદ આવી ગઇ. પોતાને પણ હમણા કોઇ જાદુથી કે કોઇ પરી આવી ને મદદ કરશે જ. એવા કોઇ ચમત્કારની આશા રાખતો, ભૂખ્યો,તરસ્યો તે ધીમે ધીમે ચાલતો હતો. કુદરત આવા સમયે અખૂટ શક્તિ દરેક ને આપી જ દે છે, જે દુ:ખ આપે છે, તે જ એને સહન કરવાની શક્તિ પણ આપે જ છે. બાળકે મનોમન પ્રાર્થના કરવા માંડી. મનમાં એક વિશ્વાસ જાગ્યો અને શૈશવે શ્વસતાએ વિશ્વાસની ભાવનામાં કોઇ સંદેહ નથી હોતો.

હજુ તે થોડું જ ચાલ્યો હતો ત્યાં….અચાનક તેના પગ થંભી ગયા. શું જુએ છે તે? લગભગ તેના જેવડી જ લાગતી એક છોકરી, ત્યાં રસ્તામાં કણસતી પડી હતી. તે પણ કદાચ પોતાની જેમજ તણાઇ આવી હશે. હવે? હવે તેને આમ એકલી મૂકી ને થોડું જવાય? તેનું બાળમાનસ વિચારી રહ્યું. શું કરવું? આ કોણ હશે? તેને કેમ ભાનમાં લાવવી? તેને કૈં સૂઝતુ નહોતું. તે નીચે તેની પાસે બેસી પડયો ને છોકરીને જોરજોરથી હચમચાવી. તેનાથી આપોઆપ ઇશ્વરને પ્રાર્થના થઇ ગઇ અને થોડી વાર માં તો જાણે તેની પ્રાર્થનાનો જવાબ આપતા હોય કે પછી પ્રસન્ન થયા હોય તેમ છોકરીએ આંખો ખોલી. તેની આંખોમાં પણ પોતાની જેમ જ ભય છવાયેલ હતો. પણ તે પોતાની જેમ રડી નહીં. જાણે કંઇક યાદ કરવા મથતી હોય તેમ તેણે ધીમે ધીમે ચારે તરફ જોયા કર્યું. પોતાની પાસે કોઇને જોઇને તેને થોડી હિંમત આવી હોય કે ગમે તેમ પણ તે બેઠી થઇ. તેને ઘણી જગ્યા એ વાગ્યુ હતું , કદાચ ખડકો સાથે અથડાઇ હશે. પણ તે કદાચ બહાદુર હતી. તે છોકરા સામે જોઇ ને હસી. છોકરા એ પણ સામે સ્મિત કર્યું. બસ ..બંને થઇ ગયા મિત્ર.!! આ ઉંમરે મિત્રતા થતાં વાર થોડી લાગે? બંને હવે હતા જાણે એક્બીજા નો સહારો.

વાતચીતમાંથી ખબર પડી કે છોકરીનું નામ શ્યામા હતું તો છોકરાનું સોહમ. છોકરી નામ પ્રમાણે જ શ્યામ હતી પણ તેની મોટી આંખો, તેના ઘાટીલા મોં ની નમણાશ, તેનું મુક્ત હાસ્ય, વિખરાયેલ લાંબા વાળ ….બધું મળીને પરાણે વહાલી લાગે તેવી સુંદર હતી. અને સોહમ પણ નામ પ્રમાણે સોહામણો જ હતો. એક નિર્દોષતા, ચંચળતા, વિશાળ આંખોમાં એક મુગ્ધતા હતી. તેની આંખોમાં કરૂણાને પ્રેમ જાણે છલકાતા હતા. બંને બાળકો થોડી વારમાં તો ગાઢ મિત્રો બની ગયા. અહીં ક્યાં કોઇ ઔપચારિકતા કે દંભ હતો? પ્રેમાળ પારદર્શકતા હતી.

બંને પોતપોતાના કુટુંબ સાથે ફરવા આવેલ. શ્યામાને એક બહેન પણ હતી. જે તેનાથી 2 વરસ નાની હતી. તેનું નામ રમ્યા હતું અને તે ખૂબ જ રૂપાળી હતી. પોતાની જેમ કાળી નહી, એ કહેવાનું પણ શ્યામા ન ચૂકી. સોહમ તો એક જ હતો. માતાપિતા નો લાડકો હતો. પણ હવે? આ બધું તો ઠીક..પણ હવે બંનેના મમ્મી-પપ્પા ને ક્યાં ગોતવા? તેઓ ક્યાં હશે? કયાંક ફસાણા હશે આપણી જેમ જ? પ્રશ્નોતો ઘણા હતાં પણ..જવાબ? આ 10-11 વરસ ની ઉમર…તેઓ નહોતા પૂરા સમજણા કે નહોતા પૂરા નાસમજ. સમજણ કદાચ હજુ પાંગરતી હતી. બંનેએ કેટકેટ્લી વાતો કરી નાખી. બંનેને એક્બીજાની હૂંફ મળતા થોડી હિંમત આવી હતી.પણ હવે? હવે શું કરવું? એ યક્ષપ્રશ્ન તો હજુ બાકી જ હતો ને?

‘સોહમ, મને તો બહું ભૂખ લાગી છે. તને પણ લાગી છે ને ?’
‘હા,લાગી તો છે પણ શું કરવું ?’ સોહમે વાસ્તવિકતા રજૂ કરી. બંનેને ઘણી જગ્યાએ દુ:ખતુ હતું, છોલાયુ હતું પણ બંને જાણે બહાદુર બની ગયા હતા. એક્બીજાના ઘાવ જોઇને બોલતા હતા..’સોહમ, બહુ દુ:ખે છે ?’
‘ના રે, મારા કરતા તો તને વધારે લાગ્યુ છે…’ આમ એક્બીજા ને હિમત આપતા….એક્બીજાનો હાથ પકડી ચાલતા જતા હતા. થોડે દૂર જતા કેટલાક વૃક્ષો દેખાયા.
શ્યામા બોલી, : ‘જો સોહમ, આ ઝાડ ઉપર કંઇક ફળ દેખાય છે. ચાલ ને પાડીએ.’
‘પણ ખવાતા હશે ?’
‘ચાલ ને જે થાય તે. હવે મારાથી તો ચલાતુ યે નથી.’
સોહમે આજુબાજુ માંથી પથ્થરો વીણી બહાદુરી થી ફળ પર મારવા માંડયા. શ્યામા વીણી વીણીને પથ્થર આપતી ગઇ. સદભાગ્યે ઝાડ બહું ઉંચુ નહોતુ. ટપ દઇ ને થોડા પાકા, જામફળ જેવા લાગતા કંઇક અજાણ્યા ફળ નીચે પડ્યા. ઝાડ ને તો પથરો મારો તોયે ફળ જ આપે ને ? બંને એ થોડા ડરતા ડરતા ફળ ખાધા. ‘આમેય ભૂખ ન જુએ ભાખરો ને ઉંઘ ન જુએ સાથરો’ ની જેમ અત્યારે કંઇ પણ ખાવા મળે એ સરસ જ લાગવાનુ હતું ને ! બંને એ ધરાઇ ને ખાધા. થોડું સારુ લાગ્યું. ત્યાં શ્યામાની નજર નીચે રખડતા નાળિયેર પર પડી.
‘સોહમ, આ તો નાળિયેર!!’
‘હા…હા.’ સોહમે હાથમાં ઉપાડતા કહ્યું. થોડું પેટમાં જવાથી જાણે તાકાત આવી ગઇ હતી. ફરીથી નાળિયેર પર પથ્થરમારો શરૂ થયો ને પુરુષાર્થનું સારું પરિણામ તો મળે જ ને ! એ ન્યાયે અંતે અંદરનું કોપરૂ ખાઇ,પાણી પી, બંને તાજા-માજા થયા.

શ્યામા, અંધારું થવા આવ્યું છે અને અહીં તો હજુ કોઇ દેખાતુ નથી. બંને સામે ફરી એક્વાર શું કરવું? પ્રશ્ન આવી ઉભો.
‘હા,ને મને તો હવે બીક પણ લાગે છે.’
‘અરે! એમ કંઇ થોડુ બીવાય ? જો હું જરા યે ડરુ છું ? ચાલ, આપણે સામે આ ઝૂંપડા જેવું કંઇક દેખાય છે ત્યાં જઇ ને સૂઇ જઇએ. કાલે કંઇક મદદ મળી રહેશે.’ આશાવાદી સ્વરે એક તૂટેલા, ફૂટેલા ઝૂંપડા તરફ નિર્દેશ કરી શ્રધ્ધાથી કહ્યું. બંને થોડો આધાર મેળવી. એક્બીજા નો હાથ પકડી ત્યાં જ સૂતા. સૂતા સૂતા શ્યામા ગણગણતી રહી ને સોહમ શાંતિ થી સાંભળી રહ્યો. કદાચ કોઇક ભજન તે ગાઇ રહી હતી. બીકને દૂર કરવા.
તું શ્યામ,મૈં શ્યામા;
તું કાના,મૈં રાધા..
દોનો આધા આધા…….!
કયાંકથી સાંભળેલ ભજન શ્યામા જેવું આવડે તેવું મીઠા અવાજે ગાઇ રહી. બંને બધું ભૂલી ગયા અને નિર્દોષ બાળકો પર પ્રસન્ન થઇ નીંદર રાણીએ બંનેને પોતાના પાલવ માં લઇ લીધા.

સવારે કયારે ઉઠયા તે તો ખબર ન પડી. શ્યામા પહેલા જાગી. તે સૂતેલા સોહમ તરફ પ્રેમથી જોઇ રહી. સોહમ તેને બહુ વહાલો લાગ્યો. તેણે ધીમેથી સોહમને ઉઠાડયો. બંને બાળકો આશાભરી નજરે દૂર દૂર જોતાં જોતાં ફરી ને ચાલવા લાગ્યા. કોઇ દિશાભાન વિના.
સોહમે કહ્યુ, ‘પેલું રાતે ગાતી હતી એ ગા ને’ શ્યામા ફરી એક્વાર ગાવા લાગી. કદાચ બંને ને એક સહારો મળતો હતો એનાથી. તું શ્યામ, મૈં શ્યામા……તું કાન,મૈં રાધા……ના સ્વરો ગૂંજી રહ્યા. આમેય શ્યામાનો અવાજ બહુ મીઠો હતો.

ભૂખ નું શું કરવું – એ તો જાણે હવે બંને ટેવાઇ ગયા હોય તેમ રસ્તામાંથી મળતા નાળિયેર ભાંગવા ને જે ફળ મળે એ ચિંતા કર્યા સિવાય ખાવા. થાકી જવાય એટલે બેસી જવું. બંને પોતપોતાની સ્કૂલ ની, મિત્રોની, ઘરની…વાતો કરતા રહ્યા. જાણે વરસોથી એક્બીજાને ઓળખતા હોય, પાકા દોસ્તો હોય તેમ એક્બીજાનો હાથ પકડી ને ચાલ્યા જતા બંને નિર્દોષ બાળકોને ઝાડવા પણ જોઇ રહ્યા અને જાણે સામેથી ફળ ખેરવતા હોય તેમ તેમને ફળો નીચેથી જ મળવા લાગ્યા. મનની કેટલીયે વાતો બંનેએ એકબીજાને કરી નાખી. થાકી જાય ત્યારે એક્બીજાને આશ્વાસન આપતા બંને એ સમય પસાર કર્યો. કોઇ ફરિયાદ વિના પણ કમનશીબે તે રાત સુધી કોઇ દેખાયુ નહીં. વધુ એક રાત બંને બાળકોએ એક્બીજા નો હાથ પકડી, એક્બીજાની હૂંફમાં કાઢી. ગમે તે ઉંમરે છોકરીમાં એક માતૃસહજ વાત્સલ્ય હોય જ છે. શ્યામા સૂતેલ સોહમના કપાળે સ્નેહથી હાથ ફેરવતી ગઇ. આવડે તેવું કંઇક ગણગણતી રહી અને બંને ને ફરી એકવાર નીંદરરાણી એ પોતાની આગોશમાં લઇ લીધા.

સવારે અચાનક કંઇક કોલાહલથી બંને જાગી ગયા. આસપાસ ઘણાં માણસો જોઇ બંને બેઠા થયા. તોફાન માં ફસાયેલ લોકો ને શોધવા ને જો કોઇ બચી ગયુ હોય તો મદદ કરવા ઘણી સેવાભાવી સંસ્થાઓ તરફથી સ્વયંસેવકો નીકળ્યા હતા અને આ લોકો રામકૃષ્ણમિશન તરફથી હતા. પછીતો બાળકોને સહીસલામત પોતપોતાને ઘેર પહોંચડવાની વ્યવસ્થા પણ થઇ, બંને બાળકો અબૂધ નહોતા. બંને પાસે પોતાનું પાકુ સરનામું, ફોનનંબર બધું જ હતું. તેથી શોધવામાં કોઇ અગવડ ન પડી. બંને અલગ અલગ ગામના હતા. એક્બીજા ને ‘આવજો’ કહી બંને પોતપોતાના મમ્મી-પપ્પાને મળવાની ઝંખનામાં છૂટા પડયા. છૂટા પડતા કદાચ દુ:ખતો થયુ હશે પણ કદાચ પૂરું કંઇ સમજાયુ નહીં. અત્યારેતો જલ્દી બધાંને મળવુ હતું, બધું કહેવું હતું…..

અને……અને વરસોના વહાણા વીતી ગયા. સમય પોતાની સાથે, સારી-નરસી, ખાટી-મીઠી – બધી વાતો બધી યાદગીરીઓ સંકોરી વણથંભી ગતિથી દોડતો રહ્યો. બાળપણની સ્મૃતિઓ શલ્યા થઇને જાણે સૂઇ ગઇ હતી. શ્યામાને સોહમએ પછી ક્યારેય મળ્યા નહીં, અને કદાચ ભૂલી પણ ગયા હશે. બંને પોતપોતાની જિંદગીમાં મશગૂલ હશે.

શ્યામાની નાની બેન રમ્યાના તો લગ્ન પણ થઇ ગયા હતા. શ્યામા ભણીને એક કોલેજમાં પ્રોફેસર હતી. તેના લગ્ન હજુ નહોતા થયા. જે પણ જોવા આવે તે રમ્યાને પસંદ કરી ને જતા. શ્યામા કાળી હતી ને એટલે !! અને જે છોકરા ‘હા’ પાડતા હતા તેના પોતાનામાં કઇ ઠેકાણા નહોતા. કોઇ સારું કમાતી છોકરી જોઇ પૈસાની લાલચે ‘હા’ પાડતા. બાકી બધાને તો જાણે ઐશ્વર્યા જોતી હતી ! શ્યામાની અંદરનું રૂપ જોવાની નજર કોની પાસે હતી ? હીરાની પરખ માટે તો ઝવેરી જ જોઇએ ને ? શ્યામાનો કાળો રંગ આજે તેનો દુશ્મન બની ગયો હતો. શ્યામા પણ વારંવાર થતી પોતાની અવહેલનાથી થોડી કુંઠિત થઇ ગઇ હતી અને એક કોચલામાં પૂરાઇ ગઇ હતી. તે મૌન બની ગઇ હતી. કોલેજથી ઘર ને ઘર થી કોલેજ. તેની દુનિયા સીમિત બની ગઇ હતી. તેને શેમાંયે ઉત્સાહ કે ઉમંગ નહોતા રહ્યા. હવે તેને લગ્ન કરવામાં, કે છોકરાઓ જોવા માં, પોતની જાતનું પ્રદર્શન કરવામાં કોઇ રસ નહોતો. તેના મમ્મી-પપ્પા પણ ચિંતિત હતા, સમજતા હતા અને પોતાને રીતે પ્રયત્ન કરતા હતા. અને એ પ્રયત્નોના પરિણામ રૂપે આજે ફરી એક છોકરો જોવા આવવાનો હતો. શ્યામા એ ખૂબના પાડી પણ અંતે મમ્મી પપ્પા ની ઇચ્છાને માન આપવા તૈયાર થઇ.
‘મમ્મી, આ છેલ્લી વાર. હવે બહું થયુ. વારંવાર મારાથી આ નાટક નહી ભજવાય અને મને હવેએ બધામાં રસ પણ નથી. હું કાળી છું એ મને ખબર છે ને બધાને રૂપાળી ઢીંગલી જ જોઇએ છીએ, એનીયે મને ખબર છે. હું પગભર છું,તમે મારી ચિંતા ન કરો. આ છેલ્લી વાર તમારા માટે હું આ નાટક ફરી એકવાર કરું છું, ઓકે ?’ એકી સાથે શ્યામા બોલી રહી.

સાંજે ફરી એક્વાર પરાણે શ્યામા તૈયાર થઇ. તેણે છોકરા સામે સરખું જોવાની તકલીફ પણ ન લીધી. જવાબ તે જાણતી જ હતી. આટલું ભણેલો, ડોક્ટર છોકરો રૂપાળી ઢીંગલી જ માગવાનો…..તે નીચું જોઇ બેસી રહી. છોકરા એ પણ ખાસ કાંઇ પૂછયુ નહીં. પૂછવાનું કહ્યું તો પણ ના પાડી દીધી કે મારે કાંઇ પૂછવું નથી. કાળો રંગ જોઇ ને શું પૂછે ? બહું ઔપચારિક રીતે..થોડી વારમાં જ બધું પૂરુ થઇ ગયું.

શ્યામાના મમ્મી-પપ્પા પણ નિરાશ થઇ ગયા. હવે જવાબની તો રાહ જ કયાં જોવાની રહી ? છોકરા કાળો રંગ જોઇને કંઇ પૂછવાની તસ્દી સુધ્ધાં ન લીધી અને શ્યામાને તો કોઇ રસ જ નહોતો રહ્યો. ત્યાં તેમના આશ્વર્ય વચ્ચે બીજા જ દિવસે, છોકરાની મમ્મીનો ફોન આવ્યો કે અમને અને અમારા દીકરા ને છોકરી ગમી છે. અમારા તરફથી કોઇ વાંધો નથી. જો શ્યામા ને વાંધો ન હોય તો……….

શ્યામા ને વિશ્વાસ ન આવ્યો. તેણે કહ્યું કે તે એકવાર છોકરાને મળવા માગે છે. તેને થયું છોકરાના મા-બાપ તેના પર કોઇ દબાણ તો નથી કરતા ને ? આખરે સાચી વાત શી છે ? અને નક્કી કરેલ જગ્યાએ, ફરી એકવારતે બંને મળ્યા ત્યારે શ્યામા કંઇ પૂછે એ પહેલા છોકરાએ તેના હાથમાં એક કાગળ મૂકયો. શ્યામા એ આશ્વર્ય સાથે ખોલ્યો. તેમાં ફક્ત ત્રણ જ લાઇન લખી હતી
તું શ્યામ,મૈં શ્યામા;
તું કાન,મૈં રાધા,
દોનો આધા આધા.

શ્યામાના ગળામાંથી કંઇ શબ્દો ન નીકળ્યા. તે તેની સામે જોઇ જ રહી અને તે તો તેની સામે જોઇ ને મંદ મંદ હસતો હતો. આખરે શ્યામા એટલું જ માંડ માંડ બોલી શકી.. ‘સોહમ સોહમ..?’
હા, એ સોહમ જ હતો. બાળમાનસમાં અંકિત થયેલએ છબી પુખ્ત થતા સુધીમાં ભૂસાવાને બદલે વધુ દ્રઢ બની હતી. મોટા થતા તેણે કેટકેટલી તપાસ કરી હતી…શ્યામાની. અને સોહમ તો ફક્ત શ્યામા જેનું નામ હોય એ જ છોકરી જોવા જતો હતો. બે-ત્રણ શ્યામા તેણે જોઇ નાખી હતી અને અહીં શ્યામ એવી શ્યામાને જોતા વેંત જ તેની તપાસ પૂરી થઇ હતી અને તેને કૈં પૂછવાનુ હતું જ નહીં.

શ્યામાતો સોહમની વાતો સાંભળી જ રહી. ના, ના, વાતો ક્યાં હતી એ? નરી કવિતા બોલતો હતો સોહમ..તેનો સોહમ..સોહમતો એકધારું ઘણું બોલ્યે જતો હતો.. ‘શ્યામા…શ્યામા..તું ન મળી હોત તો, તો હું જિંદગી આખી તને શોધ્યા કરત. યાદ છે તને એ બે દિવસ ? બોલ શ્યામા, તારો શું જવાબ છે ?’

શું જવાબ આપે શ્યામા? એ તો શરણાઇના સૂરમાં ખોવાઇ ગઇ હતી. આવી ધન્ય પળ તેના જીવનમાં આવશે એવી તો કલ્પનાયે તેણે કયાં કરી હતી? સુનામીએ તેની જિંદગીમાં સંહારને બદલે સર્જનના સૂર છેડયા હતા.
સાવ ખાલી નથી હોતી સૂકી નદી.
એને ખોદો તો નીકળે સદી ની સદી.

સોહમને શ્યામા બંને વરસો ઠેકી ગયા હતા અને ત્યાં એક નાનો છોકરો ને છોકરી હાથમાં હાથ પકડી ગાઇ રહ્યા હતાં……..તું શ્યામ, મૈં શ્યામા…..

હા. સોહમ તેનો શ્યામ હતો, તેનો કાન હતો, અને હવે બંને આધા નહીં પૂરા હતાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફ્લાવરવાઝ – શ્રેયા સંધવી શાહ
મનનના સવાલો – અમિત પરીખ Next »   

12 પ્રતિભાવો : શ્યામા, સોહમ, …સુનામી – નીલમ દોશી

 1. shivshiva says:

  ખૂબ સુંદર કથાનક છે.
  આંખો સમક્ષ ચિત્રની રજુઆત થતી હોય તેવું સુંદર લેખન છે.
  નાનકી,
  congrates

 2. Pravin Patel says:

  Vaartaa saachi hoyto CHAAR CHAAND laagi jaay. Sundar rite mathari chhe. Abhinandan.

 3. dhara shukla/swadia says:

  simple theme but very good presentation.
  congrtulation neelamben.

  dhara

 4. સુંદર પ્લોટીંગ.
  સરસ વાર્તા. વાહ !!!
  ખૂબ ખૂબ અભિનંદન નીલમ આન્ટી.

 5. સુંદર વાર્તા…. ખૂબ ખૂબ અભિનંદન, નીલમબેન…

 6. Nayana Donga says:

  Kharekhar khub j sundar varta!!!

  jem nilabene kahyu tem vanchti vakhate aek chitra raju thatu hatu.

 7. Hiral Thaker says:

  Realy very nice stories.

  I can not bealive that some people are this much nice. Realy great.

  All the best for new creation.

 8. meeta soni says:

  its like miracle……thanks to story tends to HOPE and POSITIVITY…it shows ur positivity towards life….nilamben….if tsunami gives such good rewards i will welcome it 🙂 …. thanks to share it…

 9. surekha gandhi says:

  ખૂબ સુન્દર્ સ્વપ્નલોકમા સેર કરાવી દીધી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.